બ્રહ્માંડનો આદેશ
બ્રહ્માંડનો આદેશ
હે મુર્ખ તુ બાળક હતો,
આ ધરતીનો બાપ થઈને રહેવા લાગ્યો,
આ છે મારું આ છે તારું,
પોતાને જ કોતરવા લાગ્યો.
સુખ-સગવડ અને સાયબી ઓઢવા તું,
લીલીછમ ધરતી પર કાળી ચાદર ઓઢાડવા લાગ્યો.
જંગલોને પોતાની જાગીર ગણી,
મુંગા પશુઓને મારવા લાગ્યો.
જળદેવ ને આડે આવી,
નદીનાળાં ઉલેચવા લાગ્યો.
માટીની ઝુંપડી હડસેલી તુ,
મહેલમાં ભલે રહેવા લાગ્યો.
પર્યાવરણની પથારી ફેરવી પોતાને,
પ્રકૃતિપ્રેમી કહેવડાવવા લાગ્યો.
ડર ન રાખી પ્રભુનો પોતાનેજ,
ભગવાન સમજવા લાગ્યો.
માર્ગ ભૂલી તું માણસાઈનો,
રાક્ષસ વૃત્તિ કરવા લાગ્યો.
ધર્મ અર્થ કામ મોક્ષને માત્ર,
શબ્દો જ તું સમજવા લાગ્યો.
અવતાર લઈ કોરોનએ પૃથ્વી પર,
કરુણા એ વરસાવા લાગ્યો.
હે મુર્ખ તું બાળક છે,
આ ધરતીનો એ તને સમજાવવા લાગ્યો.
પ્રદુષણ મુક્ત પૃથ્વી કરી,
દુષણોને ભરખવા લાગ્યો.
માણસ માત્રને મહેલોમાં પુરી,
એ પ્રકૃતિ ખીલવવા લાગ્યો.
પંચતત્વના અસ્તિત્વને વિખેર્યુ એ,
તારાજ અસ્તિત્વને ભૂંસવા લાગ્યો.
હજુ સમય છે વાત કહી તને,
પાછો એ વળવા લાગ્યો.
હે મુર્ખ તું બાળક છે આ ધરતીનો,
એ વાત તને સમજાવવા લાગ્યો.
એ કાળ બની ચેતી ગયો,
તું બાળક હવે બની ગયો,
તું બાળક છે આ ધરતીનો,
તું બાળક થઈને રહેવા લાગ્યો.