ઈચ્છા
ઈચ્છા


ઈચ્છા નામે ડાકણ વળગી,
ઝહેરીલી ડંખીલી વળગી,
તેગ સા તીક્ષ્ણ ન્હોર લઈને,
ચોભુજ, દશ દિશથી વળગી.
શું રાજા શું રંક ફકીરા,
શું સાધુ શું સંસારી,
શું સારું શું નરસું એને..
સૌને એ સમભાવથી વળગી.
હોય ભલેને કાળો કૂવો,
માનુષ એમાં ઊંધો મૂઓ,
મધ જોઈ જ્યાં લાળ ટપકતી,
ભવસાગરની વાટમાં વળગી.
શમ ને દમનાં બાણ ચલાવો,
કે તુષ્ટિની ઢાલ લઇ ચાલો,
હરિની ઈચ્છા કહીને પાછી,
જો, સ્હેજ ને સાજમાં વળગી.
ઈચ્છા નામે ડાકણ વળગી,
ઝહેરીલી ડંખીલી વળગી..