Param Desai

Inspirational Thriller Tragedy

3  

Param Desai

Inspirational Thriller Tragedy

સ્પેકટર્ન - ૮

સ્પેકટર્ન - ૮

8 mins
7.2K


આજે છઠ્ઠા દિવસની સવાર વાતાવરણમાં અચાનક જ પલટો લાવી હતી. ઉઠ્યાભેગું મેં બારીમાં નજર કરી તો આકાશ આખું વાદળોની આગોશમાં સમાઈ ગયું હતું. હેલિકોપ્ટર એ વાદળોનાં ઝુંડમાંથી માર્ગ કાપતું આગળ વધી રહ્યું હતું.

બપોરના લંચ પછી તો આકાશ કાળા ડીબાંગ વાદળોથી ઢંકાઈ ગયું હતું. એ વાદળોમાંથી પ્રસરી રહેલી ઠંડક હેલિકોપ્ટરના બંધ બારી-બારણામાંથી પણ અંદર ગરકાવ થઈને અમને ધ્રુજાવી રહી હતી. તેમ છતાં પણ સૂર્યનો થોડો ઉજાસ ફેલાયેલો હતો.

મેં પ્રોફેસર બેન સાથે વાતાવરણ અંગે ચિંતા વ્યક્ત કરી તો તેમણે કહ્યું, ‘જો એલેક્સ, ઉત્તર બાજુ આવું વાતાવરણ તો અવારનવાર રહેતું હોય છે, ખૂબ જ ભયંકર વાવાઝોડાં ઉદ્દભવતા હોય છે અને જતા-આવતા વહાણો અને વિમાનો માટે ચિંતાનો વિષય બનતા હોય છે. પણ આ બાજુ એવું સામાન્ય રીતે ઓછું બને છે.’ તેમણે કંટ્રોલ પેનલમાં રહેલા બેરોમીટર તરફ એક દ્રષ્ટિપાત કર્યો અને પછી મારી સામે જોઈને કહ્યું, ‘મને લાગે છે કે ઉત્તર તરફનું કોઈક તોફાન દિશા બદલીને આ તરફ આવતું હોવું જોઈએ.’

પ્રોફેસરનું આ વાક્ય સાંભળીને અંદરની બેઠકોમાં બેઠેલા વોટ્સન, જેમ્સ, ક્રિક વગેરે સફાળા ઊભા થઈ ગયા.

સાંભળીને મને પણ ધ્રાસકો પડ્યો. વિલિયમ્સે ગભરાટભર્યા અવાજે પૂછ્યું, ‘તો પ્રોફેસર બેન, ‘સ્પેક્ટર્ન’ને હવે કેટલી વાર છે ?’

‘મારી ગણતરી પ્રમાણે તો હજુ એક-દોઢ દિવસ થશે.’ પ્રોફેસર બેન પોતાની આછી દાઢી પર હાથ ફેરવતા બોલ્યા.

‘અરે બાપ રે !’ જેમ્સના મોંમાંથી ઉદગાર સરી પડ્યો.

‘આ તોફાનની હવે ચિંતા છે...’ ક્રિકે ચિંતા વ્યક્ત કરી.

અત્યારે લગભગ બધા જ મનોમન ઈશ્વરને પ્રાર્થી રહ્યા હતા કે પહોંચવાની છેલ્લી ઘડીએ કોઈ વિધ્ન ન નડે તો સારું.

                                                              ***

મેં ઘડિયાળમાં જોયું તો સાંજના પાંચ વાગી રહ્યા હતા. પરંતુ બહાર એવું ગાઢ વાતાવરણ જામ્યું હતું કે દિવસ છે કે રાત એનો પણ ખ્યાલ નહોતો આવતો.

છેલ્લા દસેક કલાકથી સતત વાતાવરણ બગડી રહ્યું હતું. હવે તો ક્યારેક ક્યારેક વિજળીનાં કડાકા વાદળોનાં ગાભમાંથી છૂટીને ભીષણ અવાજ કરતા અદ્રશ્ય થઈ જતા હતા. એના મોટા મોટા ચમકારા હેલિકોપ્ટરના બંધ કાચમાંથી અંદર ભોંકાતા હતા.

અમે અમારી સીટ સાથે એકદમ જકડાઈને બેસી રહ્યા હતા, એ આશામાં કે હવામાન સારું થશે અને અમે વિના વિધ્ને ‘સ્પેક્ટર્ન’ પહોંચી શકશું. પણ કુદરતને હંમેશા આપણું કહ્યું મંજૂર નથી હોતું તેમ હવામાન ઓર બગડ્યું હતું. મેક્સ બિચારો એકીટશે હેલિકોપ્ટરને નિયંત્રિત કરવા મથી રહ્યો હતો. પ્રોફેસર બેન એને લગાતાર સૂચનાઓ આપ્યા કરતા હતા.

‘દિશા જાળવી રાખજે, મેક્સ...કંઈ પણ થાય...તું દિશા છોડીશ નહીં...પોઈન્ટ થ્રી ફાઈવ ફાઈવ પર જ રાખજે...’ પ્રોફેસરે છેલ્લી સૂચના પૂરી કરી કે એ જ ક્ષણે એક જોરદાર ઝાટકા સાથે હેલિકોપ્ટર ડગી ગયું. અમે સીટ પરથી નીચે ગબડી પડ્યા. અચાનક જ લાગેલા ધક્કાથી પેલી છાજલી ઉપર પડેલો બધો સામાન પણ ટપોટપ અમારા માથે પટકાયો. અમે આડા હાથ દઈને બચવાની કોશિશ કરી તો થેલાઓ અમારી માથે પડીને આજુબાજુ ફેલાઈ ગયા. એક થેલાની અંદર વાસણો હતા એ બધા કર્કશ અવાજ સાથે ફંગોળાયા અને ત્યાં દેકારો મચી ગયો.

મેં બેઠા થઈને જોયું તો વાસણવાળા થેલાની ચેન ખૂલી ગઈ હતી અને વાસણો આમતેમ પડ્યા હતા.

‘મેક્સ...જરા જોઈને...’ પ્રોફેસર બેન જોરથી બોલ્યા અને પછી અમારી સામે જોયું, ‘શું થયું એલેક્સ ? બધા બરાબર છો ને ?’

‘આ... અમે... ઠીક છીએ... પ્રોફેસર સાહેબ...’ વોટ્સને આસ્તે આસ્તે ઊભા થતાં કહ્યું, ‘ઉપર મૂકેલો આ સામાન...’ એ એનું વાક્ય પૂરું કરી શકે એ પહેલાં તો વળી એક હવાના ઝોંકા સાથે હેલિકોપ્ટર ડાબી તરફ ઝૂક્યું અને વોટ્સન અમારા પર ગબડી પડ્યો. હજુ તો અમે ઊભા થવાની કોશિશ કરી ત્યાં તો વોટ્સનનું ભારે શરીર અમારા પર ખડકાયું.

‘અરે છોકરાઓ...સંભાળજો...’ પ્રોફેસર એની સીટ પરથી ઊભા થઈ ગયા, ‘મેક્સ...ભૂલતો નહીં...પોઈન્ટ થ્રી ફાઈવ ફાઈવ...’ એ સતત મેક્સને એક જ લાઈનમાં રહેવાનું કહ્યા કરતા હતા. મને એ ભાષા તો સમજાતી નહોતી, પરંતુ એટલું ચોક્કસ હતું કે પ્રોફેસર બેન હેલિકોપ્ટરને બને એટલું ‘સ્પેક્ટર્ન’ની દિશામાં રાખવા માગતા હતા.

મેક્સ પણ એનામાં હતું એટલું બુદ્ધિબળ વાપરતો હેલિકોપ્ટરનું સુકાન દક્ષતાથી સંભાળી રહ્યો હતો. એ જોઈને મને એના પર માન થઈ આવ્યું.

બહાર વીજળીનાં ગડગડાટ સાથે ઠંડો પવન એટલી તીવ્રતાથી ફૂંકાતો હતો કે એની થપાટોને લીધે હેલિકોપ્ટર એક દિશામાં નહોતું રહી શકતું.

ક્રિકે કહ્યું હતું એવું જ થયું. હવે મને ક્રિકની નકારાત્મક વાતોમાં તથ્ય લાગતું હતું. રખેને આ હેલિકોપ્ટર તોફાન સામે ઝીંક નહીં ઝીલી શકે તો અમારું તો આવી જ બનશે...હું વિચારોમાં ખોવાઈ ગયો...- હવે શું થશે – ની ઉત્કંઠાથી પ્રોફેસર બેન સહિત બધાના હ્યદય જોરશોરથી ધબકતાં હતાં. મેં આંખો બંધ કરી – લીમા નજર તળેથી પસાર થઈ ગયું... અમારી હાઉસિંગ રેસિડેન્સી... મારું વ્હાલું ઘર... મમ્મી...! – બધું જ પસાર થઈ ગયું. એક ઊંડા શ્વાસ સાથે મેં આંખો ખોલી. સામે પ્રોફેસર બેનનો દ્રઢ ચહેરો જોતાં જ બધા વિચારો ગાયબ થઈ ગયા અને હતું એના કરતાં ડબલ જોમ મારા શરીરમાં પ્રસરી ગયું.

‘કમ ઓન બોયઝ, આપણે આ તોફાનનો મુકાબલો કરવાનો છે. ડરશો તો જિંદગીને ભૂલી જવી પડશે. ઓલ રાઈટ ?’ પ્રોફેસર ઉત્સાહથી ભરપુર અવાજે બોલી ઉઠ્યા.

‘યસ ! વી આર રેડી !’ લગભગ અમે એક સાથે કહ્યું.

અચાનક એક મોટો વીજળીનો કડાકો હેલિકોપ્ટરના આગળનાં કાચને તોડતો સીધો જ કંટ્રોલ પેનલ પર ખાબક્યો. ‘ધડામ’ કરતો જોરથી અવાજ આવ્યો અને મેક્સ એની સીટ પરથી બાજુ પર ફંગોળાઈ ગયો. આખું કંટ્રોલ પેનલ શોર્ટસર્કીટ થઈને બળવા લાગ્યું.

‘ઓહ શીટ ! મેક્સ ! ઠીક છે ને તું ?’ પ્રોફેસર બેને મેક્સને ઊભો કરતાં પૂછ્યું.

‘હા...પણ હવે હેલિકોપ્ટર મારા કંટ્રોલની બહાર છે, સાહેબ, હું કશું નહીં કરી શકું.’ એણે ઉદાસ અવાજે કહ્યું. એનાં જમણા બાવડા પર વીજળીને લીધે ઘસારો પડી ગયો હતો અને એમાંથી લોહી નીકળતું હતું.

હવે હેલિકોપ્ટર આકાશમાં ફંગોળાતું ગોળ ગોળ ફરી રહ્યું હતું. મને એકદમ ચક્કર આવવા જેવું લાગતું હતું. કાળ અમારા પર ખરેખર તૂટી પડ્યો હતો.

ઉપર ફરતાં પાંખિયાનો અવાજ પણ હવે બદલાઈ ગયો હતો.

‘એલેક્સ ! થોમસ ! વોટ્સન ! તમારી બરાબર પાછળ ત્રણ નાની હોડીઓ લટકે છે, એને કાઢો.’ પ્રોફેસર બેને હુકમ છોડ્યો. અમે પાછળ જોયું તો તાડપત્રીના કવરવાળી ત્રણ બચાવ નૌકા લટકતી હતી. દોડીને અમે એ કાઢી લીધી. ત્રણ જણા માંડ સમાય એવી એ હતી, પણ અમારા માટે તો પૂરતી હતી.

ઝખ્મી હેલિકોપ્ટર હવે એટલાંટિક મહાસાગરનાં પાણીમાં ગરકાવ થવા જઈ રહ્યું હતું. અમે બને એટલો સામાન ભેગો કરવાની કોશિશ કરી અને દરવાજો ખોલીને એક પછી એક થેલાઓ નીચે પાણીમાં ફેંકવા માંડ્યા.

‘એલેક્સ ! થેલાઓ ફેંકશો નહીં.’ પ્રોફેસર બરાડ્યા, ‘અત્યારે માત્ર પોતાનો થેલો લઈને કૂદી પડો. કોઈ રસ્તો નથી બીજો. તમે કૂદો એટલે હું આ નૌકાઓ નીચે ફેંકુ છું.’

હવે હેલિકોપ્ટર એકદમ તીરની જેમ નીચે સરકતું હતું. સમુદ્રના પાણીથી અમે માત્ર પચાસેક ફૂટ ઉપર હતા.

‘જાઓ જલ્દી...’ પ્રોફેસરે એલાન કર્યું અને એક પછી એક બધા નીચે કૂદવા લાગ્યા. નીચે ઠંડા પાણીમાં થપાક...થપાક...અવાજો મેં સાંભળ્યા. બે જણ કૂદી ગયા પછી હું દરવાજા પાસે મારું શરીર સંભાળતો ઊભો રહ્યો. પછી મેં પ્રોફેસર બેન તરફ નજર કરી.

‘એલેક્સ ! ટાઈમ નથી. જલ્દી કૂદ...હું અને મેક્સ સંભાળી લઈશું...’ ધડાધડ થતાં એન્જિનના દેકારામાં એ જોરથી બોલ્યા. મેં નીચે ભૂરા પાણીમાં નજર કરી અને... કુદ્યો. સપાટાભેર હું ઠંડી હવાને કાપતો પાણીમાં ખાબક્યો અને પાણીમાં બે-ત્રણ ફૂટ અંદર ગરકાવ થઈને ફરી બહાર નીકળ્યો. આંખો ચોળીને મેં જોયું તો ગર્જના કરતું હેલિકોપ્ટર થોડે દૂર પાણીમાં ખૂબ વેગથી પછડાયું. એટલા વિસ્તારનું બધું જ પાણી જાણે દરિયામાં કોઈ મોટો વિસ્ફોટ થયો હોય એમ ઉંચે ઊછળ્યું અને ફરી પાછું દરિયામાં પટકાયું અને ત્યાં પાણીનાં મોટા મોટા કુંડાળા સર્જાઈ ગયા.

બધું જ શાંત થઈ ગયું. કાનમાં પાણી ભરાઈ જવાને કારણે પ્રસરી ગયેલા સન્નાટા અને હિલોળા લેતા સમુદ્રના પાણી સિવાય કોઈ જ અવાજ નહોતો.

થોડી વાર તો મારી જાતને અસલિયતનું ભાન થતાં થઈ. છેલ્લી ઘડીઓમાં કેટલી ભયંકર ઘટના બની ગઈ હતી ! ઉપર આકાશમાં કાળા ડીબાંગ વાદળોનાં સમૂહ અને નીચે આ અગાધ સમુદ્ર... ચારે બાજુ પાણી પાણી ને પાણી...

મેં આજુ-બાજુ નજર કરી તો અમારો સામાન છૂટો-છવાયો થઈને આમ તેમ તરતો હતો. ત્યાં જ એક પછી એક પાંચ માથાં દેખાયાં અને મને ધરપત થઈ. વોટ્સન, થોમસ, વિલિયમ્સ, જેમ્સ અને ક્રિક – બધા જ સહીસલામત હતા. થોડે દૂર બે નાની બચાવ નૌકા તરતી હતી. એમાંની એકને મજબૂત રીતે પકડીને પ્રોફેસર બેન તરી રહ્યા હતા. એ જોર જોરથી શ્વાસ લઈ રહ્યા હતા.

‘પ્રોફેસર બેન ! ઠીક છો ને તમે ?’ હું તરતો-તરતો એ તરફ ગયો.

‘ઓલ...લ...રા...રાઈટ..., એલેક્સ.’ એ હાંફતા અવાજે બોલ્યા. દરમિયાનમાં મારા મિત્રો પણ એ તરફ આવી પહોંચ્યા. અમે ઝડપથી સામાન બંને હોડીઓમાં ગોઠવી દીધો અને પછી અમે હોડીમાં ચડી ગયા. હું, પ્રોફેસર બેન અને થોમસ એક હોડીમાં બેઠા અને ક્રિક, વિલિયમ્સ, જેમ્સ બીજીમાં.

આ બધી ઝંઝટમાં અમે મેક્સને તો ભૂલી જ ગયા હતા. મેં તરત જ પ્રોફેસર બેનને ગભરાટભર્યા અવાજે પૂછ્યું, ‘પ્રોફેસર ! મેક્સ ક્યાં છે ? એ દેખાતો નથી.’ હું હેલિકોપ્ટર જ્યાં ક્રેશ થયું હતું એ વિસ્તારના પાણીમાં આમતેમ રઘવાયો બનીને જોતો હતો.

‘ઓહ શીટ ! મેક્સ નથી દેખાતો.’ પ્રોફેસર બેન પણ આજુ-બાજુ નજર ઘુમાવતા બોલ્યા, ‘ચાલ એલેક્સ, હોડીને સામે જ્યાં હેલિકોપ્ટર ક્રેશ થયું ત્યાં લઈ જઈએ...કમ ઓન...’ કહીને એમણે હોડીની સાઈડમાં લાગેલા બે હલેસાં માંથી એક લઈ લીધું. એમનું અનુકરણ કરીને મેં પણ બીજું લઈ લીધું.

જેટલી તાકાત હતી એટલી તાકાતથી હલેસાં મારતાં અમે એ જગ્યાએ પહોંચ્યા. પાછળ-પાછળ વિલિયમ્સ, ક્રિક પણ હલેસાં મારતાં એમની હોડીને એ તરફ લઈ આવ્યા. અમારી હોડીમાંથી પ્રોફેસર બેન અને બીજી હોડીમાંથી વિલિયમ્સ - એમ બે જણાએ પાણીમાં ડૂબકી લગાવી ને છેક અંદર ઊંડે સુધી ગયા. હાલકડોલક થતી હોડીમાં બેઠેલો હું પાણી ઉપર તરી આવેલા હેલિકોપ્ટરના નાના-નાના કાટમાળને જોઈ રહ્યો. મને મેક્સની ખૂબ જ ચિંતા થતી હતી.

થોડીવારે બંને સપાટી પર આવ્યા. મેં અને પાછળની હોડી પરના જેમ્સ અને ક્રિકે એ લોકો સામે પ્રશ્નાર્થ નજરે જોયા કર્યું.

‘મેક્સ ગયો, એલેક્સ !’ હોડી પર આવીને પાણીથી લથબથ થઈ ગયેલા પ્રોફેસર બેને નિસાસો નાખ્યો. એમની આંખોમાં છલકાતું દુઃખ હું સ્પષ્ટ જોઈ શક્યો. તેઓ માંડ-માંડ બોલી શકતા હતા, ‘એની બચવાની શક્યતાઓ નહિવત છે. છેલ્લે હેલિકોપ્ટરમાંથી હું કુદ્યો એના પછી મેં હેલિકોપ્ટરને પાણીમાં ખાબકતાં જોયું હતું. કદાચ મેક્સ નજીકમાં ક્યાંક ઘવાયેલી હાલતમાં હોય તો એ જાણવા હું અને વિલિયમ્સ બન્યું એટલું ઊંડે જઈ આવ્યા. નીચે એક ખડક છે અને એની સાથે હેલિકોપ્ટર ટકરાયું હોવાને કારણે હેલિકોપ્ટરનો વચ્ચેથી ખુડદો બોલી ગયો છે અને એનો થોડો ઘણો કાટમાળ અહીં પાણી ઉપર તરે છે. ભયંકર અકસ્માત હતો આ...!’ પ્રોફેસરે પૂરું કર્યું. પછી અચાનક જ કંઈક યાદ આવ્યું હોય એમ ઉત્તેજનાથી બોલી ઉઠ્યા, ‘પણ, એલેક્સ ! ત્રીજી હોડી હજી ગાયબ છે...આ નવાઈની વાત છે.’

‘હા, પ્રોફેસર...’ હું ઊંડો નિસાસો નાખતાં બોલ્યો અને ઉપર જોયું. આકાશમાં વાદળોનો ગડગડાટ જામ્યો હતો. એ પછી થોડી જ વારમાં વરસાદ શરૂ થઈ ગયો. પ્રોફેસર બેનની સૂચનાથી અમે બંને હોડીઓ એક બીજા સાથે દોરડાથી બાંધી દીધી જેથી બંને હોડી એકસાથે રહી શકે.

વરસતા વરસાદમાં અમારી બંને હોડીઓ પવનનાં વેગે આગળ ધપ્યે જતી હતી. બસ, હવે અમારે અમારી જાતને નસીબ પર છોડી દેવાની હતી. એક મહિનો ચાલે તેટલો ખોરાક સાથે હતો એટલે અમે ભૂખે તો નહીં જ મરીએ એવું મેં વિચાર્યું. આવો ખતરનાક અને કમકમાટીભર્યો વખત આજ પહેલાં મેં ક્યારેય નહોતો જોયો.

વિચારતાં વિચારતાં જ મને લીમા યાદ આવ્યું... રેસિડેન્સી યાદ આવી... વહાલું ઘર... મમ્મી... બધાને મેં યાદ કરી લીધાં. કદાચ હવે મળવાનો વખત નહીં આવે એવું મેં મનોમન વિચારી લીધું હતું. ધસી આવતા આંસુ રોકવા મેં આંખો બંધ કરી અને ક્યારે ઊંઘ આવી ગઈ એ ખબર ન પડી.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational