Buy Books worth Rs 500/- & Get 1 Book Free! Click Here!
Buy Books worth Rs 500/- & Get 1 Book Free! Click Here!

Rathod Bhagirath

Inspirational


5.0  

Rathod Bhagirath

Inspirational


મેલા હાથ

મેલા હાથ

3 mins 566 3 mins 566

'નહીં ભોલું દૂર રહેજે મને અડકતો નહીં મારા હાથ મેલા છે અને બા જોઈ જશે તો તને ખિજાશે, તને ના નથી પાડી કે હમણાં થોડા દિવસ હું આ ઓરડીમાં રહુ ત્યાં સુધી તારે અહીં નથી આવવાનું? જા બહાર જઈને તોફાન કર્યા વગર રમજે બેટા' એકી શ્વાસે સુધા બોલી ગઈ.

    

પણ ત્યાંતો ભોલુંએ સુધાનો હાથ પકડીને હથેળીમાં મોતીચુરનો લાડુ મૂકી દીધો અને બોલ્યો, 'મમ્મી તમે જૂઠું બોલો છો, મારા કરતા તો તમારા હાથ કેટલા ચોખ્ખા છે' અને પછી પોતાના બન્ને હાથ સામે રાખીને કહ્યું 'તમારા કરતા તો મારા મેલા છે' એમ કહેતો ઓરડીના દરવાજે પહોંચી ગયો અને હળવેથી કહ્યુ 'બા ને ના કહેતા હો! હું આ મંદિરમાંથી તમારા માટે છાનોમાનો લાવ્યો છું' અને તે બહાર નીકળી ગયો.

સુધા પોતાના હાથ સામે એકીટશે જોઈ રહી અને સ્વગત બબડતી હોય એમ બોલી, "બેટા આ ચોખ્ખા હાથ તને 'ને મને બે ને જ દેખાય છે, મારા સાસુ ને નહીં". અને ખખડધજ જુનવાણી બારી વગરની નાનકડી અવાવરું અંધારી ઓરડીમાં એક અછડતી નજર ફેરવીને મનમાં જ બોલી,"આમાં તો સાજા પણ માંદા થઈ જાય" અને સાથે એક ગરમ ઉચ્છવાસ છોડીને થોડું મોટેથી બોલી, "સ્ત્રી ખોળિયું લઇને તો જાણે પાપ ના કર્યું હોય, 'ને એનેય હાથ મેલા નહીં થયા હોય?, ત્યારે શું હાલત થાય ભૂલી ગયા હશે?


થોડે દૂર ઓસરીની કોરે બેસી દાંતે ભાંગ ઘસતા સાસુ કંચનબાને કાને આ વાક્યો પડ્યા, 'ને હજુ ઊભા થઇને ઘાંટો પાડવાની તૈયારીમાંજ હતા ત્યાં પડોશમાં રહેતા જમાનાના ખાધેલા જમનાબાને પ્રવેશતા જોઈ કંચનબા મનમાંજ સમસમીને બેસી રહ્યા 'ને જમનાબાને આવકાર આપતા કહ્યું, "આવો બાઈ" અને ઉકળાટ કાઢતા બોલ્યા, "ક્યાં આપડો વખત ને ક્યાં આજ કાલ્યની બાયુ, જરાય સહન કરવાની ત્રેવડજ નથ્ય"


જમનાબાના ચહેરા પર હળવુ હાસ્ય જોઈને કંચનબા જંખવાયા પરંતુ ફરી થોડા છંછેડાઈને બોલ્યા, "આપડેતો બાપા ગમે એવાં સાજા માંદા હોઈ દી-રાત્ય જોયા વગર સીમનું કામ ઢહડતા ને અટાણની બાયુને જરાક હાથ મેલા થાય ત્યાં ઓરડીમાં રહેવુંય વહમું લાગે ને લવારીયુ ની... 


જમનાબાનો ગંભીર ચહેરો જોઇને કંચનબાએ વાક્ય અધુરું જ છોડ્યું. 

 જમનાબાએ ચહેરો ગંભીરજ રાખીને પરંતું થોડી હળવાશથી સમજાવતાં હોય તેમ કહ્યું, "જો બા આપડી વાત જ નોખી હતી ને અટાણની નોખી, તઈ તો આપડા ડોહા કેતા એમ આપડે ઢહડતા પણ ઈ વખત જેવી નથ્ય આપડી ભૂખ કે નથ્ય સીમના કામ, કે આપડે દખી થ્યા એમ આપડી વહુઆરુને પણ જીવતે જીવત નરક જેવી ઓરડીમાં હડસેલીએ".


કંચનબાનો ભાવ વિહીન અને વિરોધ વગરનો ચહેરા જોઈને જમનાબાએ આગળ ચલાવ્યું, "મારી વહુને તો મેલા હાથ હોય તંઈ સમુ વધુ ધ્યાન રાખુ, બાઈને ભાવતું સરખુ બનાવીનેય ખવરાવુ". 

સ્હેજ અટકીને થોડુ હસીને ફરી પહેલાં જેવી જ ગંભીરતાથી, "આપડે પંડ્યે અસ્તરીની જાત્ય ને ઊઠીને પારકી જણીને કેમ ગંધાતી ઓરડીમાં જોઈ હકવાના".


કંચનબાએ ઢીલા ચહેરે હમમ.. હું તો હમણાં સુધાને બાર્ય કાઢું ને લોક તો ભલેને વાતું કરે પણ ભોલુંના દાદા કાંઇ બોલે તો મારે અન્ન...

જમનાબાએ વચ્ચેથીજ વાત કાપીને કહ્યુ, "કાંઇ અન્ન ઘૂળ ના થાય, અને ધણીને અંધારામાં રાખવાની વાત ઓછી છે કે, ને નથી કાંઈ ભોલુંનો દાદો જમ તે તને મારી નાખશે, બાઈ માણાં સઇ તે કાંઉ મૂંઝાઈ મરાહે? સમજાવજે સમજી જાહે ને બે વેણ કાઢે તો સાંભળી લેઈ, પણ સુધા જેવી ભણેલી બાઈ તે સામુ નો બોલે, ઈ આવુ કેમ વેઠશે? એની સામે તો જરાક જો, એને આવી શીદ વલોવછો. 

    

થોડી વાર શાંતિ પથરાઈ, પછી કંચનબા થોડી વારે ઊઠ્યા અને ઓરડી તરફ ગયા.

સુધા ઓરડીના દરવાજા તરફ પીઠ ફેરવીને બેઠી હતી. કંચનબાએ દરવાજે ઊભા રહીને જ કહ્યું, "સુધા, બહાર આવતો બેટા! રસ્હોડું સ્હંભાળ, હાલ વખત થ્યોસે ને હમણા ભોલુંના દાદાય આવતા જ હશે.

  

પણ બા મારા હાથ.. સુધાને અધવચ્ચેજ અટકાવી ને કંચનબાએ કહ્યુ, "બળ્યા હાથ હવે, મૂક એ વાત, ને હાલ્ય હું શિરો બનાવું તને બહું વા'લોને? 

સુધા તો સામે સાસુ ને બદલે માં ઊભી હોય એમ દોડીને ગળે વળગી પડી, અને ભરેલી આંખે જમનાબા તરફ નજર કરી. જમનાબાએ દૂરથી જ હાથ ઊંચા કરીને દુઃખણ લેતા હોય તેમ હાથ કરી ટચાકા ફોડ્યા.


ત્યાં જ દોડતો ભોલું આવ્યો અને બોલ્યો, "બા દૂર ખસો મમ્મીના હાથ મેલા છે".

કંચનબાએ વ્હાલથી ભોલુંને તેડતા બોલ્યો, "છો ને હાથ મેલા રહ્યા હૈયું નથી."

ત્રણેય સ્ત્રીના ચહેરે સુખદ હાસ્ય જોઈ ભોલું કંઈ સમજ્યો તો નહી પરંતુ હસીને બા ના બોલવાની નકલ કરી,"છો ને હાથ મેલા રહ્યા હૈયું નથી."


Rate this content
Log in

More gujarati story from Rathod Bhagirath

Similar gujarati story from Inspirational