પ્રભુનો સ્પર્શ
પ્રભુનો સ્પર્શ
પરિવર્તનશીલ જગતમાં દરેક વસ્તુ નિયમોનુસાર આકાર બદલે છે. માનવસર્જિત વસ્તુઓ અને કુદરત સર્જીત વસ્તુમાં તફાવત છે. માનવસર્જિત વસ્તુ એકની એક જ રહે છે. માનવી એક વસ્તુ બનાવ્યા બાદ બીજી વસ્તુ બનાવે ત્યારે બીજી બને છે. એકમાંથી બે થતી નથી.
જ્યારે કુદરત સર્જિત વસ્તુ એકની અનેક થાય છે. એક સામાન્ય બીજ જમીનમાં પડતાં તેના અંકુર ફૂટે, છોડ બને અને ઘટાદાર વૃક્ષ બની જાય તેના પર અસંખ્ય બીજ થતા તે જમીન પર પડે, ફરી અંકુર ફૂટે, છોડ થાય, વૃક્ષો થાય, વન બની જાય.એક માનવીમાંથી અનેક માનવી એક જીવમાંથી અનેક જીવ જંતુઓ ઉત્પન્ન થાય છે.
ઈશ્વરના સર્જનની વસ્તુ ડબલથી ડબલ કે અસંખ્ય થતી જાય છે. વૃદ્ધિ પામતી જાય છે. કારણકે સર્જન પર પ્રભુનો સ્પર્શ થયો હોય છે. આ પરમાત્માની કરામત છે. વિશ્વપતિના સ્પર્શથી ઉત્પન થતી વસ્તુઓ હંમેશા વૃદ્ધિ પામે છે. માનવીના મૃત્યુ બાદ તેનું અસ્તિત્વ મટી જાય છે, પરંતુ તેનો આત્મા ફરીથી ક્યાંક જન્મ લઈને નવ સર્જન કરે છે.
સૂર્યની સખત ગરમીથી નદી, સરોવર, નાળા, દરિયાનું પાણી બાષ્પીભવન થઈ વરાળ રૂપે આકાશમાં જઈને ત્યાં વાદળમાં બદલાય છે. વાતાવરણ બદલતાં એ વરસાદ રૂપે ફરી નદી, સરોવરમાં ભેગું થાય છે ફરી બાષ્પરૂપે આકાશમાં જઈ વરસાદ રૂપે જમીન પર આવવું. આ સર્જનાત્મક ક્રિયાઓ સમયાંતરે બદલાયા કરે છે. આ કુદરતની અવરિત ગતિએ ચાલતી ક્રિયાઓ છે. તેમાં કદી ફેરફાર થતો જ નથી. તેમાં વૃદ્ધિ થાય છે. કારણ કે આ તમામ ક્રિયા પ્રક્રિયા કુદરતની કરામત છે. તેના સર્જનમાં પ્રભુનો સ્પર્શ થયો છે.
