જૈસી કરની વૈસી ભરની
જૈસી કરની વૈસી ભરની
"અરે હેતલબેન..... ઓ.. હેતલબેન.... સાંભળોને જરા મારે આ હોલની બહાર જવું છે તો ટેકો આપોને જરા", ઉંમરના પ્રમાણમાં ચહેરા પર ઘણી બધી કરચલી અને અશક્ત શરીર ધરાવતા અંકિતાબેનએ પલંગ ઉપરથી ઉભા થવા માટે દયનીય ચહેરે ઘરડાઘરના આયાબેન હેતલબેનને વિનંતી કરી. હેતલબેનને ઘણાં કામ હોવાથી ખીજાતા અવાજે થોડીઘણી શિખામણ સાથે અંકિતાબેનને ઉભા કરી હાથ પકડી બહારના બાંકડે બેસાડ્યા. અંકિતા બેન પોતે ઘરડાઘરમાં હોવાના કારણે એક પણ પ્રકારની દલીલ વગર ધ્રુજતા બે હાથ ભેગા કરી આયાબેન તરફ ઉપકારની લાગણી વ્યક્ત કરી અને નિત્યક્રમ મુજબ પોતાના દીકરા પ્રતિકની આશાભરી નજરે રાહ જોતા દૂરદૂર સુધી નજર ફેરવવા લાગ્યા. આ એમનો નિત્યક્રમ હતો પણ આજે એ થોડીક ક્ષણો માટે વિચારોમાં ખોવાઈ ગયા.
પોતાના વીતી ગયેલી જીવનની અમુક ક્ષણો તેમને ઘણી બધી સમજણ આપી ગઈ. જ્યારે એ નવા-નવા પરણીને આવ્યા હતા ત્યારે ઘરમાં ખુશીનું વાતાવરણ હતું ઘરમાં બધા નવી વહુના વખાણ કરતા થાકતા નહોતા, પછી એ રસોઈની વાત હોય કે સુંદરતાની, બધા વખાણ માટે અલગ-અલગ ટોપીક શોધી કાઢતા. તેનાથી અંકિતા બહેનના ચહેરા પર પણ સ્વાભાવિક સ્માઈલ આવી જતું, સાથે સાથે તેમના સાસુ-સસરા પણ પોતે ઘરમાં કોહિનૂર હીરો લાવ્યાનો ગર્વ અનુભવતા અને સોનામાં સુગંધ ભળે તેમ લક્ષ્મીજીની પણ કુટુંબ ઉપર મહેરબાની હતી. ત્યાજ. ..
"અરે અંકિતાબેન દીકરાની રાહ જોવો છો ? " એમના જેમ જ ઘરડા ઘરમાં રહેતી બહેનપણીએ પ્રશ્ન કર્યો. ત્યાંજ અંકિતાબેન એ ક્ષણોમાંથી બહાર આવ્યા પણ ચહેરા પર સ્માઇલ અકબંધ હતું અને તેમણે સ્માઇલ સાથે જવાબ આપ્યો,
"હા નીરૂબેન આજે તો આવવો જ જોઈએ" અને ફરી પાછા એ પહેલાની ક્ષણોમાં ખોવાઈ ગયા. કહેવાય છેને કે "નવી વહુ નવ દાડા" એમ સમય વીતતો ગયો અંકિતાબેન પણ ઘરમાં બરાબર સેટ થઈ ગયા હતા. એમણે ઘરમાં પતિ સહિત બધાયના મન જીતી લીધા હતા. પણ પૈસાને એ પચાવી શક્યા નહીં. સમય જતા નાની-નાની વાતોમાં સાસુ વહુને ક્યારેક ક્યારેક તકરારોતો થતી જ રહેતી પણ પતિ કિશનભાઇ તેમની વચ્ચે સમાધાન કરાવી લેતા એટલે ચાલતું. પરંતુ એ જ તકરારો સમય જતાં મોટું સ્વરૂપ ધારણ કરવા લાગી. અંકિતાબેન પોતાના અહમની આગળ ક્યારેય નમતું જોખતાં નહીં. તેમના સસરાનું અવસાન થતા સાસુ આશાબહેનનું મનોબળ પણ પતિ સાથે જાણે સમાપ્ત થઈ ગયું હતું. અંકિતાબેનના પતિ કિશનભાઇ તેમની માતાના એકના એક દીકરા હોવાથી અંકિતાબેન ઘરમાં પોતાનું એક હથ્થુ શાસન ચલાવવા લાગ્યા હતા અને છેવટે એક દિવસ એવો આવ્યો કે અભિમાની અંકિતાબેન સાસુની હાજરીમાં જ કિશનભાઇ ને - 'મમ્મી કાં તો પત્ની'- બેમાંથી એકની પસંદગી કરવા માટે સ્પષ્ટપણે જણાવી દીધું. કિશનભાઇ માટે બંનેનું મહત્વ સરખું જ હતુ, પણ મમ્મીથી દીકરા કિશનની મુંઝવણ જોઈ શકાતી નહોતી. કહેવાય છે ને કે "માં એ માં બાકી બધા વગડા ના વા" એમ છેવટે એમના મમ્મી આશાબહેને વૃદ્ધાશ્રમમાં જવાનો નિર્ણય કરી લીધો.
દીકરા કિશનનું મન ભરાઈ આવ્યું કારણ કે જે "માં" એ પોતાના દીકરા માટે પોતાની તમામ ખુશીઓનું બલિદાન આપ્યું છે અને દિકરાને આ લેવલ સુધી પહોંચાડ્યો છે, વળી કપરા દિવસોમાં નાનકડા કિશનને મીષ્ટાન ખવડાવવા માટે પોતે ઉપવાસ કરી લેતી કારણકે ઈન્કમ બહુજ લિમિટેડ હતી અને તો પણ પોતાના નાનકડા દીકરાને હોંશે-હોંશે મીષ્ટાન ખવડાવતી એ જમા આજે એ ઘર છોડીને જઈ રહી છે કે જે એનું પોતાનું છે અને પોતે ઘણી મહેનતથી સજાવેલુ છે. આ વિચારતા જ કિશનની આંખમાં આંસુ આવી ગયા, પણ કહેવાય છેને કે માણસ સંજોગોનો ગુલામ છે તે આજે એ પણ આવી જ ગુલામી અનુભવી રહ્યા હતા.
સાસુની વિદાય સમયે અંકિતાબેન મનમાં મલકાઈ રહ્યા હતા અને બહાર દુઃખી હોવાનો નકાબ ઓઢીને ઉભા હતા. જ્યારે કિશનને એક પ્રસંગ યાદ આવી ગયો જેમાં પોતાના લગ્ન સમયે જ્યારે તેમની પત્ની અંકિતા પહેલી વખત ઘરમાં આવી ત્યારે મમ્મી આશાબેન સગા-સંબંધીઓ સાથે મળી હરખભેર ફટાણું ગાઈ રહી હતી કે- "અમે ઈડરિયો ગઢ જીત્યા રે... આનંદ ભયો... ", ત્યારે મમ્મીએ હરખથી વહુ નું સ્વાગત કરી ઘરમાં બોલાવી હતી અને એ જ વહુ એ જ સાસુને બહાર મોકલવા મથી રહી છે. આ વાત યાદ આવતા જ કિશનની આંખમાંથી આંસુ ખુટતા ન હતા કેમકે મા તો મા જ છે. આશાબહેને પોતે સ્ટ્રોંગ હોવાના દેખાવ સાથે દીકરાને દુઃખી નહીં થવા માટે સ્પષ્ટ જણાવી દીધું અને સુખી થવાના આશીર્વાદ આપી પોતે વિદાય લીધી થોડા દૂર જઈ અને દીકરાથી છુપાવેલા હ્રદયમાં સંગ્રહી રાખેલા આંસુ બહાર આવતા જ સાડી વડે લૂછી વૃદ્ધાશ્રમ તરફ આગળ વધ્યા.
સમયના વહાણા વીતતા ગયા, કિશનભાઇના ઘરે પુત્રરત્ન અવતર્યો. એમના જીવનમાં ફરી પાછું આનંદનું મોજુ ફરી વળ્યું. જો કે, કિશનભાઇના હ્રદયમા એક છેડે "અહિયાં મમ્મી હોત તો બહુ જ ખુશ થાત" એવું તો હતું જ પણ એવું વ્યક્ત કરી ફરી પોતાના ઘરમાં કંકાસ ઉભો કરવા નહોતા માંગતા. તેમને સંતાનમાં એકનો એક દીકરો હતો અને એ પણ વળી તેમના લગ્નના ઘણાં વર્ષો પછી આવ્યો હતો. એટલે અંકિતા બેન અને કિશનભાઇ તેને ખૂબ લાડકોડથી ઉછેરવા લાગ્યા. દીકરો દાદી વિશે પૂછતો ત્યારે અંકિતાબેન હંમેશા તેના દાદીને ખોટા સાબિત કરી દીકરા સમક્ષ પોતાના માટે સહાનુભૂતિ ઉભી કરતા એટલે સ્વાભાવિક રીતે દીકરાને પણ દાદી પ્રત્યે કોઈ જ લાગણી નહોતી. દિકરો મોટો થઈ એન્જિનિયર બન્યો સારા સારા ઘરમાંથી માંગા આવવા લાગ્યા. છેવટે એક ધનાઢય કુટુંબની એમ.બી.એ. કરેલી એક સુંદર યુવતી સાથે તેના લગ્ન કરાવી દીધા. જ્યારે આશાબેનને વૃદ્ધાશ્રમમાં આ સમાચાર મળ્યા તો થોડા સમય માટે એમને થયું કે કદાચ પૌત્રના લગ્નમાં પોતાને બોલાવશે પણ એમની ધારણા ખોટી પડી, આશાબેન નિરાશ થઈ ગયા. પણ કદાચ લગ્નની ધમાલમાં દિકરો જાણ કરવાનું ભૂલી ગયો હશે એમ માની મન મનાવી લીધું.
એક દિવસ કિશનભાઇના મોબાઈલ પર ફોન આવ્યો કે એમના મમ્મી આશાબેન સ્વર્ગે સિધાવ્યા છે કિશનભાઇ કુટુંબ સહીત ત્યાં પહોંચી ગયા કિશનભાઇ સિવાયના માટે આશાબેન પારકા વ્યક્તિ તરીકે જ હતા. મૃત્યુ પછીની જરૂરી વિધિ સમાપ્ત કરી બધાએ ઘર તરફ પ્રયાણ કર્યું.
સમય વીતવા લાગ્યો. નોકરિયાત દીકરા-વહુ સામે અંકિતાબેનનું અભિમાન વધારે ઝાક ઝીલી ન શક્યું અને જાણે ફરી એકવાર ઇતિહાસનું પુનરાવર્તન થયું. દીકરાને લાડકોડથી મોટો કર્યો છે એટલે મારો દીકરો હું કહીશ એમ જ કરશે એમનું એ વાક્ય ખોટું પડ્યું. અને દિકરા વહુએ તેમના સાસુ અંકિતાબેન તથા સસરા કિશનભાઈ માટે બે-ત્રણ વૃદ્ધાશ્રમ સર્ચ કરાવ્યા અને કોઈ એક ઉપર પસંદગી ઉતારવાનું સાસુ-સસરાને કહેવામાં આવ્યું, અને છેવટે ભારે હૈયે આધેડ પતિ-પત્ની અંકિતાબેન અને કિશનભાઈએ ઘરમાંથી વિદાય લીધી અને કુદરતની કરામત પણ કેવી અજબ છે કે એમણે એ જ વૃદ્ધાશ્રમમાં જવું પડ્યું જ્યાં તેમના સાસુ આશાબેનને તેઓ મુકી આવ્યા હતા.
ત્યાં જ અવાજ સંભળાયો, "અંકિતા તે દવા લીધી?" અને અંકિતાબેન ગાઢ વિચારોમાંથી બહાર આવ્યા . . . સામે કિશનભાઇ નિસ્તેજ ચહેરે ચિંતાનું આવરણ ઓઢીને ઉભા હતા આજે અંકિતાબેનના ચહેરા પર અપરાધભાવ સ્પષ્ટપણે છલકી રહ્યો હતો અને પોતે પોતાના જ પતિના એવા અપરાધી હતા કે આ જન્મમાં ક્યારેય કિશનભાઇ નું ઋણ ભરી શકે એમ ન હતાં. "કાશ હું પહેલા સમજી શકી હોત", એમ વિચારી આંખમાં આંસુ સાથે પતિ સામે લાંબા સમય સુધી જોઈ રહ્યા બાદ એક બીજાના હાથના ટેકે ઉભા થઈ અને પોતાના રૂમ તરફ રવાના થયા અને કોઈકે કહેલું વાક્ય "જૈસી કરની વૈસી ભરની" એમના કાનમાં ગુંજવા લાગ્યું.
