હોય છે!
હોય છે!
કંટકો વચ્ચે ખુશીની મિજબાની હોય છે,
ફૂલની જિન્દાદિલી કેવી મજાની હોય છે!
શ્વાસની વચ્ચે નિસાસા કોતરી હળવેકથી,
પાથરેલી કોઇએ ચાદર દુઆની હોય છે.
એમ બોલાવ્યા વિના આવે નહીં ચરણો તરફ,
માર્ગની પ્રત્યેક ઠોકર પણ સ્વમાની હોય છે.
સ્વપ્નને સળગાવવા દીવાસળી પૂરતી નથી,
દોસ્તો, નાદાનિયત થોડી હવાની હોય છે.
પારકી પંચાતનો કચરો સતત ઠલવ્યા કરે,
કાન કોઈ માણસોની થૂંકદાની હોય છે.
આબરું અજવાસનીયે સાચવે અંધારમાં,
એક બળતા દીવડાંમાં ખાનદાની હોય છે.
