પ્રેમનૈયા
પ્રેમનૈયા


દુરથી રળિયામણા અને સોહામણા લાગતા એ ડુંગરો, ચોમાસામાં છવાયેલી વનરાજી, દુર દુર સુધી મહેકતી એ માટીની સોડમ, ને વચ્ચે આવેલુ એક નાનકડુ જવાનપુરા ગામ. જ્યાં માડ સાતસો એક લોકોની વસ્તી હશે. પણ ગામના લોકો બહુ મહેનતુ, ભાવિક, સરળ અને પ્રામાણિક !
જુદી જુદી જાતિના લોકો પણ સારી રીતે સંપીને રહે. તેમાં પણ શાહુકારના માડ છ ઘર છે. એમાંનુ જ એક મોભાદાર ઘર એટલે સોમાશેઠનુ ઘર. શેઠ ગામના સરપંચ છે. પણ જરા પણ અભિમાન નહી. ને ન્યાયના તો બહુ પાકા. ને એટલા જ પ્રમાણિક. શેઠની આજુબાજુના ગામમાં બહુ મોટી વગ છે. પણ મોટાઈ જરાય નહી. કોઈનુ પણ કામ અટકે એટલે બધાના મોઢે એક જ નામ હોય. સોમાશેઠને મળો, સૌ સારાવાના થઈ જશે ! જેવા શેઠ એવા જ એમના ત્રણ દીકરા હતા. જસવંત, સુમન, અને પંકજ. ત્રણેયમાં એમના પિતાના સંસ્કાર હતા. એમાં પણ સૌથી નાનો પંકજ. એતો જાણે અદલ તેના પિતાનો પડછાયો. દેખાવે, સ્વભાવે, અને એટલો જ દયાળુ.
શેઠ ના બંને દીકરાઓના વિવાહ થઈ ગયા હતા. બસ હવે પંકજના વિવાહ બાકી હતા. બાકી એટલે વિધિવત છોકરી ઘરે લાવવાની હતી. પંકજના બાજુના ફતેપુરા ગામની એક કન્યા સાથે બાળપણમાં જ લગ્ન થઈ ગયા છે. તેનુ નામ ચંદના છે. તેનુ રૂપ એટલે ઉર્વશી અને મેનકાને પણ ભુલી જઈએ ! અત્યારે તો ફુટડી જુવાન કન્યા બની ગઈ છે. ચંદનાની સારી એવી ઉચાઈ, મધ્યમ બાધો, સરસ માછલી જેવા અણિયારા નેણ, નમણુ નાક, કોમળ ગુલાબી હોઠ અને હોઠના ઉપર રહેલો એક નાનકડો તલ એના આ જોબનને ઓર ખીલવી દેતો અને તેનો એ છાતીનો ઉભાર તેની યુવાન કાયાને ઓર મહેકાવી દેતા. તેને જોયા પછી કોઈ પણ પુરૂષ તેને પામવાની કામના કર્યા વિના રહી ના શકે ! અને હસે એટલે તો જાણે એવા ગાલે ખંજન પડે કે વાતાવરણ હળવુફુલ બની જાય!
હવે સોમાશેઠ વિચારે છે કે પંકજની વહુને પણ હવે ઘરે કંકુપગલા કરાવી દઈએ. એટલે શેઠ ઘરે તારા શેઠાણી અને બધાને વાત કરે છે અને વેવાઈના ત્યાં સારો દિવસ જોવડાવીને સમાચાર મોકલાવે.છે. પછી થોડા દિવસોમાં ચંદનાનુ આણુ થાય છે અને સૌ સાજન માજન સાથે વાજતે ગાજતે જઈને નાની વહુને તેડી આવ્યા. પંકજે તો ચંદનાના રૂપ અને સ્વભાવના બહુ વખાણ સાભળ્યા હતા પણ તેને ક્યારેય મનભરીને જોઈ નહોતી. ક્યાક કોઈ વિવાહ પ્રસંગમા જોઈ હોય એ પણ ચોરીછુપીથી. લગ્ન ભલે થઈ ગયા હતા પણ તે સાસરે તો મોટા થયા પછી પહેલી વાર આવી હતી. બહાર તો બધાની સામે પંકજે તે ઘુઘટમા હતી એટલે તેનો ચહેરો પણ નહોતો જોયો.
આજે તેમની મધુરજની હતી. એક ગામડુ એટલે એક ઓરડી હતી. તેમાં એક પથારી હતી અને બે ચાર ગુલાબના ફુલ પાથરેલા હતા. બાકી જ્યાં બે પ્રેમાળ, નિર્મળ, શુદ્ધ લાગણીવાળા હૈયા હોય ત્યાં ભૌતિક સામગ્રીઓની શી વિસાત ! ચંદનાને તેની બે જેઠાણીઓ એ ઓરડામાં મુકી આવી અને પછી પંકજને અંદર મોકલ્યો. પંકજ બંધ કરીને જુએ છે તો તે ઘુઘટમા બેઠી છે.
તે પહેલાં તેને કહે છે, "તમોને અહી ગમશે ને ? મારા અહીંયા આવવાથી કોઈ દખ નથી ને ?'
ચંદના કહે છે, "તમો તો મારા ભરથાર સો. તમોને જે ગમે તે અમોને ય ગમશે. આપણે તો હાતે જનમનો સથવારો નિભાવવાનો સે. હાસુ ને ?"
પંકજ આજે પહેલી વાર ઘુઘટ ઉચો કરીને ચંદનાને મન ભરી જોઈ રહ્યો છે. આટલી સુંદર સ્ત્રી તેણે આજ સુધી ક્યારેય જોઈ નહોતી.
પંકજ : "ચેટલાય વરહ કાઢી નાખ્યા હશે ભગવોને તમોને બનાવવામાં. આવુ રૂપ તો આ ઘરતી પર પહેલી વાર દીઠું. પણ જરાય માઠુ ના માનતા હુ તમારા દેખાવનો જરાય ભુખ્યો નહી. મારી ઘરવાળીનુ સન્મોન એ જ મારૂ મોન"
આજે બેય નિર્મળ હૈયાઓ વિશુદ્ધતા થી એકબીજા ના સાથને માણી રહ્યા હતા.
ચંદના સવારે તો વહેલા ચાર વાગે ઉઠી ગઈ. તેના સાસુની સાથે કામ કરવા કહેવા લાગી. તેમણે કહ્યું હાલ નહી પછી કરજે.
થોડા દિવસોમાં તો સૌ તેના હેવાયા થઈ ગયા છે. સવારે ઉઠીને સૌ માટે ચા નાસ્તો ને બધુ જ કામ ફટાફટ કરવા લાગે ને એની વાતો પણ એવી જ મીઠી. ઘરની સાથે તેમના ગામ આખામાં તેની વાહ વાહ થવા લાગી. આ વાતથી તેની મોટી જેઠાણી જસવંતની પત્ની સુલસાને તો કોઈ ફરક ના પડ્યો તે તો ચંદનાને નાની બહેનની જેમ જ રાખતી. અને તેનો દીકરો અને દીકરીને પણ તેની બહુ માયા હતી. શેઠના બીજા દીકરા સુમનની પત્ની પુષ્પાને આ વાતની ખુબ ઈર્ષા થવા લાગી હતી. અને વળી તે સુંદર તો હતી પણ ચંદનાના આવતા તેનુ રૂપ ઝાખુ પડવા લાગ્યું હતું. જ્યાં જુઓ ત્યાં સૌના મોઢે ચંદનાના રૂપ અને પ્રેમાળ સ્વભાવની જ વાતો હોય.
આ વાત માટે તેણે મેલી રમત રમવાનું શરૂ કર્યુ. તે અત્યાર સુધી રહેતા આ ખુશખુશાલ પરિવારમાં આગ ચાપવાનુ કામ કરવા લાગી. તે કોઈ ને કોઈ બાબતમાં તેને નીચે જોવડાવવાનો પ્રયત્ન કરતી. પણ તેના નાના નાના ષડયંત્રમાં તે ફાવી નહી. કારણ કે પંકજને તેના ભાભીની આવી હરકતોની ગંધ આવવા લાગી હતી. તેથી તે કઈ પણ ના થાય એનુ બહુ ધ્યાન રાખતો. અને કંઈ પણ થાય તો ચંદનાને પુરેપુરો સાથ આપતો.
હવે એક દિવસ તો પુષ્પા એ હદ કરી દીધી. ગામડામાં તો સ્ત્રી ઓ જલ્દી બહાર નીકળે નહી પણ એક દિવસ ચંદના તે અમસ્તા તેના દુરના ફોઈના ઘરે ગઈ જે આ ગામમાં જ રહેતા હતા. પણ એ દિવસે એમને કોઈ કામ તેઓ બાજુના ગામે ગયા હતા. ત્યાં ઘરે તેમનો દીકરો અજય હતો. તેને કહ્યું "આવો બુન, બાઈ ને બાપુ તો કોમથી બાર જ્યો સી. તમે આયો સો તે બેહો. "
ચંદના "ના ભઈ આ તો આજ મન યાદ તો મન થ્યુ ફુઈની ભાળ લેતી આવુ."
અજય : "ના બુન ઈમ નો જવાય, સા તો પીને જો મુ ઈમ તો હારી બનાવુ સુ પિવાય એવી તો."
તેને વધારે મનવર કરતા તે ત્યાં ચા પીવા રોકાઈ. આ વાત =નો ફાયદો ઉઠાવ્યો તેની જેઠાણી પુષ્પા એ. તે હંમેશાં ચંદના =ની દરેક હિલચાલ પર તાકતી નજર રાખતી. તે તેના સાસુ સસરા અને જેઠને અહી લઈ આવી અજય ના ઘરે. તે લોકો આવ્યા ત્યારે અજય અને ચંદના નિર્દોષભાવે હસીને વાતો કરતા કરતા ચા પી રહ્યા છે. ચંદના તો બધાને અહી એકસાથે જોઈ સહજતાથી પહેલા સરખો ઘુઘટ કરીને બોલી,
'બાઈ,બાપુ શુ થયુ સંધાય હાથે આયા કોઈ થયુ શ ?
ત્યાં વચ્ચે જ વાત અટકાવતા પુષ્પા બોલી, "આ તો બહારથી બહુ હારી બન સ. તમન ખબર નહી ઈન આ અજય હાથે આડા સંબંધ સ. પંકજભઈ તો કોઈ ધ્યોન રાખતા નહી કોમમાં ને કોમમાં. ઓમ તો ઓય કોઈ દહાડો જલ્દી આવતી નહી પણ આજ કોઈ ઘેર નહી એટલ જ આઈ સ અઈયા. અન ઈની હારે ચેવી હસીન વાતો કરસ. પોતાના દેખાવનો ખોટો ઉપયોગ કરસ."
આ સાંભળીને ચંદના તો સ્તબ્ધ થઈ ને ઉભી રહી જાય છે. તે શુ કરે તેને કંઈ જ સમજાતુ નથી .
ચંદના : "ભાભી તમન તો હુ મારી મોટી બુન મોનુ સુ અન તમે આવુ કર્યુ ? મી તો કદી આવુ હપનામોય નહી વિસાર્યુ .મારો ધણી આટલો હારો સ મારે હુ કોમ કોઈની હારે જવુ. ઈવુ કરૂ તો મારા માવતરની આબરૂ જાય. મારા આ કટુબની ફજેતી થાય. એવો દહાડો આવ ઈન પહેલો તો મારો જીવ જાય." કહીને તે તેમના ઘરે આવી જાય છે.
ગામડામાં તો ઘર બાજુ બાજુ માં હોવાથી એક બે જણને ખબર પડતા આખા ગામમાં આ વાત પવન વેગે ફેલાઈ ગઈ.
તાત્કાલિક પંચાયતની બેઠક બેસાડવામાં આવી. પંકજને ખબર પડતા તે ઘરે આવ્યો. તે ગયો તો ઘરમાં બધા જાણે તેની સાથે પણ ગુસ્સામાં હતા. પુષ્પા તો ફરી આમતેમ ચંદના માટે બોલવા લાગી. આ બાજુ ચંદના બાજુની ઓરડીમાં રડીને અડધી થઈ ગઈ હતી.
આજે પહેલી વાર પંકજ ગુસ્સે થઈને બોલ્યો, "ભાભી ન તો મી મા હમાન મોન્યો સ. ઈ જ આવુ કરશે ખબર નતી ઈ મન કહીન ગઈતી જવાનું પણ ફુઈ બાર જ્યો હસી એવી ઈન હુ ખબર. આવી ઉધી વાત કરતા તમન શરમ નો આવી."
સુમનને લાગ્યું કે પુષ્પા સાચુ કહે છે એટલે તે પણ સામે ઉશ્કેરાઈને પંકજ ને લાફો મારી દે છે. આજે આવુ સોમાશેઠે તેમના આખા આયખામો પેલી વાર જોતા તેમને તો તમ્મર આવી ગયા બધાએ તને માડ માડ સંભાળ્યા.
પંકજે કહી દીધું "તમારે જે મોનવુ હોય ઈ મોનો મને ઈના પર પુરો ભરોસો સ."એમ કહીને તે અંદર તેની પાસે ગયો. સૌને અંદરથી તો ખબર હતી જ કે ચંદના નિર્દોષ છે પણ કોઈ સામે કહી શકતુ નહોતું આ જોયા પછી. પંચાયતની મીટીંગમાં સોમાશેઠ ગયા. તેમનુ મોઢું આજે નીચુ હતુ. આજ સુધી તેમની વાહ વાહ અને તેમની પુત્રવધુની આવી વાત થતા આજે તેમના જીવતરમા જણે ડાધ લાગી ગયો છે. તેમની બધી ચેતના જાણે હણાઈ ગઈ હોય એમ લાગી રહ્યું છે. બધી વાત ત્યાં પંચાયત સમક્ષ થઈ એક વડીલ બોલ્યા "આજ લગી આપણા ગોમમાં કોઈ છોડી કે વહુના ચારિતર પર ડાઘ લાગ્યો નહી. આપણામાં તો આવો કોઈ નેમય નઈ બન્યો કે આવુ થાય તો હુ કરવુ."
એક વડીલ બોલ્યા, "મન લાગશ આપણ એક મોકો આલવો જોઈઅ. કદિક આપણી ગેરહમજણમાં કુઈનુ જીવતર રોળાઈ જાય."
સોમાશેઠ તો આવ્યા ત્યારથી ચુપ હતા. એમને પુછવામાં આવ્યું કે શુ કરવુ ?,"માર તો હુ કેવુ આજ લગણ હુ બધોને નિયાય અપાવતો હતો આજ માર હુ કેવુ, હાસુ ખોટું તો હુ ય નથ જાણતો. આજ લગણ તો ત્રણેય વહુઓ મો મન સંદના વહુ પર હૌથી વધુ ભરોહો હતો પણ આજ મી જે જોયુ એ પરથી મન તો કોઈ સમજાતુ નહી. પણ તમ તારે તમન જે ઠીક લાગ એ નક્કી કરો. મારા ઘરનુ સ એમ વિસારી કોઈ ખોટો ન નિયાય ના કરતા તે કોઈ દિ મારા નિયાય માટ મન ઓગળી સિધ."
આખરે પંચાયત સમક્ષ પંકજ જે કહે તેના પર આગળ નિર્ણય લેવાનુ નક્કી થયું કારણ કે કોઈ પણ પતિ પોતાની પત્નીના બીજા કોઈ પુરુષ સાથે આડા સંબંધ ક્યારેય સહન ન કરી શકે.
પંકજે ત્યાં આવીને કહ્યું, "મન મારી ઘરવાળી પર પુરો ભરોહો સે. તે કદી પરાયા મરદ હામે જોતી ય નહી. અન અજય ભલ દુરનો પણ ઈનો ભઈ સ. માટ મન નહી લાગતુ ક ઈના માટે કોઈ કરવુ જોવ."
એક વડીલ તેની પરિક્ષા કરવા બોલ્યા, "તન ઈવુ ન લાગતુ ક તુ તારી ઘરવાળીનુ કીધેલુ મોનવા મોડ્યો સ ?"
પંકજ,: "વડીલ મન થાય તો મોફ કરજો. નોના મુઢ મોટી વાત કરૂ સુ. પણ મારા ઈના હારે વિવાહ થીયા સ અન મી અગ્નિની સામે ઈની જોડા ફેરા ફર્યા સ. અને ઈનો સાથ આપવાન વસન આપ્યું સ. તો આજ ઈ નિર્દોહ સ તો માર ઈનો સાથ આપવો જોઈએ. એ હુ પણ ઈન ના હમજુ તો બસારી ચો જાય. બાકી તો તમ બધા હૌનુ હારૂ વિસારસો તમ જે કેશો એ મન મંજૂર હસે" કહીને દુઃખી થઈને તે જતો રહ્યો ત્યાથી.
ત્યાંથી જતા તેને અજય મળ્યો તેને કહ્યું પંકજને, "મી ખોટી સા પીવા રોકી બુન ન, મન હુ ખબર આવુ થહે. તન તો ભરોહો સ ન અમારા પર."
પંકજ : "મન ખબર હ તમારા મનમો એવુ કોય ખરાબ નહી. આ બધુ કુણે કર્યું સ ઈ એ મન ખબર સ. પણ માર કોઈન બદનોમ નહી કરવુ. બસ માર સંદના ન કોય ના થવુ જોઈય. તુ જરાય મનમો ખરાબનો લગાડીશ. હાસુ તો એક દાડો હૌના હોમે આવશે જ."
પછી બધાએ ભેગા થઈ ને નિર્ણય કર્યો કે ચંદના નિર્દોષ છે એવુ જાહેર કર્યુ અને બીજી વાર આવુ કંઈ પણ થશે તો તેના પર સખત અમલ કરવામાં આવશે. ચંદના નિર્દોષ થતા પંકજ ઘરે ગયો. આ વાત થયા પછી બંને એ કંઈ જમ્યુ નહોતું. અને ઓરડામાં જઈને જોયુ તો તે ચિંતામાં નીચે ઢળી પડી હતી બેભાન થઈ ને.પંકજે ફટાફટ બધાને બોલાવ્યા અને તેને પાણી છાટીને જગાડી તેને તો કંઈ જ ખબર નહોતી. પછી બધી વાત પંકજે તેને કરી પછી ઘરે તો બધા તેની સાથે પહેલાંની જેમ રહેવા લાગ્યા. પણ ચંદનાની ખુશી છીનવાઈ ગઈ હતી. હંમેશા બધા સાથે હળીમળીને હસતી રહેતી ચંદના હવે ગુમસુમ રહેવા લાગી. તે કામ બધુ જ કરતી પણ બધા સાથે કામ પુરતી જ વાત કરતી.
ચંદનાની જેઠાણી પુષ્પાને લગ્ન ના પાચ વર્ષ થયા છતાં કોઈ સંતાન નહોતું. હવે થોડા દિવસથી એની તબિયત સારી રહેતી નહોતી એટલે ખબર પડી કે તે મા બનવાની છે એટલે ઘરમાં ખુશીનુ વાતાવરણ છવાઈ ગયુ છે. પુષ્પા પણ હવે ચંદના સાથે એટલું ખરાબ નહોતી કરતી પણ ચંદનાને કોઈ પર હવે વિશ્વાસ નહોતો રહ્યો. તે ફકત પંકજ પર ભરોસો કરતી. આ ખુશીના થોડા જ દિવસોમાં એક દિવસ ખબર પડી કે ચંદનાના કુખે પણ હવે નાનુ મહેમાન ઘરમાં આવવાનું છે. એટલે ઘરમાં ખુશી બમણી થઈ ગઈ.
સોમાશેઠનુ ગામમાં એટલે એટલું માન અને મોભો હતો એટલે સૌના મનમાં આ સમાચારથી હરખ હતો. ધીરે ધીરે દિવસો વીતતાં ગયા ચંદના અને પુષ્પા બંને ને છેલ્લા દિવસો જતા હતા. સૌ તે બંનેની સારી કાળજી રાખતા. એક દિવસ અચાનક પુષ્પાને દુખાવો ઉપાડ્યો ત્યાં ગામમાં સૌની સુવાવડ કરતાં બે બહેનો ત્યાં આવ્યા તેને જોઈ અને કહ્યું કે "બાળકના ઘબકારા ઓસા થઈ ગયા લાગ સ. હાલ હુવાવડ કરાવવી પડસે. તેમને મહેનત કરી પણ અંતે તેની હુવાવડ તો થઈ પણ દીકરો આયો પણ તે અડધો કલાક માં મૃત્યુ પામ્યો. આ બાજુ પુષ્પાને કોઈ એ હજ કહ્યું નહોતું પણ તે બાળક બાળક કરતી બેભાન થઈ ગઈ. બે દિવસ થઈ ગયા પણ એ ભાનમાં નહોતી આવતી.
આ બાજુ ચંદનાને દુખાવો થતા તેની સુવાવડ સારી રીતે થઈને તેણે એક સુંદર તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો. ઘરમાં એક ખુશી છવાઈ ગઈ. તેમનુ આ પહેલુ બાળક હતુ એટલે. આ બાજુ પુષ્પા બસ બાળક આપો તેને ખોળામાં લેવુ છેની રટ લઈને અર્ધભાનમા બોલી રહી છે. ત્યાં જ પંકજ અને ચંદના આવીને તેના ખોળામાં તેમનુ બાળક આપે છે. તે ખુશીથી ખોળામાં લઈને થોડી બેભાન અવસ્થામાં તેને રમાડે છે. હવે ધીરે ધીરે તેની તબિયત સારી થવા લાગી છે.
સોમાશેઠ બંને ને કહે છે " પુષ્પા વહુ બાળક ને જોઈને હારા થાય છે પણ પસી તે તેને પોતાનું સોકરૂ માનશે તો તમે હુ કરશો ?"
પંકજ : " એ આપણા ઘરમો જ રેશે ને. અને અમે બેય હમજી વિસારીને જ આ કર્યું સે. જો એમની તબિયત હારી થતી હોય ને સુમનભઈનુ ઘર ફરી વસી જતુ હોય તો અમ બેય આ બલિદોન આપવા તૈયાર સીયે "
સોમાશેઠ : "આજ મન તમારા બેય પર ગરવ થાય સ ક તમે મારા સોકરાઓ સો."
હવે પુષ્પા સાજી ગઈ છે પણ તેને તો એમ જ છે કે આ મારો દીકરો છે. અને ચંદનાનો દીકરો મૃત્યુ પામ્યો છે. કારણ કે પંકજ અને ચંદના એ જ બધાને કહેવાની ના કહી હતી. પણ કહેવાય છે ને કે સ્વભાવ ના જાય તેમ પુષ્પા ફરી ચંદનાને મહેણું સંભળાવતી. અને કહેતી તેને તો બાળક પણ નથી રહ્યું હવે. આ સાંભળીને ચંદના દુઃખી થતી પણ કંઈ જ ના કહેતી.
એક દિવસ તો તેણે બધાની સામે ચંદનાને તેનો દીકરો રમાડવાની ના પાડી દીધી. તેને કહ્યું તારા બાળકને તે ના સાચવ્યું એટલે તે આ દુનિયામાં ના રહ્યું હવે તુ આને પણ નહી સાચવે તો કરીને તેના હાથમાંથી લઈ લીધું. ચંદનાની આખોમાથી આસુ આવી ગયા પણ ચુપ રહી. આજે આખરે આટલા સમયથી મૌન રહેલો પુષ્પાનો પતિ બધાની વચ્ચે બોલ્યો ,"તુ ખરેખર મા બનવાને લાયક જ નહી. ઈ બંને મનેખે પોતાની કુખ ખાલી કરી તને આ ઈમનો રાજકુમાર જેવો દીકરો તન હારી કરવા અન આપણુ ઘર ફરી વસાવવા આપણ ન હોપ્યો, અન આજ તુ મોણસઈ ભુલી જઈ." એમ કરીને તેને બધી સાચી વાત કરે છે.
બધી વાત સાંભળી ને પુષ્પા ને બહુ પસ્તાવો થાય છે કે મે આ શુ કર્યુ. તે ચોધાર આસુએ રડે છે અને પંકજ અને ચંદનાની માફી માગે છે. તે બાળક લઈને તેમની પાસે તેમની પાસે જાય છે અને કહે છે, "મન માફ કરો, મારાથી બહુ મોટી ભુલ થઈ ગઈ. આ બાળક તમ લઈ લો ...હુ મા બનવાન લાયક નહી"
પંકજ કહે છે: "અમે આ બાળક ન તમોન હાચા મનથી આપ્યું સ. તમન પસ્તાવો થયો એ જ બહુ સ. ઈને તમે જ રાખો ભાભી મા."
પુષ્પા પછી જાતે જ એક ખુલાસો કરે છે કે ચંદનાને બદનામ કરવાનો પેતરો તેણે જ કર્યો હતો.અને એની બધા સામે માફી માગે છે. સુમન આ વાતને પંચાયત સામે લઈ જવા કહે છે પણ પંકજ જ ના પાડે છે કે એને પહેલેથી જ ખબર હતી પણ તે ઘરની ઈજ્જત ખરાબ કરવા નહોતો ઈચ્છતો એટલે તેણે કોઈ ને કહ્યું નહોતું .
પંકજ : "આપણી ઈજજત બધા હોમે નહી ઉસાળવી. જે છે તે ઘરમો પતાઈ દો. અવ ઈનો કોઈ મતલબ નહી અન ભાભી ન ઈનો પસ્તાવો થઈ ગયો ઈ બવ સ."
અને પુષ્પાની સાથે ઘરના બધા તેની માફી માગે છે કે એક પળ માટે તે લોકો પણ તેના પર વિશ્વાસ કરીને ચંદનાના આડાસંબંધની વાત સાચી માની ગયા હતા. હવે ઘીરે ધીરે ઘરમાં સરસ વાતાવરણ થઈ ગયુ છે ત્રણેય દેરાણી જેઠાણી ત્રણ બહેનોની જેમ રહે છે એટલામાં થોડા મહિનાઓમાં ચંદના મા બનવાની છે એવી ખબર પડે છે આ વખતે સૌ કરતા વધારે તેને પુષ્પા સાચવે છે અને નવ મહિને તે તંદુરસ્ત અને ગલગોટા જેવા દિકરો અને દીકરીને જન્મ આપે છે. આખા ગામમાં પેડા વહેચાય છે. અને હવે ખુશી સાથે સૌ સાથે મળીને એકબીજા સાથે રહે છે. પંકજ આજે પણ ચંદનાના દરેક સુખ દુઃખ માં તેની પડખે તેની ઢાલ બનીને ઉભો રહે છે.
ઘણા વર્ષો પછી, દાદા અને દાદી તેમના નાના પૌત્ર સાથે વાતો કરી રહ્યા છે. તે બીજું કોઈ નહી પણ પંકજ અને ચંદના છે. જમાનો બદલાઈ ગયો છે. ઘરમાં ભણેલી ગણેલી વહુ અને દીકરો છે અને તેમનો નાનકડો પૌત્ર છે. એટલામાં તેમની વહુ આવીને કહે છે 'મમ્મીજી પપ્પાજી ભલે તમારો જમાનો ભણવામાં પછાત હતો. ણ તમારો પ્રેમ તો મહાન હતો. બધા તમને રામ-સીતાની જોડી કહેતા જરા પણ ખોટું નથી !
અત્યારે અમે ભલે એકબીજાને ગમે તેટલું ઓળખીએ છીએ ભણેલા છીએ પણ એકબીજામાં તમારા જેટલો વિશ્વાસ અને લાગણી નથી. ખરેખર તમારા જેવી એકબીજામાં આસ્થા અને પ્રેમ હોય તો જીવતર ધન્ય થઈ જાય. ત્યારે પંકજ કહે છે, "સફળ લગ્ન જીવનમાં એકબીજા પર વિશ્વાસ અને લાગણી બહુ જરૂરી છે, તો દુનિયાની કોઈ તાકાત પતિ પત્નિને એકબીજાથી દુર નહી કરી શકે. અને જીવશો ત્યાં સુધી બંનેનો પ્રેમ હંમેશા માટે અમારી જેમ લીલોછમ અને અમર રહેશે !