વરસાદ વરસે છે
વરસાદ વરસે છે
છો ટપકતું હો છપર વરસાદ વરસે છે જુઓ,
છોડી દો સઘળી ફિકર વરસાદ વરસે છે જુઓ.
આટલું ઐશ્વર્ય સૌના ભાગ્યમાં હોતું નથી,
છો રહે મુફલિસ નગર વરસાદ વરસે છે જુઓ.
કુદરતે બહુ તાપ દીધો ચાર મહિના દોસ્તો,
લો! કરી આજે મહર વરસાદ વરસે છે જુઓ.
કોઈ જો કાદવની આગાહી કરે તો કરવા દો,
મ્હેક પર માંડો નજર વરસાદ વરસે છે જુઓ.
વાહ! મીઠાં નીરનો આશ્લેષ મળતાવેંત તો,
ભૂમિમાં આવ્યો કલર વરસાદ વરસે છે જુઓ.
એને કે'જો આજે હું પ્યાસો રહી શકતો નથી,
ભીના કરવા છે અધર વરસાદ વરસે છે જુઓ.
એટલે રોમાંચ 'ઉત્સવ'ના દિલે બેફામ છે,
કોઇને પૂછ્યા વગર વરસાદ વરસે છે જુઓ.
