વારસો
વારસો
વારસો
ચીખલી ગામમાં દયાશંકર વૈદનું નામ માત્ર નામ નહોતું—એ આશ્વાસન હતું.
જે ઘરેથી રોગ બહાર ન જતો, ત્યાં દયાશંકરનો પગ મૂકાતાં જ દર્દ અડધી જિંદગી ભૂલી જતો.
એમ કહેતા કે, હું તો માત્ર દવા આપું છું,અને ઈશ્વર તેમના સંતાનોની કાળજી રાખે છે.તેમની પડીકીમાં માત્ર ઔષધ નથી, પણ જગત પિતા ની દયા કરુણા પણ ભળેલી હોય છે.
દયાશંકર વૈદ દયાળુ હતા, પણ ભાગ્યે ભારોભાર કંજુષી કરી હતી.
તેઓને કોઈ સંતાન ન હતું.
વગડા જેવડું તેમનું ઘર હતું,પણ ખાલી ખમ.
કોઈ છોકરાઓના કિલકિલાટ વગરના ઘરના ખાલીપણાં ની આપૂર્તિ કરતી હતી તેઓની પત્ની શાંતિબા.
શાંતિબા…
નામ પ્રમાણે શાંતિ, સહનશીલતા અને મૌનનો દરિયો.
ક્યારેય ફરિયાદ નહિ.
ક્યારેય આંસુ જાહેર નહિ.
પતિની સેવા—એ જ તેમનો ધર્મ.
ગામ આખું દયાશંકરની દવાઓથી ઊભું થતું રહેતું.
કંઈક વૃદ્ધ ચાલતા થયા.
બાળકો હસતા થયા.
પણ તેમના પત્ની શાંતિબા દિવસે દિવસે ધીમે ધીમે ઢીલા પડતા ગયા.
દયાશંકરે બધું કર્યું.
પોતાની બધી પડીખીઓ ખોલી નાખી.બધા શાસ્ત્ર, બધા મંત્ર, બધા ઔષધ અને દોરા ધાગા બધુજ અજમાવ્યુ.
પણ એમની પડીખી…
જે સૌને જીવ આપતી,
એ પોતાના જીવનસાથીને સ્પર્શ પણ ન કરી શકી.
સમય ધીમે ધીમે સંકોચાયો.
શાંતિબાના શ્વાસ આડા અવળા થવા લાગ્યા.
એક સાંજ, જ્યારે સૂરજ ડૂબતો હતો,
શાંતિબાએ પતિને બોલાવ્યા થાકેલા અવાજે કહ્યું—
“વૈદજી… મારી નજીક આવો.”
દયાશંકર શાંતિબા ના ખાટલા પાસે બેસી ગયા.
વર્ષો પછી આજે પ્રથમ વખત વૈદ તરીકે,દર્દી પાસે નહિ, પણ એક પ્રેમાળ પતિ રૂપે બેસેલા હતા.
શાંતિબાએ તેમની હથેળી પકડી.તેમની
આંગળીઓ હાડકાં જેવી, પણ સ્પર્શ હજુ ગરમ.
“હું અભાગી રહી, વૈદ રાજ ”
તેમણે મીઠા દુઃખથી કહ્યું,
“હું તમને કોઈ વારસ આપી શકી નહિ.”
દયાશંકરની આંખો,ભરાઈ ગઈ.
પણ કોઈ શબ્દો તેમના હોઠ પર નહોતા.
શાંતિબાએ આગળ કહ્યું
વૈદરાજ... હું ખર્યું પાન, હને મારો અંત નજીક છે.. તો એક વચન આપો..
“મારા ગયા પછી…
બીજી કોઈ સાથે ગૃહસ્થ વસાવી લેજો.હજુ તમે ભીને વાન છો.
તમે એકલા ન રહેતા.
નવી તમને કોઈ એક તો વારસ આપાવશે જ઼ .”
એટલું કહીને તેમણે આંખ મીંચી.
દયાશંકરે કંઈ બોલ્યા નહિ.
રડતી આંખે, નમતા મસ્તકે,
એમણે માત્ર માથું ઝુકાવ્યું—
વિદાય સ્વીકારી.
શાંતિબા ગયા પછી…
દયાશંકર વૈદ મૌન થયાં પણ જીવતા રહ્યા.
ગામ હજુય તેમની દવા લેતું હતું .
પણ એક વાત કોઈ થી અજાણી નહતી.
દયાશંકર…વૈદ તેમના પત્ની ના અવસાન પછી, તેમના ડખોલાયેલા જીવની શાંતિ માટે, તેમના પત્ની ની આભા દવાની પડીકીઓ માં શોધે છે,જે તેઓના એકલ જીવન ના દુઃખ ભૂલાવી શકે..
આજે શાંતિબા ની પુણ્ય તિથિ ને વરસ પૂરું થતું હતું. ગામમાં વૈદ રાજ તરફથી ભંડારો હતો. સૌને બપોરનું જમણ માટેનું આમંત્રણ હતું.
અને
શાંતિ બાં ની વરસી ના દિવસે જ઼ દયાશંકરે તેમની જીવન યાત્રા સંકેલી લીધી...
ત્યારે દયાશંકર નું મૃત્યુ એક ગામનો ઉત્સવ બન્યો.
આજે પણ દયાશંકર વૈદે ચીખલી ગામ ના ખોળે લીધેલા અનાથઃ છોકરા ઓ તેમનો વારસો જીવંત રાખી આજે પણ એમની પડીકી હાથવગી રાખે છે,
જે ગામ આખાના દુઃખ ભૂલાવી શકે.
“દયાશંકર તો ગયા, પણ તેમની પડીકી તેમના હાથમાંથી, એમના વારસદારો ના હાથમાં ગઈ—
હવે એ દવાની માત્ર પડીકી રહી નહોતી,
એ પડીકી માં દયાશંકર ની જીવંત દયા હતી… જે આખા ગામનો હવે વારસો બની ગઈ.”
