પપ્પાનો ડર
પપ્પાનો ડર
ઘણી વાર આપણે પિતાની કઠોરતા માટે મનમાં ને મનમાં સંતાપ કરીએ છીએ. પણ કઠોરતા પાછળનું નરમ હૃદય જોઈ શકતા નથી. અરે, હું તો કહું છું કે પિતા છે તો આ સૃષ્ટિનું સર્જન થયું છે. કેમ ફ્ક્ત માતાનેજ શ્રેય ? બન્ને સમાન છે. માતાનું વાત્સલ્ય છલોછલ ભરાયેલું દેખાય છે. પિતા કેમ કઠોર લાગે છે ? પિતાના ઠપકામાં પણ કાળજી છે. પણ માતા કરતા આપણે પિતાથી હંમેશા ડરતા હોય છે. આવો જ એક મારી મૂર્ખામી ભર્યો કિસ્સો સંભળાવવા માંગુ છું. જેમા મારા ડરના લીધે પિતાજીને પોલીસનો ડંડો ખાવો પડયો હતો.સાંભળજો.
1992માં સુરતમાં થયેલી ધમાલ કદાચ કેટલાકને યાદ હશે. ત્યારની વાત છે. મારા પિતા વેલ્ડર છે. પોતાની વેલ્ડીંગ મશીન હોવાથી તેઓ ઘરે જ આંગણે કામ કરતા હતા. તેઓ લોખંડના પલંગ બારી બારના જેવા લોખંડની વસ્તુઓ બનાવતા.તેથી તેમના ઓજારો આંગણામાં પડેલા રહેતા. હું ત્યારે ખૂબ જ નાની હતી કદાચ પહેલાં કે બીજા ધોરણમાં ભણતી હશે. હું પણ પપ્પાથી ખૂબ ડરતી હતી. ૧૯૯૨માં જ્યારે ધમાલ થઈ ત્યારે સર્વત્ર કર્ફ્યુનું વાતાવરણ હતું. એક પણ વ્યક્તિ ગલીની બહાર નીકળતો ન હતો.
વાતાવરણ ખૂબ જ તંગ હતું. ફ્ક્ત પોલીસો દેખાતા. રસ્તો સૂમસામ હતો. સાંજના સમયે મારા પપ્પા આંગણામાં કોઈ વસ્તુ બનાવી રહ્યા હતા. તેમના ઓજારો જોઈને મેં પણ તેમના જેમ હાથમાં હથોડી લઈને કોઈ વસ્તુ પર ઠોકવા લાગી. મારા પપ્પાનું ધ્યાન ન હતું. એક હથોડી મારતાજ જે વસ્તુ પર હથોડી પડી તેના બે ટુકડા થઈ ગયા. ત્યાંરે મારી બેન જે મારા કરતાં બે વર્ષ મોટી છે,આ જોઈ રહી હતી. તેને જોયું કે મેં મારા પપ્પાની કામની વસ્તુ તોડી નાખી છે. તે વસ્તુ હતી કોઈ છુંરો કે કાતરને ધાર આપવા માટેનો પથ્થર.
મારી બેન મને કહેવા લાગી કે, "હવે તું તો ગઈ હવે પપ્પા તને ખૂબ જ મારશે." મારી બેને મને એટલી હદ સુધી ડરાવી કે હું તો ત્યાંથી ભાગી. અને એક ખાલી પડેલ ઘરની પાછળ સંતાઈને બેસી રહી. રાત થવા આવી. એટલે પપ્પાએ એમનો સામાન એકઠો કર્યો. તેમને જોયું કે પથ્થરના બે ટુકડા થઈ ગયા છે. મારી બેનને તેમને મારું નામ કહ્યું. ત્યારે મારા પપ્પા મને શોધવા લાગ્યાં. મારી બેનને ખબર હતી કે હું ક્યાં છું. એટલે મારા પપ્પા ત્યાં આવી રહ્યા હતા તે મેં જોયું. મારા પપ્પાએ મને દૂરથી આવાજ આપ્યો અને કહ્યું કે ,"ડરતી નહીં એ વસ્તુ કઈ કામની ન હતી."
તેઓ મને વારંવાર આવાજ આપી રહ્યા હતા. પણ હું એટલી હદ સુધી ડરી ગઈ હતી કે ઘરે આવવા તૈયાર જ ન હતી. મને એવું લાગી રહ્યુ હતું કે પપ્પા મને મીઠું બોલીને ઘરે લાવીને ખૂબ માર મારશે. વારંવાર કહેવા છતાં હું ઘરે આવતી જ ન હતી. ઘરની પાછળ બે કલાક નીકળી ગયા. એટલે મારા પપ્પા અને બેન છૂપી રીતે મને પકડવા આવી ગયા. પણ મને ખબર પડતાં જ હું હજુ જોરથી ભાગવા લાગી. આખો રસ્તો સૂમસામ હતો અને હું એકલી પપ્પાના ડરથી ભાગી રહી હતી.
હવે તો પિતાજી પણ ખૂબ ડરી ગયા. હું સૂમસામ રસ્તે ઊભી રહેલી રિક્ષામાં જઈને સંતાઈ ગઈ. ત્યાં પાચ દસ રીક્ષાઓ ઊભી હતી. તેની થોડે દૂર અંતરે પોલીસો દેખાઈ રહ્યા હતા. અને હું કયા રિક્ષામાં સંતાયેલી છું એ પપ્પાને ખબર જ ન પડી. તેથી પપ્પા પોલીસથી છુપાઈને ધીમે પગલે રીક્ષામાં ડોકિયું કરતા કરતા આગળ વધી રહ્યા હતા. પણ હું તેમને જોઇ જતા ફરીથી બીજા રિક્ષામાં જતી રહેતી.
પોલીસનો ડર પપ્પાને અને મને પપ્પાનો ડર હતો. આમ થોડી વાર પપ્પા પણ એક રિક્ષાની પાછળ સંતાઈને ઊભા રહી ગયા. અને હું રીક્ષામાંથી માથું બહાર કાઢીને જોવા લાગી. તરત જ પપ્પાએ મને પકડી લીધી. અને હું જોરજોરથી બૂમો પાડવા લાગી. મારા પપ્પા મને કહી રહ્યા હતા કે "રડ નહી, હું તને મારીશ નહીં, ચૂપચાપ બેસ નહી તો પોલીસ મને મારશે." પણ હું તો હજુ મોટે મોટેથી રડવા લાગી. મારો અવાજ સાંભળીને બે-ચાર પોલીસો દોડતા દોડતા આવ્યા. તેમને જોયું કે પપ્પાએ મને પકડેલી છે અને હું રડી રહી છું. ત્યારે તેમને પૂછપરછ કરી અને પપ્પા પર ગુસ્સે થઈને બે ડંડા પણ માર્યા. અને મને છોડવા મારા ઘર સુધી બે પોલીસો આવ્યા. પપ્પાને ખિજાઈને તેઓ ત્યાંથી જતા રહ્યા. પણ ત્યારબાદ મારી શું હાલત થઈ એ હું શું કહું ?
પપ્પાએ તો મને ઠપકો આપીને છોડી દીધી. પણ મમ્મીએ મને બરાબર ધોઈ નાખી. એ દિવસ મને હજુ પણ યાદ છે. અને તે દિવસનો મને હજુ પણ ખેદ છે. એ દિવસને હું યાદ કરું છું તો હજુ પણ મને મારા મૂર્ખતા બદલ ખૂબ ગુસ્સો આવે છે. મને એ બદલ પસ્તાવો છે. જેની આજે હું ફાધર્સ ડેના નિમિત્તે પપ્પા પાસેથી માફી માંગવા ઇચ્છું છું.
