રૂમાલ
રૂમાલ
'અરે, પ્રીતિ મને એક હાથ રૂમાલ શોધી આપને. સુરેશે કબાટમાં ખોળાખોળ કરી મૂકી છેવટે નીચેના ખાનામાં દબાવીને મૂકેલો સરસ આસમાની રંગનો રૂમાલ દેખાયો એણે જેવો રૂમાલ હાથમાં લીધો કે પ્રીતિ આવી પહોંચી.
'એ રહેવા દે હું તને બીજો આપું છું.' પ્રીતિના ચહેરા પર પોતાની મહામૂલી સોગાત કોઈ ઉપાડી લેતું હોય તેવી દુઃખની લકીર ફરી વળી.
'આને બીજો શું ફેર પડે છે ? આમ નાની વાતમાં શું કકળવા લાગી.' સુરેશને ગુસ્સો આવ્યો તે બબડતો હતો.
'તારી મમ્મીની માંદગીને કારણે સુરત રહ્યાં તેમાં રોજ ટ્રેનમાં મારે અથડાવાનું.'
સુરેશ વડોદરાની એક ખાનગી પેઢીમાં એકાઉન્ટટ હતો. સુરતથી સવારની વહેલી ટ્રેનમાં વડોદરા અપ - ડાઉન કરતો હતો.
તેના મનમાં રૂમાલની બાબતમાં વહેમનો કીડો સળવળતો હતો. આ પહેલાં પણ તેણે પેલા રૂમાલને નીચે સંતાડેલો જોયેલા. પ્રીતિ હમેશાં રૂમાલને ઈસ્ત્રી કરી જાળવીને રાખતી. એકવાર કોલેજમાં ભણતા દીકરાના સમીના હાથમાં રૂમાલને જોઈ તે ગુસ્સે થયેલી. પ્રીતિ સુરત ભણતી હશે ત્યારની કોઈના 'પહલા પહેલા પ્યારની' રોમેન્ટિક નિશાની હશે કે બીજું કોઈએ આપ્યો હશે ?
સુરેશના ગયા પછી પ્રીતિએ રૂમાલને હળવી ઈસ્ત્રી ફેરવી ઘડી કરી છાતી પર દબાવ્યો :
'હવે મમ્મીના ગયા પછી તું જ મારો નટખટ તારી આંગળીથી મને આ ધરમાં પકડી રાખે છે.'
***
કેતન અમેરિકાથી સીગાપુર ચાર દિવસ એની કમ્પનીના કામે આવ્યો હતો. ચોમસું એટલે ઇન્ડિયામાં હેરાન થવાય તેથી તેનો વિચાર સુરત જવાનો નહોતો, ગયા વર્ષે કેન્સરની માંદગીમાં મમ્મી ગુજરી ગયા પછી હવે જાણે એ દિશામાં સૂર્ય આથમી ગયો હતો.
જો કે એની બહેન ફોનમાં કહેતી કે સિગાપુરથી સુરત જરૂર આવજે.
છેલ્લા પાંચ વર્ષ મમ્મીની સારવાર કરવા એની બહેન પ્રીતિ કુટુંબ સાથે સુરત રહેતી હતી. બનેવી વડોદરા અપડાઉન કરતા હતા, વડોદરાનું ભાડાનું ઘર ખાલી કરી દીધેલું, પ્રીતિનો દીકરો સમીર સુરતની એન્જીન્ય્રરીગ કોલેજમાં છેલ્લા વર્ષમાં હતો. કેતન સેનહોઝે પોતાને ઘેર જવા વિચારતો હતો ત્યાં એનીપત્ની રીમાએ ફોનમાં વાત કરી: 'કેતન તું સુરત જઈ આવે તો સારું, પ્રીતિબહેનને મમ્મીના ધરની જવાબદારીમાંથી મુક્ત થવું છે.'
બનેલું એવું કે નાનપુરામાં પોસ્ટ ઓફિસમાં એના પપ્પા નોકરી કરતા હતા, ત્યાં જ એક પારસીનું ઘર ભાડે મળી ગયેલું, બે માળના ઘરમાં અગાશીમાંથી તાપી નદી વહેતી દેખાયા કરતી, કેતનનું બાળપણ ત્યાં વીતેલું, પાંચ વર્ષે મોટી પ્રીતિની આંગળી ઝાલી નિશાળે ગયો હતો.પ્રીતિ અલુણાના વ્રત કરતી ત્યારે તે જીદ કરી સૂકામેવામાં ભાગ કરાવતો.
કેતનને એ અમેરિકા ગયો તે ઘડી યાદ આવી.ચોધાર આંસુએ રડતાં માં-બાપને ભીની આંખે પ્રીતિ સહારો આપતી હતી. એનાથી સહન થયું નહીં એણે રૂમાલથી પ્રીતિની આંખો લૂછી પણ છેલ્લી પળ સુધી રૂમાલથી પોતાની અને મમ્મીની આંખો લૂછ્યા કરતી હતી.
કેતન કેલિફોર્નિયામાં સેટ થયો પછી એણે સુરતનું ભાડાનું ઘર મોટી રકમ આપી ખરીદી લીઘેલું. મમ્મી કહેતાં :
'બેટા અમારું હેયું ઠર્યું.' આ ઘરમાં જ અમને શાંતિ મળે છે.'
કેતનના મનમાંથી વીસરાઈ ગયું હતું કે હવે મમ્મી નથી એ ઘરમાં કોણ રહેશે ? પ્રીતિને જવાબદારીમાંથી મુક્ત થવું છે. આજે જાણે એની આંખ ખુલી, એ અમેરિકા રહેતો હતો, દર વર્ષે સુરતના ઘરે આવતો. એકાદ અઠવાડિયું રહેતો પણ પપ્પા - મમ્મીની માંદગીની, ઘરના નાનામોટા કામની જવાબદારી પ્રીતિએ ઉપાડી હતી. એ નાનો હતો ત્યારથી એના મનમાં એમ જ થતું પ્રીતિ મોટી છે એટલે એણે કરવાનું. આજે એને પીસ્તાલીશ થયા, એ હવે નાનો નથી એ અને અને પ્રીતિ બન્ને મોટા થઈ ગયા.
જ્યાં એ અને પ્રીતિ સાથે રમેલાં, ઇટ્ટા કિટ્ટા કરેલા, એના લગ્ન થયેલા ત્યારે વડોદરા સાથે ગયેલો, બીજે દિવસે મામા મનાવીને પાછો સુરત લઈ આવેલા, એ ઘર જાણે યાદોનો ખજાનો હતો. પણ જવાબદારી હતી, એન્જીન્યર થઈ એ અમેરિકા ઊપડી ગયો, પાછળની બઘી જવાબદારી એની બેહેને નિભાવી હતી. હવે પ્રીતિ મુક્ત રહેવા માંગે તે સહજ હતું.
શું એ ભૂલી ગયો હતો કે પ્રીતિની પોતાની જિદગી હતી, એના પતિને પ્રીતિ પિયરીયાને માટે ઘસાયા કરે તે ગમતું હશે ?એણે મનોમન કહ્યું : 'પ્રીતિ, મને નાનો ગણી માફ કરજે.' તારી વાત સાચી છે, સુરતનું ઘર એણે ખરીદેલું હતું. એની જવાબદારી છે પપ્પા કહેતા 'ઘર તો ખાતું ધન' આજ સુઘી ધણાં ખર્ચા થયા હશે.
એણે ઇન્ડિયા જવાની ફ્લાઈટનું બુકિગ કરાવી લીઘું.
***
કેતન રાત્રે દસ વાગે સુરત પહોચ્યો, ટેક્ષીવાળાને ભાડું ચૂકવી સુટકેસ લઈ ઘરનાં આગણાંમાં ઊભો રહ્યો, વરસાદ પડતો હતો, ચારે બાજુ પાણી ભરાયાં હતાં, એણે રોડની સામી તરફ જોયું, ક્યાંય તાપી નદી દેખાતી નથી, મમ્મી વિહોણા ઘરમાં જતાં એ અટકી ગયો હતો. પણ તાપી નદી વગરનું એનું નાનપુરા, એનું સુરત કેમ જોવાય ? ગયા વર્ષે એ આવ્યો
ત્યારે રોડની સામી તરફ દૂર નદી દેખાતી હતી. હવે ત્યાં હારબંઘ તોતિંગ ફ્લેટો હતા. એના બે માળના ઘરની ઠેકડી ઉડાવતા હોય તેવા રાક્ષસકાય બિલ્ડીગોથી નાનપુરા ફ્લેટપુર થઈ ગયું હતું. એ વિચારી રહ્યો મારા વીતી ગયેલા બાળપણની જેમ નદીકાંઠેના નાનપુરાની હવે સ્મુતિ જ રહી.
'કેતન વરસાદમાં કેમ ઉભો છે ? તને શરદી લાગી જશે.'
પ્રીતિએ ટુવાલથી કેતનના ભીના વાળ લૂછ્યા, એની સુટકેસને દાદરા આગળ મૂકી, કેતન બોલ્યો, 'તું મમ્મી જેવું જ કરે છે. હું કીકલો નથી.'
પાછળથી એના બનેવી સુરેશભાઈ બોલ્યા, 'અરે, ક્યારની ચિંતા કરતી હતી. મારો ભાઈ વરસાદમાં હેરાન થશે.'
કેતન કપડાં બદલી જમવા બેઠો, એની સાથે પ્રીતિ પણ જમવા બેઠી, 'તું શું કામ બેસી રહી ? કેતન બોલ્યો.
સુરેશભાઈ ક્હે, 'આ તમારી બહેન તમારા વગર ન જમે.' કેતનને વહેમ ગયો એના બનેવીને આ બઘુ ગમતું નથી.
પ્રીતિ કહે, એમના બોલવા પર તું ઘ્યાન ન આપીશ, આજે તો મેં સાવ સાદું ભાખરી-શાક બનાવ્યું છે.'
સુરેશભાઈ બોલ્યા, 'કેતનભાઈ તમારી બહેને રાખડીનું જમણ શનિવારે રાખ્યું છે.'
પ્રીતિ બોલી, 'રાન્દેરથી મામા આવશે, એમનેય બહેનની ખોટ સાલે છે.'
કેતન ઉપરના માળે સૂવા ગયો. મચ્છર દુર કરવા પ્રીતિએ કાચબા છાપ અગરબત્તી જલાવી હતી. બેડની ફરતે મચ્છરદાની હતી. એને નાનપણમાં બે વાર મેલેરિયા થયેલો, એક વાર ભાઈ બહેન સાથે તાવમાં પટકાયેલાં, મમ્મી કામ માટે નીચે જતાં ત્યારે એ 'મમ્મી, મમ્મી' કરતો, પ્રીતિ ઉઠીને એની પાસે આવતી, તાવથી ઘીકતા કેતનના માથે પાણીના પોતા મૂકતી, મમ્મી આવી એને વઢતી, તારું શરીર અંગારા જેવું ધીખે છે, તમ્મર આવીને પડી જઈશ તો.' કેતનના શરીરમાં થાક હતો પણ આખી રાત એ પાસા ઘસતો રહયો. મનની બેચેની ચટકા ભરતી હતી.આ ઘર વેચવાના નિર્ણયથી પ્રીતિ સાથે વીતેલું એનું બચપન જાણે ખોવાઈ જતું હતું. મમ્મી -પપ્પાની યાદોની ચિતા જલતી દેખાતી હતી, પણ પ્રીતિએ મુક્ત
થવાની વાત કરી છે.એના પતિને પસંદ નથી.એમનું પોતાનું ઘર હોય તો એવું ન લાગે. રીમાની ઈચ્છા ઘર વેચી કાઢવાની હતી. આવતા વર્ષે એમનો દીકરો સોહમ મેડીકલમાં જવા વિચારતો હતો. એને ઘરની કીમત આવે તો મદદરૂપ થાય.સવારે એ એના કોન્ટ્રાટર મિત્રને મળવા જવાનો છે.
***
કેતન વહેલી સવારે જાગી ગયો, સુરેશભાઈ કોઈક બાબતમાં મોટેથી બોલતા હતા. પ્રીતિ એમને શાંત પાડતી હતી. તેઓ બોલતા હતા, 'આ પાંચ વર્ષમાં ભાઈના ઘરમાં કેટલો ખર્ચો થયો તેનો હિસાબ છે તને ? એને તો ઘર વેચશે એટલે દલ્લો મળી જવાનો, તું ફોકટમાં રાજી થવાની.'
પ્રીતિના અવાજમાં રુદન હતું. તે બોલી, 'તમને અમારા ભાઈ બહેનના પ્રેમની બહુ દાઝ છે. મારી માની સેવા કરી તે મારી ફરજ હતી. મારા ભાઈને દલ્લો મળે, એનું ઘર છે, એણે મોટી રકમ આપી હતી. હું જવાબદારીમાંથી મુક્ત થઈશ તેથી રાજી થવાની.'
'ઘરનાં ઘંટી ચાટે' તેની પરવાહ નથી વડોદરા રહીને તારી નોકરી કરી હોત તો આપણો પોતાનો નાનો ફ્લેટ કર્યો હોત.' સુરેશભાઈ ચીડમાં બોલ્યા.
સુરેશભાઈની વાતે કેતન જાણે સો મણની શિલા નીચે દબાઈ ગયો. એનાથી બેડમાંથી ઉઠાતું નથી. બેન - બનેવીના ઋણના વજનથી તેનું હૈયું બહેર મારી ગયું. જો એ રકમ આપવાની વાત કરે તો પ્રીતિ રડીને કકળી ઉઠે. કંઈક એવું કરે જેથી પ્રીતિને ફાયદો થાય. છતાં એમ ન લાગે કે એ ઉપકાર કરી રહ્યો છે.
કેતન પરવારીને નીચે આવ્યો ત્યારે સુરેશભાઈ નીકળી ગયા હતા. પ્રીતિએ ચા - નાસ્તો બનાવ્યાં, પ્રીતિના ચહેરા પર ઉદાસીના વાદળ દેખાતા હતા. કેતને જાણે કંઈ સાભળ્યું જ નથી, ભોળાભાવે પ્રીતિને કહે, 'સમીર ક્યારે મળશે?' બપોર પછી તું નવરી હો તો આપણે રીક્ષા કરીને એની કોલેજમાં મળી આવીશું.'
પ્રીતિ ખુશ થઈ ગઈ, એ બહાર જતા બોલ્યો, ' જમવાના ટાઇમે આવી જઈશ, સુરતીપાપડીનું શાક બનાવજે.'
પ્રીતિ ઉત્સાહથી રસોઈકામમાં લાગી ગઈ, ભાઈને ભાવતું શાક, કઢી, લચકો દાળ, ભાત બનાવ્યાં, સમીરને માટે ગળ્યા શક્કરપારા અને ચેવડો કર્યો, બે વાગી ગયા, હજી કેતન આવ્યો નહોતો. ભાઇબંધ જોડે હોટેલમાં જમવા ઉપડી ગયો કે શું?એવો વિચાર પ્રીતિને આવી ગયો.
બહાર ટેક્ષી ઉભી રહી, એ ઝડપથી બહાર આવી. કેતન અને એનો મિત્ર ઘરમાં આવ્યા. એમના હાથમાં મોટા નકશા હતા.જમીન માપવાની પટ્ટીથી કાળજીપૂર્વક માપણી કરી, કેતને કોન્ટ્રાકટર મિત્ર સાથે પ્રીતિની ઓળખાણ કરાવી, કહે; 'હવે તું ફ્રી પ્રીતિ, મારી ગેરહાજરીમાં રમેશને પેપર પર સહી કરી આપજે.'
સમીર ટાઈમસર આવી ગયો. કેતન એની રાહ જોતો હતો. પ્રીતિ નવાઈ પામી બોલી, 'અમે તને મળવા આવવાના હતા.'
કેતને કહ્યું, 'હું બીઝી હતો તેથી મેં સમીરને ફોન કર્યો હતો.'
મામા ભાણાને વહાલથી ભેટી પડ્યા, એણે રમેશ સાથે ઓળખાણ કરાવી કહ્યું, 'સમીર બે મહિના પછી પરીક્ષા આપી ફ્રી થશે. તમે બન્ને આ નકશામાં છે, તે પ્રમાણે તમને યોગ્ય લાગે તેમ કરજો.'
પ્રીતિને કઈ સમજાયું નહિ, કેતન ઘર વેચી દેવાને બદલે બીજો પ્લાન કરે છે. પણ એમાં સમીર શું કરવાનો?
કેતન કોઈ બોજથી હળવો થયો હોય તેમ આનંદમાં હતો,તેણે બહેનને કહ્યું : 'અમે ત્રણ જમીશું તો તારી રસોઈના તળિયા દેખાશે, બોલ શું કરીશું ?'
પ્રીતિ બોલી, 'બીજા નાસ્તા છે. તમે નિરાતે જમવા બેસો.'
સૌ જમવાનું પતાવી બહાર જતા રહ્યા, પ્રીતિના મનમાં અનેક પ્રશ્નો મુઝાતા હતા પણ કેતન રાત્રે મોડો ઘેર આવ્યો.
બીજે દિવસે જમણની ધમાલ ચાલી, મામાની સાથે કેતન વાતો કરતો હતો. સુરેશભાઈને ઘરનું જાણવાની તાલાવેલી હતી. કેતને ટુંકમાં જણાવ્યું, 'ગોઠવાઈ ગયું છે. તમારે હવે કોઈ જવાબદારી નહિ, ઘણા વર્ષો તમે સંભાળ્યું, હું તમારો ઋણી છું.'
પ્રીતિની આંખમાં પાણી આવી ગયાં, 'આ શું બોલ્યો ભાઈ?'
કેતને ખિસ્સામાં રૂમાલ શોધ્યો, બોલ્યો: 'અમેરિકામાં રૂમાલની જરૂર નહીં. શું કરું?'
પ્રીતિ દોડીને જતનથી સાચવેલો રૂમાલ લઈ આવી, ભાઇને આપ્યો.
'ઓહ, એરપોર્ટ પર આપેલો એ રૂમાલ !' ભાઈ -બહેનના આંસુથી રૂમાલ ભીંજાયો. સુરેશભાઈ અચંબામાં પડી ગયા.
રવિવારે સવારે પ્રીતિએ હોશથી કેતનને રાખડી બાંધી, પેડો ખવડાવ્યો, કેતને
પ્રીતિને કહ્યું, 'આપણે નાના હતા ત્યારે વારાફરતી દાવ લેતા, હવે મારો વારો, હું તને રાખડી બાઘું.'
સુરેશભાઈ અને પ્રીતિનું હસવું રોકાતું નથી, 'હજુ તારું બાળપણ ગયું નહીં, બઘી વાતમાં બહેનની કોપી કરવાની.' તેઓ બોલ્યા.
કેતને પ્રીતિને રાખડી બાંધી, સુરેશભાઈ જોતા રહી ગયા, કોઈ ભેટનું પેકેટ દેખ્યું નહિ, એમના ચહેરા પર નારાજગી હતી.
કેતનની ટેક્ષી નાનપુરાના રોડથી એરપોટ તરફ ગઈ, પ્રીતિ 'આવજે ' કહીને
આગણામાં ઊભી હતી, ચાર, પાંચ સાત... અસંખ્ય પાપા પગલીઓની દોડાદોડ જાણે તે જોતી હતી. નાનક્ડી વાદળી જેવો રૂમાલ હજી યે ઝરમર ભીંજાતો હતો.
સમીરના હાથનો સ્પર્શ તેના ખભાને થયો, તે ચમકી ગઈ. સુરેશભાઈ પાસે આવ્યા, તેમણે પૂછ્યું, 'તું શું કહે છે સમીર?'
સમીરે કહ્યું, 'મમ્મી, તને ખબર છે, મામાએ અહીં સોહમ એન્ડ સમીર એપાર્ટમેન્ટનો પ્લાન બનાવ્યો છે, રમેશભાઈ કોન્ટ્રાટર, હું અને સોહમ પાર્ટનર છીએ.'
