અતિ લોભ તે પાપનું મૂળ
અતિ લોભ તે પાપનું મૂળ
પ્રસ્તાવના : હિન્દુ ધર્મના બે મહા કાવ્યો છે. ૧) રામાયણ અને ૨) મહાભારત
મહાભારત આવે એટલે ભગવાન શ્રીકૃષ્ણ યાદ આવે અને શ્રીકૃષ્ણ યાદ આવે એટલે શ્રીગીતાજી યાદ આવે. ગીતાજી યાદ આવે એટલે આખા જીવનનો સાર, કર્મ અને તેના
સારા માઠા પરિણામ જાણવા મળે. જ્ઞાનમાં વૃદ્ધિ થાય.
ભગવાને અર્જુનને ભગવત ગીતાનું રસપાન કરાવ્યું. જેમાં ત્રીજા અધ્યાયમાં ૪૩ શ્લોકો છે તેમાં સત્કર્મો અને પોતાની ફરજો વિશે સમજાવ્યું છે. ભગવાન અર્જુનને પરિણામની કે ફળની આશા રાખ્યા વગર સત્કર્મ કરતાં રહેવાનું કહ્યું છે.
ભગવાને કહ્યું છે કે મનુષ્ય ધારે તો પણ કર્મો છોડી શકતો નથી. માટે સતત સત્કર્મો કરી ઉન્નતિ મેળવવી. મનુષ્યના કર્મો પરમાર્થી હોવા જોઈએ. બીજાનું કલ્યાણ કરવા સતત પ્રયત્ન અને નિરપેક્ષ ભાવથી કર્મો કરવા જોઈએ તે પણ કોઈ ફળની આશા રાખ્યા વગર.
માવજીભાઈ કાનજીભાઈ ઢોલિયાનો એક નો એક પુત્ર જેઠા જ્યારે અનીતિ માર્ગે પૈસા કમાવવાની લ્હાયમાં સત્કર્મો અને ફરજો ભૂલી જાય છે ત્યારે તેને તેના કર્મોનું શું ફળ મળે છે ? અતિ લોભ કરે છે જેનું પરિણામ શું આવે છે ? શું મેળવે છે અને શું ગુમાવે છે ? કેવો અનુભવ થયો ? તે આ વાર્તા વાંચ્યા પછી સમજાશે.
. . **********
ભગવાનની પ્રતિમા આગળ અનરાધાર આંસુ વહેવડાવી જેઠા ભગવાનને સાચા દિલથી પ્રાર્થના કરતો હતો.
બંને આંખ મીચી શાંત હૃદયે ભગવાન સાથે વાર્તાલાપ કરતો હતો. જેઠાની પત્ની અનારે બે વાર પતિ જેઠાને જાગૃત કરવાની કોશિશ કરી પણ જેઠા તલ્લીન થઈ ગયો હતો.
બળજબરીથી જગાડું તો બગડશે તેના કરતાં ચૂપચાપ બેસી રહેવાનું અનારે મુનાસીબ સમજ્યું. જેઠા ભગવાન જોડે વાર્તાલાપમાં તલ્લીન થઈ ગયો હતો. એણે ભગવાન સમક્ષ આખી આપવીતી વર્ણવાનું શરૂ કર્યું.
માવજીભાઈનો ગામડે નાનકડો કપડાં સિવવાનો ધંધો હતો. માંડ માંડ ઘર ચાલતું. બે છોકરા મોટો જેઠો એટલે જેઠાલાલ અને બીજો ધૂપલો એટલે ધ્રુપદ જેઠો શહેરમાં આવી ભણતો હતો. સારા માર્કથી ગ્રેજ્યુએટ થયો. નોકરી શોધતો હતો પણ કોઈ જગ્યાએ મેળ પડતો નહોતો. પગારમાં મેળ ખાય નહિ તો એના લાયકનું કામ નહિ હોય અથવા સમય વધારે માગે તે હિસાબે પગાર ઓછો બતાવે. કોઈક ને કોઈક કારણે નોકરીમાં મેળ પડતો નહોતો.
ધંધાનો વિચાર મગજમાં ભમતો હતો પણ તેમાં પણ મૂડી જોઈએ જે જેઠા પાસે નહોતી. સિવાય આજની હરીફાઈમાં ધંધાની આવડત અને અનુભવ પણ જોઈતો હતો જે જેઠા પાસે નહોતો. ચંપલના તળિયા ઘસાઈ ગયા છતાં કોઈ જગ્યાએ મેળ પડ્યો નહિ. પાછા ગામ જવાનું નક્કી કર્યું. ગામ બાપાના ધંધા પર જ બેસી જઈએ એમ એણે વિચાર્યું. કપડાં સિવવાનું બાપા શીખવ દેશે એમ વિચારી ગામ પાછા જવાનો વિચાર કર્યો.
એક દવાના થોકબંધ વિક્રેતાને ત્યાં માલની ડિલિવરી કરવાનું કામ જેમતેમ મળ્યું. . પગાર ઓછો હતો ના છૂટકે એણે નોકરી સ્વીકારી લીધી. નોકરીમાં એનું મન લાગતું નહોતું. જેઠાને મોટો માણસ બનવું હતું જે નોકરીમાં રહીને શક્ય નહોતું. પાંચ વર્ષ એણે ત્યાં નોકરી કરી. નોકરી દરમ્યાન એણે દવાનો કોર્સ એટલે ફાર્માસિસ્ટ કોર્ષ પણ કર્યો જેથી ભવિષ્યમાં એ દવાની દુકાન ચલાવી શકે. ફાર્માનો બે વર્ષનો કોર્સ પણ પૂરો કર્યો. નોકરી દરમ્યાન ઓવર ટાઈમના પૈસા બચાવતો હતો. અને પગારમાંથી પણ પૈસા બચાવતો હતો. પાંચ વર્ષની થોડીક બચત એણે કરી હતી.
એનાં મનમાં દવાની દુકાન શરૂ કરવાનો વિચાર વહેતો થયો અને એ દિશામાં એણે હિલચાલ શરૂ કરી. બેંકમાંથી લોન પણ લીધી હતી. એક જગ્યાએ નાનકડી દુકાન ભાડે રાખી દવાની દુકાન શરૂ કરી. ફાર્માસિસ્ટનું પરવાનો પણ મેળવી લીધો હતો. ધંધો શરૂ કર્યો પણ દવાના વેપારમાં પણ તીવ્ર હરીફાઈ હતી.
ઘણાખરા દવાવાળાઓ ઈન્જેકશન, મોંઘી અને દુર્લભ દવાઓનો કાળો બજાર કરી પૈસા કમાવતા હતા. જેઠાનું પણ મન લલચાયું. એવામાં દેશમાં કોરોના નામનો મહામારીનો પગપેસારો શરૂ થયો. પહેલી લહેરમાં બહુ ખાસ એટલું કમાવી શક્ય નહોતા. ધરાઈ જાય એટલું કમાવી શક્ય નહોતા જેનો રંજ તેમના મનમાં ઘર કરી ગયો હતો.
દેશમાં બીજી લહેર ફેલાઈ ગઈ હતી અને પહેલી લહેર કરતા વધુ તીવ્ર અને આક્રમક હતી. તેની ફેલાવાની ઝડપ પહેલી કરતા વધુ હતી.
આ બીજી લહેરનો પૂરેપૂરો ફાયદો ઉઠાવવાનું લગભગ ઘણાખરા દવાના વિક્રેતાઓએ વિચાર્યું હતું અને એમાં જેઠો પણ લલચાયો. એણે પૈસા કમાવવા મોકો જ જોઈતો હતો. વહેતી ગંગામાં હાથ ધોઈ નાખીએ એમ વિચારી એ ટોળકીમાં શામેલ થઈ ગયો.
આ મહામારીમાં ઉપયોગમાં આવતી દવા ઈન્જેકશન જેવા કે રેમીડીસિવિર, ઓક્સિજનના બાટલા, વેન્ટિલેટર અને બીજી મોંઘીદાટ દવાઓનો કાળો બજાર છડેચોક થવા માંડ્યો. આ કાળા બજારીઓના ટોળામાં જેઠો પણ શામેલ થયો અને ધૂમ પૈસા કમાવવા લાગ્યો. એક ઈન્જેકશન જેની મૂળ કિંમત ૧૫૦૦ હતી તે ઈન્જેકશન ૧૮ થી ૨૦૦૦૦ માં વેચતો હતો. ઓક્સિજનના બાટલા કે જેની કિંમત ૮૦૦ હતી તે ૮૦૦૦ થી ૧૦૦૦૦ માં વેચતો હતો.
ગરીબ અને મધ્યમ વર્ગ લૂંટાતો હતો પણ જેઠો પૈસા કમાવવા પાછળ અંધ બન્યો હતો. ગરીબ અને નિમ્ન વર્ગના લોકો માંડ માંડ કર્જ કરીને જેઠા પાસેથી ઈન્જેકશન અને ઓક્સિજનના બાટલા મુહ માંગ્યા કિંમતે લઈ જતા.
સેવાભાવી લોકો,સંસ્થાઓએ જેઠાને સમજાવ્યા હતા કે આ લૂંટ તું બંધ કર. ભલે તું વધારે પૈસા લે પણ નાના માણસોને નહિ લૂટ. શ્રીમંતો પાસેથી લે તો કઈ નહિ તેમને કઈજ ફરક પડતો નથી. તું એમને લૂંટે છે એ બીજાને લૂંટીને કમાવી લેશે પણ નાનો માણસ જાય ક્યાં ? તું એમનો વિચાર કર પણ જેઠો તો પૈસા કમાવવા અંધ બન્યો હતો એટલે એને દૂરના પરિણામ ક્યાંથી દેખાય ? લખલૂટ કમાઈ લીધા પછી એને સંતોષનો ઓડકાર લીધો.
એવામાં એના પિતા માવજીભાઈ અને માતા સંતોકબહેન અને નાનો ભાઈ ધૂપો શહેર આવી જેઠાની ત્યાં રહેવા આવ્યા હતા.
કોરોનાને લીધે ઘરમાં ગોંધાઈ રહેલા માવજીભાઈ કંટાળી ગયા હતા. બહાર જવાની જીદ કરતા પણ જેઠો અને સંતોકબહેન સમજાવી મનાવી લેતાં. માવજીભાઈ ચૂપ બેસી રહે એવા નહોતા. બહાર જવા માટે એમના મનમાં કીડો સળવતો હતો. ચોરી છુપી એ બહાર આંટો મારી આવતા અથવા કોઈ વાર કઈ વસ્તુ લાવવાના બહાને ફરી આવતાં.
પુત્ર જેઠાની ધંધામાં કામયાબી જોઈ હરખાતા. પણ એમને ક્યાં ખબર હતી કે પુત્રે કાળો બજાર કરી પૈસો કમાવ્યો હતો. એમને મન એમજ હતું કે જેઠાએ મહેનત કરી ધંધામાં કામયાબી મેળવી હતી.
થોડાક દિવસો પછી એમને કોઈ વેપારી મારફત ખબર પડી કે જેઠાએ ગરીબ અને નિમ્ન મધ્યમ વર્ગ, મજુરિયાઓને દવા,ઈન્જેકશન,ઓક્સિજનના બાટલા, વેન્ટિલેટર વગેરે લૂંટીને પૈસા કમાવ્યા હતા. એ જાણી એમના દિલને પારાવાર દુઃખ થયું હતું.
ગામડામાં એ ગરીબ પાસેથી સિલાઈના ઓછા પૈસા લેતા. અથવા બહુજ ગરીબ હોય તો મફત પણ સીવી આપે. ઉધાર પણ સીવી આપે. સત્યના અને વફાદારી ના માર્ગે ચાલવાવાળા હતા. અને પુત્ર જેઠા ને પણ એવા જ સંસ્કાર આપ્યા હતા. થોડાક માં સંતોષ માનવો. એમને પુત્ર જેઠાને કહ્યું હતું કે " વક્ત કે પહલે કિસ્મત સે જ્યાદા ન કિસીકો મિલા હૈ ન કિસી કો મિલેગા"
સત્યના માર્ગે,ઈમાનદારીનું પોટલું માથે મૂકીને ચાલીશ તો માર્ગમાં અડચણો આવશે પણ એ અડચણો ઉપરવાળો જ દૂર કરશે. તારે નિરંતર ચાલ્યા જ કરવાનું છે. સત્ય અને ઈમાનદારી નું ફળ હમેશા મીઠું જે રહેવાનું છે અને આ રીતે જીવન જીવવામાં જ ખરું સુખ સમાયેલું છે. પુત્ર જેઠાને સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ વ્યર્થ.
જેઠાની પત્ની અનારે પણ સમજાવ્યા હતાં. ગરીબોની હાય નહિ લેવાય. તમને એ હાય કોઈ દિન નડશે. ગરીબોની દુઆ લો હાય નહિ.
હું મારા પરિવાર માટેજ કમાવું છું એમ કહી પત્નીની વાતને ટાળી દેતો.
પણ જેઠાની આંખે પટ્ટી બંધાઈ ગઈ હતી. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ તેમ એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હતી.
. . ******************
ઓકસીજન, વેન્ટિલેટર, ઈન્જેકશનના કૃત્રિમ અછતને કારણે દિવસે દિવસ મરણાંક વધતો હતો. કેટલાય મધ્યમ વર્ગના લોકોએ સ્વજનોની જાન બચાવવા ઘર,જમીન વેચી દીધી હતી. કેટલાય લોકો ઘર વિહોણા થઈ ગયા હતા. તો કેટલાય પરિવારોની બચત પૂરી થઈ ગઈ હતી. કેટલાય પરિવારોએ નોકરી ગુમાવી હતી છતાંય કાળો બઝાર ડામવા સરકાર અને તંત્ર નિષ્ફળ નિવડયું હતું. તેની કોઈજ અસર જેઠા પર થઈ નહોતી. એ તો દવાઓનો કાળો બજાર કરી પૈસા કમાવામાં મશગુલ થઈ ગયો હતો.
એક દિન એના પિતા માવજીભાઈને ખાંસી ઉપડી. ઘરગથ્થુ ઈલાજ કર્યા પણ મચક આપી નહોતી. સરકારી આરોગ્ય કેન્દ્ર પર કોરોના એન્ટી નજન ટેસ્ટ કરાવ્યો. રિપોર્ટમાં પોઝિટિવ આવ્યો. અઠવાડિયાની દવા આપી ૧૪ દિવસ માટે હોમ કવોરંટાઈન કરી દીધાં તેના પગલે બધાને જ ઘરમાં ગોંધાઈ રેહવું પડ્યું. ફક્ત જેઠાને બહાર જવાની પરવાનગી હતી તે પણ દવાનો ધંધો જે અત્યાવશ્યક સેવાનો હતો એટલે બહાર જવા મળતું.
પિતા માવજીભાઈની તબિયત થોડી લથડી હતી. ઓકસીજન લેવલ જોઈએ તે કરતાં બહુજ નીચું આવી ગયું હતું. શ્વાસ લેવામાં તકલીફ થતી હતી. પલ્સ રેટ પણ ઓછું થઈ ગયું હતું. તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં.
હોસ્પટલમાં ઓકસીજન ઉપલબ્ધ ન હોવાથી ડોક્ટરોએ બહારથી વ્યવસ્થા કરી ઓકસીજન મેળવવાનું કહ્યું. જેઠો પોતે ઓકસીજન અને વેન્ટિલેટરનો વેપાર કરતો હોવા છતાંય એની પાસે એનો સ્ટોક નહોતો. જેમની પાસે સ્ટોક હતો તે વધુ પૈસા માગતા હતાં. જેઠાએ પિતાને બચાવવા વધુ નાણાં આપી ઓક્સિજનની વ્યવસ્થા કરી હતી.
ઓકસીજનની પણ કોઈ અસર ન દેખાતા વેન્ટિલેટર પર રાખવાનું ડોક્ટરોએ કહ્યું.
હોસ્પિટલમાં વેન્ટિલેટર ખતમ થઈ ગયા હતા. જેઠાને તે પણ કાળા બજારથી લાવવા પડ્યા તે પણ જેઠા બીજા લોકોને જેટલા રૂપિયામાં વેચતો હતો તે કરતા ત્રણ ગણા રૂપિયા આપીને વેન્ટિલેટર લાવવું પડ્યું. રેમિડીસિવિર પણ વધારે પૈસા આપીને લાવવા પડ્યા.
દાખલ થયાને ૧૮ દિવસ થઈ ગયા હતા. પરિસ્થિતિ સુધારા પર હતી. સંકટના વાદળો વિખેરાઈ ગયા હતા. વીસ મે દિવસે હોસ્પિટલમાંથી રજા મળી ગઈ હતી. ઘરે આવ્યાને બે દિવસ થયા હતા.
. . *******************
કહું છું ,સાંભળો છો ! આ પંખો ધીમો કરો. . '' માવજીભાઈએ જરા ઊંચા અવાજે પત્ની સંતોકબહેનને કહ્યું. બાજુમાં જ ખુરશી પર બેઠેલા સંતોકબહેન કોઈ ધાર્મિક મેગેઝિન વાંચવામાં મશગુલ હતા. પતિના આવાજથી ઝબકી ગયા.
આશ્ચર્યથી બોલી ઉઠ્યા, ''કેમ આમ જોરથી બોલો છો ? હું અહીંયા જ છું ને ? તમને ઠંડી લાગે છે ?'' એમણે પંખો ધીમો કરતા પૂછ્યું.
પતિને ચાદર ઓઢાડી કપાળે હાથ મૂકી તપાસી જોયું કે તાવ તો નથી ને ?
" સાંભળો ,તમારું શરીર તો ધગે છે. તાવ માપ્યો. ૧૦૪ ડિગ્રી તાવ. !
સંતોકબહેન ગભરાયા. પુત્ર જેઠો ઘરે નહોતો. વહુ અનાર કશે બજારમાં જરૂરી વસ્તુઓ લેવા ગઈ હતી. આવતા મોડું થશે એમ કહીને ગઈ હતી. વહુ અનાર મોબાઈલ લઈ જવાનું ભૂલી ગઈ હતી.
સંતોકબહેને કાઢો બનાવી પતિને પીવડાવ્યો અને ચાદર ઓઢાડી સૂઈ જવા કહ્યું.
કલાકમાં માવજીભાઈ પરસેવાથી રેબઝેબ થઈ ગયા. નેપકિનથી પરસેવો લૂછ્યો. તાવ ઉતરી ગયો હતો. ઓક્સિમીટરથી ઓક્સિજન લેવલ તપાસ્યું. લેવલ ૯૦ની નીચે હતું. સંતોકબહેન ગભરાયા એટલી વારમાં વહુ અનાર પણ આવી ગઈ. જેઠાને ફોન કરી ફરીથી તાત્કાલિક હોસ્પિટલ દાખલ કર્યાં. સરકારી હોસ્પિટલમાં ઓક્સિજન , રેમીડીસિવિર, વેન્ટિલેટર ઉપલબ્ધ નહોતું.
કાળા બજારથી દસ ગણા ભાવ આપીને લાવવું પડે એમ હતું. અગાઉ ૨૦ દિવસની સારવારમાં બહુ પૈસા ખર્ચાઈ ગયા હતા. માંડ માંડ ઘર ચલાવવા જેટલા પૈસા બચ્યા હતા. શું કરું ? બાપડો જેઠો અને સંતોકબહેન ચિંતામાં ડૂબી ગયા હતા.
દવાના વેપારીઓ જોડે ઉધારમાં ઈન્જેકશન અને ઓકસીજન માગ્યું પણ તેઓએ ધરાર ના પાડી દીધી હતી. " રોકડી હોય તો બોલો"
એવું બધાએ કહ્યું.
જેઠાના મનમાં પસ્તાવાંના વાદળો ઘેરી વળ્યા. ચેહરા પર ગેરરીતિ કર્યાના પસ્તાવાના ચિન્હો સ્પષ્ટ દેખતા હતાં. ઘરે સારવાર થાય એમ નહોતું. એને હવે સમજાયું કે અતિ લોભ તે પાપનું મૂળ છે.
સંતોકબહેન નજીક આવી ફરીથી પતિના કપાળે હાથ મૂકી તપાસી જોયું. પણ કપાળ ઠંડુ હતું. એટલે શાંતિથી પાછાં બેસી ગયા. ત્યાં અચાનક માવજીભાઈ બરાડી ઉઠ્યા, ''સાંભળો છો ! એક કામ કરો. . . ફરી આ પંખો તેજ ગતિએ કરો ને !. . . ગરમી લાગે છે.
સંતોકબહેન ઉઠ્યા પંખો તેજ ગતિએ ચાલુ કર્યો. હજુ બે દિવસ પહેલા જ માવજીભાઈ હોસ્પિટલથી ઘેર આવ્યા હતા. લગભગ વીસ દિવસ જેટલું દવાખાનામાં રહ્યા હતા.
અને ફરીથી તેમને હોસ્પિટલ ભેગા કરવા પડ્યા હતા.
કોરોના હતો એટલે એમની નજીક કોઈ ન આવે. પણ પુત્ર જેઠા દવા,ઈન્જેકશન ,ઓક્સિજન અને વેન્ટિલેટરનો સપ્લાય કરતો એટલે હોસ્પિટલના ફ્રન્ટ લાઈન વર્કરો, સ્ટાફ, ડોક્ટરો બધાજ ઓળખતા હતા. પુત્ર જેઠા જોડે સંતોક બહેન અઠવાડિયા માં ૩ વાર પતિ ને મળવા જતા પણ સોશિયલ distancing નું પણ પાલન કરતા. ૩-૪ ફૂટનું અંતર રાખી દૂરથી જ જોઈ લેતા અને ખબર અંતર પૂછી લેતા.
સંતોકબહેન સતત એમનું ધ્યાન રાખતા હતા. આજે કંઈક વધારે અસ્વસ્થ લાગતા હતા એટલે એમને ચિંતા થઈ. એ ખુરશી ખેંચી પતિના માથા પાસે બેસી ગયા. અને માથે હાથ ફેરવવા લાગ્યા. ત્યાં અચાનક માવજીભાઈ જોરથી બોલ્યા, ''મેં પંખો ઓછું કરવાનું કહ્યું હતું કે તેજ ? કેટલી અકળામણ થાય છે ?'' એના અવાજમાં થોડો ગુસ્સો હતો.
સંતોકબહેન આશ્ચર્યથી જોઈ રહ્યા. ઉભા થઈને પંખો ધીમો કરી આવ્યા. પતિ સામે જોઈ હળવું હસીને પૂછયું, ''લો, હજુ વધારે ધીમો કરું ?'' એમણે કંઈ જવાબ ન આપ્યો.
એ આવીને બેસી ગયા. પતિ આંખ મીંચીને શાંત પડ્યા હતા. એમનો દવા પીવાનો સમય થતો હતો એટલે ધીમેથી ખુરશીમાંથી ઉભા થયા.
એટલામાં જ પતિએ એનો હાથ પકડી લીધો ''શું થયું ?'' એ ચમકીને બોલ્યા, ''લાગે છે કે હું કદી સારો નહિ થાઉં. '' એ ધીમેથી બોલ્યા. ''ખબરદાર ! જો આવી વાત કરી છે તો !'' તમને કંઈ ન થાય. . . '' સંતોકબહેનના અવાજમાં થોડો સત્તાવાહી રણકો આવ્યો.
પતિનો હાથમાંથી હાથ છોડાવતા બોલ્યા, ''શું થયું છે તમને ? હવે તો કાંઈ નથી . . . આ બધા રીપોર્ટ નેગેટિવ આવ્યા. . . અને આ કોરોનાની આ હિંમત !. . . એની કોઈ તાકાત નથી. હા. . . !! એમનું આ રૂપ જોઈ માવજીભાઈના ચહેરા પર હળવું સ્મિત આવ્યું. એ ધીમેથી બોલ્યા.
'સંતુ ,"'આજે મહિનો થવા આવ્યો તારી આ ધમકી સાંભળ્યે. . . ! બસ ! આજે ઈચ્છા થઈ. એટલે આ થોડું નાટક. . ! અને તું આમ હા જી હા . . . કરે તો સારી નથી લાગતી. . . '' એણે રમતિયાળ સ્વરે કહ્યું. ઘણા દિવસે આજે પતિના અવાજમાં છલકતા ઉત્સાહ, ઉમંગ અને પ્રેમના રણકાને સાંભળી એ હસી પડ્યા, અને પતિના બંને હાથ પકડતા બોલી ઉઠ્યા, ''તમે નહિ સુધરો ! આ ઉંમર થઈ તોએ એવા જ રહ્યા. . . !!'' અને એ પતિને નીરખી રહ્યા. મધુરજનીની મુલાકાત હોય એમ. . !
આજે એમને લાગ્યું કે કોરોનાકાળની કાળકોટડીમાંથી બહાર નીકળેલા પતિ ફરી યુવાન બની ગયા. . . પ્રેમના પુષ્પની પાંખડી ફરી ખીલી ઉઠી. . . વિરહમાંથી વિલસિત એ મધુર દામ્પત્યનો મિલનનો રંગ નિખરી ઉઠ્યો હતો. એમના મનમાં વિચાર ઝબુકયો આ કોરોના કાળ તો એને વરદાન જેવો લાગ્યો. . એને યાદ આવ્યું. કાલે જ વાંચેલું કે" રણમાં ખીલવે ગુલાબ, એ જ કુદરતનો હિસાબ"
પણ સંતોક બહેનના મનના રણમાં જે ગુલાબ ખીલ્યું હતું તે કદાચ કુદરતને મંજૂર નહિ હોય.
માવજીભાઈને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. ફરજ પરના ડોક્ટરો આવી તપાસ્યું અને તરત મોટા ડોકટરને બોલાવ્યા. " ભાઈ , જેઠાને સંબોધતા ડોકટર બોલ્યા, "વેન્ટિલેટરની તજવીજ કરો નહિતર કેસ હાથમાં આવવાની શક્યતા નહિવત્ રેહશે. તમે સમજી ગયા હશો જ. "
ડોકટરની વાત સાંભળી જેઠાના પગ નીચેથી જમીન સરકવા લાગી. સંતોકબહેન સૂનમૂન થઈ ગયા. વેન્ટિલેટર માટે જેઠાએ આકાશ પાતાળ એક કરી નાખ્યું પણ કોઈ જગ્યાએથી સગવડ થઈ નહોતી. ડોકટરના શબ્દો જેઠા કાનના પડદા પર અથડાતા હતા. કાવરો બાવરો થઈ ગયો હતો.
" ભાઈ , શું થયું વેન્ટિલેટરનું ? દરદીની સ્થિતિ વધુ કથળતી છે જલ્દી કંઈક વ્યવસ્થા કરો. બહાર બ્લેકમાં મળે છે એવું મે સાંભળ્યુ છે. તમને એક નંબર આપું છું. ફોન કરીને પૂછી જો. મારું નામ નહિ કહેતા. નહિતર મારે નોકરીમાંથી હાથ ધોવા પડશે. " એક નર્સ આવીને જેઠા ને કહીને જતી રહી.
જેઠાએ નર્સ પાસેથી નંબર લીધો. અને ફોન કર્યો. સામે છેડેથી અવાજ આવ્યો ," ભાઈ, એકજ વેન્ટિલેટર ઉપલબ્ધ છે તે પણ મૂળ કિંમત કરતાં ૧૦ ગણા ભાવથી. . બોલો જલ્દી. રોકડા હોય તો હમણાં હોસ્પિટલે મોકલી આપું. બીજા લાઈનમાં છે મુહ માંગે દામ આપવા તૈયાર છે. "
"ભાઈ,આટલા રૂપિયા હાલ મારી પાસે નથી હું તમને મહિના બે મહિનાના આપી દઈશ. અત્યારે જેટલા છે તેટલા લઈ લો અને મને વેન્ટિલેટર મોકલી આપો " દયા ભાવથી રડમસ થઈ જેઠો બોલ્યો.
"સોરી" સામે છેડેથી ફોન કટ થયો.
ફરજપરના ડોકટર અને એક નર્સ ગભરાતા ગભરાતા જેઠા પાસે આવ્યા અને ગંભીર અવાજે ડોકટરે કહ્યું, ," સોરી, હિ ઈઝ નો મોર"
હોસ્પિટલવાળાઓએ માવજીભાઈના પાર્થિવ દેહને વીંટાળી કર્મ ક્રિયા માટે લાગતાવળગતાઓને સોંપી દીધી. શોકાકુલ મને જેઠા,સંતોકબહેન અને વહુ અનાર ઘરે પાછા ફર્યા. માવજીભાઈ ઘડીભરમાં હતા નહિ હતા જેવા થઈ ગયા.
. . ****************
પતિના સંપર્કમાં રહેવાથી બરાબર ૧૪ દિવસ પછી સંતોક બહેનને શરદી,ખાંસીની ફરિયાદ ઉપડી. ઝીણો તાવ અને શરીર પણ દુખતું હતું.
જેઠા અને તેની પત્નીને તરત જ ખ્યાલ આવી ગયો હતો કે પિતાની સેવા કરવા એમના સંપર્કમાં રહેવાથી સંક્રમિત થઈ ગયા હતા. તાત્કાલિક સરકારી આરોગ્ય કેન્દ્ર પર લઈ જઈ એન્ટીનજન ટેસ્ટ અને RTPCR કરાવ્યું. એન્ટીનજનનો ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો. ૧૪ દિવસ માટે હોમ કવોરંટાઈન થયા.
બીજે દિવસે સાંજે RTPCR રિપોર્ટ આવ્યો. ૧૫-૨૦ ટકા ફેફસામાં ચેપ હતો. અઠવાડિયાની દવા આપી હતી. પણ કશો ફેર પડતો નહોતો.
એમને પણ પતિ માવજીભાઈ જેવી તકલીફ થવા માંડી અને તેવીજ પરિસ્થિતિ જેઠા સામે સર્જાઈ હતી જેવી પિતા માવજીભાઈ વખતે સર્જાઈ હતી.
ઈન્જેકશનની અછત, વેન્ટિલેટર,ઓકસીજન,ઈન્જેકશનનો ધૂમ કાળો બઝાર. પિતાની સારવારમાં જ જેઠો કંગાળ થઈ ગયો હતો. હવે ફક્ત રહેતું ઘર ગીરવે મૂકી અથવા વેચી માતાની સારવાર થાય તેમ હતું.
તાત્કાલિક બંગલા જેવું ઘર વેચી એક રૂમ કિચનના ફ્લેટમાં રહેવા ગયા. ૩૦-૩૫ વર્ષ જૂની બિલ્ડિંગ ,અને છેક અગિયારમા માળે પેન્ટ હાઉસ ભાડે રાખ્યું. ઘર વેચાણના પૈસા માતા સંતોકબહેનની સારવારમાં પૂરા થઈ ગયા. ઘર પણ ગયું. બેઘર થઈ ગયો. જહો જલાલી ગઈ. ઠાઠમાઠના પાણી ઓસરી ગયા હતા. ગરીબી અને ભૂખમરાના કીચડમાં ફસાઈ ગયો.
માતા સંતોકબહેનને પણ ના બચાવી શક્યો. કુદરતનો ખેલ નીરાલો છે. કેવા જોડે કેવી રમત રમી જાય કોઈને જ ખ્યાલ નહિ આવે. ભલભલા થાપ ખાઈ જાય.
પેન્ટ હાઉસના ભાડા ભરવાના પણ ફાંફાં હતા. હવામાં ઉડતા જેઠાને કુદરતે જોરદાર નીચે અફાળ્યો હતો.
૨૮ દિવસમાં જ માતા પિતાનો ભોગ કોરોનાએ લઈ લીધો હતો. જેઠા છત્ર વિહોણો થઈ ગયો હતો.
. . ******************
હવે વારો આવ્યો એક ના એક પુત્ર માધવનો. . કોરોનાએ એને પણ ચપટમાં લીધો હતો.
ધીરે ધીરે ઘરના બધાજ કોરોના ગ્રસ્ત થશે શું ? જેમ દરિયાના ઉછળતા મોજા કિનારે મોટા મોટા પથ્થરો પર અફળાઈ વિખેરાઈ જાય છે એવા વિચારો જેઠાના મનમાં અફળાતા હતા.
છેવટે એને ભગવાનના શરણે જવાની ફરજ પડી.
અનરાધાર અશ્રુથી ભગવાનને પ્રાર્થના કરતો હતો કે મેં મારી ભૂલો સુધારી લીધી. મને મારી ભૂલોની ખૂબ મોટી સજા મળી ગઈ. હવે રહેમ કર. મારા ભૂલોની સજા હવે મારા એક ના એક પુત્રને નહિ આપ.
મૂરખ. . . સત્કર્મ કર અને તેનું મીઠું ફળ મેળવવાની કોશિશ કર. લાલચ,લોભ બહુ ખરાબ વસ્તુ છે. ભગવાનના નિયમ વિરુદ્ધનું કૃત્ય છે. તેં પૈસા કમાવવાની લાલચે ગરીબોને લૂંટ્યો છે. ગરીબોની હાય તને લાગી છે. પત્ની અનારના શબ્દો સાચા લાગવા લાગ્યા.
જો તેં સત્કર્મ કર્યું હોત તો આજ તું પરિવાર સાથે આનંદમાં રહ્યો હોત. કુદરતે તારા ગાલ પર જોરદાર તમાચો ઝીંક્યો છે.
કુદરતનો નિયમ છે કે અનીતિ માર્ગેથી કમાવેલ ધન માનસિક શાંતિ નથી આપી શકતી. એ અનીતીનો માર્ગ ધરાવનારને ધન ક્ષણિક ભૌતિક સુખ આપી શકે પણ તે બદલામાં તેમની પાસેથી માતા, પિતા ,બાળકો,પરિવારના અન્ય સભ્યો,સ્વજનોને છીનવી લે છે. હિસાબ તરત ચૂકતે કરી દે છે.
હવે તારે જ વિચારવાનું છે કે માતા પિતા,પત્ની ,બાળકો પરિવાર એ સાચું સુખ કે પછી અનીતિ માર્ગે કમાવેલું ધન સાચું સુખ. ધન,દૌલત,પૈસો ચંચળ છે. એક જગ્યાએ ઠરીને નહિ રહે. અનીતિ માર્ગે કમાવેલ પૈસો અનીતિમાં જ ખર્ચ થવાનો. કોઈને વેપાર ધંધામાં ખોટ જાય, સંતાનો ખરાબ વૃત્તીઓના રવાડે ચડી જઈ કમાવેલ ધન બરબાદ કરતા હોય છે.
તો કોઈના સંતાનો પાગલ,ખોડ ખાપણવાળા,અપંગ, અસ્થિર મગજના કે જીવલેણ રોગના દર્દી બની જાય છે તેમના સારવારમાં બધું ધન ખર્ચાઈ જાયછે.
સત્કર્મ અને નીતિથી કમાવેલુ ધન જ સાચું ધન હોય છે જે માનસિક શાંતિ આપે છે.
ગરીબ લોકોની મદદ કરવાના,દર્દીઓની સેવા કરવામાં,ભૂખ્યાને અન્નદાન કરવામાં, બેઘરોને છત્ર આપવામાં, વગેરે સત્કર્મો કરવામાં માણસને જે માનસિક શાંતિ મળે છે તે ખરો માનવી કેવાય. ભગવાનને એના સત્કર્મોનું મીઠું ફળ આપ્યા વગર છૂટકો નહિ. અને ભગવાન આપે પણ છે. ઉધાર રાખતો નથી. ચૂકતે કરી નાખે છે. લોકોની દુઆજ કામ લાગે છે.
બીજી આફત આવી પડી. સરકારે પોલીસ તંત્રને આદેશ આપ્યો કે જે જે લોકોએ કોરોનાની દવાઓ,ઈન્જેકશન, ઓક્સિજન,વેન્ટિલેટર વગેરેની કાળો બજાર કર્યો હોય તેની યાદી સરકારને સુપરત કરી કડક કારવાઈનો આદેશ આપ્યો.
કોઈ પણ ફોજદારી કેસ કર્યા વગર કે પૂછતાછ કર્યા વગર તેમની ઉપર ગેરરીતિનો આરોપ લગાવી જેલ ભેગો કરવાનો આદેશ આપ્યો. કોઈ કેસ નહિ,કોઈ કોર્ટ નહિ,કોઈ વકીલ નહિ. પકડો અને ધકેલો જેલમાં. અને એનું લાયસન્સ પણ રદ્દ કરવું.
મંદિરની ઘંટ જોરથી વાગ્યો. આરતીનો સમય થઈ ગયો હતો. ઘંટના નાદથી જેઠા સફાળો જાગ્યો. આંખો પહોળી કરી આમતેમ જોવા લાગ્યો. બાજુમાં પત્ની અનાર બેઠી હતી.
બંને હાથ જોડી ઘર તરફ જવા નીકળ્યા. ઘરે આવ્યા અને જેઠા એ બાપુજી નું કબાટ ખોલ્યું. બાપુજીના વસ્ત્રો ગરીબોને દાન કરવા હતા. કબાટમાંથી કપડાં કાઢ્યા એક કપડાના ગડીમાંથી એક ચબરખી નીચે પડી. એ ચબરખી એણે હાથમાં લીધી. બાપુજીના અક્ષર હતા. બાપુજીએ લખેલો કાગળ વાચવા લાગ્યો.
દીકરા,
જીવતે જીવ મેં તને બહુ સમજાવ્યો હતો. સન્માર્ગે જા. પણ તારી આંખ પર પટ્ટી હતી એટલે એ સન્માર્ગ તને દેખાયો નહિ. માણસોના અમુક કર્મોના ફળ જીવતે જીવ આ જ ભવમાં ભોગવવા પડે છે જે તારા ભાગે આવ્યા હતા. હજુ તો ઘણાય કર્મોના ફળ ભોગવવા પડશે. આ તો નમૂનો હતો.
હવે શ્રાદ્ધ પક્ષમાં મારે કાગડો બનીને તારી છત પર પુરી પાત્રા ખાવા આવવું નથી
નથી કૂતરો બનીને તારા દ્વાર પર ,નહિ ગાય બનીને તને તાક્યા કરવું
હું તો આવીશ તારા બે શ્વાસ વચ્ચેના અંતર ની વચ્ચે સાક્ષી બનીને.
હું તો આવીશતારા પૂજા સ્થાન પર દિવાની જ્યોતિ બનીને
તું જયારે કોઈ દુવિધામાં હોય, કોઈ પ્રશ્ન હોય મને યાદ કરજે
તારી નાભી પર હાથ મૂકી હું તરત તને એનો ઉકેલ મોકલાવીશ
હું તો આવીશ મુશ્કેલીમાં હિંમત બનીને હું તો આવીશ સંકટ સમયે ધૈર્ય બનીને.
તને શારીરિક સમસ્યા હોય ત્યારે મને યાદ કરજે હું આવીશ ઔષધિ બનીને
તને માનસિક સમસ્યા હોય તોમને યાદ કરજે હું આવીશ ગાઢ નિદ્રા બનીને
તને આર્થિક સમસ્યા હોય ત્યારેમને યાદ કરજે હું આવીશ મહાલક્ષ્મીમાંને તારા દ્વાર પર લઈને બસ મને બોલાવી લેજે
તારી નાભી પર હાથ મૂકી બસ મને બોલાવી લેજે હું ક્યાં દૂર છું
હું તારી આસપાસ જ છું.
મારે કાગડો બનીને તારી છત પર પુરી પાત્રા ખાવા આવવું નથી. સત્ય અને ઈમાનદારીનો માર્ગ ત્યાગીશ નહિ. મારે ફક્ત શ્રાદ્ધ પક્ષમાં જ આવવું નથી.
સમાપ્ત.
