Baal Sahitya Gujarati

Children Classics

0  

Baal Sahitya Gujarati

Children Classics

કેડ, કંદોરો ને કાછડી

કેડ, કંદોરો ને કાછડી

2 mins
444


એક હતો વાણિયો. 

એક નાના ગામમાં એની નાની સરખી હાટડી હતી. તેલ વેચવાનો ધંધો કરે. શેઠ પણ પોતે અને નોકર પણ પોતે. બધું કામ જાતે જ કરવાનું. એક વાર બાજુના ગામમાંથી કહેણ આવ્યું કે ‘શેઠ, અમારે થોડું તેલ ખરીદવું છે તો અમને આવીને આપી જાઓ.’ 

વાણિયાએ તો કેડ પર કંદોરો પહેર્યો, મેલા-ઘેલા ધોતિયાની કાછડી બાંધી, એક હાથમાં તેલભરેલી તાંબડી લીધી, તેમાં તેલનું માપ રાખવાની પળી ભરાવી, બીજા હાથમાં ડાંગ જેવી લાકડી લીધી અને બાજુના ગામ જવાનો રસ્તો પકડ્યો. 

બાજુના ગામમાં તેલ વેચી, રોકડા રૂપિયા લઈ એ પાછો આવતો હતો ત્યારે તેને રસ્તામાં ચાર ચોર મળ્યા. વાણિયાને એકલો જતો જોઈ ચોર લોકોને થયું કે આને લૂંટી લેવામાં વાંધો નહિ આવે. એક ચોરે પૂ્છ્યું : ‘કેમ, શેઠ અત્યારે એકલા એકલા ક્યાં જાઓ છો?’ 

વાણિયો તો ચાર ચોરને જોઈ સમજી ગયો હતો કે હું એકલો છું અને આ લોકો ચાર છે એટલે જો કંઈક યુક્તિ નહિ કરું તો આજે જરૂર લૂંટાઈ જવાનો. પણ એનામાં હિમ્મત જબરી હતી. સાવ બેફિકર થઈને તેણે ડીંગ હાંકી : ‘હું એકલો ક્યાં છું. અમે તો બાર જણા સાથે નીકળ્યા છીએ.’

ચોરોને થયું કે ઓહો, આ લોકો બાર જણા હોય તો આપણી કારી નહિ ફાવે. તો ય એક ચોરે પૂછ્યું : ‘અલ્યા, બાર જણ તે કોણ છે?‘ 


વાણિયો કહે :

કેડ, કંદોરો ને કાછડી, અમે ત્રણ જણા;

તેલ, પળી ને તાંબડી અમે છ જણા;

ડાંગ, ડોસો ને લાકડી, અમે નવ જણા;

શેઠ, વાણિયો ને હાટડી અમે બાર જણા.


ચોરોને તો કંઈ સમજાયું જ નહિ કે વાણિયો શું કહે છે. તેઓએ તો માન્યું કે વાણિયાની સાથે ઘણાં બધાં જણા છે એટલે તેને લૂંટવા જતાં આપણે જ માર ખાવાનો વખત આવશે. બીને તેઓ ત્યાંથી ઝટપટ રવાના થઈ ગયા. અને યુક્તિબાજ વાણિયો હસતો હસતો ઘરભેગો થઈ ગયો.


Rate this content
Log in

Similar gujarati story from Children