મા તારો પડછાયો
મા તારો પડછાયો
તું તો જીવનભર પડછાયાની જેમ સાથે રહી છે,
જતનથી ને અભાવોમાં પણ મોટી કરી છે
તો હવે ઋણ ચુકવવાનો છે મારો વારો,
હાલને હવે હું બનું મા તારો પડછાયો..
તારી છાયામાં સુરક્ષિત રહી જીવનભર,
તે જ બનાવી હિંમત આપી પગભર,
તો હવે આવ્યો છે મારો વારો,
હાલને હવે હું બનું મા તારો પડછાયો..
મજબૂત હતાં હાથ ત્યારે તે ઊઠાવી મને,
વિચારો આપી પ્રબળ બનાવી તે મને,
કરચલીવાળા હાથમાં આપું સ્પર્શ મારો,
હાલને હવે હું બનું મા તારો પડછાયો..
તાપ હતો ત્યારે આગળ હતી તું,
છાવમાં પણ મારી પાછળ હતી તું,
હવે હું કેમ છોડું સાથ તારો,
હાલને હવે હું બનું મા તારો પડછાયો..
અંધકારમાં ખોવાય જાય ખુદમાં જ,
તોય આપે સૌને સધિયારો,
હવે મારે બનવું છે તારો સહારો,
હાલને હવે હું બનું મા તારો પડછાયો.
