ટચ..
ટચ..
એરપોર્ટ પર કેટલાંક સહકર્મચારીઓ, થોડાં મિત્રો અને પરિવાર સાથે એને મૂકવા ગયેલ કેથી. કીથ સાથે સાડા પાંચ વર્ષનો નાતો. સાથે જ રહીને કારકિર્દી ઘડી; એના મિત્રો, પરિવારને જ પોતીકાં ગણ્યાં. પોતાનું અસ્તિત્વ ખોજતી એ, એના ગયા પછી શું કરશે? આજે એને વિદેશ વળાવીને એકલી થઈ જશે. એવું વિચારતી ટોળામાં પણ એકાંત અનુભવતી ઊભી હતી.
કોલેજકાળની સારી મિત્ર, સહકર્મચારી અને સહશયની બન્યા પછી બીજું કશું સંબંધમાં બાકી ન હતું. બાકી હતું તે એમને નિભાવવુંય ક્યાં હતું?
“નો, આઇ ડોન્ટ બિલીવ ઇન મેરેજ!” લગ્ન વિષયક ચર્ચામાં કાયમ એવું બોલતો કીથ લગ્નગ્રંથીએ જોડાવા સહેજ પણ સહમત ન હતો. આ યુગલને અસુરક્ષિતાનો ભાવ સહેજ પણ નહોતો. કેથીએ પ્રેમાંવેશે આ બાબત સ્વીકારી લીધી. કોઈ કેથીને કીથના આ નિર્ણય અંગે પૂછે તો કેથી વટથી જવાબ આપતીઃ “તો શું થયું લગ્ન નથી કર્યાં? પ્રેમ તો છે ને! પૂરતો છે જીવનભર સાથે રહેવા માટે.”
“હતો સંબંધ સ્પર્શનો ફક્ત;
રહ્યો દિલમાં વહીને રક્ત.”
હ્યુંસ્ટન યુનિવર્સિટિમાંથી બંનેએ સાથે એમ.બી.એ કર્યું હતું. એક જ કંપનીમાં નોકરી મળ્યા પછી વધુ નિકટ આવ્યા. પોતપોતાની રીતે સ્વતંત્ર છતાં મંગળસૂત્ર વિનાની પ્રેમલ ગાંઠે બંધાયાં.
લગભગ સાડાત્રણ વર્ષ એમનો સંબંધ અકબંધ રહ્યો. વીકએન્ડ બંનેમાંથી એકનાં ફ્લેટ ઉપર અને આખું અઠવાડિયું જુદાં. ક્યારેક કોઈ કામ આવી પડે કે પછી બંનેને કોઈ અન્ય ફંકશન; પાર્ટીમાં જવું પડે અથવા પોતના મિત્રવર્તુળમાં જવું હોય તો સાપ્તાહિકે પણ ન મળાય! ન તો ક્યારે કેથીએ શંકા ઉપજાવી કે ન કીથે!
“વી ડોન્ટ નીડ ટૂ સસ્પેક્ટ ઓન અવર રિલેશનશીપ ‘કોઝ વી ગિવ ફ્રીડમ ટૂ ઈચ અધર.” આવી પુખ્ત અને મુક્ત વિચારસરણી સહ સમયનું વહેણ વહેતું. કીથ અને કેથીને યોગ્ય લાગશે ત્યારે તેઓ એકસાથે થઈ જ જશે એવું માની લઈને એમનાં પરિવારે ક્યારેય એમને બીજું કોઈ પાત્ર શોધવા કે લગ્ન કરી લેવા આગ્રહ કર્યો નહીં.
એકાદ અઠવાડિયા પહેલાં કીથને કંપની તરફથી યુ.કે. જવાનો અને વ્યવસાયિક કારભારને વેગ આપવાનો મોકો મળ્યો. સામે આવેલી સુવર્ણ તક કોણ ખોય? કેથીએ પણ સહર્ષ જવાનું કહી દીધું.
થોડા જ દિવસોમાં સમીકરણો બદલાતાં જણાયાં. વધુ વાતચીત કરવાનો કે સાથે વિતાવા સમય જ ન રહ્યો બંનેને. એરપોર્ટ ઉપર સૌ કોઈ કીથને હાથ મિલાવીને કે માથું ચૂમીને વિદાય આપતાં વાતો કરતાં ઊભાં હતાં. કેથી કીથની નજીક જઈ ઊભી રહી. તેને આલિંગન આપ્યું હાથ પકડી ચૂમવા તત્પર થઈ. કીથે તેના હાથની પકડને સમર્થન ન આપ્યું હોય એવો અહેસાસ પહેલીવાર અનુભવ્યો. કેથીએ તોયે હાથ છોડ્યો નહીં; નહી કીથે પક્ડ્યો. એકમેકનાં હાથનાં સ્પર્શે બંને અતિ નિકટ સૌ કોઈની વચ્ચે ઊભાં હતાં. એના વિમાનની ઉડાનનું એલાન થયું.
“આઈ’લ બી ઈન ટચ વીથ યુ.” હાથની પકડ છોડાવી કીથ નીકળી પડ્યો પાછળ જોયા વગર જ. કેથીને ફક્ત એક જ અક્ષર યાદ રહ્યો; ટચ.
“લાગે નકામી; દુનિયા સારી;
એક જ તારી હયાતી વિના!”
