બાળમજૂરી
બાળમજૂરી
સોળ વર્ષની દીકરી શ્રધ્ધા, એક મેચીંગ સેન્ટરમાં કામે જાય છે. નોકરી કરે છે એવું કહેવાનું મન નથી થતું, કારણકે એ પરિસ્થિતિનો શિકાર કહો કે સમાજની વ્યવસ્થા ? આપણે છ થી ચૌદ વર્ષની વયના બાળકોને જ બાળમજૂર ગણીએ છીએ ? શ્રધ્ધા જયારે દસ વર્ષની હતી, ત્યારે જ મેં તેણીને જોયેલી. તેમની મમ્મી મારા ઘરે કામે આવતી. શ્રધ્ધા તેમની મમ્મી સાથે સાથે દરેક ઘરે ફરતી અને શાળાનો સમય થાય એટલે શાળાએ જતી. ઘરે રાખવી એ ખૂબ કપરું કામ હતું કારણ કે પિતાને દારૂની લત હતી.
ઘરની કમાણી તો તેની માતાના ઘર ઘરનાં કામમાં જ મળતી હતી. એ કમાણીમાંથી રોજેરોજ મારકૂટ કરીને બાપ દારૂના પૈસા લઇ લેતો. આ મારકૂટનો શિકાર મા-દીકરી બંને બની જતાં હતા. જો પૈસા નથી એવું કહે અને ઘરમાં ચૂલો સળગે તો રાંધેલા રોટલા ક્યાંથી આવ્યા એનો જવાબ આપવો પડે. ક્યારેક ક્યારેક પીધેલી હાલતમાં ઘરને માથે લે અને મા- દીકરીએ ગળે કોળિયોય ન ઉતરે અને ભૂખ્યાં સુવે. અડધી રાત્રે પીને આવે તો ઊંઘ પણ બગાડે. શ્રધ્ધા માટે બાપ એટલે રાક્ષસ ! તેની મમ્મી મારા ઘરે કામે આવે અને સાથે શ્રધ્ધા દફતર લઈને આવે.
એક ખૂણો પકડીને લેશન કરવા બેસી જતી. તેની મમ્મી ક્યારેય તેને કામમાં મદદ કરવા ના કહે. કદાચ મારી સતત પૂછ પૂછ કરવાની આદત હોવાથી મારા ઘરે કામ નહિ કરાવતી હોય એવો અંદાજ આવતો હતો. આપણા શિક્ષક જાતના લક્ષણોનો બરાબર તાગ મેળવી લીધો હોય. નાના માણસો તરત સમજી જતા હોય કે અમારી મજબૂરીને આ લોકો મજબૂરી નહિ સમજે એટલે આપણી ડહાપણભરી વાતો તેના રોટલા આડે ન આવે એટલે આપણને વિવેકપૂર્ણ ગણકારે જ નહિ. સરકારી સ્કૂલમાં મળતી બધી સવલતો કપડાં (યુનિફોર્મ ), એક ટકનું જમવાનું (મધ્યાહ્ન ભોજન), પાંચ કલાક સલામતીનું સ્થ
ળ (શાળાનું મકાન ..જે ખરેખર બાળકનું બીજું ઘર ગણાય છે.) કદાચ તેનું વળગણ હતું કે ખરેખર ભણવાની તીવ્ર ઝંખના મારા માટે પ્રશ્ન રહેતો.
શ્રધ્ધાનો નાનો ભાઈ મામાના ઘરે રહી ભણતો હતો. જો બે બાળકો સાથે હોય તો ખર્ચ ઉઠાવવો અઘરો પડે અને નાના બાળક પર બાપની આદતની ખરાબ અસર ન પડે એવા આશયથી મામાને ઘેર રાખ્યો હતો. દસ બાર મહિના સુધીનો મારો પરિચય પછી મેં મકાન બદલ્યું એટલે સંપર્ક છૂટી ગયો. પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યું પછી મા- દીકરી અમારી શાળાની બાજુની હાઇસ્કૂલમાં એડમિશન માટે મને સ્કૂલે મળવા આવેલા હતા. ત્યારે શ્રધ્ધાની માએ દુઃખી થઈને જણાવ્યું કે હવે શ્રધ્ધાના પપ્પા નથી રહ્યા. ખરેખર શું તે દુઃખી હતી ? બે વર્ષ પહેલા કદાચ આવું નૂર મા- દીકરીના ચેહરા પર ચમકતું ન હતું જોયું ? મેં એડમીશન કરાવ્યું પછી મને બે વર્ષે અચાનક શ્રધ્ધા મેચીંગ સેન્ટરમાં મળી.
દસમાં ધોરણની પરિક્ષામા નાપાસ થતાં અભ્યાસ છોડી દીધો અને હવે તો કામ કરે એટલે બાળમજૂર પણ ના કહેવાય. પિતાની દારૂની આદતે ઘરની પરિસ્થિતિ ડામાડોળ કરી મૂકી હતી અને પોતાના જીવનને પણ અધકચરું જીવીને પૂરું કરી નાખ્યું હતું. હવે પરિવારમાં રહેલા ત્રણેય સભ્યોને જીવન જીવવા માટે ગરીબી ઉપરાંત શાંતિનું સુખ હતું, સાથે રહેવાનું સુખ હતું, મજાની ઊંઘ કરવાનું સુખ હતું. જે મળે તે પ્રેમે આરોગવાનું સુખ હતું. પરંતુ કદાચ જે વાતનું મને દુઃખ હતું તે તેને ન હતું. શું તેને બચપણ ફરી જીવવા મળશે ? શું તેને ભણવા માટે પણ શાળાએ જવાય એની ખબર પડશે ? શું તેને મજૂરી અને નોકરીનો ફર્ક સમજ આવશે ? શું તેને કેવો જીવનસાથી પસંદ કરવો તેની સમજ આવશે ? કે પછી ગરીબીની લાચારીમાં બાપ જેવો જ પતિ મળશે તો શું ?