STORYMIRROR

Nanalal Kavi

Classics Others

0  

Nanalal Kavi

Classics Others

ભેદના પ્રશ્ન

ભેદના પ્રશ્ન

1 min
1.1K


મ્હેં તો કુંક્મે લીપ્યું મ્હારૂં આંગણું રે લોલઃ

કોઇ ભેદુ આવો તો ભેદને ભણું રે લોલ.


જ્ઞાની !સાધુ ! આવો તો કહું વાતડી રે લોલઃ

ઉભા રહો તો ઉઘાડું મ્હારી છાતડી રે લોલ.


કૃપાનાથે બ્રહ્માંડ એવું કાં કીધું રે લોલ ?

આંખ આવડી, ને જગ તો મ્હોટું બધું રે લોલ.


ગામ પાદર બેસી કાં બોલે મોરલા રે લોલ ?

ચન્દ્ર સૂરજ સન્તાડે વદન કાં ભલા રે લોલ ?


મહા બ્રહ્માંડ ક્ય્હારે ઘૂંઘટ ખોલશે રે લોલ ?

ક્ય્હારે સચરાચર બ્રહ્મનીર ડોલશે રે લોલ ?


આવો સન્તો! તમ પગલે પાવન થવું રે લોલઃ

પ્રાણ રૂંધન્તા પ્રશ્ન પદે ઠાલવું રે લોલ.


ખીલી વસન્ત, ડાળ લૂમખે લચી રે લોલઃ

ટૂંકો આંબો, ને લાંબી દૃષ્ટિ કાં રચી રે લોલ.


છતાં શીળો અગ્નિની ઉપર ચાલવું રે લોલઃ

ફૂલ ફૂલે તો ઘડીનું એ ફાલવું રે લોલ.


તેજ આવે, તો અર્ધ દિવસ આથમે રે લોલઃ

જીવન જાગે, તો અર્ધ નીન્દમાં શમે રે લોલ.


મોરવરણું અખંડ ચાપ ઇન્દ્રનું રે લોલઃ

જોવું રોવું: સૌન્દર્ય એવું કાં બન્યું રે લોલ?


લોક કહે છે, પ્રભુના મીઠા બોલડા રે લોલઃ

એક લીધા શું મુજથી અબોલડા રે લોલ?


તેજ અન્ધકાર મળી ગૂંથે દિનને રે લોલઃ

હસવું રડવું: શું ઉભય રચે જીવનને રે લોલ ?


મ્હને એટલું-ઓ! એટલું કહો કથી રે લોલઃ

દીઠું અદીઠું હો સન્ત! કાં થતું નથી રે લોલ ?


Rate this content
Log in

Similar gujarati poem from Classics