તર્પણ
તર્પણ
સસરાજીની તબિયત આજકાલ બરાબર રહેતી નથી. સુજાતા વહુને ચિંતા થાય છે બાપુજીની તબિયતની. સુજાતા અઠાર વર્ષની ઉંમરે આ ઘરમાં પરણીને આવી હતી. સુજાતાની સગાઈ સુકેતુ સાથે પંદર વર્ષની ઉંમરે થઈ ગઈ હતી. નક્કી તો એવું થયું હતું કે સુજાતા અને સુકેતુ ગ્રેજ્યુએટ થઈ જાય પછી જ બંનેના લગ્ન લેવા. પણ સુજાતાની માને કેન્સરનું નિદાન થયું. માને દીકરીના લગ્નનો લહાવો લેવો હતો. સંજોગો જોતા એ બંનેના લગ્ન વહેલા લેવાઈ ગયા. લગ્ન થયાને બીજા મહિનામાં સુજાતાની મમ્મીનું મૃત્યુ થયું. પત્ની પાછળ એક મહિનામાં સુજાતાના પિતા પણ અવસાન પામ્યા.
સુજાતાના સસરાજી શાંતિલાલ અને સાસુજી સુમનબેન ખૂબ માયાળુ હતા. સુજાતા જેવી સુશીલ, સંસ્કારી વહુ મળી એ સદભાગ્ય હતું. સુજાતા હવે માબાપ વિનાની થઈ ગઈ છે. એના માવતર એમને દીકરી આપણને સોંપીને ગયા છે. સુજાતાને આપણી દીકરી સ્વરૂપે જાળવવાની છે. સુમનબેને સુજાતાને અભ્યાસ પૂરો કરવા દીધો. એ ગ્રેજ્યુએટ થઈ ગઈ પછી એને ઘરકામમાં પલોટવા માંડી. સુજાતાને મન સાસુ સસરા જ માવતર સમાન હતા. સાસુએ એને વ્રત વર્તોલા કરાવ્યા. વહુને અંબોડો બાંધી આપે, પોતાના દાગીના, સેલા પહેરવા આપે, શણગારીને જ્યાં જાય ત્યાં સાથે જ રાખે. ઘરનો દરવાજો બંધ રાખીને રોટલા ઘડીને તાવડીમાં નાંખતા શીખવ્યું. સસરાજી શાંતિભાઈ પ્રેમથી એનો કાચોપાકો, વાંકોચૂકો રોટલો ખાય.
દીકરાએ બાપનો ધંધો સંભાળી લીધો, વહુએ ઘરનો કારભાર સંભાળી લીધો. પાંચ વર્ષથી સુજાતાની સાસુ સુમનબેન મૃત્યુ પામ્યા છે પણ સસરાજી શાંતિભાઈને પત્નીની ખોટ સાલી નથી. સુજાતાવહુ શાંતિલાલનું બ્લડપ્રેશર સવાર સાંજ માપે છે. સુગર ચેકઅપ કરે છે. સવાર સાંજ ઈન્સ્યુલિનના ઈન્જેક્શન આપવાનું કદી ચૂકતી નથી. સવાર, બપોર, સાંજની ગોળીઓ પાણીના ગ્લાસ સાથે એમના ટેબલ પર મૂકાઈ જાય.
સાસુજીને ગેરહાજરીમાં સસરાજીને જરા ઓછું ન આવવું જોઈએ. હવે એમને આંખે બહુ દેખાતું નથી. સુજાતા રામાયણ વાંચી સંભળાવે, ધાર્મિક પુસ્તકો વાંચી સંભળાવે. બાપુજીની જે જે ઈચ્છા થાય, દાન, ધરમાદો કરવાની, દીકરાવહુ તુરંત જ અમલ કરે છે.
કોઈ દિવસ નહીં ને આજે સુજાતાને સાંજની રસોઈ બનાવવામાં થોડું મોડું થઈ ગયું. બાપુજી ભૂખ્યા થયા હશે. ફટાફટ બાપુજીને માટે ખીચડી કઢી બનાવી નાંખ્યા. સુજાતા થાળી પીરસી બાપુજીની રૂમમાં આવી. બાજુમાં પાણીનો લોટો મૂક્યો. ગોળી ગળવા આપી. બાપુજી કહે તું જા બેટા, હું જમી લઈશ. તો સુજાતા કહે ના, તમે જમી લો ત્યાં સુધી બેઠી છું. કંઈ જોઈતું કરતું હોય તો !
વહુને માથે હાથ મૂકી આશીર્વાદ આપ્યા. બેટા સુખી થજે. તે અમને ઠાર્યા એવા ભગવાન તમને ઠારશે. ઘરડાંની આંતરડીની દુઆ હંમેશા ફળે. બાપુજી તમને આજે હાંફ ચડે છે. ઓછું બોલો. જાતે જ હું તારી સેવાથી તૃપ્ત થયો છું. જીવતડા જાણે નહીં ને મર્યા પછી રડાકૂટ, એવું બીજા લોકોના જીવનમાં બનતું આવ્યું છે તે મેં જોયું છે. તમે તો અમને જીવતાં ઠાર્યા છે. અમારી પાછળ શોક પાળવાનો નહીં. શ્રાદ્ધ ક્રિયા કરવાની નહીં. તારા હૃદયમાં સાસુ સસરાનું સ્થાન દેવદેવતા જેટલું છે. હૃદયપૂર્વકનું સ્મરણ એ જ સાચું શ્રાદ્ધ. એ જ અમારું સાચું તર્પણ છે. આ માબાપના અંતઃકરણ પૂર્વકના આશીર્વાદ છે.
બધાને જમાડીને કામ આટોપો. હવે મને નિરાંતે સૂઈ જવા દો. ચાદર ઓઢાડી, બત્તી બંધ કરી દે.
સવારની ચાની ટ્રે હાથમાં લઈ સુજાતા સસરાજીને ઉઠાડવા ગઈ. આજે બાપુજી કેમ મોડે સુધી સૂઈ રહ્યા છે ? ચાદર ખસેડી જુએ તો સસરાજી સાસુજીને મળવા ઉપડી ગયા હતા, રાત્રે એને છેલ્લા આશીર્વાદ આપીને.
