STORYMIRROR

હું છું વાર્તા કહેનારો I am a storyteller

Children Inspirational Others

3  

હું છું વાર્તા કહેનારો I am a storyteller

Children Inspirational Others

કિશોર સાહસ-કથા -૧

કિશોર સાહસ-કથા -૧

17 mins
14.3K


પ્રકરણ : ૧ દરિયાના તળિયે

અપૂર્વ આજે જ્યારે તેના પપ્પા સાથે હાથબના દરિયાકિનારાના ગામડાઓમાં સાઈકલ પ્રવાસે નીકળ્યો ત્યારે તો તેને જાણે અવનવી દુનિયા જોવા મળી ગઈ. આ પહેલા પણ તે પોતાની શાળાના કેટલાંક મિત્રો સાથે માળનાથના ઊંચાં ડુંગરાઓમાં પોતાની સાઈકલ લઈને કેટ-કેટલુંય રખડ્યો છે. સાઈકલ ઉપર પેડલ મારતાં મારતાં નવા નવા પ્રદેશો ઘૂમવાનો શોખ આ છઠ્ઠા ધોરણમાં ભણતા છોકરાને એના પપ્પા અનિરુદ્ધભાઈ પાસેથી મળેલો છે. વળી, બાર વરસના આ બહાદૂર છોકરાને બાળપણથી જ ઘોડાઓનો પણ ભારે શોખ છે. ક્યારેક તો એ પોતાની સાઈકલને જ ચાર પગાળો ઘોડો માની લે છે અને શહેરની સડકો પર પૂરપાટ દોડાવતો હોય છે!

પોતાની સાઈકલને પપ્પાની સાઈકલ કરતાં હંમેશાં આગળ જ રાખવામાં તેને ખૂબ જ મજા આવતી. હાથબના દરિયાકિનારાની ચમકતી સોનેરી રેતીમાં આજે જ્યારે તે સાઈકલ ચલાવતો હતો ત્યારે તો તેને એમ જ લાગતું હતું કે જાણે પોતે આ રેતીમાં નવો રસ્તો બનાવી રહ્યો છે. અપૂર્વએ પાછળ ફરીને જોયું તો પોતાના પપ્પા તો પાછળ ક્યાંય દૂર ઊભા રહી ગયાં છે અને પોતે જાણે એકલો જ સાંજના આ સમયે આ પ્રદેશમાં પેડલ મારી રહ્યો છે. સાઈકલના ગોળ ફરતાં પૈડાં, ઘૂઘવતો આ દરિયો અને રેતીનો આ નવો રસ્તો આજે આ છોકરાને ખૂબ જ રોમાંચિત કરતાં હતા. નાના એવા આ છોકરાને તો લાગતું હતું પોતે તો પોતાના પપ્પા કરતાંય વધુ શક્તિશાળી છે; એટલે જ તો એણે સાઈકલ સવારીમાં એમને આજે ક્યાંય પાછળ રાખી દીધાં છે.

અપૂર્વ એક વિજેતાની અદાથી ઊભો થઈથઈને સાઈકલના પેડલ મારી રહ્યો હતો, ત્યાં જ એની નજર દૂર રહેલી પણ પોતાની સાઈકલથી ય મોટી એક વસ્તુ પર પડી. સાંજના કેસરી પ્રકાશમાં તેને ખાસ કશું ચોખ્ખું દેખાતું નહોતું. પણ તેને લાગતું હતું કે એ વસ્તુ દરિયાકિનારાના પાણીમાં પોતે જ્યાં ઊભી છે એ સ્થાન પર રહી-રહીને જ આઘીપાછી થયા કરતી હતી. સહેજ ઝીણી નજરે જોઇને અપૂર્વે નક્કી કર્યું કે એ વસ્તુ દરિયામાં તરતી કોઈ હોડી તો નથી જ. તો...તો પછી, શું હશે એ ! તેણે પોતાની સાઈકલને રેતીની એક ઊંચી ટેકરી પર ઊભી રાખી ને પછી વધુ ઝીણી નજર કરીને જોયું તો દૂર દરિયાકિનારે એક ઘોડેસવાર પાણીમાં ઘોડાની સવારી કરતો દરિયા તરફ પોતાનું અને ઘોડાનું મુખ રાખીને ઊભો છે.

સાઈકલ ઉપર બેઠાં બેઠાં જ અપૂર્વે જોયું કે ઘોડાના અરધાં પગ દરિયાના ફીણવાળા પાણીમાં હતા ને એ ઘોડેસવાર હવે કિનારે કિનારે જ પોતાના ઘોડાને તેની આ સાઈકલની જેમ જ દોડાવી રહ્યો હતો. તેને આ નવીન દ્રશ્ય જોઇને ભારે રોમાંચ થયો. આ પહેલા અપૂર્વએ ક્યારેય આવું દ્રશ્ય જોયું નહોતું. તેણે વિચાર્યું કે, એક ઘોડાને દરિયાકિનારાના પાણીમાં દોડાવવાની કેવી તો મજા આવતી હશે! કાશ...પોતાની સાઇકલ પણ આ ઘોડાની જેમજ આ રીતે પૂંછડું ઉછાળીને પૂરપાટ દોડતી હોત તો!

શહેરથી સાઇકલ ચલાવીને આવનારા આ નાના એવા છોકરાને એક નાનો અમથો અણગમો થયો, પણ પછી તો તરત જ તેણે પોતાની મનગમતી સાઇકલને એ પાણી સાથે ખેલતા-કૂદતાં ઘોડા તરફ જોરથી હંકારી મૂકી. દરિયાની રેતીની ટેકરી પરથી ઢાળ ઉતરતી તેની સાઈકલ રેતીમાં સાપની જેમ લિસોટો કરતી જતી હતી એ જોઇને અપૂર્વને વધુ રોમાંચ થયો ને તેને રમતો સૂઝી. રેતીનો ઢાળ ઉતરતી વખતે ઘડીક ઘડીકમાં એ સાઈકલની બ્રેક મારતો હતો, જેથી દરિયાની સોનેરી રેતીમાં સાપ જેવાં લિસોટા થાય. તો વળી, ઘડીકમાં એ દોડતી સાઈકલને ઢાળ ઉતારતાં ઉતારતાં જ સાવ જમીન સાથે અડી જાય તેમ વાકી કરીને ચલાવતો હતો. અપૂર્વની સાઈકલ જેવી તો ટેકરીનો ઢાળ ઊતરી કે તરત જ તેણે પોતાની સાઈકલના હેન્ડલને આગળથી એક ઝટકો માર્યો અને જાણે ચારપગાળો કોઈ ઘોડો કૂદતો હોય એમ પોતાની સાઈકલને આગળથી કૂદાવી. અપૂર્વને આવું કરવામાં ખૂબ જ મજા આવતી હતી. આમે ય તે અવારનવાર પોતાની સાઈકલ સાથે એવાં ઘણાં ઘણાં ખેલ અને કરતબો કરતો. આ સાઈકલ સાચ્ચે જ આ છોકરાનો જીવ હતી.

ઘોડો અને ઘોડેસવાર પાણીમાં જ આથમતા સૂર્ય તરફ મોઢું રાખીને હવે થાક ખાતા ઊભા હોય એવું તેને લાગ્યું. એ પોતાની સાઈકલ લઈને એમની સહેજ નજીક ગયો કે તરત જ ઘોડાએ ઘૂઘવતો દરિયો પણ બહેરો થઈ જાય તેવી હણહણાટી કરી મૂકી! અપૂર્વને તો ઘોડાની આ હણહણાટી દરિયાના અવાજ કરતાં ય મોટી લાગી ને તેને ખૂબ જ મજા આવી ગઈ. તેણે વિચાર્યું કે એ સ્કૂલમાં જઈને પોતાના બધાં ભાઈબંધોને કહેશે કે, એક ઘોડાનો અવાજ તો દરિયા કરતાં પણ ઘણો મોટો હોય છે ભાઈ ! પોતાને વધુ નવાઈ તો ત્યારે લાગી કે જ્યારે તેણે જોયું કે એ ઘોડેસવાર કોઈ મોટી ઉંમરનો માણસ નહિ પણ લગભગ પોતાની જ ઉંમરનો અને પોતાના જેવડો જ ગામડાનો એક ખડતલ છોકરો છે. એ છોકરાએ કથ્થાઈ રંગનું ચોળણી જેવું ફીટ પેન્ટ અને શરીર ઉપર જાણે કોથળામાંથી બનાવ્યું હોય તેવું, મોટા કોલરવાળું જાકીટ અને ચોકડિયાળો બુશર્ટ પહેર્યા હતા. વળી, એના હાથમાં પોતાના આ કાળા ઘોડાની ભરત ભરેલી ને ઘૂઘરીઓ ટાંકેલી લગામ હતી. ઘોડા ઉપર બેઠેલો છોકરો ભારે સાહસિક અને નીડર લાગતો હતો. તેના વાળ વાંકડિયા વાંકડિયા અને ગૂંચળા વળી ગયેલા હતાં. આંખો તો જાણે લીલા કાચમાંથી બનાવી હોય તેવી ચમકતી હતી. માથા ઉપર ભૂખરાં રંગનું પાતળું ને મુલાયમ કાપડ એ રીતે વીંટ્યું હતું જાણે કે માથા ઉપર કોઈ ફણીધર નાગ બેઠો હોય!

અપૂર્વને તો આ દ્રશ્ય જોઇને પોતે વાંચેલી એક સાહસકથા યાદ આવી ગઈ કે જેમાં આવો જ એક છોકરો પહાડોમાં પોતાના ઘોડા પર જ સૂઈને આખ્ખી આખ્ખી રાત પસાર કરે છે! તેને તો થયું કે જાણે, આ છોકરો એ વાર્તાનું જ એક પાત્ર છે અને આ દરિયાકિનારે એ પોતાનો ઘોડો લઈને આવી ચડ્યો છે. અપૂર્વને એ છોકરાને પૂછવાનું પણ મન થઈ આવ્યું કે, 'શું તું જ એ બહાદૂર છોકરો છે કે જેણે દરિયાના મોજા કરતાં પણ વધુ ઝડપથી પોતાનો ઘોડો દોડાવ્યો હતો અને પોતાની બહેનને આરબદેશના ગૂંડાઓ પાસેથી બચાવી હતી?!'

તે છોકરાના કાળા ઘોડાએ તો અપૂર્વનું મન મોહી લીધું. એ ઘોડો તેને ખૂબ જ ગમી ગયો. ઘોડાની કેશવાળી એની આખી ગરદનને ઢાંકતી છેક ઘોડાની છાતી સુધી ઝૂલતી હતી. તેને ઘડીક તો લાગ્યું કે કોઈએ આ ઘટાદાર કેશવાળીને સરસ રીતે ગૂંથી છે પણ હકીકતે તો એ હતી જ એવી ગૂંચળા-ગૂંચળા વળી ગઈ હોય એવી વાંકીવાંકી ને પવનમાં આમથી તેમ ઝૂલતી. ઘોડાના કાન તો એવા નાના નાના હતાં જાણે કે ખારેક જ જોઈ લો ! જેમજેમ સાંજનો પવન વાતો જતો હતો તેમતેમ એ ઘોડો પોતાના નાના એવા કાન ફેરવી ફેરવીને આસપાસના વાતાવરણની માહિતી જાણે લેતો હોય એવું અપૂર્વને લાગ્યું. આંખો તો દેડકા જેવી મોટી મોટી અને વળી ચમકતી પાણીદાર હતી. વળી પોતાની ગરદન તો આ કાળો ઘોડો એવી ઊંચી રાખીને ઊભો હતો કે જાણે કોઈ કૂકડો રૂઆબથી સૂર્ય સામે જોતો હોય એમ જ લાગે. ઘોડાની છાતી તો એટલી પહોળી હતી કે અપૂર્વ જેવાં તો બે નાના છોકરાઓ એ છાતી આડે સંતાઈ જાય તો ય કોઈને ખબર ના પડે. વાંસના સોટા જેવા પાતળા તેના પગ હતાં પણ ઘોડાના ડાબલાં તો મોટી જબ્બર થાળી જેવાં જ ગોળ ગોળ હતાં તે અપૂર્વએ ધ્યાનથી જોયું ને એના આનંદનો કોઈ પર રહ્યો નહિ.

શહેરની સડકો પર સાઈકલ ચલાવનાર આ કિશોરે આ પહેલા આવો કદાવર ઘોડો ક્યારેય જોયો નહોતો. એણે તો ઘોડાગાડીના સુકલકડી ને દુબળા-પાતળા ઘોડાઓ જ આજ સુધી જોયેલા. એ આ અદ્ભુત પ્રાણી જોઇને એટલો તો ખુશ થઈ ગયો હતો કે તેને તો ભાન જ ન રહ્યું કે પોતે પોતાના પપ્પા સાથે સાઈકલ પ્રવાસે અહીં દરિયાકાંઠે આવ્યો છે. તેને હવે અચાનક જ તેના પપ્પા યાદ આવ્યા અને પાછળ ફરીને જોયું તો પપ્પા કે તેમની સાઈકલ પણ ક્યાંય દૂર દૂર સુધી દેખાતા નહોતા.

અપૂર્વને સાઈકલ લઈને પોતાની પાસે આવેલો જોઈ; એ ઘોડેસવાર છોકરાએ પોતાના કદાવર ઘોડાને હાથથી થપથપાવ્યો અને એક જ ઠેકડો મારીને નીચે ઉતરી ગયો. બંને સરખી ઉંમરના આ નાના છોકરાઓ એકબીજાની સામું ઘણી વાર સુધી જોઈ રહ્યાં અને એકબીજાની સામે જોઇને મીઠું મલકાયા. અપૂર્વએ હવે વધારે નજીક જઈને કિનારાની રેતીમાં જ પોતાની સાઈકલનું સ્ટેન્ડ ચડાવ્યું અને બોલ્યો :

'શું આ...આ...તારો ઘોડો છે...? આ હું અને મારા પપ્પા શહેરથી અહીં સાઈકલ લઈને પ્રવાસે આવ્યા છીએ.'

ઘોડેસવાર છોકરાએ લગામને સરખી કરતાં કહ્યું : 'હાસ્તો...આ મારો ઘોડો છે અને સરતાજ છે એનું નામ. અને મારું નામ કાંધલ. આ પાસેના હાથબ ગામથી સહેજ દૂર આ સામે આવેલા હનુમાન-ગુફા આશ્રમમાં રહું છું. હું દરરોજ અહીં આ મારા ઘોડાને લઈને સવારી કરવા આવું છું. મને આ મારા સરતાજની સવારી ખૂબ જ ગમે છે અને ઘોડેસવારી તો હું નાનપણથી કરું છું. પણ તારું નામ ? તારું નામ શું છે ?'

પોતાની સાઈકલને એક હાથે પકડીને અપૂર્વ બોલ્યો :

'અપૂર્વ. મને પણ, સાઈકલ ચલાવતાં તો નાનપણથી આવડે છે અને એ પણ અનેક ખેલ-કરતબો સાથે. એ મારો શોખ છે.'

કાંધલ : 'વાહ...તો તો તને ઘોડેસવારી પણ આવડતી હશે હેંને?'

અપૂર્વ : 'એમ તો આવડે છે, પણ...તારા જેવી નહિ, તું તો જાણે કોઈ સાઈકલ ચલાવતો હોય એમ તારો ઘોડો દોડાવે છે, શું મને તારા જેવી ઘોડેસવારી ન આવડે...!'

અપૂર્વને લાગ્યું કે જાણે કાંધલનો ઘોડો સરતાજ પોતાને પણ સવારી કરવા બોલાવી રહ્યો છે. તેણે હવે ઘોડાની સાવ પાસે જઈને પ્રેમથી એ ઘોડાની કેશવાળી પર હાથ ફેરવ્યો. એ ઘોડાની ગરદનને અપૂર્વ એવી રીતે બાઝી પડ્યો જાણે કે પોતાની સાઈકલનું હેન્ડલ ન હોય !

કાંધલે કહ્યું : 'જો તારે આ સરતાજની સવારી કરવી હોય તો લે...આ લગામ પકડ અને વાળી દે રાંગ ઝટ્ દઈને.'

'રાંગ એટલે શું ?'

લીલી આંખોવાળા કાંધલે હસતાં હસતાં જવાબ આપ્યો :

'રાંગ એટલે આ પેઘડામાં આપણો પગ ભરાવીને ઘોડા પર કૂદીને ચડવાનું એને રાંગ વાળી કહેવાય.'

આ સાંભળીને અપૂર્વ તો તરત ઉત્સાહથી બોલ્યો : 'ઓ હા...હું પણ મારી સાઈકલના પેડલ પર આમ જ પગ મૂકીને આ રીતે જ તો ચડું છું.'

કાંધલને આ સાંભળીને બહુ હસવું આવ્યું અને એ બોલ્યો : 'અરે ઓ...ભાઈબંધ મારા...આ કાંઈ તારી સાઈકલ નથી. પેઘડામાં પગ મૂકીશ ને તેં જો ઘોડાની લગામ બરાબર નહિ પકડી હોય તો આ સરતાજ તારા હાથમાં નહિ રહે અને એને ભાગવું હશે એ દિશામાં જ તને એ લઈને ભાગી જશે. લે, હું તને ઘોડા પર ચડવામાં મદદ કરું છું. સરતાજની લગામ હું પકડી રાખું છું, તું તારે આ બાજુના પેઘડામાં પગ મૂકીને રાંગ વાળીને ચડી જા.'

અપૂર્વએ ખૂબ જ આનંદથી કહ્યું : 'અરે વાહ, મજા આવશે બાકી ! કાંધલ, શહેરમાં જઈને હું મારા બધાં ભાઈબંધોને કહીશ કે મેં હાથબના દરિયાકિનારે, સરતાજની; એક હટ્ટાકટ્ટા ઘોડાની સવારી કરી છે...'

આ છોકરો આજ તો એટલો આનંદમાં હતો કે એ તરત જ પોતાનો ડાબો પગ પેઘડામાં પર મૂકીને જાણે આકાશ વીંઝતો હોય એ રીતે, જમણા પગને આકાશ તરફ ઉછાળી, ઠેકડો મારીને કાંધલના એ અલમસ્ત ઘોડા પર ચડી ગયો.

શહેરની સડકો પર બિન્દાસ્ત સાઈકલ ચલાવતાં આ નાના એવા છોકરાને થયું કે દુનિયા રખડવા માટે કાંઈ સાઈકલ જ બધું નથી. સાઈકલની શોધ નહિ થઈ હોય ત્યારે પણ માણસો ઘોડા પર બેસીને અને આ દરિયા પર તરતી હોડીમાં બેસીને જ્યાં રખડવું હોય ત્યાં મજાથી ફરતાં જ હશેને ? તેને થયું કે જો પોતાને પણ આવો એક પાણીદાર ઘોડો મળી જાય, તો હું તો આ દરિયાના સામા છેડે નીકળી જાઉં. ઘોડા પર બેસતાં જ નાના એવાં આ છોકરાની છાતી તો ભાઈ એવી ફૂલાઈ, જાણે કે આકાશમાં પાણી ભરેલું વાદળ જ જોઈ લ્યો'ને !

કાંધલ સરતાજની લગામ પકડીને નીચે જ ઊભો હતો તે ઘોડાને થોડું રેતીમાં ચલાવીને બોલ્યો : 'ડરતો નહિ અપૂર્વ. આ ઘોડાઓ પણ સવારી કરનારાઓના મન તરત જ ઓળખી લેતા હોય છે. એમાં ય આ સરતાજ તો બહુ ચતુર છે પાછો. એને જો ખબર પડી જશે કે તને તો લગામ પકડતાં ય સરખી નથી આવડતી તો તો તને એ પાછો ક્યાંય લઈ જશે. પણ તું ડરતો નહિ. એ કાંઈ તને પાડે એવો નથી. જાતવાન કાઠિયાવાડી ઘોડો છે આ સરતાજ. મારી બહેન કહે છે કે જાતવાન ઘોડા એના સવારને ક્યારેય પાડે નહિ, ક્યારેય એના સવારને દગો ના દે. લે ચાલ, હવે હું લગામ મૂકી દઉં છું હોં. તું જાતે જ આ વાવાઝોડાની સવારી કરજે. જ્યાં જાવું હોય ત્યાં લઈ જા તું તારે આ સરતાજને. તારી સાઈકલનું હું ધ્યાન રાખીશ.'

અપૂર્વને તો થયું કે પોતાની જ ઉંમરના આ કાંધલને તો કેવી સરસ ઘોડેસવારી આવડે છે ને પોતાને તો એટલી આવડતી પણ નથી. પરંતુ પોતાને પણ ઘોડેસવારીમાં એમ તો સાઈકલ જેવો જ રસ પડતો હતો એટલે તેણે લગામ સંભાળી લઈને ઘોડાને તેના પપ્પા જે દિશાથી આવી રહ્યાં હતાં એ દિશામાં હંકાર્યો. ઘડીક તે ઘોડાને દરિયાના પાણી તરફ લઈ જાય છે ને ઘડીક કિનારાની ભીની રેતીમાં પાછો લાવે છે. તેણે આજ સુધીમાં આવા અલમસ્ત ઘોડાની સવારી ક્યારેય કરી નથી.

અપૂર્વને લાગ્યું કે પોતે તો કોઈ જાસૂસીકથાનો એવો જાસૂસ છે કે જે રાજાના ખજાનાને લૂંટી જનાર લૂંટારાઓને શોધવા આ પાણીદાર કાળા ઘોડા પર જ નીકળી પડ્યો છે ! તેને તો પોતાની સાઈકલ જ ભૂલાઈ ગઈ હતી ને એ હવે કોઈ બીજી જ દુનિયામાં જાણે સરી પડ્યો હતો. તેને થયું કે રાત પડતાં પહેલા જ એ લૂંટારાઓને પકડી લેશે અને પોતાના પાળતું બાજ પંખી દ્વારા એ રાજાને સમાચાર પહોંચાડશે કે લૂંટારાઓને મેં પકડી લીધાં છે. તેનું મન તો હવે આ કાળા પાણીદાર ઘોડાની સવારીમાં જ લાગેલું હતું. એને સાચ્ચે જ ખૂબ મજા આવતી હતી. અને તે જ સમયે સામેથી પોતાની સાઈકલને દોરીને આવતાં અને ખૂબ જ હાંફી ગયેલા તેના પપ્પા સામે પોતે ક્યારે આ ઘોડો લઈને પહોંચી ગયો તેની તેને પોતાને પણ ખબર ના રહી.

અપૂર્વ પોતાની સાઈકલ મૂકીને આવો એક કદાવર ઘોડો લઈને સામે આવી રહ્યો છે એ જોઇને તેના પપ્પાને તો ભારે આશ્ચર્ય થયું ! પપ્પાની પાસે પહોંચતાં જ ઘોડાએ ફરી જોરદારની હણહણાટી કરી મૂકી અને અપૂર્વને લાગ્યું કે જાણે દરિયો ઘૂરક્યો. એને મજા આવી ગઈ. પોતે ખૂબ ગર્વ મહેસૂસ કરતો હોય એમ તેણે પપ્પાની ગોળ ફરતે જ સરતાજનો એક ચક્કર લગાવ્યો ને ફરી પાછો એ એમની સામે આવીને ઊભો રહ્યો કે તરત જ તેના પપ્પા બોલ્યા : 'અરે વાહ ! આ ક્યાંથી ઉપાડી લાવ્યો!? અને તારી સાઈકલ ક્યાં છે અપૂર્વ? જોજે, ધ્યાન રાખજે હોં... આ તને પાડશે તો હાથપગ ભાંગીશ પાછો. ગાંડા છોકરા, સાઈકલની સવારી અને ઘોડેસવારીમાં ઘણો ફેર છે હોં બેટા.'

ચાલી ચાલીને થાકી ગયેલા તેના પપ્પા હજી તો આટલું બોલી લે ત્યાં તો ઘોડાએ ફરી પાછી દિશાઓ ધ્રુજાવી નાખે એવી હણહણાટી કરી મૂકી. છોકરાના પપ્પાની આ વાત જાણે કે પોતાને ગમી ના હોય એ રીતે ઘોડો ઊભો હતો ત્યાં જ પોતાના પગ જોરજોરથી પછાડવા માંડ્યો ને પોતાની ભરાવદાર ડોકને આમથી તેમ ધુણાવવા લાગ્યો. સરતાજ જેમ જેમ પોતાના પગ પછાડવા માંડ્યો તેમ તેમ કિનારાની સોનેરી રેતીમાં ખાડા પાડવા લાગ્યાં અને જાણે કે રેતીનો વંટોળ ચડ્યો હોય એમ હવે એ તોફાને ચડ્યો હતો. અપૂર્વના પપ્પાને થયું કે દીકરાને આ તોફાની ઘોડો નક્કી પાડશે જ. ઊંચા ઝાડ જેવાં આ ઘોડા પર નાનો એવો આ છોકરો જાણે કે નાના એવા પંખીની જેવો જ લાગતો હતો.

સરતાજ તેના હાથમાં નહોતો રહેતો. ઘડીક સાઈકલ જેટલી લાંબી છલાંગ મારતો, દોડતો ને ઘડીક એ જ્યાં ઊભો રહી જાય ત્યાં જ જોરશોરથી નસકોરાં ફૂલાવતો પોતાના વાંસના સોટા જેવાં મજબૂત પગ પછાડતો હતો. તેના પપ્પા અનિરુદ્ધભાઇને તો સાચ્ચે જ ડર લાગી ગયો. તેમણે જેવું પોતાની સાઈકલનું સ્ટેન્ડ ચડાવ્યું કે ઘોડો એમની સામે જ આગળના બે પગેથી એવો તો અદ્ધર ઊંચો થયો કે જાણે તેને અપૂર્વને લઈને આકાશમાં પહોંચી જવું હોય.

પણ અપૂર્વને તો આ બધાંમાં ભારે મજા આવી રહી હતી. ઘોડો આમ અદ્ધર થયો ને તેના આનંદનો કોઈ પાર રહ્યો નહિ. એને તો થયું કે પોતે જે રીતે સાઈકલનું આગલું વ્હીલ ઊંચું કરીને એક જ પાછલા વ્હીલ પર જે રીતે સાઈકલ ચલાવે છે એ રીતે આ ઘોડો પણ માત્ર પાછલા બે પગે થોડું દોડે તો તો મજા જ આવી જાય ! તેને આ ઘોડો આમ અચાનક શું કરવા માંડ્યો છે તેની તો ઝાઝી ખબર નહોતી પણ તેને થોડાં ભય સાથે મજા પણ એટલી જ આવતી હતી. એને લાગ્યું કે પોતે આ દુનિયાનો સૌથી હિંમતવાન છોકરો છે અને આ આખ્ખીય દુનિયા પોતાને અને આ જાતવાન ઘોડાને આંખ પહોળી કરી કરીને જાણે કે જોઈ રહી છે.

અપૂર્વએ હવે એક હાથમાં લગામ પકડી રાખી હતી અને એક હાથની મુઠ્ઠીમાં કસકસાવીને ઘોડાની સિંહ જેવી ઘટાદાર કેશવાળી પકડી રાખી હતી. તેના પપ્પા તો આ દ્રશ્ય જોઇને સહેજ વધુ ડરી ગયાં હતાં. એમને પોતાને પણ હવે શું કરવું તે ખબર નહોતી પડતી. ત્યાં જ દૂરથી વંટોળ ફૂંકાય એવા અવાજે કાંધલે પોતાના ઘોડા સરતાજને ઉદ્દેશીને બૂમ પાડી : 'એયયય...બસ...બસ...બસ, બેટોઓઓ...બસ... ઓ અપૂર્વ, તું બીતો નહિ. સરતાજ ખાલી રમતે ચડ્યો છે. એની કેશવાળી પકડી રાખ ને તારા બેય પગને ઘોડાની છાતીએ ભીડી દે. ને જોજે પાછો, સરતાજના પેટમાં પગ ના મારતો, નહિ તો એને ગલગલિયાં થાશે ને ઉલટાનો ભાગશે ભડકીને. આગળના બે પગે ઊંચો થયાં કરે ને એમ લાગે કે તું પડી જાઈશ તો ઘોડાની ડોકે બથ્થ ભરી લેજે. પણ તું ઘોડાની નીચે ના ઉતરતો હોં. જો તું નીચે ઉતરી જઈશ તો એ જાણી જશે કે તું તો ડરી ગયો છે અને પછી તને એ કોઈ દિવસ સવારી નહિ કરવા દે. આ બધાં તોફાન-રૂંબાડાં એ તને પાડવા જ કરે છે પણ તું ડરતો નહિ. તને વાગે એ રીતે એ ક્યારેય નહિ પાડે. ભારે જાતવાન ઘોડો છે આ સરતાજ. તું તારે મોજથી સવારી કરજે. ઘડીક એમ કરશે એ તો.'

કિનારાની રેતીમાં ઘોડો તોફાન કરતો હતો પણ અપૂર્વએ તો કાંધલની સૂચનાઓ પ્રમાણે જ બધું કર્યે રાખ્યું. તેને થયું કે જો પોતાની જ ઉંમરના કાંધલને આટલી સારી ઘોડેસવારી આવડતી હોય તો પોતાને પણ આવડવી જ જોઈએ. સરતાજને ધીમે ધીમે કાંધલની સૂચનાઓ મુજબ હવે કાબુ કરતાં જોઇને છોકરાના પપ્પાનો જીવમાં જીવ આવ્યો. ઘોડો હવે ધીમે ધીમે અપૂર્વના કાબુમાં આવી રહ્યો હતો. તેણે ઘોડા પરથી જ તેના પપ્પાને કહ્યું : 'પપ્પા, તમે સાઈકલ લઈને કાંધલની પાસે જાઓ. એ મારો નવો ભાઈબંધ છે ને બહુ સારો છે હો. હું આ સરતાજનો ચક્કર લગાવીને પેલી દીવાદાંડી સુધી જઈને હમણાં જ પાછો આવું છું.'

'હા...હા...બેટા, જઈ આવ. પણ સાચવજે હોં, આ કાંઈ તારી સાઈકલ નથી.'

'જાણું છું. કાંધલ પણ એ જ કહેતો હતો પણ પપ્પા તમે એ બધી ચિંતા ના કરશો. આ ઘોડો ય અમારાં તો ભાઈબંધ જેવો જ છે.' – એમ કહેતાં'કને અપૂર્વએ સરતાજની લગામને એક હળવો ઝટકો માર્યો ને તેને દીવાદાંડી તરફ હંકારી મૂક્યો. આ નવા સવાર થઈ ગયેલા છોકરાની હિંમતને સરતાજ પણ હવે જાણી ગયો હતો એટલે વ્યવસ્થિત ચાલતો હતો. ધીમે ધીમે દોડતાં, કૂદતાં ઘોડા પર અપૂર્વ જાણે કે દરિયાના મોજાઓની જેમ ઉછળી રહ્યો છે. તેને થયું કે સરતાજને પાણીમાં દોડાવું અને એણે તરત જ જમણી તરફ લગામ ખેંચી એટલે સરતાજ પણ થોડો ધીમો પડીને કિનારાના પાણી તરફ વળ્યો. છોકરાના આનંદનો આજે કોઈ જ પાર નહોતો.

દરિયાના મોજા તેને અને ઘોડાને ભીંજવતા હતાં. થોડી જ વારમાં એક સફેદ દરિયાઈ પંખીએ ઊડતાં ઊડતાં જ દોડતાં સરતાજની ફરતે ચક્કર લગાવવા લાગ્યું. ઘડીકમાં એ અપૂર્વના ચહેરા પાસે થઈને ઊડતું હતું તો ઘડીકમાં સહેજ આગળ ઊડીને ફરી પાછું દોડતાં સરતાજ સામે ઊડીને આવતું હતું. સરતાજ એ ઊડતાં પંખીને પકડવા જ જાણે દોડી રહ્યો હોય એવું અપૂર્વને લાગ્યું.

થોડીવારમાં તો દૂર દેખાતી દીવાદાંડી પણ હવે નજીક આવી ગઈ. છોકરાએ લગામને સહેજ ખેંચીને સરતાજને હવે ધીમો પાડ્યો. દીવાદાંડીની ઊંચી ટેકરી ચડતી વખતે તો તેને જાણે લાગ્યું કે પોતે વિમાનમાં જ ઊડી રહ્યો છે. એક તો આસપાસની જમીન કરતાં ઊંચી આ ટેકરી અને એમાં ય આ ઊંચા ઘોડા ઉપરથી તેને આસપાસનો દરિયો અને ધરતી પણ નાના લાગતાં હતાં. દૂર દરિયામાં હવે તો લાલચોળ સૂર્ય પણ ડૂબવા આવ્યો હતો. ટેકરી પર પહોંચીને તેણે ઘોડાને આથમતાં સૂરજ તરફ વાળ્યો ને ઘોડાએ ફરી પાછી જોરદારની હણહણાટી કરી અને પોતે પણ કાંધલની જેમ જ સરતાજની ગરદનને જમણા હાથથી થપથપાવી. દરિયાકિનારે ઊતરી આવેલા અંધારામાં અને વારેવારે ઝબકતાં દીવાદાંડીના પ્રકાશમાં આસપાસનું આખું ય વાતાવરણ સુંદર લાગતું હતું.

અપૂર્વએ દીવાદાંડી પાસે જ થોડી વાર સરતાજને આમથી તેમ જુદી જુદી રીતે દોડાવ્યો અને પછી તરત જ તેના પપ્પા અને કાંધલ જ્યાં ઊભા હતાં એ તરફ ઝડપથી સરતાજને વાળ્યો. તેને લાગ્યું કે આ સરતાજ હવે તેના બધાં જ આદેશો માનીને ચાલે છે.

ઘોડા પરની સવારી તેને દરિયાના મોજાઓ પર તરતી હોડી જેવી લાગતી હતી. દીવાદાંડીની ટેકરી ઘણી ઊંચી હતી. અહીંથી દરિયો ત્રીસ-ચાલીસ ફૂટ નીચે પોતાના ફીણવાળા પાણીને પછાડી પછાડીને ઘૂઘવતો હતો. પણ હવે ટેકરીની નીચે ઉતરતી વખતે સરતાજ દોડતાં દોડતાં જ અચાનક એકદમથી ઊભો રહી ગયો. અપૂર્વએ સરતાજને આગળ ચલાવવાના ઘણાં પ્રયત્નો કર્યાં પરંતુ એ ઘોડો તો હવે એક ડગલું પણ આગળ નહોતો માંડતો.

અપૂર્વને શું કરવું તેની સૂઝ પડે તે પહેલાં જ પાસેની એક ઝાડીમાં કંઈક અવાજ થયો ને સરતાજ ભડક્યો. કાંટાની ઝાડીમાંથી નીકળીને એક મોટો સાપ સરતાજની સામે જ પોતાની મોટી ફેણ માંડીને બેસી ગયો. અપૂર્વને સાચ્ચે જ બીક લાગી કે આ સાપ પોતાને કે સરતાજને કરડી જશે તો શું થશે ? તેને કાંધલને મદદ માટે બોલાવવાનું મન થઈ આવ્યું. એક-બે વખત પોતાના પપ્પાને અપૂર્વએ સાદ પણ પાડી જોયો પરંતુ દરિયાના અવાજમાં કાંધલ કે એના પપ્પામાંથી કોઈ પણ આ તેનો સાદ સાંભળી શક્યું નહિ. સાપ હવે ધીમે ધીમે સરકતો પોતાના તરફ જ આવી રહ્યો હોય એવું તેને લાગ્યું. સાપ જેમ જેમ નજીક આવતો હતો તેમ તેમ સરતાજ પણ પાછા પગલે સરકતો હતો. અપૂર્વ તો સાવ જ ગભરાઈ ગયો. એના કપાળ પર ભયના માર્યા પરસેવાના ટીપાં બાઝી ગયાં. પોતાને હવે કંઈ જ ન સૂઝતાં તેણે ખૂબ જ જોરથી સરતાજની લગામને ઝટકો માર્યો ને બીકમાં ને બીકમાં અપૂર્વથી ઘોડાના પેટ પર પગ લાગ્યો ને સરતાજ ચમક્યો. એક જ છલાંગે તેણે અપૂર્વને લઈને એવો તો ઠેકડો માર્યો કે સામે ફેણ માંડીને બેઠેલાં સાપને પણ એ ઠેકી ગયો.

પરંતુ અપૂર્વના કાબુમાં હવે સરતાજ નહોતો. ટેકરીના ઢાળ પર સરતાજ હવે એવો તો દોડતો હતો કે અપૂર્વ પોતાનો બધો કાબુ ગુમાવીને જાણે કે ઘોડા પર લટકી જ રહ્યો હતો. દોડતાં દોડતાં સરતાજ હવે ટેકરીની એવી ટોચ પાસે ભડકીને ભાગી રહ્યો હતો કે જ્યાંથી દરિયો ત્રીસ-ચાલીસ ફૂટ નીચે છે. સરતાજ જેમ જેમ એ ખીણ તરફની કેડી પર જતો હતો તેમ તેમ અપૂર્વને લાગતું હતું કે દરિયો હવે ખૂબ જ ઝડપથી પોતાની પાસે આવી રહ્યો છે અને સરતાજ આ ટેકરીની ટોચ પરથી એક જ છલાંગ મારીને પોતાને લઈને કૂદી જવાનો છે. તેના ભયનો કોઈ જ પાર નહોતો. ગમે તેટલી લગામ ખેંચવા છતાં ભડકીને ભાગેલો સરતાજ ઊભા રહેવાનું નામ જ નહોતો લેતો. બધાં પ્રયત્નો છોડીને અપૂર્વએ સરતાજની કૂકડા જેવી ડોકને કસકસાવીને પકડી લીધી.

દરિયો હવે પોતાની સાવ નીચે લાગતો હતો. જેવી ટેકરીની ટોચ નજીક આવી કે પૂરપાટ પવનવેગે દોડતો સરતાજ પોતાના ચારે પગે એકદમથી જ ઊભો રહી ગયો. ઘોડાએ આમ અચાનક ખીણને પાસે આવેલી જોઇને અપૂર્વની સાઈકલની જેમ જ જોરદારની બ્રેક મારી દીધી. અચાનક આમ અણધાર્યો ઝટકો લાગવાથી અપૂર્વ સરતાજની પીઠ પરથી સરકી ગયો અને ત્રીસ-ચાલીસ ફૂટ નીચે ઘૂઘવતાં દરિયાના પાણીમાં દડાની જેમ ફંગોળાયો.

અપૂર્વને તો તરતાં પણ નહોતું આવડતું. એક તો એ આટલી ઊંચાઈએથી ઊછાળાં મારતાં દરિયાના પાણીમાં પટકાયો હતો એટલે તેને પછડાટનો માર પણ સખત લાગ્યો હતો. જેવો એ પાણીમાં ઉપરથી પડ્યો કે દરિયાના મોજામાં એ આમથી તેમ વહેવા લાગ્યો. એ ડૂબતો હતો. પોતાને બચાવી શકનારું આસપાસ કોઈ જ નહોતું તેમ છતાં તેણે બચાવો-બચાવોની ઘણી બૂમો પાડી; પણ ટેકરીની આ ઊંડી ખીણમાં એનો પોતાનો અવાજ જ પડઘાઈને પાછો આવતો હતો. ભયનો માર્યો પોતે હાથપગ હલાવતો હતો પણ કેમે કરીને દરિયાના ઊછળતાં મોજા તેને કિનારે નહોતા ધકેલતાં. સરતાજ પણ એને ક્યાંય દેખાતો નહોતો. તેને લાગ્યું કે પોતે હવે વધુ સમય બચી નહિ શકે.

એ લીલાકાચ પાણીમાં હવે અંદરને અંદર ડૂબી રહ્યો હતો. અપૂર્વને તેના પપ્પા યાદ આવી ગયાં. એને લાગ્યું કે પોતે આ અજાણ્યા ઘોડાની સવારી કરીને ખૂબ જ મોટી ભૂલ કરી છે. અપૂર્વને પોતાના બાળપણના એ તમામ ભાઈબંધો પણ યાદ આવી રહ્યાં હતાં કે જેમની સાથે એણે સાઈકલના કેટકેટલાંય પ્રવાસો કર્યાં છે. એક તો ઊતરી આવતું રાતનું અંધારું ને એમાં ય ફીણ-ફીણવાળું દરિયાનું આ ઘૂઘવતું રૂપ જોઈને એની તો જાણે જીભ જ હણાઈ ગઈ. અપૂર્વએ આજે સાચ્ચે જ મૃત્યુનો સામનો કર્યો. હવે એનું શરીર પાણીની સપાટી પરથી થાકીને દરિયામાં અંદર ડૂબવા લાગ્યું હતું. એ દરિયાનું ખૂબ જ પાણી પી ગયો હતો એટલે હવે તો તેની ચીસો પણ બંધ થઈ ગઈ હતી. અપૂર્વએ રાતના અંધારામાં પાણીમાંથી છેલ્લીવાર ઉપર જોયું તો ખીણની ટોચ પર સરતાજ ઊભો છે અને પોતાને ડૂબતો જોઈ રહ્યો છે. તેણે ડૂબતાં ડૂબતાં જ સરતાજ તરફ પાણીની બહાર પોતાનો એક હાથ કાઢ્યો, પણ એ અંતે દરિયાના ઊંડા પાણીમાં સરકી ગયો.


Rate this content
Log in

More gujarati story from હું છું વાર્તા કહેનારો I am a storyteller

Similar gujarati story from Children