Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.
Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.

Navneet Marvaniya

Inspirational


3  

Navneet Marvaniya

Inspirational


સાચી જીત

સાચી જીત

8 mins 600 8 mins 600

સાડા સાતે આવતી શાંતિ એક્સપ્રેસ આજે તેના નિર્ધારિત સમયથી પંદર મિનિટ મોડી હતી. ટ્રેન આવતાજ આખા સ્ટેશન પર માણસોની ચહલ-પહલ વધી ગઈ. દરરોજ અપ-ડાઉન કરતા લોકોને જલ્દી ઘેરે પહોંચવાની ઉતાવળ હતી, તો કેટલાક દૂરની મુસાફરી કરનારા લોકોને કોઈ ફિકર ન હતી. સાંજના વાળું કરવાના સમયે અત્યારે કોઈ ચા પીએ એવું હરીષને જણાતું ન હતું. આજની ઓછી ઘરાકીને લીધે ગલ્લામાં ખાસ કંઈ દેખાતું ન હતું. નિરાશ થઈને હરીષે સગડી હોલવી નાખી અને બધો સમાન સાયકલમાં બાંધીને ઘર બાજુનો રસ્તો લીધો. રસ્તામાં છેક સુધી હરીષનું મન બેચેની અનુભવી રહ્યું હતું.

હરીષે ઘરમાં પગ મુકતાજ આશુતોષને જોયો. રડતા-રડતા જ સૂઈ ગયેલા આશુતોષનાં ગાલ પરનાં સુકાયેલા આંસુઓ જોઈને હરીષનુ ભાત્તૃ હૃદય કકળી ઉઠ્યું. નાનપણમાં જ માતા-પિતાની છત્રછાયા ગુમાવી દેનાર બન્ને ભાઈઓ માટે આ એક નાનકડી ખોલીજ ધરતી પરનું એક માત્ર આશ્રય સ્થાન હતું. હરીષે આશુતોષનાં લાલન-પાલનમાં ક્યારેય પિતાની ખોટ અને માતાનો ખાલીપો વર્તાવા નથી દીધો. પોતે જ માતા અને પોતે જ પિતા બનીને તેના લાડલા ભાઈનું પ્રેમથી જતન કર્યું છે. આજ બત્રીસ વર્ષની ઉમર થવા છતાં હરીષે પોતાના લગ્નનો વિચાર સુદ્ધા નથી કર્યો. રખેને નવી આવનાર પારકી જણી તેના ભાઈને બરોબર સાચવે નહિ તો ? બાળપણમાં જ જેને માતા–પિતાનું વાત્સલ્ય ના મળ્યું હોય અને આ સમાજની પ્રત્યેક ઠોકરો ઝીલી હોય તે વ્યક્તિ જ માતા-પિતાના સાચા પ્રેમને સમજી શકે.

રેલ્વે સ્ટેશન પર ચાની લારી ચલાવીને હરીષ માંડમાંડ બન્ને ભાઈઓનું ગુજરાન ચલાવતો. પહેલા સાઈકલ રીપેરીંગની દુકાનમાં કામ કરતો હતો, પરંતુ કામનું પુરુ વળતર નહીં મળવાથી અને આશુતોષની સ્કૂલની વધારાયેલી ફીને પહોંચી વળવા હરીષે તે નોકરી છોડીને ચાની લારી કાઢી હતી.

હરીષ સાંજે ઘેર આવ્યો ત્યારે આશુતોષ ખાટલામાં રીસાઇને સૂતો હતો. હરીષે આશુતોષનાં માથા પર પ્રેમાળ હાથ ફેરવ્યો, “શું થયું આશું ? સ્કૂલમાં તને કોઈ વઢ્યું ?” ઘણું બધું રડી લીધું હોવા છતાં આશુતોષ મોટા ભાઈને જોતા જ હીબકે ચઢી ગયો અને જોસથી ભેંકણો તાણીને રડવા લાગ્યો.... ક્યાંય સુધી હરીષના ખોળામાં માથું છુપાવીને રડતો રહ્યો અને હરીષ તેની પીઠ પસવારતો રહ્યો. ધરાઈને રડી લીધા પછી આશુતોષ માંડમાંડ એટલું જ બોલી શક્યો કે ‘ભાઈ, હું કાલથી સ્કૂલે નહી જાઉં.’ હરીષને નવાઈ લાગી ‘કેમ શું થયું ? વાત તો કર !!’ ‘કઇ નહી બસ, હું કાલથી સ્કૂલે નથી જવાનો’ અવઢવમાં મૂકાયેલાં હરીષે આશુતોષની પીઠ થપથપાવતા કહ્યું ‘શી વાત છે ? તને સાહેબે કંઈ કહ્યું...?’ ત્યારે આશુતોષે સાચી વાત પ્રગટ કરતા કહ્યું કે “મારી પાસે પેન્ટિંગ કરવા માટે પૂરતા કલર અને બ્રશ નથી એટલે મારા મિત્રો બધા મને લુખ્ખેશ, લુખ્ખેશ કહીને ચીઢવે છે અને તે બધા પાસે કલર્સના નવા સેટ અને બ્રશની આખી સીરિઝ છે. મારે પણ કલર્સનો નવો સેટ અને બ્રશની સીરિઝ જોઈએ છે. આવતા સોમવારે અમારી સ્કૂલમાં પેન્ટિંગ કોમ્પિટિશન છે. મેં તેમાં ભાગ લીધો છે. હવે હું પૂરતા કલર અને બ્રશ વગર કેવી રીતે સારું ચિત્ર દોરી શકીશ ? અને નવા બ્રશ અને કલર સેટ વગર તો મારું ચિત્ર નંબર મેળવી શકે, એવું તો નહિ જ થાય ને !!” આશુતોષે એકી શ્વાસે પોતાની હૈયા વરાળ કાઢી નાખી.

હરીષને થોડું હસવું આવ્યું અને પછી વિચાર કરતા કહ્યું “જો આશું, અત્યારે આપણી પાસે એટલા મોંઘા ભાવની પેન્ટિંગ કીટ લાવી શકાય એટલા રૂપિયા નથી. છતા હું પ્રયત્ન કરીશ કે તને જલ્દીથી તને પેન્ટિંગ કીટ મળે અને બીજી વાત, ચિત્રનું સર્જન બ્રશના સેટથી કે નવા કલર્સથી નથી થતું. પોતાના દ્રઢ મનોબળ અને આત્મવિશ્વાસથી જ ચિત્રમાં પ્રાણ પુરાય છે. કોઈ પણ કામમાં વસ્તુ કરતા વ્યક્તિનું મહત્વ વધારે હોય છે. તારી પાસે નવા કલર્સ અને બ્રશનો આખો સેટ નથી પણ જૂના કલર્સ અને થોડાક વાપરે ગયેલા બ્રશ તો છે ને ? અને કદાચ બિલકુલ બ્રશજ ના હોય તો પણ દુનિયામાં ઘણા એવા ચિત્રકારો છે કે જે બ્રશ વાપર્યા વગર પણ પ્રાઈઝ મેળવી શકે, તેવા ચિત્રોનું સર્જન કરે છે.” આ સત્યવાત આશુતોષનાં મગજ સુધી તો પહોંચી પણ તેનું દિલ નહોતું કબૂલ કરતું. તેને તો બસ તેના બધા મિત્રો પાસે છે તેવા નવા કલર્સ અને બ્રશનો ફૂલ સેટ જ દેખાતા હતાં.

રાત્રે સૂતી વખતે આશુતોષના નાનકડા મગજમાં મોટા ભાઈએ કહેલી વાત વારંવાર ઘુમરાયા કરતી હતી. સાથે-સાથે ‘નવા કલર્સ અને બ્રશ વગર તો કઈ રીતે સારું ચિત્ર દોરી શકાશે ?’ તેની ચિંતા પણ સતાવ્યા કરતી હતી. અને એક બાજુ, ‘કલર્સ અને બ્રશ મળી જવાથી તેના મિત્રોમાં પોતાનો વટ પડી જશે, કોઈની પાસે માંગવા નહીં પડે અને તેને કોઈ લુખ્ખેશ કહીને ચિઢવશેય નહીં’ તેનો આનંદ પણ થતો હતો. મોડી રાત્રે આશુતોષને માંડ-માંડ ઊંઘ આવી.

બીજા દિવસે સવારે આશુતોષે ઊઠીને આખા ઘરમાં નજર ફેરવી લીધી...! તેને ક્યાંય નવા બ્રશ કે કલરની ગંધ સુદ્ધા ના આવી. એટલે રીસાઈને પાછો પથારીમાં સૂઇ ગયો. હરીષે આવીને તેને પ્રેમથી ઉઠાડ્યો. નાસ્તો કરાવ્યો અને તૈયાર કરીને ‘પેન્ટિંગ કીટ ચોક્કસ લાવી આપીશ’ એવી હૈયાધારણા આપીને તેને નિશાળે મોકલ્યો. સાંજે આશુતોષ ઘેરે આવ્યો પણ ઘરને તાળું લગાવેલું હતું. રોજની જગ્યાએ જોયું, ત્યાં પણ ચાવી ન હતી. થોડીવાર ત્યાં જ બેસીને રાહ જોયા બાદ આશુતોષ દફતર ઘરનાં ઊંબરે જ મૂકીને રમવા ચાલ્યો ગયો. અંધારું થતા આશુતોષ ઘેરે પાછો આવ્યો પણ ઘરને તો ત્યારેય તાળું જ મારેલું હતું. હરીષ હજુ સુધી આવ્યો ન હતો. આશુતોષ એકદમ મુંજાઇ ગયો. હવે શું કરવું તે કંઈ તેને સુઝતું હતું. તેને ભૂખ પણ કકડીને લાગી હતી. છતાં આશુતોષનું મન કહેતું હતું કે

“ભાઈ, રેલ્વે સ્ટેશનેથી સીધા જ મારા માટે પેન્ટિંગ કીટ લેવા ગયા હશે. હમણાં જ આવશે” એવા વિચારો કરતો આશુતોષ ઘરના દરવાજે જ ગુમસુમ બનીને બેસી રહ્યો અને હાથમાં એક સાંઠીકડુ લઈને ધૂળમાં જ તેને મનગમતું ચિત્ર દોરવા લાગ્યો. નાનપણથી જ આશુતોષને ચિત્રો પ્રત્યે અપાર પ્રેમ. જયારે પણ તે નવરો પડે કે કોઈને કોઈ કલાત્મક ચિત્ર દોરી જ કાઢે. ઘરની અંદરની દીવાલ તો આખી ચિતરી મારી હતી. સ્કૂલમાં પણ આશુતોષનો બે વખત ચિત્રની સ્પર્ધામાં નંબર આવેલો. ખાસ્સીવાર પછી હરીષની સાઈકલની ઘંટડીનો અવાજ સંભળાયો. આશુતોષ એકદમ આનંદમાં આવી ગયો પણ તેનો આનંદ જાજો સમય ટક્યો નહીં. સાઈકલમાં કોઈ કલર્સનું બોક્ષ કે બ્રશનો સેટ જેવું કંઈ જ ન હતું. ફક્ત ચાની કિટલી અને થોડો સામાન જ હતો.

ઘરનો દરવાજો ખોલતા હરીષે આશુતોષને કહ્યું ‘આજે તારા માટે મોડું થઈ ગયું.....!’ ‘મારા માટે ? પણ પેન્ટિંગ કીટ તો લાવ્યા નથી ?’ આશુતોષની આંખમાં ઝળઝળિયાં આવી ગયા. ‘એ માટે તો આજે હું ટ્રેનમાં ચા વેંચવા ગયો હતો. આજે ત્રણ વખત ચા બનાવીને વેચી દીધી છે અને એટલે જ છેલ્લા સ્ટેશનેથી ટ્રેનમાં પાછું આવતા મોડું થઇ ગયું. આપણે હવે આવતીકાલે સવારે તારા માટે ચોક્કસ પેન્ટિંગ કીટ ખરીદવા જશું. બોલ હવે રાજી ? આશુતોષ, હરીષને વળગી પડ્યો અને ખૂબ જ આનંદમાં આવી ગયો. આ બન્ને ભાઈઓને જોઇને પાડોશીઓને ક્યારેક રામ અને ભરતનું મિલન યાદ આવી જતું. આજે તેને દુનિયાના બધાના ભાઈઓ કરતા પોતાનો ભાઈ મહાન લાગતો હતો.

બીજે દિવસે રવિવાર હતો. ‘સોમવારે આશુતોષની સ્કૂલમાં ચિત્ર સ્પર્ધા હતી. જેમાં આશુતોષને નવા નવા કલર્સ અને બ્રશના સેટ સાથે ચિત્ર દોરવા મળશે.’ એ વાતને વિચારતા જ આશુતોષ ખુશીથી ઉછળી પડ્યો. વધુ આનંદ તો તેને એ વિચારતા થયો કે પોતાની પાસે પેન્ટિંગ કીટ આવી ગયા પછી તેને કોઈ લુખ્ખેસ કહીને ચિઢવશે નહીં અને બધા કલર્સ અને બ્રશ હોવાથી જ પોતે પહેલા નંબરે આવશે, તેવી તેની માન્યતાને ટેકો મળ્યો.

બીજે દિવસે આશુતોષ સવારે વહેલો ઊઠી ગયો અને તૈયાર થઇને બન્ને ભાઈઓ સાઈકલ પર પેન્ટિંગની નવી કીટ લેવા માટે નીકળી પડ્યાં. રસ્તામાં આવતા હનુમાનજીનાં મંદીરે હરીષે રાબેતા મુજબ સાઈકલની બ્રેક મારી અને દર્શન કરવા જવાનું વિચાર્યું. મંદિરની બહાર સાઈકલ મૂકીને જ્યાં હજુ બન્ને ભાઈઓ અંદર જાય છે ત્યાં જ હરીષની નજર, બહાર બેઠેલા ભિખારી જેવા એક વ્યક્તિ પર પડી. તેના કપડા ચીથરે હાલ હતાં પણ કોઈકે આપેલી નવી નકોર સાલ ઓઢીને તે મંદિરના દરવાજાની બાજુમાં જ સરસ મજાની રંગોળી બનાવીને પૈસાની અપેક્ષાએ આવતા જતા દર્શનાર્થીઓ સામે જોઈ રહ્યો હતો. આશુતોષની નજર આ સરસ મજાની રંગોળી પર જ સ્થિર થઇ ગઈ. આશુતોષને મનોમન તેની ઈર્ષા થવા માંડી કે આ વ્યક્તિ આવી સરસ રંગોળી હાથેથી જ કઈ રીતે દોરી શકતો હશે. કદાચ જો આને સ્કૂલમાં થનારી કાલની સ્પર્ધામાં ભાગ લેવા મળે, તો કદાચ પોતાની જગ્યાએ તેનો જ નંબર આવે !!” આશુતોષનાં મગજમાં આ વિચારધારા સતત ચાલતી હતી. બન્ને ભાઈઓ દર્શન કરવા મંદિરમાં ગયા અને દર્શન કરીને પાછા ફરતા હતાં ત્યારે હરીષે તે રંગોળીની બાજુમાં મૂકેલા કટોરામાં એક રૂપિયાનો સિક્કો નાખ્યો અને આશુતોષને પણ એક રૂપિયો કટોરામાં નાખવા માટે આપ્યો.

કલાની કદરના રૂપે દાન આપ્યાનો પરમ સંતોષ બન્ને ભાઈઓનાં મુખ પર હતો. પરંતુ આશુતોષની નજરમાંથી આવી કલાત્મક રંગોળી ખસતી જ ન હતી. એવામાં અચાનક જ પવનનાં એક ઝાપટાએ પેલા ભાઇની ઓઢેલી શાલને ફ્ગવી દીધી અને આશુતોષને તેના કપાયેલા બન્ને હાથ દેખાયા...!! બે ઘડી તો આશુતોષ જોતો જ રહી ગયો કે આમની પાસે તો હાથ જ નથી...! છતાં આવી સરસ રંગોળી દોરી શકે છે ! સાઈકલ તરફ ચાલતા આશુતોષનું મગજ ખૂબ ચાલવા લાગ્યું કે ખરેખર પોતે કેટલો ભાગ્યશાળી છે કે પોતાની પાસે બન્ને હાથ તો સલામત છે. ખરેખર શ્રેષ્ઠ ચિત્રનું સર્જન કરવા માટે કલર્સ અને બ્રશ જ સર્વસ્વ નથી પોતાનો આત્મવિશ્વાસ અને દ્રઢ મનોબળ જ ખૂબ મહત્વના છે, તે વાત તેને યાદ આવતા તેણે મોટા ભાઇ સામે જોયું અને કહ્યું કે “મારે હવે પેન્ટિંગ કીટ નથી લેવી” અચાનક આશુતોષનું આવું બદલાઇ ગયેલું વર્તન જોઈ હરીષને ખૂબ આશ્ચર્ય થયું. આશુતોષમાં આવો બદલાવ કેવી રીતે આવ્યો તે હરીષને ખ્યાલ જ ના આવ્યો અને સાયકલ ઘર તરફ પાછી વાળી.

બીજે દિવસે આશુતોષ સ્કૂલે પહોંચ્યો. પેન્ટિંગ કોમ્પિટિશન શરૂ થવાની તૈયારી જ હતી. બધા જ છોકરાઓ જોસ જોસથી લુખ્ખેશ લુખ્ખેશની બૂમો પાડીને આશુતોષને ચિઢવવા લાગ્યા પણ આશ્ચર્ય !! આજે તો આશુતોષ, ના તો મોઢું બગાડતો હતો કે ના તો ચિઢાતો હતો. માત્ર બધા સામે જોઇને હસતો જ હતો. આશુતોષને આમ લુખ્ખેશ લુખ્ખેશ કહીને ચિઢવવા છતાં તે ગુસ્સે નો’તો થતો તે જોઇને તેના બધા મિત્રો મુંજાઈ ગયા.

બધાજ સ્પર્ધકોએ આપવામાં આવેલ ડ્રોઈંગ શીટને ગોઠવી દીધી. બધાને એક સબ્જેક્ટ આપવામાં આવ્યો. સ્પર્ધા ચાલું થવાના સૂચન રૂપે સ્કૂલનો ઘંટ વાગ્યો. બધા જ સ્પર્ધકોએ પોતપોતાની કાબેલિયત મુજબ ચિત્રો દોરવાના શરૂ કરી દીધા. આશુતોષને શું દોરવું તે જ કશું સમજાતું ન હતું. અચાનક તેના ભાઇના શબ્દો યાદ આવ્યા “સ્પર્ધા જીતવા માટે કલર્સ અને બ્રશ જ સર્વસ્વ નથી પોતાના દ્રઢ મનોબળ અને આત્મવિશ્વાસ જ ખૂબ મહત્વના છે” અને તૂટેલા બ્રશથી આશુતોષની ડ્રોઈંગ શીટ ધીમે ધીમે અલગ અલગ રંગોના મિશ્રણથી ભરાવા લાગી અને જોતજોતામાં સરસ મજાનું તળાવમાં ખીલેલા કમળનું ચિત્ર ઉપસી આવ્યું. આશુતોષે પોતાની તમામ કળા નીચોવીને આ ચિત્રમાં કલરથી પ્રાણ પૂરવાનો પ્રયત્ન કર્યો હતો. તેમના અતૂટ આત્મવિશ્વાસ અને અખંડ મનોબળને લીધે ચિત્ર સ્પર્ધામાં તેનું ચિત્ર બધા જ નિર્ણાયકોની આંખમાં વસી ગયું અને તેને જ પ્રથમ નંબર મળ્યો. આખી સ્કૂલમાં આશુતોષની વાહ-વાહ થવા લાગી. આશુતોષ બધા વિદ્યાર્થીઓમાં છવાઈ ગયો.

ચિત્ર સ્પર્ધાના વિજતાઓને ઇનામ આપીને સ્કૂલના ટ્રસ્ટીઓ કલાકારોનું બહુમાન કરતા હતા. ટ્રોફી લેતી વખતે આશુતોષની આંખો વરસી પડી. તેની નજર તેના ભાઇને શોધતી હતી. બે શબ્દો કહેવા માટે આશુતોષે માઈક હાથમાં લીધું અને કહ્યું કે “આજ મને એક નવો અનુભવ થયો કે કોઈ પણ કામમાં વસ્તુ કરતા વ્યક્તિનું મહત્વ વધારે હોય છે. એક સારું ચિત્ર દોરવા માટે કલર્સ અને બ્રશ જ સર્વસ્વ નથી પોતાના દ્રઢ મનોબળ અને આત્મવિશ્વાસ જ ખૂબ મહત્વના છે” આ સ્પર્ધામાં પ્રથમ નંબર તો આશુતોષે મેળવ્યો પણ તેનો ખરો હકદાર તેનો ભાઈ હરીષ હતો તે આશુતોષને ખ્યાલ જ હતો.

પેન્ટિંગ કીટના બચેલા રૂપિયામાં પોતાને મળેલા પુરસ્કારની રકમ ઉમેરીને આશુતોષે પેલા ભિખારીને હજુ સરસ રંગોળી બનાવવા રંગો લેવા માટે આપ્યા. બીજે દિવસે તે ભિખારીને તેના ઠુંઠા હાથે રંગોળી દોરતો જોઇને આશુતોષને પરમ સંતોષ થયો અને અંદર ‘સાચી જીત’નો આનંદ થયો.


Rate this content
Log in

More gujarati story from Navneet Marvaniya

Similar gujarati story from Inspirational