"સૈનીકને સલામ"
"સૈનીકને સલામ"
“સ્મિતાબહેન ઓ સ્મિતાબહેન ક્યાં છો”? “અરે આ રહી બોલોને”, સ્મિતાબહેનએ ઘર કામ કરતા કરતા બહારની તરફ આવી ફળિયામાં આવેલા નીતાબહેનને જવાબ આપ્યો. “સ્મિતાબહેન તમારા માટે એક ખુશખબરી છે.” નીતાબહેને મલકાતા ચહેરે કહ્યું, “અરે વાહ શું છે બોલો ને? “ “તમને યાદ છે જ્યારે આપણા ગામમાં પુર આવ્યું હતું અને ઘણા બધા લોકો બેઘર થઈ ગયા હતા ત્યારે આપણા દેશના જવાનોએ પોતાના જીવની પરવા કર્યા વગર ઘણા બધા લોકોનો જીવ બચાવ્યો હતો અને એમના પ્રતાપે જનજીવન થાળે પડયું હતું. યાદ છે ને તમને”? નીતાબહેનના આ પ્રશ્નમાં સ્મિતાબહેન નો હરખ સમાયેલો હતો. કેમકે, એમના પતિ પણ દેશના એક સૈનિક જવાન જ છે અને એ યુદ્ધ અર્થે બે મહિનાથી દેશની સરહદ પર લડાઇ લડી રહ્યા છે એટલે દેશના જવાનો ના સત્કાર્યોમાં સ્વાભાવિક રીતે પોતાના પતિનો પણ સમાવેશ થતો હતો એટલે સ્વાભાવિક હાસ્ય સાથે સ્મિતાબહેન એ જવાબ આપ્યો, "હા ખબર છે ને!", નીતાબહેને કહ્યું, "એટલેજ, આપણા ગામમાં એક નાનકડા કોમ્પલેક્સનું ઉદઘાટન છે અને ગામવાળાનું કહેવું છે કે પોલિટિકલ લીડર કરતા દેશના કોઈ સૈનિક ઉદ્ઘાટન માટેની રીબીન કાપે તો સારું કેમકે જે જરૂરિયાતમાં કામ આવે એ જ દેશના અસલી હીરો કહેવાય એટલે દેશના અસલી હીરો આપણા દેશનો જવાન જ કહેવાય એટલે આ કાર્ડ હું તમને આપવા આવી છું આવતા અઠવાડિયે ઉદ્ઘાટન છે અને યુદ્ધ આજકાલમાં પૂરું જ થઈ જવાનું છે એવા ટીવીમાં સમાચાર છે એટલે આવતા અઠવાડિયા સુધીમાં કદાચ સુમિતભાઈ આવી જશે એટલે એમણે રીબીન કાપવાની છે. "આમ કહી નીતાબહેને કાર્ડ સ્મિતાબહેનના હાથમાં આપી અને ત્યાંથી નીકળી ગયા. તેમના પતિ ના હાથે ઉદ્ઘાટન કરવાનું હોય સ્મિતાબહેન ના હરખનો કોઈ પાર ન હતો.
નીતાબહેને આપેલા કાર્ડ નો સહર્ષ સ્વીકાર કરી અને જમવાનો સમય થઈ ગયો હોય એટલે સ્મિતાબેન ઝડપથી રસોડા તરફ આગળ વધ્યા કારણકે રસોઈ બાકી હતી સ્મિતાબેન રસોઈ કરતા હતા પણ હ્રદયના એક છેડે પતિની ચિંતા સતાવતી હતી કેમકે તેમના પતિ સુમિતભાઈ બે મહિનાથી સરહદ પર યુદ્ધ લડી રહ્યા હતા અને ન્યૂઝમાં સતત સૈનિકોના ઘાયલ થવાના અને શહીદ થવા ના સમાચાર આવી રહ્યા હતા એટલે સ્વાભાવિક રીતે જ સ્મિતાબેનનું મન બેચેન રહેતું હતું. યુદ્ધના કારણે તેમના પતિનો કોઈ સંપર્ક થતો ન હતો પણ હવે એક બે દિવસમાં જ યુદ્ધ સમાપ્ત થઈ જવાના સમાચાર મળતાં જ તેમના મનમાં પતિની સલામતી માટેનો અડગ વિશ્વાસ હતો. એટલે પોતાના પતિનાં પાછા ફરવાની તેઓ કાગડોળે રાહ જોઇ રહ્યા હતા. સ્મિતાબેનના પતિ સુમિતભાઈ દેશના સૈનિક હોવાને કારણે લગ્નના અઠવાડિયામાં જ સરહદ પર પોસ્ટિંગ આવતાં જ ઘરના બધા જ સભ્યોએ સુમિત ભાઈને ખુશી અને ચિંતાની મિશ્રીત લાગણી સાથે વિદાય કર્યા. કહેવાય છે ને કે ભારતીય સૈનિક જ્યારે વર્દી પહેરે છે ત્યારે દેશભક્તિની ભાવનામાં પોતે ઓતપ્રોત થઈ જાય છે. દેશભક્તિની લાગણી અને જુવાનીનો જોશ બંનેનો સમન્વય સુમિતભાઈમાં હતો એટલે એમણે વચન લીધું કે કાં તો હું ત્રિરંગો લહેરાવીને આવીશ કાં તો તેમાં લપેટાઈને આવીશ. સરહદ પર યુદ્ધ સમયે બધા જવાનોએ મળીને વચન લીધું કે અમે આખરી ગોળી અને આખરી શ્વાસ સુધી દેશ માટે લડી શું દુશ્મનોને મારતા પહેલા મોત આવે તો મોતને પણ મોતને ઘાટ ઉતારી દઈશું. એ જરૂરી નથી કે આખી રાત જાગે એ આશિક જ હોય એ દેશનો સૈનિક પણ હોઈ શકે કે જે પોતે પોતાના જીવનની પરવા કર્યા વગર અડગ ઉભો રહી દેશની સેવા કરતો હોય છે.
ત્યાંજ દસ વર્ષની દીકરી રિયા નો અવાજ કાને પડ્યો "મમ્મી... ઓ મમ્મી…મંગળવારે તું મને શું ગિફ્ટ આપીશ?" સ્મિતાબેન રોટલી બનાવી રહ્યા હતા. આ સવાલ સાંભળતાં જ એમના ચહેરા પર લાડ ભર્યું હાસ્ય આવી ગયું અને એમણે વળતા જવાબમાં કહ્યું. "બેટા તારી બર્થડે ને તો હજુ ત્રણ દિવસની વાર છે. છે..ક મંગળવારે છે."
"ભલે ને હોય મમ્મી પ્લીઝ... શું આપીશ કહે ને પ્લીઝ..” દીકરીની જીદ ભરી વિનંતી સાંભળતાં જ સ્મિતાબેન એ કંઈક ચોક્કસ માગણી હોવાના અંદાજ સાથે વહાલથી પુછ્યું "બોલ બેટા તારે શું જોઇએ છે?" સામેથી જવાબ મળ્યો “હું જે માગીશ એ તું આપીશ ને મમ્મી પ્રોમિસ?” રિયા એ આતુરતા ભર્યા અવાજે પ્રશ્ન કર્યો. "ઓકે પ્રોમિસ." ચહેરા પર સ્મિત સાથે નીતાબહેને વળતો જવાબ આપ્યો.
રિયા એ ખુશખુશાલ ચહેરે કહ્યું “મમ્મી, પપ્પાને અહીંયા બોલાવી લેને મેં બે મહિનાથી એમની સાથે વાત પણ કરી નથી મને પપ્પા બહુ યાદ આવે છે” દીકરી ના અવાજમાં દુઃખ હતું. “મને એ જ સરપ્રાઈઝ જોઈએ છે. મમ્મી પ્લીઝ..તે પ્રોમિસ આપ્યું છે અને તું જ કહે છે ને કે મમ્મી ક્યારેય પ્રોમિસ ના તોડે.” દિકરી જીદને વિનંતીના સ્વરૂપમાં કહી પોતે બહારની તરફ રમવા નીકળી ગઈ, પણ સ્મીતાબેનના કાનમાં એ જીદ સતત ગુંજવા લાગી. સ્મિતાબેનને પણ પતિના વિરહનું દુઃખ તો હતું જ પણ દીકરી તો મમ્મીને કહી ને જતી રહી પણ હું કોને કહું આ વિચારની સાથે જ સ્મિતાબહેન ના ચહેરા પર ચિંતાનું આવરણ છવાઈ ગયું. સ્મિતાબહેનના સાસુ હિનાબહેન પણ સ્મિતાબહેન નો ચિંતાતુર ચહેરો જોઈ એ પરિસ્થિતિ પામી ગયા. કારણકે પોતે પણ આ જ પરિસ્થિતિમાંથી પસાર થઈ ચુક્યા છે કેમકે એમના પતિ પણ દેશના સૈનિક જ હતા અને દીકરાનો જન્મ થતાં જ એમણે ત્યાં જ બધાયને અભિમાની સ્વરે કહી દીધેલું કે મારો દીકરો પણ મારી જેમ જ દેશનો એક જવાન સૈનિક બનશે અને દેશનું રક્ષણ કરશે.
જોકે એ સમયે હિનાબહેન નો ચહેરો ઉતરી ગયો હતો કારણકે એ પોતે એક સૈનિકની પરિસ્થિતિ માટે અજાણ ન હતા એમને ખ્યાલ હતો કે દેશનો જવાન પોતાના જીવની પરવા કર્યા વગર જ દેશ માટે લડે છે અને જ્યારે યુદ્ધનો માહોલ સર્જાય છે ત્યારે ઘરવાળાની શું પરિસ્થિતિ હોય છે એનાથી એ પૂરી રીતે વાકેફ હતા. તેઓ એ પણ જાણતા હતા કે જ્યારે દેશના જવાન લડતા લડતા મૃત્યુ પામે છે ત્યારે એ દેશ માટે શહિદ મનાય છે દેશ થોડા સમય માટે શહીદીનું દુઃખ વ્યક્ત કરી રૂટિનમાં આવી જાય છે પરંતુ એની પત્ની માટે એ એક પતિ હોય છે કે જેની સાથે પોતાનું જીવન જોડાયેલું હોય છે. એક મા માટે પોતાનો લાડકવાયો દીકરો હોય છે કે જેની બધી જ જીદ પૂરી કરી લાડથી ઉછેર્યો હોય છે. અને બાળકો માટે એમના પિતા હોય છે જે શહીદ થતા જ એમનું બાળપણ છીનવાઈ જાય છે. તેઓ શહીદને સલામ તો કરે છે, પણ હૃદયમાં જે દર્દ હોય છે એની કલ્પના કરવી ઘણી મુશ્કેલ છે. આ બધુ હિનાબહેન જાણતા હતા એટલે પોતાના હૃદયના ટુકડા માટે આ નિર્ણય લેવો ઘણો અઘરો હતો પણ સમય જતાં પતિની સમજાવટથી એ એમની વાત ટાળી ન શક્યા અને મને કમને સંમતિ આપી દીધી. "મમ્મી શું થયું?" પુત્રવધુ નો અવાજ કાને પડતા જ એ પોતાના મનોમંથનમાંથી બહાર આવ્યા અને કહ્યું, "ના બેટા આતો તમારા સસરા માટે થાળી પીરસવા આવી હતી." "હા મમ્મી રસોઈ તૈયાર જ છે." સ્મિતાબહેનએ જવાબ આપ્યો.
જ્યારે બીજી બાજુ દસ દિવસ પહેલા સુમિત ભાઈએ બરફથી ઢંકાયેલી ઊંચી પહાડી દોરડા મારફત ચડવાની ચેલેન્જ સ્વીકારી હતી એમને એ પણ ખબર હતી કે દુશ્મન દેશની સેના હેલિકોપ્ટરથી હુમલો કરી શકે છે છતાં પણ એક જવાન માટે દેશની રક્ષા સામે પોતાનો જીવ ગૌણ લાગે છે સુમિતભાઈ ચેલેન્જ પાર પાડવા પહાડી પર ચડતા હતા ત્યાં જ સુરંગ ફાટતા એમનો પગ પણ ફાટી ગયો હતો. પ્રાથમિક સુવિધા ન મળતા પોતે જ પોતાનો પગ હિંમતભેર કાપી નાખ્યો હતો છતાં પણ હિંમત ન હાર્યા અને આગળ વધ્યા અને દુશ્મન દેશ ને છેલ્લે સુધી ખબર પણ ન પડવા દીધી કે અહીં હિન્દુસ્તાનનો એક જ જવાન હાજર છે એટલે એ છેલ્લા દસ દિવસથી મેડીકલ સહાય હેઠળ હતા. એટલામાં જ યુદ્ધ પૂર્ણ થવાના સમાચાર બધી જ ન્યૂઝ ચેનલોમાં ગાજવા લાગ્યા પણ સુમિતભાઈ માટે ના કોઈ જ સમાચાર ઘરના સભ્યોને મળ્યા ન હતા સમય પસાર થવા લાગ્યો. ત્યાં જ મંગળવાર આવી ગયો સાસુ વહુ એ ભેગા મળી દીકરી રિયા ને પ્રેમથી જગાડી બર્થ ડે વિશ કર્યું દાદા સામે મોટી ગિફ્ટ લઈને ઉભા હતા. રિયા સિવાય બધાયના ચહેરા પર બનાવટી હાસ્ય છલકતું હતું. રિયા ને પોતાના બર્થ ડે નુ ઘણું ઈમ્પોર્ટન્સ હોવાથી એ જલદી જલદી ઉઠી ગઈ અને પોતાનું નિત્યક્રમ પરવારી ભગવાનને તથા ઘરના સભ્યોને પગે લાગી. બધાએ દીકરીને આશીર્વાદ આપ્યા. સ્મિતાબહેનને જેનો ડર હતો એ જ થયું. “અરે... મમ્મી... તને યાદ છે ને તે ત્રણ દિવસ પહેલા મને પ્રોમિસ આપ્યું હતું "...ક..યું.. પ્રોમિસ", જાણ હોવા છતાં અજાણતા નો નકાબ ઓઢી અચકાતા અવાજે સ્મિતાબહેનએ પ્રશ્ન કર્યો. દીકરીએ ખુશાલી ભર્યા અવાજે મમ્મીને યાદ દેવડાવવા કહ્યું "અરે.. પપ્પા, પપ્પાને અહીં બોલાવવાનું ભૂલી ગઈ." સ્મિતાબેન નિ:શબ્દ બનીને સાસુ હીનાબેન સામે ભારે હૈયે તાકી રહ્યા.
ત્યાંજ "અરે..પપ્પા.. " ચહેરા પર ખુશખુશાલ હાસ્ય સાથે રિયા બોલી ઉઠી અને દોડી બહારની તરફથી ઘરના ઉંબરાની નજીક આવતા સુમિત ભાઈને ભેટી પડી અને પપ્પાને વહાલ કરવા લાગી. પપ્પા પણ પોતાની વહાલસોયી દીકરીને ઘણા વખતે મળતા જ ચુંબનનો વરસાદ વરસાવવા લાગ્યા અને દીકરી ખુશીથી બોલવા લાગી "થેન્ક્યુ મમ્મી તે આજે પણ તારું પ્રોમિસ પૂરું કર્યું." જ્યારે દીકરાને લાકડાના પગ સાથે આવતો જોઈ મા હીનાબેન પણ આંખના ઝળઝળિયા સાથે ઘૂંટણનો દુખાવો હોવા છતાં પણ ઝડપથી ચાલવા લાગ્યા અને દીકરા તરફ આગળ વધ્યા અને દીકરાને હૃદય-સરસો ચાંપ્યો. જ્યારે પિતાએ પણ દીકરાને વહાલથી છાતી સરસો ચાંપ્યો. જ્યારે પત્ની સ્મિતાબેન એકધારી નજરે સુમિતભાઈ ને નિહાળતા રહ્યા અને થોડા સમય માટે જાણે પૂતળું જ બની ગયા. સુમિતભાઈ પત્નીની પરિસ્થિતિ સમજતા હતા એટલે અંદર આવી પત્નીને ભેટી પડ્યા અને પત્ની સ્મિતાબેન અત્યાર સુધીની બધી મનોમન ફરિયાદ કરતા ખૂબ રડ્યા થોડીવાર પછી ઘરના બધા જ સદસ્યો સ્વસ્થ થયા. સુમિતભાઈ પાસેથી લાકડાના પગ માટેનું કારણ જાણતા ઘરના સભ્યોએ સુમિતભાઈ ને દેશભક્તિની ભાવના માટે પ્રોત્સાહિત કર્યા. ઘરમાં હસી-ખુશીનું વાતાવરણ છવાઈ ગયું. મંગળવારે ઘરમાં મંગળ કાર્ય થયું. અને રિયાનો આજનો બર્થ ડે એના માટે અને કુટુંબના સભ્યો માટે ખૂબ યાદગાર બની રહ્યો.
