વળાંક
વળાંક


"કેટલાંક વર્ષો પહેલાંની એક વાત યાદ આવે છે."
તે સમય લગભગ 2009 - 10 આસપાસનો હશે કદાચ, ઉનાળાનો જ સમય હતો. શાળામા મારી વાર્ષિક પરીક્ષા પૂર્ણ થઇ ગઈ હતી અને આખુ વેકેશન દાદાજી સાથે જ ગાળવાનું આયોજન કર્યું. તે રાત્રે સૂતી વખતે જ દાદાજી કહી રાખ્યું કે સવારે વાડીએ જાવ ત્યારે મને સાથે લઈ જજો.
વહેલી સવારે સાડા ચાર વાગ્યે સાદ સંભળાયો, "હાલ સાવજડા સાબદો થઈજા, નિકળીએ."
પહોંચી ગયા વાડીએ, ઉનાળો હતો અને વાડીમાં તે સમયે પાણીની તંગી હતી, એટલે મોસમ તો વહેલી જ આટોપાઈ ગયેલી અને નવી મોસમમાં ચોમાસા સમયે તાબડતોબ ન થાય તે માટે અત્યારથી જ નવી મોસમની તૈયારી શરુ થઇ ગઈ હતી.
ભળભાંખળું થયું ત્યાં સુધીમાં બળદો શેઢે પહોંચીને બપોર સુધીમાં ચાસ પુરા પાડવા કંઠમાળના ઘુઘરા રણકાવતા થનગની રહ્યાં હતાં.
ચાસ પાડવાનુ શરુ થયું. દાદાજીતો બળદો સાથે જૂની મિત્રતાના નાતે વાતો કરતાં હતા, "હાલ્ય બાપલીયા હાલ્ય" કહીને રાશ હલાવે ત્યાં બળદો પણ વાત સમજતા હોય તેમ ચાલને વેગ આપે. અને હું થોડી વાર દાદાજીની પાછળ પાછળ તો થોડીક વાર દોડતો આગળ જઇને ઉત્સુકતાથી નિરીક્ષણ અને પ્રશ્નનો કરતો, અને તેના જવાબ દાદાજી મને સમજાય તેવી રીતે ઉંડાણથી જવાબ આપતા.
થોડી વાર પછી અચાનક મેં દાદાજીની નજીક જઇને તેમના હાથમાંથી રાશ અને ખરીપ્યો ખેંચી લીધું અને કહ્યું, "હવે મારો વારો", ત્યારે તેમણે હસતા હસતા મને સાથે રાખીને શીખવ્યું.
તે ઊથલ પુરી કરીને અમે શેઢે પહોચ્યા ત્યારે મેં, "હવે તમે અહીં જ ઊભા રહીને જૂઓ હું હવે એકલો ઊથલ પુરી કરી આવુ." કહીને દાદાજીની રીત પ્રમાણે બળદો ચલાવવાનુ શરૂ કર્યું.
હજુ માંડ અડધે ખેતરે પહોંચવા આવ્યો હોઈશ ત્યાં પાછળથી હાંકલ સંભળાઈ, "જો જો આડુ જાય છે", મેં બળદોને ઊભા રાખ્યા અને જોયું પણ મને કાંઇ ચાસમાં વળાંક ન દેખાયો એટલે મેં પાછું ચલાવવાનુ શરૂ કર્યું.
સામે શેઢે પહોંચીને મે અંકાયેલ ચાસમાં જોયું તો ખબર પડી કે હકીકતમાં બે-ત્રણ ખાસ્સા મોટા વળાંકો પાડી આવ્યો છું. ત્યાં સુધીમાં મારી પાછળ પાછળ દાદાજી પણ શેઢે પહોંચી ગયા, અને મે પાછી રાશ તેમના હાથમાં સોંપી દીધી. અને પ્રશ્ન કર્યો, "તમને કેમ આટલે દૂરથી વળાંક દેખાઈ ગયો અને મને નજીકથી પણ ન દેખાયો", દાદાજીએ કહ્યુ, "એમજ હોય વળાંક નજીકથી ન દેખાય તે દૂરથી જ દેખાય."
તે વાત તો સમજ્યા વગરની ક્યારનીય વીસરાઈ ગયેલી પણ આજે થોડા અલગ દ્રષ્ટિકોણથી ખૂબ બંધ બેસતી સમજાય છે.
જ્યારે જ્યારે કોઈ મુશ્કેલી આવે કે જીવનમાં વળાંક આવે ત્યારે આપણે તે મુશ્કેલી કે વળાંકને ત્યાં જ ઉભા રહીને જોયા 'ને વિચાર્યા કરીએ, પણ ચોક્કસ તોડ શોધી કે જોઈ શકતા નથી.
તેના બદલે આપણી પોતાની જ સમસ્યા ને ઠેરની ઠેર રહેવા દઇને થોડા વૈચારિક રીતે દૂર જઈને વળાંકને નિહાળીએ તો તેને સરળતાથી જોઈ પણ શકીએ અને સુધારી પણ શકીએ જે આજે સમજાય છે.
સરવૈયું ••
"એમજ હોય વળાંક નજીકથી ન દેખાય તે દૂરથી જ દેખાય."