પોસ્ટ"માસ્ટર"
પોસ્ટ"માસ્ટર"
મહેશભાઈ ટપાલીનું ઘર આ છે ? હા, આ ઘર છે અને હું જ મહેશભાઈ છું. બોલો સાહેબ શું કામ છે ?
કાકા, તમે છ મહિના પહેલા મારા ઘરે ટપાલ આપવા માટે આવ્યા હતા. મેં એક વર્ષ પહેલા તલાટીની પરીક્ષા આપી હતી. એમાં હું પાસ થઈ ગયો છું અને મને ઇન્ટરવ્યૂ માટે બોલાવ્યો હતો અને હું એમાં પણ પાસ થઈ ગયો. માટે આ મારા તરફથી નાનકડી ભેટ સ્વીકાર કરીને આશીર્વાદ આપો કે, હું મારુ કાર્ય પૂર્ણ નિષ્ઠાથી કરી શકું, રુદ્ર બોલ્યો.
મહેશભાઈના આંખોમાં તો પાણી આવી ગયું... કહેવા લાગ્યા સાહેબ ! હું તો સામાન્ય ટપાલી છું. મને આટલું બધું માન ! મારુ કામ જ ટપાલ પહોંચાડવાનું છે... મેં કંઈ નવું નથી કર્યું અને તમે મારા માટે આ ભેટ લઈને આવ્યા અને આશીર્વાદ પણ લઈ રહ્યા છો.
પાંત્રીસ વર્ષથી ટપાલી છું. ક્યારે આવો અનુભવ નથી થયો ! હજુ પણ મહેશભાઈના આંખોમાં અને અવાજમાં ભીનાશ હતી.
કાકા, હું તલાટી બની ગયો છું એમાં તમારો આભાર માનવો પણ જરૂરી છે ને ! એમ કહીને રુદ્ર મહેશભાઈને ભેટી પડ્યો.
મહેશભાઈએ રુદ્રને અંદર ઘરમાં બોલાવીને એને હેતથી વધાવ્યો અને ભેટ સ્વીકાર કરી ને કહ્યું સાહેબ આજે પહેલીવાર મને મારા કાર્ય પર આમ કોઈએ બહારના વ્યક્તિએ ગર્વની લાગણીનો અનુભવ કરાવ્યો. તમારો ખૂબ ખૂબ આભાર અને શુભેચ્છા સહ આશીર્વાદ કે તમે તમારા કાર્યમાં સફળ બનો અને દેશને મદદરૂપ થાવ.
