અગ્નિદાહ
અગ્નિદાહ
'બે યાર મને કોઈ અગ્નિદાહ ના આપતા હોં. સ્મશાનમાં ઉભા ઉભા ઊર્મિલભાઈ બોલ્યા. આપણાથી આવી ગરમી સહન થતી નથી ભઇ.' વૈશાખની ગરમીમાં બિલ્ડિંગના રમણકાકાને સાંજે પાંચ વાગે કાઢીને સ્મશાને પહોંચાડી દીધા પછી પધારો સાંભળતાંજ ઘરભેગા થવા વાળામાં ઊર્મિલભાઈ પહેલો નમ્બર. પણ આજે લાઈન હતી. હાસ્તો વળી મદડાંઓની જને...! એમાં વાતમાંથી વાત નીકળીને ઊર્મિલભાઈ બોલ્યા. પોતાના મનની વાત.
'તો તમને એટલે તમારા ડેડબોડી ને આ દુનિયામાંથી કેવી રીતે વિદાય કરવાની એ વિલમાં લખતા જજો ભાઈ.' હસતા હસતા રાજુભાઇ બોલ્યા.
પંચયાસી વરસના રમણકાકાનો કોઈને સોગ કે વિયોગ તો હતો નહિ એટલે સ્મશાનમાં બધાને આવી વાતો કરવામાં ટાઈમ પાસ કરતા હતા. 'જો ભાઈ મેં એવું કંઈ નક્કી નથી કર્યું પણ પેલા દૂધમાં સાકરની જેમ ભળેલા જેવું કરોતો.. તો શું કે, આપણા જવામાંય કોઈને મિજબાની થાય.' ખાવાના સખત શોખીન ઊર્મિલભાઈ ને મર્યા પછી પક્ષીઓને મિજબાની કરાવવાની ઈચ્છા થઈ.
'ના ભઈ હોં અમારા ધરમમાં નોનવેજ ના ખવાય ના ખવડાવાય એટલે આ વાત કેન્સલ હોં ઊર્મિલભાઈ... બીજું વિચારજો કઈ.'
'અલ્યા મને દટાઈ રેવું ના ગમે... ગરમીય ના ગમે... એક કામ કરજો ઓલા ઓસામા બિન લાદેનની જેમ દરિયામા. આમ મને તરવું આવડતું નથી પણ આરીતેય જો દરિયાના પેટાળમાં ડૂબકી લગાવા મળતું હોય તો મઝા પડી જાય.'
'એમાં મર્યા પછી શેની મઝા લેવી છે તમારે બધાએ. આવો બકવાસ સાંભળીને કંટાળેલા વસઁતકાકા ચિડાઈને બોલ્યા.'
'મર્યા પછી ધર્મમાં શસ્ત્રોમાં લખ્યું હોય એવી જ વિધિ થાય એમાં કોઈ ચોઇસ ના હોય હોં ઊર્મિલભાઈ... તમે કહો તો તમને એસીવાળા સ્મશાનમાં લઇ જઈશું.' જરા ટોન્ટમાં મોટેથી જ કાકા બોલ્યા. એટલે થોડીવાર માટે બધા ચૂપ થઈ ગયા. એટલામાં રમણકાકાનો વારો આવી ગયો અને એમના પૌત્રએ પધારો કીધુંને બધાય ઘરભેગા થઈ ગયા.
એ દિવસે ચિડાયેલા વસંતકાકા ઊર્મિલભાઈની વાતો સાંભળીને વિચારતા થઈ ગયેલા. સિતેરે પહોંચેલા આ કાકાને થયું 'આમ આવું ટોળું મનેય મર્યા પછી સ્મશાન સુધી લઈ જશે અને ત્યાં કોઈ બીજા આવી આડી અવળી વાતો કરશે. કોઈ બીજા કાકા મારી જેમ ખીજાશે. એના કરતાં ઊર્મિલભાઈનેજ મારી ઈચ્છા લેખિતમાં જણાવી દઉં.'
અને કાકા લખવા બેઠા,
"ચિ. ઊર્મિલ,
જત જણાવવાનું કે, આજે મારુ મૃત્યુ થયું છે ને બધાય મને કાઢવાનો સમય પૂછશે ત્યારે તું કહી દેજે કે, કોઈએ આવવાનું નથી. બેસણુંય રાખવાની કાકા ના પાડીને ગયા છે. સૌ પોતાના મનમાં. હું જેમ યાદ આવું તેમ યાદ કરી લે. આમ આમ ધોળા કાળા જેવા તેવા લેંઘા ઝભ્ભા પહેરીને અને બૈરાં તો કઈ બોલવું જ નથી... એટલે માત્ર મારા ઘરનાજ મને મૂકીને તરત પાછા આવી જાય. એતો બધાય એમનું કામ કરશેજ ટેક્સ હું બરાબર ભરું છું એટલે. તો બેટા તું મારા ઘરનાને સમજાવી દેજે.
લિ.
તારો કાકો વસંત."
કાકાએ કવર પર લખેલું મારા મરણના દિવસ પહેલા ખોલવું નહિ. એમાં ઊર્મિલભાઈ આ કવર મળ્યા પછી કાકા ક્યારે જાયને હું આ અજાણી જવાબદારીમાંથી ક્યારે છૂટીસના વિચારો કર્યા કરે છે લો બોલો.
