ફળ
ફળ
આકાશ ઓફિસેથી આવે એટલે ઝરૂખામાં આવીને બેસે. ઓફિસેથી આવીને ઝરૂખામાં બેસવાથી તેને બહુ શાંતિ અને આરામ મળતો હતો. આખા દિવસનો થાક ઉતરી જતો હતો.
ઝરૂખાની સામે માતાજીનું મંદિર હતું. મંદિરની પાસે ઝરણું વહેતું હતું. સેલારા લેતી વૃક્ષની ડાળીઓ હતી. ડાળ ઉપરના પર્ણોનું નવું સંગીત વાગતું હોય તેવું લાગતું હતું. વહેતા વાયરાની ઠંડક આકાશના તનમનને સ્પર્શી જાય તેમ લાગતી હતી. વાયરા સંગે ડોલતા તરુવરને જોઈ હૈયું આનંદથી ઉભરાવા લાગતું હતું. ઝરણાનું પાણી ખળખળતું વહેતું કોલાહલ કરતું જતું હતું. કુદરતી સૌંદર્યનો નજારો માણીને આકાશનું હૈયું ઊર્મિસભર બની સંવેદનાની અનુભૂતિને ઝીલતું હોય તેવું લાગતું હતું.
રોજ સાંજે સંધ્યાટાણે માતાજીના મંદિરમાં આરતીનો સમય થાય ત્યારે કોઈ સુમધુર અવાજે આરતી ગાઈને આકાશનું મન હરી લેતું હતું. આકાશનો રોજ નિત્યક્રમ થઈ ગયો હતો. ઓફિસેથી આવીને ઝરૂખામાં બેસીને કુદરતી નજારો માણવાનો અને મંદિરમાં સુમધુર અવાજે આરતી સાંભળવાની.
આકાશને આરતી કોણ ગાય છે તેને મળવા મન તલપાપડ થતું હતું. મારે તેને મળવું છે. આકાશ ઓફિસેથી આવે છે ત્યારે ઝરૂખામાં બેસવા નથી જતો અને સીધો મંદિરે જાય છે. આરતી કોણ ગાય છે તેની રાહ જુએ છે. આરતીનો સમય થાય છે. ધારા આવે છે. પોતાના સુમધુર અવાજે આરતી ગાઈને અને આકાશને પ્રસાદ આપે છે. આકાશ ધારાને જોતો જ રહી જાય છે. લાંબા કાળા ભમ્મર વાળ, પાણીદાર આંખો, પાતળી કમ્મર, ગોરો વાન, દેખાવમાં તો એટલી સુંદર કે પહેલી નજરમાં જ પ્રેમ થઈ જાય. ધારાને જોતા જ આકાશને પહેલી નજરનો પ્રેમ થઈ ગયો.
આકાશ રોજ સાંજે મંદિરમાં આવે આરતી સાંભળે અને ધારાના હાથથી પ્રસાદ લે. હવે ધારા અને આકાશ એક બીજાની જોડે વાતો કરતા થઈ ગયા. આકાશે ધારાને લગ્ન માટે પ્રસ્તાવ મૂક્યો ધારાએ કહ્યું, "મારાથી લગ્ન નહી થાય." આકાશ પૂછે છે, "કેમ"?
ધારા કહે છે, "હું બારમા ધોરણમાં હતી ત્યારે મારો અકસ્માત થયો હતો. એ અકસ્માતમાં મને અંદરૂની ઈજા થઈ હતી. હું કોઈ દિવસ 'મા' નહી બનું." આ સાંભળી આકાશે તેને કહ્યું, "મને કોઈ જ વાંધો નથી. હવે તો સાયન્સ એટલું બધું આગળ વધ્યું છે કે કોઈને કોઈ ઈલાજ મળી રહે છે. જો આપણને બાળક નહી થાય તો હવે તો દત્તક પણ લેવાય છે. પણ લગ્ન તો હું તારી જોડે જ કરીશ." આવો સુગંધી પ્રેમ પામવા માટે આકાશનું હૈયું અધીરું બન્યું.
આકાશ અને ધારાના બંનેના ઘરની સંમતિથી આકાશ ધારાના લગ્ન ધામધૂમથી થઈ ગયા. કહેવાય છે ને ભગવાન કે ઘર દેર હૈ અંધેર નહી. ધારાની ભગવાન પ્રત્યેની અતૂટ શ્રદ્ધા- આરતી- પૂજાએ ભગવાને ધારાને પ્રસાદ રૂપે ફળ આપ્યું. ધારાને સારા દિવસો રહ્યા. ધારાએ સુંદર અને તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો.
ધારા અને બાળક ઝરૂખામાંથી ઓફિસે જતા આકાશને બાય-બાય કરે છે.
