અંતરમનનો આઘાત
અંતરમનનો આઘાત
રાજપીપળા બસસ્ટેન્ડ પાસે એક દુકાનનાં ઓટલા પર લઘરવઘર મેલાઘેલાં કપડાં, જીંથરા જેવાં વાળ અને મોઢામાંથી ટપતી લાળ સાથે એલફેલ બોલતો એક માણસ બેઠો હતો. આસપાસની દુનિયાથી બેખબર હતો. એને પોતાની ખબર ન હોય તો બીજાની તો દરકાર ન જ હોય ને ? તેનાં લક્ષણ જોઈને એવું લાગતું હતું કે તે સામાન્ય માણસ નથી. તે કંઈ અલગ વ્યક્તિત્વ છે. પાગલપણું તેના પર હાવી થઈ ગયું હતું. આવું તે કેમ ન કરે ? જે કોઈ પ્રેમી પંખીડાને સાથે ફરતાં જુએ તેની પાછળ દોડીને પકડીને મારે. ધૂળ ઉડાળે. એવી હરકતો કરે. પછી મોટેથી હસે અને હસતાં હસતાં રડી પડે. પછી છાનો રહે જ નહીં. તેને માટે જે પ્રેમ કરે તે બધા ગુનેગાર હોય એવું તેને લાગે એટલે બેકાબૂ બની જાય. તેની કહાણી પણ એક વાસ્તવિકતા સાથે તેનાં જીવનમાં સંકળાયેલી હતી એટલેજ એ વાત તેના જીવનનું દર્પણ બની ગઈ. ભૂતકાળ પડછાયો બનીને તેને ડંખી ગયો. એવા ઘા મારી ગયો કે સમગ્ર અસ્તિત્વ છિન્નભિન્ન થઈ ગયું હતું.
મયુર અને માધવી એકજ કોલેજમાં ભણતાં હતાં. માધવી અમીર માબાપની એકનીએક દીકરી હોવાથી ખૂબજ લાડકોડમાં ઉછરી હતી. પાણી માગે ત્યાં દૂધ હાજર થઈ જતું. થોડાં ઘણાં સંસ્કાર માબાપ પાસેથી મળેલાં હતાં પણ એ પૂરતાં ન હતાં. આમપણ પૈસો માણસને નિરંકુશ અને અભિમાની બનાવી દે છે. તેને પોતાની જાત પર ખૂદનો કાબુ હોતો નથી અને ખોટી વાતોમાં જલ્દી આવી જાય છે. જીવનની સચ્ચાઈને જલ્દી સ્વીકારી શકતાં નથી.
માધવીનો જન્મદિવસ હતો તેની ખૂશીમાં મોટી હોટલમાં પાર્ટી રાખી હતી. કોલેજનાં બધાં જ મિત્રો અને સહેલીઓને આમંત્રણ આપ્યું હતું. મયુરને પણ બોલાવ્યો હતો. તે માધ્યમ વર્ગમાંથી આવતો હતો વળી ગરીબ હતો એટલે એટલે તેનાં માટે શું લઈ જવું ? વિચાર કરી ફૂલનો બૂકે અને ગ્રિટિંગ કાર્ડ લઈને ગયો. બીજા મિત્રો તો પૈસાનો દેખાડો કરવા મોટી મોટી ગીફ્ટ લઈને આવ્યાં હતાં. મયુરને પોતાની ભેંટ આપતાં ખૂબ સંકોચ થયો પણ મન મક્કમ કરી તે ત્યાં ગયો અને તેને ભેટ આપી. માધવીએ તો તેની સામે જોયું પણ નહીં અને બીજાં મિત્રોને મળવા જતી રહી. તેને ખૂબજ ખરાબ લાગ્યું. તેને હવે પાર્ટીમાં મહાલવાનો કોઈ શોખ ન રહ્યો. તે ત્યાંથી માયુસ થઈને ઘેર જવા નીકળી ગયો.
જેવો તે નીકળ્યો એટલામાં તેણે કોઈની જોરથી ચીસ સાંભળી. તે ઘડીભર આમતેમ જોવા લાગ્યો. તેને સમજાયું કે ચીસો તો અંદર હોલમાંથી આવી રહી છે. આથી તે પાછો હોલમાં આવ્યો ત્યારે ટપોરી જેવાં લાગતાં માધવીનાં ચાર પાંચ મિત્રો તેને હોટલની રૂમ તરફ ખેંચી રહ્યાં હતાં. બધાનાં હાથમાં બંદૂક હતી. સૌ એટલાં ડરેલા અને હેબતાઈ ગયેલા હતાં કે તેઓ કશું કરી શકવાની સ્થિતિમાં નહોતાં. પૂતળાની જેમ ઉભાં રહેલાં. માધવી જોરજોરથી બચાવો બચાવોની ચીસો પાડી રહી હતી. મયુરથી આ ન જોવાયું. તેણે પોતાના જીવની પરવા કર્યા વગર માધવીને એ દરિંદોથી પહેલાં છોડાવી અને પછી વગર શસ્ત્રે એ બધાની સાથે લડ્યો. તેની પાસે તાકાત હતી, હોંશલો બુલંદ હતો. એટલામાં હોટલનો ગાર્ડ અને પોલીસ આવી જતાં બધાને પકડીને લઈ ગયાં. મયુર પણ ગોળીથી ઘવાઈને બેભાન થઈ ગયો અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો.
કોલેજનાં બધાં મિત્રો ભેગા થયા હતાં. બધાએ લોહી આપ્યું અને તે જીવી ગયો. તેના માબાપે પણ મોટી ઘાત ગઈ એમ માની ઈશ્વરનો આભાર માન્યો ને મયુરને કહ્યું, "બેટા, આવા હથિયારવાળા સાથે લડતાં પહેલાં તારે અમારો તો વિચાર કરવો હતો." મયુર કહે, "મા, હું એ વિચાર કરવા રહેત તો કોઈની ઈજ્જત કેવીરીતે બચાવી શકત ? હંમેશા બીજાને માટે જીવતાં શીખવું જોઈએ એવું તેં તો મને શીખવાડ્યું છે અને હવે તું આવું કહે છે ?" મા કહે, સારુ, સારુ, જોયો ન હોય તો.! હવે આરામ કર જલ્દી સારું થઈ જશે."
માધવી મયુરને હોસ્પિટલમાં જોવા આવે છે. તેની ઇજ્જત બચાવનાર પ્રત્યે તેનાં મનમાં કૂણી લાગણી જન્મે છે. ધીરે ધીરે તેનામાં પ્રેમનો અહેસાસ પણ થાય છે. તેને લાગે છે કે તે મયુર વગર નહીં રહી શકે. તેને ભૂતકાળમાં જન્મદિવસે કરેલી તેની અવગણના યાદ આવે છે અને તેની આંખોમાંથી આંસુઓ નીકળે છે. તેને થાય છે કે માણસને ઓળખવામાં કેવી ભૂલ થઈ જાય છે ? અહમનાં તોરમાં સાચાં ખોટાનું ભાન પણ રહેતું નથી. જે થઈ ગયું તે થઈ ગયું પણ હવે બગડી ગયેલી વાતને સુધારવાની છે અને મારા પ્રેમની અભિવ્યક્તિ કરવાની છે. હવે તેનું મન તેનાં કાબુમાં નથી. તેને શું કરવું સમજ પડતી નથી. શું કરું ? જેથી મયુરને પ્રેમની સચ્ચાઈની સાબિતી આપી શકું ? એક દિવસ તે મયુર પાસે એક પુસ્તક માગે છે અને એમાં સંબોધન વગરનો પત્ર લખીને મૂકે છે અને જવાબની આશા રાખી હોય છે.
હવે મયુરનાં હાથમાં તે પત્ર આવ્યો હતો. પહેલાં તો તે માની ન શક્યો કે માધવી આવો પત્ર લખે ખરી ? પાછો જવાબ પણ માગ્યો છે. શું જવાબ આપું ? મયુર પોતાની બધી પરિસ્થિતિથી વાકેફ કરી જવાબ આપે છે. બધું મંજૂર હોય તો જ આગળ વધજે નહીં તો અહીં બધું પૂરું. માધવી માની ગઈ અને તેમની પ્રેમયાત્રા આગળ પ્રસ્થાન કરતી ગઈ.
ભણતર પૂરું થાય એ પહેલાં એ સોનેરી દિવસોમાં બન્ને જણાં ખૂબ સાથે ફર્યા, પ્રેમનાં ગીતો ગાયાં, લાગણીઓના દરિયામાં ડૂબકીઓ મારી, એકબીજાને સહિયારા સાથનાં સોગાત અપાયા. ક્યારેય છૂટા ન પડવા માટે સર્જાયા હોય એમ "એક દૂજે કે લિયે" પ્રેમનાં અતૂટ બંધનમાં બંધનમાં બંધાઈ ગયાં. પ્રીતનાં પારેવડા ઘૂટરઘૂ કરવા લાગ્યાં પણ ભીતરનાં ભાવીને કોણ જાણી શક્યું છે ?
માધુરીના માબાપે તેનાં માટે મુરતિયો જવાનું નક્કી કર્યું. તેણે ઘણી આનાકાની કરી. છેવટે હિંમત કરી તેણે તેનાં પ્રેમની વાત જણાવી દીધી. પહેલાં તો તેનાં માબાપ ખૂબ ગુસ્સે થયાં. આવાં ગરીબ મુફલિસ જેવાં માણસ સાથે પરણાવવા તેઓ જરાય તૈયાર નહોતા. "લગ્ન તો દૂરની વાત અમે તો તેનું મોઢું પણ જોવાં રાજી નથી અને તારે અમે કહીએ ત્યાં જ પરણવું પડશે એવું" અલ્ટિમેટમ આપી દીધું.
આ બાજુ માઘુરી ખૂબ જ મક્કમ હતી. તે જરાય હિંમત હારી નહીં. તેનો પ્રેમ સાચો હતો. કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે બન્નેની તૈયારી હતી આથી જોરદાર વિરોધ કરી માબાપને પોતાના આંસુઓથી વિનવણી કરી," મારી ઈજ્જત બચાવનાર મારા માટે ભગવાન બરાબર છે. પછી ભલે મારે તેની સાથે ઝૂંપડામાં રહેવું પડે. હું મીઠું ને રોટલો ખાઈ સ્વમાનથી જીવવા માગુ છું. લગ્ન તો તેની સાથે જ કરીશ".
એકની એક દીકરીની આંખોમાં આંસુ માબાપ જોઈ ન શક્યાં. છેવટે તેની જીદ આગળ નમતું જોખી મયુરને મળવા ને તેનું ઘર જોવા જવાનું નક્કી કરી રાજપીપળા જવા કાર લઈને નીકળ્યાં. રસ્તામાં રોંગ સાઈડથી આવતી ટ્રકે જોરદાર ટક્કર મારી. તેમની કાર તો કુચો વળી ગયો. કોઈ ન બચ્યું. દરવાજા બાજુમાં બેઠેલી માધુરી દરવાજો ખૂલી જતાં ખરાબ રીતે ઘવાઈને લોહીલુહાણ હાલતમાં બહાર ફેંકાઈ. તેણે પણ ખૂલ્લી આંખે આખરી શ્વાસ લીધાં.
મયુરને આ અકસ્માતની ખબર પડતાં તે રઘવાયો થઈને દોડતો આવ્યો. તે આંખો ફાડીને જોતો જ રહી ગયો. તે માનસિક કાબુ ગુમાવી બેઠો. તેને ખૂદનું ભાન ન રહ્યું. પાગલ જેવી હરકતો કરવા લાગ્યો. તેનાં સમગ્ર તંત્રને એવો આઘાત લાગ્યો હતો કે ક્યારેય તે એમાંથી બહાર આવી ન શક્યો. તેની દુનિયા ત્યાં થંભી ગઈ. સમય તેના માટે ખોટકાઈ ગયો. પાગલોની દુનિયામાં તેનો વસવાટ થઈ ગયો. વાહ, રે, કુદરત, આ તારી કેવી બલિહારી
