આવેદન - પ્રેમપત્ર
આવેદન - પ્રેમપત્ર


પ્રતિ,
કૃપિ પટેલ
વડોદરા, ગુજરાત
તરફથી,
હર્ષ પટેલ (ભોલુ)
વડોદરા, ગુજરાત
તને કઇ પ્રિય, પ્રિયતમા ને એવી બધી ઉપાધિ આપવાની મને જરૂર લાગતી નથી.
મને ખબર છે તું સવારના ૫ વાગ્યાથી રાતના ૧૦ વાગ્યા સુધી ઘણી વ્યસ્ત હોય છે, એટલે બધું ટૂંકમાં જ કહીશ.
મને ખબર છે કે તું કાલેય મારા મૌનને સમજતી હતી અને આજેય તું સમજે જ છે. જે કહેવા જઇ રહ્યો છું એય તું જાણતી જ હશે.
આજના ભાગ-દોડવાળા આ જીવનમાં આપણે ઘણું પાછળ છોડી દીધું, મેં આપણું મકાન બનાવવામાં અને તે આપણા મકાન ને ઘર બનાવવામાં !
સાચે આજે એવું થાય છે આપણે હવે બધું છોડી છાડી ક્યાંક હાલી જવું છે. જ્યાં માત્ર તારી અને મારી જૂની અટવાયેલી હૃદયમાં ક્યાંક દબાયેલી સંવેદના હોય અને તારા મારા હાથ એકમેકમાં એવા ગૂંથાયેલા હોય કે બીજા કોઈપણ જાતના સ્પર્શની જરૂરિયાત જ ના રહે.
આજે આ મારી અંદરનો પાત્ર તને આ પત્ર થકી આપણા વિસરાયેલા પ્રેમ ને ફરી જીવંત કરવા અને મારી સાથે ફરી એ જ જુનાં પ્રેમના આલિંગનમાં કયાંક ખોવાવા માટે આવેદન કરી રહ્યો છે.
તું અત્યારે હસતી હશે આ પત્ર વાંચીને અને આપણાં જુનાં દિવસો યાદ કરતી હશે જ્યારે ડાકઘર આપણું વોટ્સઅપ હતું ડાકિયો માર્કસજુકરસબર્ગ અને એના હાવભાવ આપણા સ્ટેટ્સ હતાં.
મેં પહેલો પ્રેમપત્ર તને લખેલો એમાંની પેલી તારા પર લખેલી શાયરી યાદ તો હશે જ તને...
"તારી નજરોના તરાપામાં તરાવી ગઈ,
મારી આખી જિંદગી તું ઉજાળી ગઈ."
આજે ૨૫ વર્ષ પછી એમ થાય છે કે આ શાયરી માં ઉજાળીની જગ્યાએ 'તારી' ગઈ એમ લખવું છે.
તારો છું એમ કહેવાની જરૂર નથી કેમ કે એ તો તે ૨૫ વર્ષ પહેલા જ બનાવી લીધો અને હું બની ગયો.
- હર્ષ (ભોલુ)