Het Dhruv

Comedy

4.8  

Het Dhruv

Comedy

જોરથી લાગી છે

જોરથી લાગી છે

5 mins
176


એક ક્લાસમાં ભરચક માહોલ છે, ટીચર ભણાવી રહ્યા છે એમ સમજીને કે છોકરાઓ સમજે છે અને છોકરા ભણી રહ્યા છે એ એમ સમજીને કે આજ એમની નિયતિ છે. અચાનક જ હું કલાસની વચ્ચેથી ઊભો થવું છું અને ચેહરા પર પોતાની વ્યથા કળાઇ શકે એટલા હાવભાવ સાથે વર્ણવતો બોલું છું "દીદી, મને જોરથી શુશુ લાગી છે." 

ટીચરને અહેસાસ થાય છે કે પોતે કંઇક એવી જગ્યાએ છે જ્યાં નિર્ણય લેવાની સત્તા એમને આપવામાં આવી છે. એ પણ સત્તામુખ થઈને પોતાના ચેહરાને ગંભીર કરે છે અને એ બની શકે એટલી મારી ઊલટતપાસ કરે છે. ઊલટતપાસ કરવાના ટીચરના પોતાના પણ કારણો છે. આવી ઉમરમાં છોકરાઓ ભાગવા માટે આવા બહાના એમનેમ બનાવી લેતા હોય છે. પછી ખાતરી થતાં (ખરેખર પેન્ટમાં ભીનાશ ના છાંટા દેખાતા) મને જવા માટેનું ફરમાન પાઠવે છે. આવી ઘટનાઓ કિલોના ભાવે શાળાના સમયમાં બનતી અને કોણ જાણે કેમ પણ ટીચરને હંમેશા આ વાત પર શંકાજ જતી. અરે છોકરાઓ તો કયા ટીચર ઓછા પ્રશ્નો પૂછીને 'શુશુ' કરવા જવા દે છે એની પરથી ટીચર પ્રત્યેનો પ્રેમ પ્રગટ કરતા.

વર્ષ ૨૦૧૮ મિટિંગ રૂમ -

હું મિટિંગમાં બેઠા હતો. મને અચાનકજ લાગી જાય છે 'એકી ' (વોશરૂમ) મારી નજર હવે મિટિંગના એજન્ડા પરથી હટીને વ્યક્તિગત દશા પર કેન્દ્રિત થાય છે. બઉ મહેનતથી મારી નજર ઘડિયાળ તરફ જાય છે "અરે બાપરે આ તો હજુ મિટિંગ પુરુ થવામાં પોણો કલાક બાકી છે. કિડની ફેલ થઈ જશે." અચાનક જ હું શરીર પ્રત્યે સભાન થઈ ગયો. સભાન થવું બિલકુલ જરૂરી હતું નહિતર પછી બેભાન થવાની પૂરેપૂરી પરિસ્થિતિનું શક્યતા રહેલી હતી. મારા મોઢા પર કરચલીઓ પડવાની શરૂઆત થઈ ચૂકી હતી. જે ભાઈએ મીટીંગની બાગડોર સંભાળી હતી એ લગભગ અવિરત બોલ્યા કરવાના મૂડમાં જ જણાતો હતો. મારું મગજ એની વાતો સાંભળવા તો હવે બિલકુલ તૈયાર નતુ જ. 

મારે હવે મનને બીજા વિષયે વાળવું જ રહ્યું. એકવખત તો મે એવું પણ વિચારી જોયું કે મને તો થઈ જ ગઈ છે, આમ કલ્પના દોડાવતા કંઇક ફાયદો થશે એમ વિચારી ને સ્તો. એ વિચારનો એટલો પ્રચંડ પ્રતિસાદ મળવાનો ચાલુ થયો કે હવે એ નીકળું નીકળું થઈ રહી હતી. મારા પગમાં બરાબર આંટીઓ મારી મે ખૂબ જ મક્કમતાથી સ્વસ્થતા મેળવવાનો પ્રયત્ન કરવા માંડ્યો. સ્વસ્થતા તો ના આવી પણ એસી વાળા ઠંડા રૂમમાં પરસેવો છૂટવા માંડ્યો. આ એવો સમય હતો કે કોઈપણ સુંદર છોકરીના હાસ્યનો પણ હું મારા કરડાકી વાળા ચહેરાથી પ્રતિભાવ આપી દેત જેનાથી તો એ વધારે દંગ રહી જાત. ( આય... હાય... કઈક તો છે એનામાં કે જેના લીધે મને પણ ભાવ આપતો નથી) 

મિટિંગમાં અડધો એક કલાક પસાર થયા પછી લાગ્યું કે સાલા બોલવાવાળા એ મને ઉદ્દેશીને કોઈ અભિપ્રાય પૂછ્યો નથી તો એ વાતનું ખોટું લાગ્યું છે એવું બહાનું કરીને બહાર જવાની શક્યતાઓ પર વિચાર કરી જોયો, પણ એમાં પછી હમેશા માટે કંપનીમાંથી જ પાણીચું આપી દેવાની ખાતરી નજર સમક્ષ આવતા મન ને પાછુ વાળ્યું. મને લાગે છે પૂર્વજો એ કરેલા પુણ્યો કદાચ જોર કરતા હશે કે મીટીંગ સમયસીમા કરતા વહેલી જ પતી. પૂરી થયા પછી ચેહરા પર બને એટલી સંયમતા લાવી ને હું વોશરૂમ તરફ ચાલતા પગે દોડ્યો છું. 

૨૦૧૯ - ટ્રાવેલ્સમાં

હું ટ્રાવેલ્સમાં ચઢ્યો, મારે અમદાવાદથી જવાનું હતું રાજકોટ. સફર હતી ત્રણ થી ચાર કલાકની, બસમાં બેસતા પહેલાં બધીજ વ્યવસ્થિત ગણતરીઓ કરી ને 'શુશુ' સંપૂર્ણ સંતુષ્ટતાથી કરીને જ બેઠો હતો. મે મનોમન નક્કી કરી લીધું હતું કે હવે ના ત્રણ કલાક પાણી મારી માટે વર્જ્ય છે. થોડીવાર થઈ તે ત્યાં વળી પેલો પાણીની બોટલ સામે ધરી ને જતો રહ્યો. પાણી મારી નજર સમક્ષ ગમે તે રૂપમાં હોય એ મારા મન પર કબજો જમાવી જ લે છે. મારા હાથ આપોઆપ એને ધારણ કરવા સુધી પહોંચી જાય અને હજુ તો હું કંઇક પોતાની જાત પર કાબુ મેળવવાનો પ્રયત્ન કરું એ પહેલાં તો મે એને પી લીધું જ હોય છે. પાણી ખરેખર ટાઇમપાસ પીણું છે. તમારી સામે પડ્યું હોય ને તો તમે વગર તરસે પણ એને પીધા વગર રહી ન શકો.

પીધા પછી જે થોડીઘણી શાંતિનો અહેસાસ થયો એ ચોથી જ મિનિટે ગાયબ થઈ ગયો, કારણકે ગરકાવ થયેલા પાણી એ શરીરમાં બીજે ક્યાંય ઉપયોગમાં આયા સિવાય તરત જ બહાર નીકળવાનો નિર્ણય લઈ લીધો અને એ પણ એટલી ઘાતકી રીતે કે મને એમ થઈ ગયું કે મારે પીતા પહેલા પાળ બાંધવાની જરૂર છે. મે વિચાર મૂકી જોયો કે થોડી રાહ જોઈ શકાય એમ છે, પણ ના હવે એના લીધે મને પગમાં જ કંઇક જોર ઓછું થવા જેવું લાગ્યું. મે તરત જ કલ્પના કરી લીધી કે રખે લથડતા પગે જવામાં વચ્ચે ક્યાંક થઈ જાય એના કરતાં અત્યારે જ જવામાં મારી પોતાની ભલાઈ અને સ્વમાન સમાયેલું છે. મે ડ્રાઇવર ને કહેણ મોકલાવું પડ્યું કે થોભ ભાઈ.

"અરે સાહેબ હજુ ઉપડ્યા પણ નથી ને તમે ઉભી રખાવો છો"

" લાગી છે તો શું કરવાનું" (' શુશુ ' તો ના બોલાય કારણકે હવે આપડે નાનપણ હતા એવા ભોળા નઈ પણ ભોટ થઈ ગયા છે એટલે સાંકેતિક ભાષામાં જ કહેવું પડે)

"ઘરેથી કરી ને આવતા હોય તો "

"પાણીની બોટલ તરત ના ધરી દેતા હોય તો "

કામ પતાવી ને આયા સુધીમાં બસમાં એ વાત ફેલાઈ ગઈ હતી કે આ ભાઈ કયા અગમ્ય કારણસર નીચે ઉતર્યા હતા. હું જેમ જેમ લોકોને પસાર કરતો મારી સીટ સુધી પહોંચતો ત્યાં સુધીમાં તો કેટ કેટલીય ધૃણાત્મક નજરોનો સામનો કરવો પડ્યો. એક બે વખત તો મારા હાથ માફીની મુદ્રામાં જોડાઈ ગયા. (એક સાથે આટલા જનસમૂહ ને નારાજ કરીએ તો થોડી વિનમ્રતા તો લાવી જ રહી)

હું જે પણ કઈ કરતો હોવ એ પછી કામ હોય કે કોઈ મનોરંજન હોય અને જો મને એમાં બરાબર રુચિ આવી જાય ત્યારે જ 'શુશુ' લાગી જાય, પછી ભલે ને આગલા એક - બે દિવસથી પાણી જ ના લીધું હોય. કમસેકમ આ બાબતે તો ઊંટ માનવજાતિથી ઘણો આગળ નીકળી ગયો છે, એને પાણી પીવાની જ ઝંઝટ નથી તો પછી કાઢવાની ક્યાંથી હોવાની.

છેલ્લે એક વાસ્તવિક વાત, તમને 'શુશુ' ક- સમયે ના થાય એની માટે પાણી વગર ગમે તેટલા દિવસો કાઢો એતો થવાની જ (મનુષ્ય શરીર જ સિત્તેર ટકા પાણીથી બન્યું છે એટલે સ્તો). જે લોકોને બઉ શુશુ નથી આવતીને એવા લોકો પોતાના રોજિંદા કામમાં વધારે કેન્દ્રિત રહી શકે છે અને સફળતા એમને વધારે વારે છે બાકી અમારા જેવા ક્યારે કરવી... કેવી રીતે કરવી ....ફરી કરવું... ફરી કેવી રીતે કરવી... એમાં જ મોટાભાગનું જીવન વ્યતીત કરે છે.

અંતમાં એટલું કહેવાનું કે મને એક બાજુ જો સાક્ષાત ભગવાન મળે અને એક બાજુ બાથરૂમ મળે એવી ક્યારેય પણ પરિસ્થતિ નું નિર્માણ થાય તો હું હંમેશા બાથરૂમ પર જ પસંદગી ઉતારું , કારણકે એણે જેટલા મારા ખરાબ સંજોગો સાચવ્યા છે એટલા તો ભગવાને પણ નથી સાચવ્યા.


Rate this content
Log in

Similar gujarati story from Comedy