નટુ ગટુ ડોટ કોમ.
નટુ ગટુ ડોટ કોમ.
નટુ ગટુ ડોટ કોમ.
બોરસદ ગામે નટુ પટેલ અને ગટુ ગજ્જરની પાસપોર્ટ-વીસા અને ટ્રાવેલની હટડી.
સેંકડો લોકોની આશાઓ ત્યાંથી ઉડાન ભરતી. સીધા નહીં તો આડા રસ્તે, કોઈને કોઈ રીતે અમેરિકા પહોંચવાના સપના અહીં વેચાતા.
ઉમરેઠના મંજુલા અને સતુભાઈને પણ ઠસી ગયું હતું કે હવે ડોલરિયા દેશમાં જ વસવું એ જ કલ્યાણ.
પાસપોર્ટ આવી ગયો. વિસા માટે ત્રણ વખત મુંબઈ અને એક વખત દિલ્હીનો ધક્કો ખાધો, પણ દર વખતે જવાબ એક જ —
"વીસા રિજેક્ટેડ."
છેવટે ખેતર વેચ્યું, અને નટુ પટેલના રવાડે ચડી ગયા.
નટુ પટેલે ચશ્મા નાક પરથી નીચે સરકાવ્યા.
"સતુભાઈ, વિસા નથી મળ્યો એટલે દુનિયા પૂરી નથી થઈ જતી. અત્યારે નવો રસ્તો છે."
"કયો રસ્તો?" સતુભાઈની આંખો ચમકી.
"પહેલા ગટુભાઈ થી ઇંગ્લિશ શીખો. પછી આગળની વાત."
બે દિવસમાં બંને એક અંગ્રેજી ક્લાસમાં હાજર.
ક્લાસનું નામ ભારે ભરખમ —
'ગ્લોબલ અમેરિકન કમ્યુનિકેશન એકેડમી'
પણ અંદર જૂનો બ્લેકબોર્ડ, દસ પ્લાસ્ટિકની ખુરશીઓ અને એક પંખો, જે પોતે જ અમેરિકા જવાની તૈયારીમાં હોય એમ ધીમે ધીમે ફરતો.
પહેલા દિવસે ગટુભાઈ એ કહ્યું,
"Introduce Yourself."
સતુભાઈ ઊભા થયા.
"માયસેલ્ફ સતુભાઈ. આઈ એમ ફાર્મર બાય એક્સપોર્ટ."
આખો ક્લાસ હસી પડ્યો.
મંજુલાએ તરત બચાવ કર્યો.
"સર, હી ઇઝ ફાર્મર બાય બર્થ."
ગટુભાઈ એ ખુશ થઈને કહ્યું,
"વેરી ગુડ!"
સતુભાઈને લાગ્યું કે હવે ગ્રીન કાર્ડ બસ હાથવેંતમાં જ છે.
એ દરમિયાન પાછળની બેન્ચ પર બેઠેલી એક સ્ત્રી પર મંજુલાની નજર પડી.
ચહેરો ક્યાંક જોયેલો લાગતો હતો.
રિસેસમાં ખબર પડી —
એ તો ઉમરેઠની સ્કૂલમાં તેમની સાથે ભણતી રૂપા હતી.
રૂપા... સતુભાઈના યુવાનીના દિવસોની પહેલી પસંદ.
જેને એક પ્રેમપત્ર લખ્યો હતો, પણ ક્યારેય આપવાની હિંમત નહોતી થઈ.
રૂપાએ પણ સતુને ઓળખી લીધો.
"અરે સતુ! તું અહીં?"
સતુભાઈના હાથમાંથી ચા નો કપ લગભગ છટકી ગયો.
મંજુલાએ સતુ તરફ જોયું...
અને સતુએ આકાશ તરફ.
અમેરિકાનું સપનું તો એક બાજુ રહ્યું...
નવી ક્લાસમાં જૂનો પ્રેમ અચાનક હાજર થઈ ગયો હતો.
---
થોડા દિવસ પછી નટુ પટેલે નવી જાહેરાત કરી.
"ડંકી રૂટ પ્રી-ડિપાર્ચર ટ્રેનિંગ કેમ્પ!"
ગામની બહારની એક વાડીમાં પ્રેક્ટિકલ શરૂ થયા.
તેર ફૂટની વાડ, બે જૂના ટાયર અને એક સૂકુ નાળું .
નટુ સીટી વગાડીને બોલ્યો,
"ધારો કે આ બોર્ડર છે. ત્રણ મિનિટમાં વાડ ઠેકી પાર કરો!"
લોકો એવા ઉત્સાહમાં હતા જાણે અમેરિકાનું નાગરિકત્વ વાડની બીજી બાજુ પડ્યું હોય.
સૌથી પહેલાં રૂપા દોડી.
સ્કૂલના દિવસોમાં દોડવીર હતી એટલે હજુ પણ આત્મવિશ્વાસ ભરપૂર.
પણ વાડ ઠેકવા જતાં પગ લપસ્યો.
"અરે ઉઈ મા...!"
અને ધડામ!
રૂપા સીધી જમીન પર.
હોસ્પિટલમાં એક્સ-રે આવ્યો.
પગમાં ફ્રેક્ચર.
અમેરિકા થોડા મહિના માટે પ્લાસ્ટરમાં બંધાઈ ગયું.
સતુભાઈ રોજ સવાર સાંજ સાંવરિયા બની ખબર પૂછવા જવા લાગ્યા.
"રૂપલી , તારે કંઈ જોઈએ તો મનેજ કહેજે."
રૂપા હસીને કહે,
"હવે તો વ્હીલચેર પર જ અમેરિકા જવું પડશે." જોજે એકલો જતો નહિ મારો ખ્યાલ રાખજે...
સતુ એ વાળ કલર કરવાનું ચાલુ કર્યું તેથી મંજુલા શાંતિથી જોતી હતી .
એક દિવસ દવાખાને પાછળ આવીને બોલી ,
"સતુ, તું,અમેરિકા જવાની તજવીજ કરે છે કે રૂપાની સેવા કરે છે ?"
"અરે, મંજુ, આ તો માનવતા છે."
"હા, હું તમને બરાબર ઓળખી ગઈ છું.. તમારી પાસે બહુ જ માનવતા આવી ગઈ છે! પાંત્રીસ વર્ષ પછી અચાનક જાગી છે!"
આખરે,સતુ ની ગાડી હવે પાછી મંજુને પાટે ચડી....
અને
એ દિવસથી મંજુલા પણ નટુની હાટડીએ ચાલી રહેલ ગટુ ના ક્લાસમાં નિયમિત જવા લાગી .
અંગ્રેજી શીખવા માટે નહીં...
સતુભાઈ પર નજર રાખવા માટે.
ક્લાસમાં શિક્ષકે એક દિવસ પૂછ્યું,
ક્લાસમાં ગટુભાઈએ એક દિવસ પૂછ્યું,
"વોટ ઇઝ યોર ગોલ?"
સતુભાઈ ઊભા થયા.
"અમેરિકા."
તો પાછળ, મંજુલા તરત ઊભી થઈ ગઈ, અને બોલી ઉઠી...
"મારો ગોલ — માય હસબેન્ડ ઇઝ અન્ડર માય ચોકી!"
આખો ક્લાસ ખડખડાટ હસી પડ્યો.
ગટુભાઈ લમણે હાથ દઈને બબડ્યા,
"અંગ્રેજી શીખવવા બેઠો હતો, અને અહીં તો ગૃહસ્થાશ્રમનો જૂનો કોર્સ ચાલુ થઈ ગયો!"
સતુભાઈને પહેલી વાર સમજાયું કે મેક્સિકોની બોર્ડર પાર કરવી કદાચ સરળ હશે...
પણ મંજુલાની નજરમાંથી પાર થવું અશક્ય છે.
અને નટુ પટેલ?
એ તો બીજી જ જાહેરાતનું બોર્ડ રંગાવી રહ્યો હતો —
"કૅનેડા માટે નવી બેચ શરૂ...
ડંકી રૂટ નહીં, હવે સ્નો રૂટ!"
ગામના લોકો ફરી ફોર્મ ભરવા લાઇનમાં ઊભા થઈ ગયા.
સપનાઓનો વેપાર ચાલુ હતો...
અને નટુ-ગટુ ડોટ કોમનું સર્વર કદીય ડાઉન થવાનું નહોતું !

