લોભી શેઠ
લોભી શેઠ
એક ગામમાં એક શેઠ રહેતા હતાં. તે ખુબ જ ધનવાન હતા. પણ આ શેઠ ખૂબ જ લાલચી અને લોભી હતા. ઘણા પૈસા હોવા છતાં તે સંતોષી ન હતાં, એટલે તે દુ;ખી રહેતા. તેમને પોતાની પાસેના ધનથી સંતોષ ન હતો. તેઓ સોનાની ઈંટ ખરીદવા માંગતા હતાં. એક વખત એમણે એક સોની પાસેથી, ચાંદીના સિક્કાની કોથળી આપીને સામે સોનાની એક ઈંટ ખરીદી. શેઠ સોનાની ઈંટ જોઈને ખૂબ જ રાજી થઈ ગયા. તે ઈંટ લઈને ઘરે પાછા આવ્યા.
પણ હવે સોનાની ઈંટ ખરીદવાની ઈચ્છા તો પૂરી થઈ ગઈ. પણ હવે એ ઈંટને સાચવવાની ચિંતા વધી ગઈ. તેમણે હંમેશા એ ઈંટ ચોરાઈ જવાનો ડર રહેતો હતો. છેવટે શેઠે એ ઈંટને ચોરથી બચાવવાનો ઉપાય શોધી કાઢ્યો. તેમણે પોતાના ઘરની પાછળ એક બગીચામાં એ ઈંટ ખાડો ખોદીને સંતાડી દીધી.
પણ શેઠને તે ઈંટ જોયા વગર ચાલતું નહિ. એટલે તે રોજ સવારે બગીચામાં જઈને ખાડો ખોદતા, ઈંટ બહાર કાઢતા, તેને મન ભરીને જોતા ને વળી પછી ખાડામાં મૂકી દાટી દેતા. હવે એક વખત શેઠ પોતાની ટેવ મુજબ બગીચામાં જઈ ખાડો ખોદી ઈંટ બહાર કાઢી જોતા હતા. તે જ વખતે શેઠના ઘરે ચોરી કરવાના ઈરાદાથી આવેલો ચોર પણ એ જ બગીચામાં સંતાયો હતો. તેણે શેઠને ખાડો ખોદી
સોનાનો ઈંટ કાઢતા જોઈ લીધા હતાં.
શેઠ તો ઈંટ પાછી દાટીને બંગલામાં પાછા જતાં રહ્યા. પણ ચોરે મનમાં નક્કી કર્યું કે હવે ચોરી કરવા જવાની જરૂર નથી. આ બગીચામાં સંતાડેલી ઈંટ જ ચોરી જઈશ. રાત પડી એટલે ચોર બગીચામાંથી બહાર નીકળ્યો અને ખાડો ખોદીને શેઠે સંતાડેલી ઇટ ચોરીને નાસી ગયો.
બીજા દિવસે શેઠ પોતાની ટેવ મુજબ સોનાની ઈંટ જોવા માટે બગીચામાં આવ્યા, ત્યારે ત્યાં માટી ખોદાયેલી પડી હતી. આ જોઈને શેઠને ફાલ પડી. તેમણે જઈને જોયું તો ખબર પડી કે પોતાની જીવથી પણ વ્હાલી સોનાની ઈંટ તો ચોરાઈ ગઈ હતી. આ જોઈને શેઠ તો નાના બાળકની જેમ જોર જોરથી રડવા લાગ્યા. શેઠને રડતા જોઈને આજુબાજુવાળા ભેગા થઈ ગયા. અને શેઠને રડવાનું કરણ પૂછવા લાગ્યા. શેઠે આખી વાત કરી.
આખી વાત સાંભળી એક ડાહ્યા માણસે શેઠને સલાહ આપી, ‘શેઠ, લો આ પથ્થરની ઈંટ, એણે પણ સોનાની ઈંટની જેમ સાચવજો અને રોજ જોઈને રાજી થાજો. આમ પણ પેલી સોનાની ઈંટ તમારા માટે કોઈ કામની ન હતી. તમે એને જોઈને રાજી જ થતા હતા. હવે આ ઈંટને જોઈને રાજી થાજો.
માટે જ કહ્યું છે, કે ‘ધનનો સંગ્રહ નહિ, પણ યોગ્ય ઉપયોગ કરવો જોઈએ.'