Mayur Rachchh

Others Inspirational

4  

Mayur Rachchh

Others Inspirational

પ્રતિબિંબ

પ્રતિબિંબ

3 mins
680


સારા એવાં પૅકેજથી મળેલી જોબને લીધે લાઇફ સાવ બદલાઈ ગઈ. કેટલી મહેનતથી આ જોબ પોતાને મળી હતી. હારબંધ લેવાયેલાં ઇન્ટરવ્યૂસમાંથી પસાર થઈને પોતે જાણે મલ્ટીલેયર ચારણીમાંથી ચળાઈને આવેલું કોઈ બીજ હતું, જે કંપનીની ટ્રેનિંગથી અંકુરિત થઈ ઊઠયું હતું. કોર્પોરેટ કલ્ચરવાળી લાઇફસ્ટાઇલથી પોતે જલ્દી ટેવાઈ ગયો. ઓફિસે રોજ નવાં-નવાં લોકોને મળવાનું, પોતાને સોંપાયેલા કામ પૂરાં કરવાનાં, કલીગ્સ સાથે કામકાજની વાતો કરવાની, આ જ જાણે જીવન બની ગયું હતું. પોતે કોઈ અલગ જ દુનિયામાં આવી ગયો હોય એવું ઘણી વખત લાગતું. રોજ સવારે સમયસર ઊઠીને ફટાફટ રૂટીન પતાવીને ઓફિસ પહોંચીને કામ હાથ પર લઈ લેવાનાં. પેન્ડિંગ રહેલાં કામ, નવાં આવતાં કામ, બોસ દ્વારા અપાતાં અનએક્સપેક્ટેડ કામ, બસ કામ, કામ ને કામ.


કેરિયરની સફળતાથી જીવન સાવ બદલાઈ ગયું. ચાલતી જિંદગી જાણે દોડવાં લાગી. સમય પણ ઝડપી બનીને ઉતાવળે વહી રહ્યો હતો. પ્રોફેશનલ લાઇફમાં મળેલાં અચિવમેંટ્સને કારણે પર્સનલ લાઇફમાં પણ અચિવમેંટ્સ મળ્યાં. સારું ઘર, કાર અને અરેંજ્ડ મેરેજ દ્વારા મળેલી વાઇફથી લાઇફ જાણે સેટ થઈ ગઈ. દુનિયાની નજરમાં સફળતાનો આ જ માપદંડ હતો, માટે પોતે સફળ વ્યક્તિ હતો.


રોજ સવારે ઓફિસનો યૂનિફોર્મ પહેર્યા બાદ પોતાની સ્વતંત્રતા ઊપર જાણે ગુલામીની બેડીઓ પહેરાવી દીધી હોય એવો અનુભવ થતો. રોજ પહેરવાં પડતાં ફોર્મલ શૂઝ જોબ પહેલાં ક્યારેય પહેર્યા ન હતાં. પર્સનલ કામ માટે કંપનીની મહેરબાનીથી રજા અપ્રૂવ થતાં, પેરોલ પર છૂટેલાં કેદી જેવો અહેસાસ થતો. કેટ-કેટલી એક્ટિવિટીઝ હતી જોબ પહેલાં ! સમય જ સમય હતો. રોજ સવારે મ્યુઝિક ચેનલ ઉપર થતો ડાન્સ, ગર્લફ્રેંડ સાથે થતો એ રોમાન્સ. ક્રિકેટ, વોલી-બોલની રમતો, કોલેજમાં મિત્રો સાથે થતી ગમ્મતો. બધું જ સમયનાં વહેણમાં તણાઇ ગયું હતું.


એક દિવસ ઓફિસનાં કામથી બહારગામ જવાનું થયું. બીજે દિવસે સવારે મીટિંગ હોવાથી આગલા દિવસે જ નીકળવું પડે એમ હતું. મીટિંગના પ્રિપેરેશન માટે ટ્રેનમાં લેપટોપ ખોલી કામમાં પરોવાઈ જવાથી મંઝિલ ક્યારે આવી ગઈ એનો ખ્યાલ ન રહ્યો. રાત્રે હોટેલ પહોંચીને ડિનર લીધા બાદ રહી-સહી કસર પૂરી કરવાં માંગતો હોય તેમ લેપટોપ સ્ટાર્ટ કરી દીધું. ઘડીભરના મિલન બાદ વિરહમાં ઝૂરતાં ઘડિયાળના બે કાંટાનું સીધી રેખામાં મિલન થયું અને કેલેંડરમાંથી વર્તમાન તારીખ અચાનક ભૂતકાળ બની ગઈ. કામમાં વ્યસ્ત પોતાને સમયનો કોઈ ખ્યાલ ન રહ્યો. મોડે સુધી જાગીને કામ પૂરું કર્યાં બાદ લેપટોપ શટ્ડાઉન કર્યું અને રાહતનો શ્વાસ લીધો. થોડીવાર શૂન્યમનસ્ક બની બેસી રહ્યાં બાદ નજર હોટેલ રૂમમાં લાગેલા નાનકડાં વોલપેપર પર પડી. ઉત્ક્રાંતિ દરમિયાન વાનરમાંથી મનુષ્ય બનેલાં પ્રાણીના તબક્કાઓ દર્શાવતું ચિત્ર હતું. ઉત્ક્રાંતિ એ સતત ચાલતી પ્રક્રિયા હતી. વાનરમાંથી મનુષ્ય બનેલું પ્રાણી હવે ધીરે-ધીરે મશીન બની રહ્યું હતું. નાનપણથી જ જાણીતું આ ચિત્ર આજે પોતાને અધૂરું લાગી રહ્યું હતું.


દિવસભરના સ્ટ્રેસ પછી મળેલી થોડી રાહતનો લાભ લેવાં બાલ્કનીમાં જઈને સિગારેટ પેટાવીને પોતે બહારનો નઝારો જોવાં લાગ્યો. ચોતરફ પથરાયેલું કોંક્રીટનું જંગલ કૃત્રિમ પ્રકાશથી ઝળહળી રહ્યુ હતુ. રસ્તા પર આમ-તેમ વાહનો પસાર થઈ રહ્યા હતા. પોતે પણ એ ભીડનો હિસ્સો હતો. વિચારના આ વંટોળમાં સિગારેટ રાખમાં તબદીલ થઈ ગઈ. રૂમમાં પરત આવીને બોટલ્ડ વોટરના બે ઘૂંટ ભરીને તરસ્યા ગળાને તરબોળ કર્યું અને લાઇટ ઓફ કરી દીધી.


રૂમમાં સજાવટના ભાગરૂપે રાખેલું એકવેરિયમ ડીમ લાઇટથી ઝળહળી રહ્યું હતું. કેટલી સરસ મજાની સજાવટ હતી ! અવનવાં સ્ટોન અને કૃત્રિમ વનસ્પતિથી તે શોભી રહ્યું હતું. માછલીઓને જાણે નવી દુનિયાની ખોજ હોય એ રીતે આમ-તેમ ભટકતી હતી, પણ તેમનું જીવન આ એકવેરિયમ પૂરતું જ મર્યાદિત હતું. એકવેરિયમ પાસે રહેલાં ફૂડ પેકેટમાંથી થોડું પોતે તેમાં ઠાલવ્યું. ચોતરફ ભટકતી માછલીઓ થોડીવાર માટે એક તરફ આવી અને દાણાઓ આરોગવાં લાગી. ફૂડ આરોગ્યા બાદ માછલીઓમાં જાણે નવી એનર્જીનો સંચાર થયો. ફરી માછલીઓ આમથી તેમ તરવાં લાગી. પોતે કાચની લગોલગ પોતાનો ચહેરો લઈ ગયો અને માછલીઓને સાવ નજીકથી જોઈ રહ્યો. અચાનક એક માછલી પોતાની આંખો સમક્ષ આવી. થોડીવાર માટે તે ત્યાં સ્થિર થઈ ગઈ. બન્ને એકમેકને જોઈ રહ્યાં. એકવેરિયમનો એ કાચ જાણે અરીસો બની ગયો હોય તેમ પોતે તે માછલીમાં પોતાનું પ્રતિબિંબ જોઈ રહ્યો.


Rate this content
Log in