વસંત પંચમી
વસંત પંચમી


આ ડાળીઓએ શરણાઈઓ વગાડી,
કે વસંત પંચમી આવી...
ને ફૂલોએ તો રીતસરની બાંગો પોકારી,
કે વસંત પંચમી આવી...
ભ્રમરો કરે ગુંજન કળીઓના કાનમાં,
વાયુવેગે એ વાત પ્રસરી ગઈ બાગમાં,
જો ને સખી પ્રણય ગુલબાંગો ફેંકાણી,
કે વસંત પંચમી આવી...
જાણે ખુશ્બુની થઈ ફૂલો પર સવારી,
ગોળ ગોળ વને ઉપવને એને ઘુમાવી,
ઓલા વાયડા પવનડે ચાડીઓ ખાધી,
કે વસંત પંચમી આવી...
પીળચટ્ટી ચુંદડી કેવી ગરમાળે ઓઢી !
જોઈ આંબાની આંખે મ્હેંકતી મંજરી,
કે વગડે મીઠી કોકિલ સરગમ રેલાણી,
કે વસંત પંચમી આવી...
વેલીઓએ વાવ્યાં ગુલમ્હોરી શમણાં,
નવ યૌવને જ્યાં ખખડાવ્યાં બારણાં,
મનોમન હરખતાં પોતે પણ શરમાણી,
કે વસંત પંચમી આવી...
સમગ્ર સૃષ્ટિ દેતી પંચમીના વધામણાં,
હેતે વધાવી, એનાં લ્યો ને ઓવારણાં,
કે સૂતેલી ચેતનાઓ આજ તો જાગી,
કે વસંત પંચમી આવી...