મારું ઘર ક્યું?
મારું ઘર ક્યું?


અનોખી એના નામ પ્રમાણે અનોખી જ હતી. સ્વભાવમાં, લાગણીમાં, વ્યવ્હારમાં બધી રીતે સામાન્ય માણસ કરતાં અલગ તરી આવતી. અનોખીને રૂપિયા કરતાં વધારે સંબંધો ગમતાં દરેક સંબંધ એ એવી રીતે નિભાવતી કે સામેવાળાની નફરત પણ પ્રેમમાં બદલાઈ જાય. કાંઈ પણ થાય અનોખી હોઠ પરની સ્માઇલ ક્યારેય ના જતી.
૨૧ વર્ષની અનોખી દેખાવે મધ્યમ વર્ણીને સ્માર્ટ લાગતી પણ છતાંય દરેક સંબંધ નિભાવવામાં નિષ્ફળ જતી. અનોખી પોતાની ટેવ પ્રમાણે દરેક નવો સંબંધ નિભાવવા પોતાનો જીવ રેડી દેતી છતાંય સામે કોઈ પણ હોય હમેશાં દુખી થવાનો વારો અનોખી ન જ આવતો. અનોખીનું સપનું હતું ભારત ભ્રમણ કરીને અલગ અલગ જ્ગ્યાએ ફરીને લોકોને ઓળખવાનો. તેને કાંઈ પણ નવું કામ કરવું હોય કે ક્યાંય પણ બહાર જવું હોય તેને ઘરેથી હમેશા એક જ જવાબ મળતો કે "જે પણ કરવું હોય તારા ઘરે જઈને કરજે" કાંઈ પણ બોલ્યાં વગર અનોખી પોતાની ઈચ્છા ને સપના ને જોઈને જ ખુશ રહેતી. હમેશાં વિચારતી કે લગ્ન પછી પોતાના સપનાં પોતાની ઈચ્છા પૂરી કરશે..
જોતજોતામાં અનોખીનાં લગ્ન અંશ સાથે થયાં. દેખાવે થોડો શ્યામ વર્ણ ને ૫ફુટ ૯ઇંચ હાઈટ, થોડો સ્માર્ટને બધાનું ધ્યાન રાખે તેવો છોકરો હતો અંશ. લગ્ન પછી અનોખી ઘરનાં કામમાં ને અંશ પોતાનાં બિઝનેસમાં વ્યસ્ત થઈ ગયાં.
અનોખીનાં સપનાં શું ઇચ્છા શું એની ક્યાં કોઈને પડી હતી.. ધીમે ધીમે એક વર્ષ વીતી ગયું અનોખી ને હતું કે તે અંશ ને વાત કરશે કે પોતાને ક્યાંક બહાર ફરવા જવું છે અંશ એને સમજશે એની વાત માનશે પણ જ્યારે અનોખી એ બહાર ફરવા જવાની વાત કરી તો અંશ એ તરત જ કહ્યું કે હવે તું એકલી નથી આપણા આખા ઘરની જવાબદારી છે તારા પર. અમને બધાને મૂકી ને તું એકલી ફરવા કઈ રીતે જઈ શકે? તારે તારા સપના ઇચ્છા બધું તારા ઘરે જ પુરા કરીને આવવું હતું. લગ્ન પછી એક સ્ત્રીને માત્ર ઘર પરિવાર સંભાળી લોકો ને ખુશ રાખવાનાં હોય છે..આટલું જ સાંભળતા અનોખી ની આંખ ના ખૂણા ભીના થઈ ગયા અને મનમાં ને મન માં જ વિચારતી રહી મારું ઘર?
મારું ઘર ક્યું?
જ્યાં જન્મ લીધો એ કે જ્યાં મારું કહેવાય એ બધું મુકીને આવી છું એ!
મારું ઘર ક્યું?
જ્યાં મારા બધા સપનાઓ જન્મ્યા'તા એ કે જ્યાં મારા સપનાનો અંત આવ્યો એ
મારું ઘર ક્યું?
જ્યાં મારા પોતાનાં લોકો મને સમજી ના શક્યા એ કે જે પારકા લોકો છે એને પણ પોતાના બનાવીને પ્રેમ આપ્યો તે!
મારું ઘર ક્યું?
જે ઘરની હું વારસદાર છું એ કે જે ઘરને હું વારસદાર આપીશ એ!
મારું ઘર ક્યું?
જ્યાં કાંઈ પણ કરવા માટે પપ્પા ની પરમિશન લેવી પડતી તે કે
જ્યાં આજે બહાર જવા માટે અંશની મંજૂરી લેવી પડે તે!
મારું ઘર ક્યું?
જ્યાં વાપરવા માટે પૈસા માંગવા પડતાં એ કે!
જ્યાં પોતાને જરૂરી વસ્તુ લેવા માટે વારંવાર ભીખ માંગવી પડતી તે!
મારું ઘર ક્યું?
જ્યાં નોકરી કરવાની રજા લેવા માટે કરગરવું પડતું એ કે
જ્યાં સ્વનિર્ભર થવા માટે રોજ ઝગડા કરવા પડે છે તે!
મારું ઘર ક્યું?
જ્યાં હું મારા પોતાનાં લોકો ને મુકી ને આવી તે કે
જ્યાં મેં પારકા ને પણ પોતાનાં બનાવ્યાં તે!
આવાં કેટકેટલાં સવાલ અનોખીનાં મનમાં થઈ રહ્યાં હતાં પણ પૂછે તો કોને પૂછે? એ લોકો ને કે જે હંમેશા કહેતાં કે "જે પણ કરવું હોય તારા ઘરે જઈને કરજે" કે એને પૂછે જે અત્યારે એવું કહે છે કે "તારે તારા સપના ઇચ્છા બધું તારા ઘરે જ પુરા કરી ને આવવું હતું ને" લગ્ન પછી એક સ્ત્રી ને માત્ર ઘર પરિવાર સંભાળી લોકો ને ખુશ રાખવાનાં હોય છે.... આટલું વિચારતાં વિચારતાં જ અનોખીની આંખો સદાય માટે બંધ થઈ ગઈ...!!