અંતિમ સંસ્કાર
અંતિમ સંસ્કાર
એ દિવસ જવલંત માટે ખૂબ જ ભારે હતો, સવારના ચાર વાગ્યા હતા અને ફોનની ઘંટડી વાગી. ટ્રીંગ ટ્રીંગ ....ટ્રીંગ ટ્રીંગ જવલંત સફાળો ઊભો થયો અને ઘોર નિદ્રામાંથી સફાળો થયો અને ફોન ઉપાડી ને ગાળો ભાંડવા તૈયાર હતો અને ત્યાં જ સામેથી મમ્મીનો અવાજ સંભળાયો, મમ્મીનો ધ્રૂસકે ધ્રૂસકે રડવાનો અવાજ સાંભળતા જ જવલંત ને થયું કે કંઈક અજુગતું છે...... મમ્મી શું થયું ? મમ્મી ......બધું બરાબર છે ને ?
અને મમ્મી નો ડૂસકાં દેતો અવાજ આવ્યો તારા પપ્પા...... બસ આટલું સાંભળતા જ જ્વલંત તરત જ પહેરેલ કપડે પોતાના ગામ તરફ નીકળી ગયો.
રસ્તા માં જ્વલંત ના બાળપણ ના મિત્ર આશિષ ને ફોન કરી અને જાણ કરી અને કહ્યું જલ્દીથી મારા ઘરે પહોંચ, મમ્મી સાવ એકલી હશે અને હું કલાકમાં ત્યાં પહોંચું છું ...
હંમેશ કારમાં વાગતા હનુમાન ચાલીસા આજે જ્વલંત ને મનોબળ વધારવામાં મદદ નહોતા કરી રહ્યા. ક્ષણિક માટે તો જ્વલંત ને જાણે ભગવાન પર બધો જ બળાપો નીકાળવો હોય એવું લાગી રહ્યું હતું.
મમ્મી....પપ્પા ને અચાનક કેવી રીતે થયું ? ક્યારે થયું ?
મમ્મીએ ડૂસકાં મારતા કહ્યું, બેટા રાત્રે સૂતાં વખતે એમને કાંઈ જ નહોતું. રાતે એક વાગ્યે સફાળા જાગ્યા અને મને ઉઠાડીને કહ્યું કશુક અજુગતું લાગે છે બેચેની થાય છે..... જા મારી પેલી દવા લઈ આવ, દવા ખાઈ લઉં અને દવા ખાઈ ને સૂઈ ગયા અને હવે ઊઠી નથી રહ્યા.
જવલંત ઘરે પહોંચ્યો અને મમ્મી ને ભેટી ને એક બીજા ધ્રૂસકે ધ્રૂસકે રડતાં રહ્યા ....જવલંત ને એક જ વાત જીભ ઉપર આવતી હતી પપ્પાને કેમ આટલું જલ્દી ઉપર જવાની જલ્દી હતી. એમને આપણો એટલો પણ ખ્યાલ નહોતો કે આપણે હજી એમની જરૂર છે અને એમના વિના આપણે શું કરીશું.
જવલંત ના મગજ માં વિચારો નું ભ્રમણ ચાલવા લાગ્યું...પપ્પા નો અવાજ ગુંજવા લાગ્યો...જવલંત તું ભલે ગમે તેટલો મોટો થઈ ગયો હોય પણ મારા માટે તો તું હજુ મારો નાનો દીકરો જ છે.
અચાનક પપ્પાનું હયાત ન હોવાનો અનુભવ જવલંત ને જાણે ભૂકંપ ના આંચકાથી વધુ ડગમગાવી નાખે છે. દરરોજ છાયડો આપતું એ વટવૃક્ષ આજે એનું મહત્વ સમજાવી જાય છે.
મૌલિકભાઈ.....જવલંતના પિતા એક સારા હોદ્દાપરથી બેંકમાંથી નિવૃત થયા હતા અને સામાજિક રીતે પણ આગળ પડતા. એટલે એમના મૃત્યુના સમાચાર ની જાણ થતા ઘણા લોકો એમના ઘરે અંતિમ દર્શન માટે આવી પહોંચ્યા.
જવલંત ને વિચારો ઘેરવા લાગ્યા.....મૃત્યુ કેવું અજીબ છે....જીવતા જીવ રોજ સામે મળતા હાય - હેલો ન કરતા લોકો પણ આજે અંતિમ દિવસના દર્શન માટે આવી પહોંચે છે.
જોત જોતામાં ઘણા લોકો ઘરે આવી ચૂક્યા અને અનેક જૂથમાં વહેંચાઈ ગયા. જવલંત શૂન્યમનસ્ક અવસ્થામાં હતો અને આ સમયે એ ખાલી બધાને ઓબ્સર્વ કરતો રહ્યો.
એક જૂથ તેમના બાળપણના મિત્રો નું નજરે ચડ્યું કે જે દૂર ઊભાં ઊભાં પપ્પા સાથે નો સમય અને યાદો વાગોળતા હતા, જયારે એક જૂથ માંથી એમની 40 વર્ષની બેંકની નોકરી ની યાદો વાગોળી ને પપ્પાના વખાણ સાંભળતા હતા અને એક જૂથમાંથી હૈયાફાટ રુદનનો અવાજ સંભળાતો હતો. ઘણા લોકો ખાસા સમયે મળ્યા હોય એમ થોડું હસી મજાક કરતા જોવા મળ્યા તો આજનો મોબાઇલ યુથ જવલંત ને ખટકાવી રહ્યો હતો કેમકે જવલંત નો પિતરાઈ ભાઈ લાઈવ વિડિઓ કોલથી પપ્પા ને અમેરિકા એના સંબંધીને દેખાડી રહ્યો હતો.
જવલંત ને આ બધું બહુજ અજીબ અને અજુગતું લાગી રહ્યું હતું, જવલંત ને કાળજું કપાઈ ગયું હોય એનાથી ઓછી અનુભૂતિ નહોતી ...પણ એક જ રૂમમાં જાણે સાચી ખોટી બધી જ લાગણીનો ધોધ વહી રહ્યો હોય એવું લાગતું હતું. આ સમયે જવલંત ને પપ્પા ની વાત યાદ આવી, એ હંમેશા કહેતા બેટાજી જયારે દુઃખ નો સમય આવે ત્યારે સાચી લાગણી અને હૂંફ તમારો પરિવાર જ આપે છે માટે તેની પડખે જ રહો, બાકી બધા લોકો આવશે અને સાંત્વના અને શિખામણ આપી ને જતા રહેશે.
જવલંત આમ તો ઘણા માઠા પ્રસંગે ગયો હતો પણ પોતાના ઘરે આવું બન્યું ત્યારે શું કરવું એનું કોઈજ જ્ઞાત ન હતું. જ્ઞાતિના આગંતુક અને સેવાભાવી લોકો આગળ આવીને જવલંતના પિતાની અંતિમવિધિ વિધિસર કરવામાં લાગી પડ્યા. એમાંથી એક આગેવાન પરેશભાઈ બોલ્યા છાણા લાવો, તલ છે કે નહિ. અગરબતી અને બાક્સ ક્યાં છે. જવલંતે કામગીરી મિત્રો ને સોંપી દીધી હતી. એક બાજુ શબવાહિની બુક કરાવી અને બીજી બાજુ જવલંત પપ્પાને અંતિમવિધિ માટે પરેશભાઈના માર્ગદર્શન હેઠળ જેમ કહે એમ કરતો રહ્યો.
પરેશભાઈ બોલ્યા.....એમને નવડાવવા પડશે .....અબોટિયું ક્યાં છે....આ અવાજો જવલંત માટે નવા નહતા પણ આજે આ બધું એના માટે ખુબજ અઘરું હતું. કેમ કે આજે એણે જાતે કરવાનું હતું. જવલંત ભૂતકાળમાં સરક્યો અને વિચારવા લાગ્યો કે હું નાનો હતો ત્યારે પપ્પા જ મને નવડાવતા હતા ને ? પણ તરત જ જાણે જવલંતનો આત્મા સામે આવી ને બોલ્યો. નાનપણમાં ત્યારે આંખમાં આંસુ ન હતા. અને આવી અનુભૂતિ પણ ન હતી. એજ સમયે જવલંતની પરેશભાઈ પર નજર જાય છે અને પરેશભાઈ ફક્ત તેના તરફ મોઢું હલાવી સાંત્વના આપે છે ત્યારે જવલંત ને એક સુખદ અનુભવ થાય છે કે આજે પરેશભાઈ જેવા સહૃદયી અને સેવાભાવી લોકો આગળ આવીને ખૂબ જ સુંદર રીતે અંતિમવિધિ કરવામાં મદદ કરાવે છે એમનો આભાર માનવો જ રહ્યો.
ત્યાંજ એક મિત્ર આવીને કહે છે...શબવાહિની આવી ગઈ છે જવલંત ભાઈ
.....અને કાંઠી ને હાથ મળી જાય છે. સ્મશાન પહોંચતા જ પરેશભાઈ જવલંત ને મક્કમ રહેવા કહે છે.
જવલંત આ ઘી પપ્પા ને કપાળ, અંગુઠા, નાક બધે લગાવી દે..પ્રદક્ષિણા કરી એમના કાનમાં ઔમકાર બોલવાનું છે તારે. આ બધુ સાંભળતા જ જવલંત ઢીલો પડે છે અને પરેશભાઈ જયારે એમનો હાથ જવલંત પર રાખે છે ત્યારે જવલંત સીધો એમને ભેટી જાય છે. પપ્પા હવે આ દુનિયામાં નથી એ એના માટે અકલ્પનિય છે. એજ સમયે પપ્પાની એક વાત યાદ આવે છે કે જીવન અને મૃત્યુ આપણા હાથમાં નથી પણ કેવી રીતે જીવવું એ આપણા હાથ માં જ છે.
જવલંત પરેશભાઈ ની પાસે જાય છે અને એમનો ખુભ અંતઃ પૂર્વક આભાર માને છે અને કહે છે. પપ્પા પહેલેથી જ મને કહેતા.. બેટાજી તું જયારે પણ કોઈ વ્યક્તિ પ્રત્યે સારું અનુભવે તો તેને જઈ ને તરત એનો આભાર માનવો કેમકે એજ વસ્તુ તને અને એને જીવનમાં બીજું કોઈ સારું કામ કરવા માટે પ્રેરણા આપશે. પરેશભાઈ...તમને ખબર છે આપણા હિન્દૂ ધર્મમાં ગરુડ પુરાણ મુજબ ૧૬મુ અને આખરી સંસ્કાર એટલે એન્ત્યેષ્ટી-અંતિમવિધિ હોય છે....આજે જે પણ તમે મારા પપ્પાની આત્મશાંતિ માટે અને મારા માટે કર્યું છે એના માટે જિંદગીભર ઋણી રહીશ.
સ્મશાન વૈરાગ્ય ..... વૈરાગ્ય એટલે ડેટચમેન્ટ, એક આસક્તિ જઈ રહી છે એનો અનુભવ
જ્યારે પણ સ્મશાનમાં જઈએ છીએ ત્યારે આ અનુભૂતિ મહદ અંશે લગભગ બધાને ક્ષણેક વાર માટે તો થાય છે આમ તો સ્મશાન વૈરાગ્ય એટલે અનુભૂતિ કે જે આપણને જિંદગી એક જ છે અને જિંદગી અમુલ્ય છે અને જિંદગીને જીવવા માટે બસ થોડો જ સમય છે એનો આભાસ કરાવે છે અને જેના માટે સ્મશાન ગયા છીએ એના અનુભવો અને એની યાદોની સામે લાવે છે. જેમ સ્મશાનમાંથી પાછા ફર્યા પછી સીધા નાહવા માટે જઈએ છીએ ત્યારે આ બધા જ સ્મરણો પાણીમાં લીન થઈ જાય છે અને ક્યાંક પાછી એની એજ આપણી પેરેલલ લાઈફ જીવવા માટે આપણે દોટ મૂકી આગળ વધીએ છીએ.
એટલેજ તો કહેવાય છે ને કે તમે જયારે મોતની આટલી નજીક જાવ છો ત્યારે જ તમે જીવતા હોવાનું અનુભવો છો.
