Kunjal Chhaya

Inspirational Others

3.2  

Kunjal Chhaya

Inspirational Others

બુલ્ડોઝર

બુલ્ડોઝર

4 mins
14.1K


જન્મની જ્ઞાતિ કે પંથ એને ખબર ક્યાં ? બાળપણ કંઈક ઝાખુંપાખું યાદ હતું. એક મુસ્લિમ મજૂર એને પોતાને ત્રણ-ચાર વર્ષનો હશે ત્યારે સડકને છેડે ખડકેલ કાટમાળનાં ઢગલા પાસેથી રડતો જોઈ પોતાનાં ઘરે લઈ આવ્યા હતા. એવું તે પાલક પિતા બુઝુર્ગ થયા ત્યારે એમનાં મોંએથી બીજાને કહેતાં સાંભળ્યાં હતા.

તે વડિલને જ અબ્બા કહેતાં શીખ્યો. તેની સાથે બીજા સમોવડિયાં બે બાળકો હતાં. તેમને જ તે પોતાના ભાંડેરાં ગણતો થયો. સ્ત્રીનું અસ્તિત્વ એ ઘરમાં દીસતું નહોતું. ખરેખર તો તે આવાસને ઘર કહી શકાય એવું પણ ક્યાં હતું ? ન હતી તે ઝૂંપડી કે ન હતું પાકું મકાન. એતો ઈંટ-માટીનું કાચું રહેઠાણ હતું. છતાંય સોમા માટે તે કોઈ પવિત્ર તિર્થ ધામથી ઓછું નહોતું.

સોમાભાઈ, કદાવર કાયાના માલિક. તાકાત એમના તન અને મન બંનેમાં. તેમના જીવનમાં સંઘર્ષ જાણે કુંડળીમાં કંડારાઈ હોય. કુંડળીની વાત, ને વળી સોમાભાઈ સામે કરાય ? જેમને પોતાના જનમના પૂરાવા ન હોય એને માટે કુંડળી હંમેશા મશ્કરી સમી જ લાગતી. તેમનું માનવું હતું કે ખુદાએ અહિં મોકલ્યા પછી આપણે આપણું નસીબ જાતે જ ઘડતા થઈ જઈએ છીએ. ઈશ્વર નસીબની રેખાઓ માણસનાં હથેળીઓમાં કે કપાળમાં નહીં; એનાં કરમમાં કોતરે છે. એમાં વળી કુંડળી, જ્યોતિષ, દોરા-ધાગા શું જાદુ કરી લેવાના ? હા, દુવા ચોક્કસ કામ લાગતી હોય છે. નહીં તે નાસ્તિક કે નહીં આસ્તિક; ન તો વહેમી કે ન અંધશ્રધ્ધાળુ. તે ન તો નમાઝ અદા કરતો કે કોઈ પૂજા પાઠ.

“ન ચડું હું મંદિરનાં પગથિયાં; ના ઈદગાહનો ઓટલો,

અદા કરૂં છું કરમ હું નીતિથી; નિરાંતે રળું છું રોટલો.”

- કુંજકલરવ

તે કહેતા; “મને આસ્તિક-નાસ્તિકની ગૂંચવણ ભરેલી વાતો પલ્લે ન પડે. મારી નાસ્તિકતામાં પણ આસ્તિક્તા છૂપાયેલી છે એમ સમજો. ઈશ્વરની બંદગી કરવા મારે કોઈ બહાનાની ખપ નથી. હું ઊંચે આસમાને જોઉં અને મારી પ્રર્થના કબૂલ થઈ જશે એની મને ખાતરી છે.” હાથ ઊંચા કરી ખુદા પાસે એ દુવાની અરજ ક્યારે ન કરતો. કંઈક જૂદી જ માટીનો બનેલો હતો આ બંદો. સ્લેટ-પેન લઈને નિશાળે તો ગયો હતો થોડાં વર્ષો; સમયની બલિહારીએ જ તેને જીવતરનાં ઘણાં પાઠ ભણાંવ્યાં હતા, તેથી અક્ષરીયું જ્ઞાન કોઠે પડ્યું નહીં. પછીથી એ તરફ ક્યારે મોંઢું કરીને જોયું નહીં. ભાંડેરાંને ભણાવ્યા. કિશોર વયથી જ ગુજરાન ચલાવા અબ્બા સાથે ખભેથી ખભો મીલાવી કામમાં જોડાયો.

અબ્બાના અવસાન પછી વારસાગત કહી શકાય એમ તેમનું કામ તેનાં ભાગમાં આવ્યું; બુલ્ડોઝર ચલાવાનું. સિમેન્ટની ગગનચુંબી ઈમારતોને ક્ષણવારમાં પોતે ધંવ્સ કરી દેતો. એમાં તેને કંઈક અજુગતો આનંદ આવવા લાગયો. કાટમાળ સાથે તેનો પુરાણો નાતો. અબ્બા કહેતા કે છપ્પનિયામાં જ્યારે ભૂકંપ આવ્યો હતો ત્યારે કોઈ મકાનના કાટમાળને હટાવતાં મને ભાળ્યો હતો અને ઘરે લઈ આવ્યા હતા. તેમનાં બીબી પણ એ જ ઘરતીકંપનો ભોગ બન્યાં હતાં. બે બાળકોની જવાબદારી હોવા છતાં બીજા એક અનાથ બાળકને સહારો આપ્યો એ વિચારે જ સોમાના હ્રદયમાં અબ્બા માટે ખૂબ સમ્માન હતું. અબ્બા પાસેથી જ તે બુલ્ડોઝર ચલાવતાં શીખ્યો. તેમના ગયા પછી બહેનને પરણાવીને પારકી કરી. નાના ભાઈને આગળ ભણવા હોસ્ટેલ મોકલ્યો. પોતે મકાનોના કાટમાળ ખૂંદતો અટૂલું જીવન જીવવા લાગ્યો.

બુલ્ડોઝર ચલાવામાં તેને હવે ફાવટ આવી ગઈ હતી. અતિ નિર્દયતાથી તે લોકોના આશિયાનાને મલબો બનાવી દેતો. મકાન ચણવા પાછળ કેટલી મહેનત લાગી હશે, કેટલાય લોકોના અરમાન એ મકાનો સાથે જોડાયાં હશે એવું વિચારવામાં તે સમય ન બગાડતો. નગરપાલિકામાંથી કે કોઈ કન્સ્ટ્રકશન કંપનીના માલિકનો ઓડર આવે ને એ નીકળી પડે. જરાવારમાં બધું ધૂંળિયું. કદાચ ઈશ્વરને તે આ રીતે કાયમ પડકાર આપતો કે જુઓ, “હુંય તમારી જેમ જ મકાનોને પળવારમાં નષ્ટ કરી શકું છું.” જાણે છપ્પનિયાના ભૂકંપનો વેર વાળતો તે. તેની જૂવાની આમ જ વીતી ચાલી.

***

એક વખત સોમો માંદો પડ્યો. શેરીમાં નજીક રહેતી એક કુંભારણ તેની ખૂબ કાળજી કરતી. નાનપણમાં સાથે ઉછરણીનો નાતો હતો. આસપડોશની બસ્તીમાં રહેતાં સૌ કોઈની હાજરીમાં તેની સાથે “ઘર” માડ્યું. સમયાંતરે તેણે ઘર બાંધ્યું પણ ખરું. નસીબજોગે બે શિક્ષિત અને સદ્ધર થયેલ સંતાનો, સુશીલ પત્ની, નાનો ભાઈ અને તેનું સંપૂર્ણ કુટુંબ, બહેનનું પણ ભર્યું સાસરું એમ આખી લીલીવાડીથી સંપન્ન થઈ ગયો એનો સંસાર. જો કોઈ સરકારી નોકરીમાં હોત તો અત્યારે એને નિવૃત્તિનો સમય ઢૂકડો હોત એ ઉંમરે પણ એ બુલડોઝર હાકલવાનું કામ તો કરતો જ. “અબ્બા હવે તો મનેય નોકરી જડી ગઈ છે. ઘેર બેસી આરામ કરો.” એવા દીકરાના શબ્દો એમને સાંભળવા ગમતા પણ અનુસરવા માટે મન ન માનતું. “નવરું મન અને શરીર એ ભૂતનો વાસ.” એવું બોલી દીકરાને ચૂપ કરાવતા. હકીકતે તો એ બુલડોઝર અને મકાનનાં સંબંધથી ગજબરીતે જોડાયા હોવાથી કામ મૂકી શકે એમ ન હતા. જ્યારે બુલડોઝરની ડ્રાઈવર સીટ ઉપર બિરાજેલા હોય ત્યારે પોતે પ્રચંડ શક્તિનો માલિક હોય એમ વર્તતા. આ તેનો અહમ હતો કે વિશ્વાસ એનો તાગ ક્યારે મેળવી ન શકતા. સોમાભાઈ બસ મકાનને પાડીને જંપતા.

***

જાન્યુઆરી મહિનાનો છેલ્લો શુક્રવાર હતો. નમાજ પડવા ક્યારે જતા નહીં પણ કાયમ બાંગ સાંભળવા વહેલા જાગતા. નિત્યક્રમ આટોપી કામે વળગતા સોમાભાઈને આજે ખબર નહીં કેમ થોડી આળસ થતી હતી. શરીર ખળ મૂકી ગયું હોય એમ લાગતું હતું. શિયાળાની પ્રચંડ ટાઢને લીધે કળતર હશે એમ માની, “આજે ઘરે આરામ કરો.” એવું એમની બેગમે સૂચન આપ્યું. “ના થોડી કસર છે. ઠીક થઈ જશે. થોડો મોડેકથી પણ એક કામ છે. એ પતાવી આવીશ.” એમ કહી ખાટલે લંબાવ્યું. મનમાં જ વિચાર્યું કે, “હું જાઉં કે ન જાઉં શું ફેર પડશે ? પેલી સરકારી પાંચ માળની મંજિલ મારા બુલ્ડોઝર વિના ત્યાં જ રહેશે. આજે જાઉં કે કાલે, હું જમીનદોસ્ત કરી આવીશ.”

સવારે સાત વાગે નીકળી જતા સોમાભાઈ સાડા આઠે ઘરેથી નીકળ્યા. પાછા આવ્યા ત્યારે ન તો એમની સરકારી મંજિલ હયાત હતી કે ન તો એમનું પોતાનું મકાન. એ છવ્વીસમી જાન્યુઆરી, બે હજાર એકનો ગોઝારો દિવસ હતો.

ઘરનાં વેરાન પરસાળમાં એમનાં પરિવારને સુખરૂપ જોઈ એમનાં આંખોથી આંસુ સરી પડ્યાં. મકાનનાં કાટમાળ પાસે ઊંધા પગે બેસી ફસડાઈ પડ્યા, બંને હાથ ઊંચા કરી આસમાનને તાકી બોલી ઊઠ્યા, “મેં ખૈરીયત સે હું; કયામત કે બાદ ભી, યે ખુદાકી રહેમત હૈ.”


Rate this content
Log in

Similar gujarati story from Inspirational