અમૂલ્ય પ્રેમ
અમૂલ્ય પ્રેમ
રોજિંદા દૈનિક કાર્યક્રમ મુજબ, સાંજના સમયે વિકલાંગ શરીરને લઈને વિકલાંગો માટેની ટ્રાઇસિકલ પર સવાર થઈને તમે ગામમાં ફરવા નીકળી પડ્યા. તમે તમારી ધૂનમાં ચાલ્યા જતા હતા. લોકો દરરોજની જેમ આજે પણ તમને થોડા કુતૂહલપૂર્વક જોએ જતા હતા. કેટલાક અણસમજુ લોકો તમારી વિકલાંગતા વિષે ટિપ્પણી પણ કરે જતા હતા. ટિપ્પણીઓને ગંભીરતાપૂર્વક લઈને દુઃખી થવા કરતાં તેઓને અવગણવાનું તમે સારી પેઠે શીખી ગયા હતા. તમે તમારા માર્ગ પર આગળ વધી રહ્યા હતા. માર્ગ પરના એક ગલ્લા પરથી કોઈ એફએમ રેડિયો સ્ટેશન પરથી ફિલ્મી પ્રેમનાં ફિલ્મી ગીતો વાગતા હતા જેઓને સાંભળીને તમે વ્યંગપૂર્વક હસ્યા અને બગડયા પણ ખરા, "અમૂલ્ય પ્રેમ!" તમે તમારા સ્વયં પર કે ફિલ્મી પ્રેમનાં ફિલ્મી ગીતો પર કે પછી અમૂલ્ય પ્રેમ પર હસ્યા, તે ખબર પડી નહીં.
તમે આગળ વધી રહ્યા હતા, થોડા આગળ વધ્યા ત્યાં પાછળથી એક નાનકડા છોકરાનો અવાજ આવ્યો, "આમના પગે?" તેનું વાક્ય પૂરું થાય તે પહેલાં એક બીજો અવાજ આવ્યો, "તે અમારા સાહેબ છે. અમને ભણાવે છે, ખૂબ સારું ભણાવે છે." સાહેબ માટેની ન કોઈ વિશેષ લાયકાત કે સાહેબ તરીકે ન કોઈ નોકરી છતાં તમે સાહેબ કેવી રીતે બની ગયા? ખુદના પ્રશ્નનો ઉત્તર મેળવવા માટે કરેલ લાંબી મથામણ અંતે તમને થોડું ઘણું યાદ આવ્યું ખરું કે કેટલાંક છોકરાં અંગ્રેજી શીખવા તમારી પાસે ક્યારેક ક્યારેક આવતાં હોય છે.
નિંદ્રામાંથી જાણે જાગ્યા હોય તેમ ટ્રાઇસિકલને બ્રેક મારીને તમે પાછળ જોયું તો દૂર જતા બે છોકરા નજરે આવ્યા. જતા છોકરાઓમાંથી એ છોકરાની પીઠ તમે જોઈ રહ્યા અને અનાયાસે તમારાથી પણ બોલાઈ ગયું "અમૂલ્ય પ્રેમ".
