સ્વર્ગમાં ચાલે તેવું ધન
સ્વર્ગમાં ચાલે તેવું ધન
સ્વર્ગમાં ચાલે તેવું ધન
એક વખતની વાત છે. અમદાવાદના એક સફળ વેપારી હતા, નામ હતું વિજયભાઈ. તેઓ જીવનભર ધન કમાવવામાં જ મગ્ન રહ્યા. દિવસ-રાત મેહનત કરી, કરોડોની સંપત્તિ ઊભી કરી. પરંતુ પરિવાર, મિત્રો કે સમાજ માટે સમય કે ધન કદી ખર્ચ્યું નહીં.
એક રાત્રે વિજયભાઈને એક અદ્ભુત સ્વપ્ન આવ્યું.
સ્વપ્નમાં જોયું. તેના જીવન ભરની કમાઈ એક બેગ માં લઈને જતા હતા ત્યાં ટ્રક ને અડફેટે ચડતા તેનો અકસ્માત થઇ ગયો. મૃત્યુ સમય તેનું મોઢું રસ્તા બાજુના મંદિરના ભગવાન તરફ હતું. આમ તેનું મસ્તક ભગવાન તરફ હોવાને કારણે યમરાજ તેમને સ્વર્ગલોક લઈ ગયા. સ્વર્ગના દ્વાર પર દેવરાજ ઇન્દ્ર સ્વયં મુસ્કાન સાથે તેમનું સ્વાગત કરવા આવ્યા. તેમના સૌમ્ય વર્તનથી વિજયભાઈને લાગ્યું કે તેમનું આગમન આદરપૂર્વક સ્વીકારાયું છે.
તેમના હાથમાં એક ભારે બેગ હતી. ઇન્દ્રએ તેની તરફ જોઈને સહજ ભાવે પૂછ્યું, “આમાં શું છે?”
વિજયભાઈએ ગર્વથી જવાબ આપ્યો, “આ મારા જીવનભરની કમાણી છે – સાત કરોડ રૂપિયા!”
ઇન્દ્રએ કોઈ પ્રતિક્રિયા વગર એક લોકર તરફ ઇશારો કર્યો, જેના પર લખેલું હતું – **VIP-૦૦૧૦૮** – અને કહ્યું,
“તમારી અમાનત અહીં સુરક્ષિત રાખી દો.”
વિજયભાઈએ બેગ લોકરમાં મૂકી દીધી. તેમને રહેવા માટે એક અદ્ભુત કક્ષ આપવામાં આવ્યો.
થોડો આરામ કરીને તેઓ સ્વર્ગના બજારમાં નીકળી પડ્યા. ત્યાંના શોપિંગ મોલમાં જે વસ્તુઓ હતી, તે પૃથ્વીની કલ્પનાથી પણ પર હતી. તેમનું મન આકર્ષાયું. કેટલીક વસ્તુઓ પસંદ કરીને ટોપલીમાં મૂકી, ભુગતાન માટે કાઉન્ટર પર પહોંચ્યા. તેમણે ખિસ્સા માંથી હજાર-હજારના નવા નોટો આગળ ધર્યા.
પ્રબંધકે નોટો જોઈને શાંતિથી કહ્યું, “માફ કરજો, આ કરન્સી અહીં ચાલતી નથી.”
प्राप्य पुण्यकृतां लोकान् उषित्वा शाश्वतीः समाः।
शुचीनां श्रीमतां गेहे योगभ्रष्टोऽभिजायते॥ (શ્રીમદ ભગવદ ગીતા અધ્યાય 6, શ્લોક 41)
પુણ્ય કર્મ કરનાર આત્મા ઉચ્ચ લોક પ્રાપ્ત કરે છે.
વિજયભાઈ સ્તબ્ધ થઈ ગયા. ગભરાઈને તેઓ ઇન્દ્ર પાસે પહોંચ્યા અને ફરિયાદ કરી. ઇન્દ્ર મુસ્કુરાઈને બોલ્યા,
“તમે વેપારી હોવા છતાં આટલું પણ નથી જાણતા? તમારી આ મુદ્રા તો પૃથ્વી પર જ પડોશી દેશોમાં પણ સંપૂર્ણ ચાલતી નથી. અને તમે મૃત્યુલોકની કરન્સી સ્વર્ગલોકમાં ચલાવવાનો પ્રયત્ન કરો છો?”
આ શબ્દોએ વિજયભાઈને અંદર સુધી હલાવી નાખ્યા. તેમને લાગ્યું કે જાણે સાપ કરડી ગયો હોય. તેઓ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા અને પરમાત્માને વિનંતી કરવા લાગ્યા –“હે પ્રભુ! આ શું થઈ ગયું?
મેં દિવસ-રાત એક કરીને માત્ર ધન કમાવ્યું.
મા-બાપની સેવા ન કરી – ધન કમાવ્યું.
બાળકો સાથે સમય ન ગાળ્યો – ધન કમાવ્યું.
પત્નીના સ્વાસ્થ્ય અને લાગણીઓની અવગણના કરી – ધન કમાવ્યું.
સ્નેહીઓ, પરિવાર અને મિત્રોથી દૂર રહીને એક જ ધ્યેય રાખ્યું – ધન.”
તેમની વેદના સાંભળીને ઇન્દ્રએ કહ્યું, “રડવાથી અહીં કંઈ હાથ લાગતું નથી. અહીં જેટલું ધન લોકો લાવ્યા છે, તે બધું નિરર્થક છે. જમશેદજી ટાટાના હજારો કરોડ, બિરલા પરિવારની અગાધ સંપત્તિ, ધીરૂભાઈ અંબાણીના અબજો ડોલર – બધું અહીં પડ્યું છે, વાપરવા લાયક નથી.”
ધનના ઢગલા ધરતી પર રહી જાય,
સ્વર્ગે જાય તો પુણ્યની થેલી ખુલે.
જીવન ભર ધન કમાયું અને ગુમાવ્યું,
પુણ્ય વગર તો સ્વર્ગ પણ ખાલી લાગે.
વિજયભાઈએ ધ્રૂજતા અવાજે પૂછ્યું, “તો અહીં કઈ કરન્સી ચાલે છે?”
ઇન્દ્રએ ગંભીર સ્વરે કહ્યું, “પૃથ્વી પર કરેલાં પુણ્ય કર્મો.
કોઈ દુઃખીની મદદ કરી,
કોઈ રડતા ચહેરા પર હાસ્ય લાવ્યું,
કોઈ ગરીબ કન્યાનું કન્યાદાન કર્યું,
કોઈ અનાથ બાળકને શિક્ષણ આપીને સક્ષમ બનાવ્યું,
કોઈને વ્યસનમુક્ત કર્યું,
વૃદ્ધાશ્રમ, અપંગ શાળા કે મંદિરમાં સેવા-દાન કર્યું...”
“અને હજુ વધુ પુણ્ય કમાવવું હોય તો ?” વચમાંથી વિજયભાઈ એ પૂછ્યું.
“ભગવાનના દૈવી વિચારો ઘર-ઘર પહોંચાડો. જે ગીતાજીમાં કહ્યા છે.
આવા પુણ્ય કર્મોથી અહીં એક દિવ્ય **ક્રેડિટ કાર્ડ** મળે છે. તેનાથી જ સ્વર્ગીય સુખોનો ઉપભોગ થાય છે.
धनानि भूमौ पशवश्च गोष्ठे भार्या गृहद्वारे जनः श्मशाने।
देहश्चितायां परलोकमार्गे कर्मानुगो गच्छति जीव एकः॥
(અર્થ : ધન ધરતી પર, પશુઓ ગોઠે, પત્ની ઘરે, મિત્રો ખેતરે, વિદ્યા વિદ્યાલયમાં રહી જાય છે. મૃત્યુ પછી કંઈ સાથે ન જાય – માત્ર એકલો યમમાર્ગે જવું પડે છે. ફક્ત પુણ્ય-પાપ સાથે જાય છે.)
ચમડી ટૂટે પણ દમડી ના છૂટે” – લોભી માણસ ત્વચા તૂટે તો તૂટે પણ પૈસો ખર્ચતો નથી, પણ એ લોભ જ તેને સ્વર્ગથી વંચિત રાખે છે.
વિજયભાઈ અપરાધબોધથી ભરાઈ ગયા. તેમણે કહ્યું, “હે પ્રભુ, મને આ જ્ઞાન નહોતું. મેં મારું જીવન વ્યર્થ ગુમાવ્યું. મને થોડો વધુ સમય આપો, હું મારાં કર્મો સુધારીશ.”
તેઓ કરગરવા લાગ્યા. દેવરાજ ઇન્દ્રનું હૃદય દ્રવી ઊઠ્યું. તેમણે માત્ર એટલું જ કહ્યું – “તથાસ્તુ.”
અને તરત જ વિજયભાઈની ઊંઘ તૂટી ગઈ. તેઓ જાગી ગયા.
આજે તેઓ જીવતા છે – અને હવે તેઓ એ જ દોલત કમાવશે જે મૃત્યુ પછી પણ કામ આવે.
અને જ્યારે તેઓ પુણ્ય કમાવા લાગ્યા ત્યારે જાણ્યું . આ પુણ્ય કમાવા નો જે રસ્તો છે તેનાથી સ્વર્ગનું નિર્માણ તો પૃથ્વી પર જ થઈ રહ્યું છે. સત્ય એ છે કે ઈશ્વરીય દૈવી કર્મોથી જ પૃથ્વી પર સ્વર્ગનું સર્જન થાય છે.
