પરોપકારી લલ્લુ
પરોપકારી લલ્લુ


ઘણા સમય પહેલાની આ વાત છે. તે જમાનામાં વીજળીની શોધ થઇ ન હતી. તે સમયમાં એક ગામ હતું. તે ગમમાં અનેક લોકો રહેતા હતા. મોટાભાગના લોકો ખેતી અને પશુ-પાલનનું કામ કરતા હતા. એ વખતે આજના જેવી બોર અને નહેર જેવી પાણીની સગવડ ન હતી. વરસાદના પાણીથી જ ખેતી કરતા હતા. અને પીવામાં પણ ઘરે ઘરે નળ ન હતા. લોકો કુવામાંથી જ પાણી કાઢીને પીતા હતા.
હવે આ ગામમાં એક માણસ રહેતો હતો. તેનું નામ લલ્લુ હતું. પણ બધા તેને લલ્લુ લબાક કહીને જ બોલાવતા હતા. તે સ્વભાવે થોડો ભોળો હતો. તેની અંદર દુનિયાના બીજા લોકોની જેમ ચાલાકી કે હોંશિયારી ન હતી. હવે એક દિવસ લલ્લુ લબુક પોતાના ઘરમાં ઊંઘ્યો હતો. અડધી રાત થઇ ત્યાં લાલ્લુંના ઘરમાં ધબક કરતો અવાજ આવ્યો. લલ્લુ આ અવાજથી જાગી ગયો. જઈને જોયું તો ઘરમાં બિલાડી કુદી હતી. અને બિલાડીના કૂદવાથી માટલું ફૂટી ગયું હતું. આખા ઘરમાં બધે જ પાણી પાણી થઇ ગયું હતું.
હવે તો પાણી પણ ધોળાઈ ગયું. હવે લલ્લુને થયું રાતે તરસ લાગશે તો શું કરીશ. અને અત્યારે અડધી રાત થઇ છે. અડધી રાતે પાણી માટે કોને હેરાન કરવા ! એના કરતા હું જાતે જ કુવે જઈને પાણી ભરી આવું છું. આમ વિચારી લલ્લુ લબુક ડોલ અને દોરડું લઈને કુવે ગયો. અજવાળિયું ચાલી રહ્યું હતું. આકાશમાં પુનમનો ચાંદ પૂર બહારમાં ખીલ્યો હતો. ચર્ય બાજુ ચંદ્રનું સુંદર અજવાળું પથરાયેલું હતું. તેણે કુવામાંથી પાણી કાઢવા માટે ડોલ કુવામાં નાંખી. ડોલમાં પાણી ભરાયું છે કે નહિ તે જોવા તેને કુવામાં નજર નાખી.
પણ આ શું કુવામાં જોઇને લાલુ તો ચમક્યો. તેણે કુવામાં ચાંદામામાને જોયા. તેને તો ખુબ નવાઈ લાગી. તેણે ઉપર આકાશમાં જોયું. હવે તે જ વખતે આકશમાં એક વાદળું આવ્યું હતું. એટલે ચાંદામામા વાદળ પાછલ હતા. એટલે લાલુને તે દેખાયા નહિ. એટલે લલ્લુંને એમ થયું કે ચાંદામામા કુવામાં પડી ગયા છે. એટલે તેને ચાંદામામાની ચિંતા થવા લાગી. હવે અડધી રાતે કોને મદદ માટે બોલાવવા ? અને તે ગામમાં કોઈને મદદ માટે બોલવા જાય અને ત્યાં સુધી ચાંદામામા ડૂબી જાય તો ! આમ વિચારીને લલ્લુ જાતે જ ડોલ વડે પાણી ભરી ભરીને કુવામાંથી બહાર કાઢવા લાગ્યો.
એને એમ કે પાણીની સાથે ચાંદામામા બહાર આવી જશે. આમ લલ્લુ તો આખી રાત પાણી ઉલેચતો રહ્યો. પણ ચાંદામામા ક્યાંથી બહાર આવે ! કુવામાં હોય તો આવે ને. આમ સવાર પડી ગઈ. પણ લલ્લુ તો પાણી ખેંચતો જ રહ્યો. વહેલી સવારે એક ભાઈ કુવે પાણી ભરવા આવ્યા. તેમણે લલ્લુને પાણી કાઢી કાઢી બહાર ઢોળતો જોયો. તેમણે પૂછ્યું, ‘શું વાત છે લલ્લુ કેમ પાણી .. ?’ ત્યારે લલ્લુ એ આખી વાત કરી કે ‘ચાંદામામા કુવામાં પડી ગયા છે. તેમને બહાર કાઢું છું.’ પછી પેલો માણસ આખી વાત સમજી ગયો. તેણે ભોળા લલ્લુને આકાશમાં ચાંદામાં બતાવ્યા અને કહ્યું. ‘જો ચાંદામામા તો ત્યાં જ છે. કુવાના પાણીમા તો તેમનો પડછાયો પડે છે.
ત્યારે લલ્લુને પોતાની મુર્ખામી સમજાઈ.