બસ એ જ
બસ એ જ
રોજ રોજ નહીં, આવશ્યકતા એ હાજર રહું - બસ એ જ,
રોક ટોક નહીં, જોઈતી ટેક કરું - બસ એ જ !
કે તારો પૂર્ણતઃ ભાર તો નહીં લઈ શકું,
તને ખભાનો આધાર આપું - બસ એ જ !
ને તારી આંખોની ભીનાશ પાછી ન વાળી શકું,
ધરું અંજલિને ઝીલી લઉં - બસ એ જ !
હા બધું ક્યાં કહેવાય ને પુછાય છે અહીં,
તારા મૌનના આસારને સમજી શકું - બસ એ જ !
કેડી રસ્તો પથ ભિન્ન હોય છે પ્રત્યેકના,
અવાય જ્યાં સુધી ત્યાં સુધી આવું - બસ એ જ !
ઉતાર ચઢાવ ભાવ પ્રભાવના સમય મધ્યે,
તારો હાથ પકડી કહી શકું કે હું છું ને - બસ એ જ !
એનો જ આપેલો છે આ અહેસાસ ને અવકાશ,
હું માણસ છું તો પહેલા માણસ થઈ ને રહું - બસ એ જ !
