લંચબ્રેક
લંચબ્રેક
લંચ બ્રેક પડતાં જ બધા ઓફિસમાંથી વિખેરાવાં લાગ્યા. પોતે પણ પેટપૂજા કરવાં બહાર નીકળ્યો. ટૂંક સમયમાં જ પોતે નવાં શહેરમાં સેટલ થઈ ગયો હતો. સારું એજ્યૂકેશન અને ક્વાલિફિકેશનને લીધે નવી નોકરીમાં પણ એડજસ્ટ થતાં બહુ વાર ન લાગી. નવું વાતાવરણ, નવાં લોકો, થોડો ઉત્સાહ, થોડો સંઘર્ષ. લંચ બ્રેકમાં પોતે રોજ ઓફિસની આસ-પાસનાં સ્થળો એક્સપ્લોર કરતો. જુદી-જુદી જાતની વાનગીઓ આરોગતો.
એક દિવસ પોતે એક જગ્યાએથી સેન્ડવિચ અને સોફ્ટ ડ્રિંક લઈને પાસે આવેલી ઘટાદાર વૃક્ષોથી ઘેરાયેલી શાંત જગ્યાએ પહોંચી ગયો અને પેટપૂજા શરૂ કરી દીધી. એકલો હોવા છતાં પોતાને એકલતા મહેસૂસ થતી ન હતી. આસ-પાસનાં બાંકડાઓ પર બેઠેલાં લોકો, આમ-તેમ આંટા મારતો એક હસમુખો ગાંડો, ભૂખ અને જિજ્ઞાસાથી પોતાની તરફ એકધારી નજરે જોઈ રહેલો એક કુતરો, આ બધાં જાણે પોતાને કંપની આપી રહ્યા હતા. સેન્ડવિચ પતાવીને પોતે ખાલી રેપર ફેંકવા આમ-તેમ નજર કરી. આસ-પાસ કોઈ કચરા પેટી ન દેખાતાં કચરો સીધો ધરતી માતાને સમર્પિત કરી દીધો. ત્યાર બાદ છેલ
્લો ઘૂંટ ભરી સોફ્ટ ડ્રિંકની ખાલી બૉટલ પણ ત્યાં જ નીચે ફેંકી દીધી.
લંચ બ્રેક પૂરો થવામાં હજુ વાર હોવાથી હાથમાં ફોન લઈને ટાઇમ-પાસ કરવાનું શરૂ કર્યું. ફોન પર ફ્રેન્ડ સાથે ચાલી રહેલા ચેટિંગમાં પોતે નવાં શહેર અને નવી નોકરી વિશેના અનુભવો શેર કરી રહ્યો હતો. એટલામાં કોઈ પોતાની નજીક આવ્યું, પણ ફોનમાં વ્યસ્ત પોતાને તેનો કોઈ ખ્યાલ ન રહ્યો. નજીક આવેલી વ્યક્તિએ નીચે નમીને પોતાનાં પગ પાસે રહેલો કચરો ઉપાડી લીધો. અચાનક ઝબકીને પોતે જોયું તો પેલો ગાંડો કચરાને ઊંચકીને ચાલવા લાગ્યો અને થોડે દૂર આવેલી કચરા પેટીમાં નાખી આવ્યો.
આ ગાંડાનું કોઈ ઘર ન હતું. આ સમગ્ર વિસ્તારને એ તેનું ઘર સમજતો હતો. તેનું આંગણું કોઈ ગંદુ કરે એ કદાચ તેને મંજૂર ન હતું. ફોન પર ચેટ કરવાનું મૂકીને ઘણીવાર સુધી પોતે સાવ સૂનમૂન બની બેસી રહ્યો. લંચ બ્રેક પૂરો થઈ ગયો હતો પણ પોતાને તેનો કોઈ ખ્યાલ ન રહ્યો. પોતાનાં માનસમાં છવાઈ ગયેલો ગાંડાનો એ હસમુખો ચહેરો જાણે ‘ગાંડું કોણ ?’ એવો સવાલ પૂછી રહ્યો હતો.