પાછાં ફરીએ
પાછાં ફરીએ
ચાલને અહીંથી પાછાં ફરીએ,
દાદા પરદાદાનું જીવન જીવીએ,
કેવી લાગણીસભર હતી જિંદગી,
યાદ કરતાં એવું જીવન જીવીએ.
લડી, ઝઘડી, અબોલા લઈને,
યંત્રવત્ જીવનમાં લાગણી ભરીને,
ખીલે પુષ્પો લાગણીના હ્રદયમાં,
એની સુવાસથી તાકાત ભરી જીવીએ.
વ્યવહારમાં સરવાળા બાદબાકી,
કરતાં રહીને આખરે એકલાં પડીને,
બદતર જીવન જીવવા કરતાં,
આપણે વતનમાં સૌ સાથે જીવીએ.
પરદેશની બોલી શીખીને,
માતૃભાષા આપણી પોતાની ભૂલીને,
અંગ્રેજીને મ
ાપદંડ આવડતનું ના બનાવી,
આપણી સંસ્કૃતિમાં જીવીએ.
શેહશરમ છોડી આધુનિકતાના નામે,
પહેરવેશ બદલીને,
નવી પેઢીને પાછાં વાળીને,
ખુલ્લા આકાશ નીચે સાથે જીવીએ.
હારીને પણ હવે નથી હિસાબ કરવો,
એકબીજા સંગ દાવ રમીને,
મોજથી લૂંટાવી જિંદગી, પહોંચી મુકામે,
સુખદુઃખમાં સૌ સાથે જીવીએ.
સાર જીવનનો તોલતાં મૂક્યા,
વજન કાંટાએ અણમોલ લાગણીને,
સ્વજનોની હૂંફથી પ્રાણ નવાં પૂરીને,
મહેફિલે રંગ ભરી જીવીએ.