મેઘલાડું
મેઘલાડું
મેઘલાડું ~ મહારાવનું બા-બાપુ પ્રૌઢ શિક્ષણ કેન્દ્ર
ભુજના હમીરસર પાસે દાંડા બજારમાં આવેલી "મહારાવ પ્રૌઢ શિક્ષણ કેન્દ્ર" માં દિવસ દરમિયાન બાળકો માટે અક્ષરજ્ઞાનનો પાઠ ચાલે...
અને આ દાંડા બજારમાં સાંજ પડતાં જ જ્યાં ચા, ભજીયા અને ગપ્પાંનો અડ્ડો જામતો, ત્યાં જ આ પ્રૌઢ શિક્ષણ કેન્દ્ર પણ ધમધમતું રહેતું .
રોજ રાત્રે, અહીંઆખા ભુજ ના બા-બાપુ માટે પ્રૌઢ શિક્ષણ અને મસ્તી જ્ઞાનનું મહાવિદ્યાલય જામે!
અહીં 45થી 70 વર્ષની ઉંમરના વિદ્યાર્થીઓ આવે. કોઈ દુકાનદાર, કોઈ ઓટોરિક્ષા ચાલક, કોઈ ડાયમંડ પોલિશર, કોઈ સોની, કોઈ સુથાર, કોઈ દરજી, તો કોઈ ઘરકામ કરતી બહેન.
બધાની એક જ ઇચ્છા,
"થોડું અંગ્રેજી શીખવું... અને બે-ચાર જગ્યાએ રોલો પણ મારવો!"
એ વર્ષે આખા ગુજરાતમાં વરસાદ ખાસ વરસ્યો નહીં. પરંતુ કચ્છમાં તો જાણે આકાશે આખી સીઝનનો હિસાબ એક જ દીવસમાં ચૂકવી દીધો હોય એમ ધોધમાર વરસ્યો!
સાંજ સુધી વરસાદ ચાલુ જ રહ્યો. તેથી સ્કૂલ મેનેજમેન્ટે વોટ્સએપ પર સંદેશ મોકલ્યો—
"આજે રાત્રે ક્લાસમાં રજા."
પણ કચ્છી માંડુએ વાંચ્યું—
"આજે રાત્રે ક્લાસમાં મજા!"
બસ... પછી શું!
છત્રી, રેઇનકોટ અને પ્લાસ્ટિકની કોથળી ઓઢીને બધા વિદ્યાર્થીઓ સ્કૂલ પહોંચી ગયા.
કોઈ ગરમ ભજીયા, કોઈ ઢેબરા, કોઈ અથાણાવાળા મરચાં, કોઈ દાબેલી, તો કોઈ ખારી સીંગ સાથે સોડાની બાટલી લઈને આવી પહોંચ્યાં .
વરસાદ હજુ પણ એવો પડતો હતો કે...ટપકાં નહોતાં પડતાં, જાણે આખી ટપકાં ફેક્ટરી ચાલુ થઈ ગઈ હોય!
ત્યાં ક્લાસના સાહેબ ભટ્ટીભાઈની એન્ટ્રી થઇ.ક્લાસમાં જામેલો મેળો જોઈ, સ્કૂલના સંકુલમાં રહેતા માસ્ટર ભટ્ટીભાઈ પહેલા માળેથી નીચે આવ્યા.
ભટ્ટીભાઈ ઉંમરે 55 વર્ષના, અને કુંવારા ...અને દિલથી હજુ 21ના!
ભીનું ધોતિયું નિચોવતા ક્લાસમાં દાખલ થયા અને આશ્ચર્યથી બોલ્યા.
"અરે! બંધુગણ આજેતો વરસાદની સ્પેશિયલ રજા હતી. તમે બધા અહીં કેમ આવ્યા?"
રમેશ દરજીએ તરત જવાબ આપ્યો—
"સર, તમે તો મેસેજમાં આજે સ્કૂલમાં 'મજા' છે એવું લખ્યું હતું. અમે વિચાર્યું, ભટ્ટી સાહેબે વરસાદી પાર્ટી-બાર્ટી ગોઠવી હશે, કંઈક વિશેષ ખાણી-પીણી રાખી હશે!"
ભટ્ટીભાઈએ કપાળ પર હાથ મારી લીધો.
"લાગે છે હવે તમને અંગ્રેજી પહેલાં ગુજરાતી વાંચવાનું શીખવવું પડશે!"
આખો ક્લાસ ખડખડાટ હસી પડ્યો.
ભટ્ટીભાઈ બોલ્યા"ચાલો, વરસાદમાં પણ આવ્યા છો તો આજે થોડું Emergency English શીખી લઈએ."
પ્રશ્ન – ૧
"Umbrella એટલે શું?"ભટ્ટીભાઈએ પૂછ્યું....
સીતાબેન બોલ્યાં—
ઓ હો ઈમા શું.. પૂછ્યું.....
"અંબરીલો!"
"એ કોઈ કચ્છના ડુંગરનું નામ લાગે છે! આમ અંગ્રેજી નો શીખાય!"
---
પ્રશ્ન – ૨
"Heavy Rain એટલે?"
સવાલ પત્યો અને,સુરેશ સોની બોલ્યા—
"અરે ભટ્ટી, મને 'રેણ' એટલે શું પૂછો છો? હેવી એટલે હેવી... રેન એટલે રેણ... એટલે દાગીનામાં રેણ વધારે અને સોનામાં ચોરી મન મૂકી!"
ભટ્ટીભાઈ હસી પડ્યા.
"ભાઈ, તું ભારે છે! તું તો Google Translateને પણ બેરોજગાર કરી દઈશ!"
---
પ્રશ્ન – ૩
"'I am wet' એટલે?"
મહેશ બોલ્યો—
"હું ભીનો છું."
"સાબાશ! એકદમ સાચું."
થોડી ક્ષણ રોકાઈ ભટ્ટીભાઈ આંખ મારતા બોલ્યા—
"પણ આ વાક્ય વરસાદમાં બોલો તો સારું... માંડવી બીચ પર બોલીશ તો લોકો બીજો અર્થ કાઢી બેસસે, એટલે મૂંગો રહેજે.!"
આ વખતે તો આખો ક્લાસ હસતાં હસતાં લોટપોટ થઈ ગયો.
---
અચાનક...
ધડાક!
લાઈટ જતી રહી.
અંધારું છવાઈ ગયું.
કાંતાબેન ગભરાઈને બોલ્યાં—
"અરે રે... ભૂત!"
ભટ્ટીભાઈ શાંતિથી બોલ્યા—
"બેન, ગભરાશો નહીં. આ વરસાદમાં તો ભૂત પણ Work From Home કરે!"
જરા રોકાઈને ફરી બોલ્યા—
"અને જો બહાર નીકળે તો રેઇનકોટ પહેરીને જ નીકળે!"
ફરી એકવાર હાસ્યના ફુવારા ઉડ્યા.
---
સુરેશે મોબાઇલની ટોર્ચ ચાલુ કરી.
ટોર્ચના પ્રકાશમાં પાછળની દીવાલમાંથી પાણી ટપકતું દેખાયું.
રમેશ ઉત્સાહથી બોલ્યો—
"સર! Water Leakage!" સીતાબહેન બોલ્યા ફ્યુઝ ઉડ્યો છે..
ભટ્ટીભાઈ ખુશ થઈ ગયા.
"વાહ! અંગ્રેજી સુધરી રહી છે."
એટલામાં...
ધડામ! બીજો અવાજ પહેલા થી ભારે આવ્યો દીવાલની બાજુમાં પડેલો જૂનો લાકડાનો બોક્સ નીચે પડ્યો.
બધાએ મળીને બોક્સ ખોલ્યો.
અંદર હતું...
1978નું પ્રૌઢ શિક્ષણ કેન્દ્રનું હાજરી રજીસ્ટર.ભટ્ટીભાઈ આશ્ચર્યથી બોલ્યા—
"અરે! આમાં તો મારા પપ્પાનું પણ નામ છે!"
રમેશ તરત બોલ્યો—
"એટલે તમે Legacy Student!"
ભટ્ટીભાઈ હસીને જવાબ આપ્યો, રમેશ તું પાસ કાલ ઘી કાયમ ની રજા તને...
"હા... અને તમે બધાની હવે નવી Leakage Batch!"
હાસ્યનો એવો ધડાકો થયો કે બહારનો વરસાદ પણ જાણે થોડીવાર સાંભળવા ઊભો રહી ગયો.
---
થોડીવારમાં વરસાદ ધીમો પડ્યો.
સુરેશે ફ્યુજ બાંધી લીધો, અને લાઈટ પણ આવી ગઈ.
ક્લાસ પૂરો થયો.
જતાં જતાં બધા વિદ્યાર્થીઓ એકસાથે બોલ્યા—
"ભટ્ટીભાઈ, આજનો ક્લાસ તો યાદગાર હતો! પણ મેઘ લાડુ ક્યારે ખવરાવશો?"
ભટ્ટીભાઈ હસીને બોલ્યા—
"રોજ આવો વરસાદ લાવશો તો રોજ આવો ક્લાસ રાખી દઈશ... અને રોજ મેઘ લાડુ પણ ખવરાવીશ!"
બધા હસતાં-હસતાં ઘરે નીકળી ગયા.
---
અંતિમ તડકો.
પ્રૌઢ શિક્ષણ કેન્દ્રમાં લોકો માત્ર અંગ્રેજી શીખવા નથી આવતા...અહીં તેઓ આત્મવિશ્વાસ શીખે છે.
હસવાનું શીખે છે.
મિત્રતા શીખે છે.
અને સૌથી અગત્યનું...
ઉંમર વધે તો પણ દિલ યુવાન રાખવાનું શીખે છે.
પણ કચ્છી માંડુનું સૂત્ર સદાબહાર છે
"વરસાદ હોય, વાવાઝોડું હોય કે ધરતીકંપ... કચ્છી હસવાનું ક્યારેય ભૂલતો નથી. કારણ કે તરસ્યા કચ્છમાં જ્યારે વરસાદ આવે છે, ત્યારે માત્ર ધરતી જ નહીં, દિલ પણ ભીંજાઈ જાય છે."
