ઉર્વશીને
ઉર્વશીને
પ્રેમીની પરતંત્રતા જગતમાં ના કેાઈ જાણી શકે,
ને એની વિષમ સ્થિતિ તણી દયા ના લેશ આણી શકે,
એથી ઉર્વશી ! કષ્ટ કૈંક તુજને સ્વર્લોકમાં સાંપડયું,
તારૂં નિર્મલ સ્નિગ્ધ માનસ નહિ કાપટય સેવી શકયું.
લક્ષ્મીને ધરી વેષ શકસદને તું નાટકે નાચતી,
'વૃત્તિ છે પુરુષોત્તમે' તુજ તણી એ યુક્ત ઉક્તિ હતી:
રે ! રે સ્વાન્ત પરંતુ સત્યપ્રણયીનું સ્વાધીન કયાંથી રહે ?
તેડી તન્મયતા વિરૂદ્ધ વદવું એ કેમ જાણી શકે ?
તેથી “ વૃત્તિ પુંરૂરવે મુજ તણું ” બોલાઈ એવું ગયું;
રોમે રોમ રમી રહ્યું હૃદયથી તે આનને ઉદભવ્યું;
દીધે શાપ સકોપ નાટયગુરૂએ દેવેન્દ્રના દેખતાં,
ભૂલી તું નટની કળા અમરને એવું જણાયું અહા !
સ્વર્લોકે પણ આ દશા દુઃખભરી તે સૃષ્ટિનું શું ગજું ?
જ્યાં એ નાટક સર્વદા ભજવવું આ ક્ષુદ્ર સંસારનું;
વીંટાઈ વ્યવહારબંધન વડે નિત્યે વૃથા નાચવું,
દાબી અંતરને ઠગી જગતને રે ! સર્વદા રાચવું.
હું એ નાટકમાં સખી ! સફલતા પામી શકું ના જરા,
તેથી નાયક સ્વાર્થ અંતર થકી ક્રોધે ભરાતો સદા,
જોને ! કોટિ નટો અહીં કુશળતા કેવી બતાવી રહ્યા !
તેને પ્રેક્ષક તાળીએ દઈ દઈ કેવા વધાવી રહ્યા !
એની વાકપટુતા અને અભિનયો પામે પ્રશંસા ધણી,
ને સત્કાર થતો જણાય સઘળે એ સર્વ કેરો અહીં,
શું આ કૈતવ ઈષ્ટ છે પ્રણયને, કે સ્વાર્થ-સંદેશ છે !
તે કેાઈ પ્રણયી–રસાર્દ્રહૃદયી દેશે બતાવી મને !
માન્ય ઈષ્ટ નિપાત તેં પ્રિય તણા સાન્નિધ્યને સેવવા,
દૈવી વૈભવની સ્પૃહા નવ રહી એ સ્નિગ્ધ ચિત્તે અહા !
તારી નિષ્ફળતા ભલે ભરત ને દેવો વિલોકી હસે,
માન્યો પ્રેમ તણો વડો વિજય મેં જે સર્વથા યોગ્ય છે.
ઈચ્છું હું પણ પાત નાટક થકી શુષ્કત્વને છોડવા,
સત્તા સ્નેહ તણી સદૈવ વિલસે એ સર્ગને શોધવા;
જેમાં ના કંઈ ગેાપનીય, ન કદી ઉચ્ચારવું અન્યથા,
ને ભીતિ ન નિપાતની હૃદયને સ્પર્શી શકે સર્વથા.
