STORYMIRROR

Ramesh Parekh

Classics

0  

Ramesh Parekh

Classics

બંધ પરબીડિયામાંથી મરણ મળે તમને

બંધ પરબીડિયામાંથી મરણ મળે તમને

1 min
324


બંધ પરબીડિયામાંથી મરણ મળે તમને,

બચી શકાય તો બચવાની ક્ષણ મળે તમને.

ટપાલ જેમ તમે ઘેર-ઘેર પહોંચો પણ,

સમસ્ત શહેરના લોકો અભણ મળે તમને.

ખજૂરી જેટલો છાંયો મળે – એ સિક્કાની,

બીજી બાજુય છે એવી કે, રણ મળે તમને.

વિખૂટું હોય છે તેને ભૂલી જવા માટે,

સમક્ષ હોય છે તેનું શરણ મળે તમને.

તમારા કંઠમાં પહેલાં તો એક છિદ્ર મળે,

પછી તૃષા ને પછીથી ઝરણ મળે તમને.

ઝરણ નહીં તો એના પ્રાસથી ચલાવી લ્યો,

અહીં અભાવનું વાતાવરણ મળે તમને.

જાવ, નિર્વીર્ય હે શબ્દો,તમોને આશિષ છે,

તમારા કલૈબ્યનું વાજીકરણ મળે તમને.


Rate this content
Log in

Similar gujarati poem from Classics