Het Dhruv

Comedy Others

3.2  

Het Dhruv

Comedy Others

દિવાળી અને સાફસફાઈ

દિવાળી અને સાફસફાઈ

4 mins
171


ઘરનો દરવાજો ખોલતાની સાથે જ ધૂળનું એક વંટોળિયું મારા પર ફરી વળ્યુ. હું કઈ સમજુ એ પહેલાં તો એક આછો પડછાયો મારા તરફ તલવાર વિંઝતો આવતો દેખાયો, મને લાગ્યું કે ઘરમાં ઘૂસણખોરી થઈ ગઈ છે. નજીક પડછાયો જેમ જેમ આવતો હતો તેમ તેમ મારું શરીર શિથિલ પડવા માંડ્યું હતું, હું હાથપગ હલાવીને પાછા વળવાની કે ભાગવાની બધીજ પદ્ધતિઓ ભૂલી ગયો હોવ એમ લાગતું હતું. પડછાયો નજીક આવ્યો ત્યારે ખ્યાલ આવ્યો કે આતો મારાવાળી છે ( અહીંયા પત્નીની વાત થાય છે એ નોંધ લેવા વિનંતી). એ હાથમાં તલવાર નહીં પણ સાવરણી લઈને આવી હતી અને મોઢા પર બુકાની ધારણ કરેલું હતું. ચહેરો એટલો ત્રસ્ત હતો કે એ મને પણ ઓળખે છે કે નઈ એ વિશે પણ શંકા થઈ. આવીને જ તાડુકી પડી

" હમણાં બહાર રહેજો, દિવાળીની સાફસફાઈ ચાલુ છે." ( એના બોલવાના રણકરમાં લાગણીની બુંદભર પણ ભીનાશ નહોતી લાગતી) 

હું બહાર જ રહ્યો, આમપણ મને આ સાફ સફાઈ સાથે પહેલેથી જ કઈ લગાવ નથી.

અમારે ત્યાં દિવાળી નજીક આવતી હોય ત્યારે મમ્મી પપ્પા સારો મસ્ત રજાનો દિવસ પસંદ કરી ને સાફ સફાઈનો કાર્યક્રમ ગોઠવી દે. આમતો આ દિવસની આગોતરી જાણકારી કરવામાં આવે તો આપણે પોતાના મનને એ કામ કરવા માટે કેળવીએ, પણ ના જાહેરાત એ લોકો સવારે મસ્ત ચાની ચૂસકી લેતા લેતા નાસ્તો કરતાં હોઈએ ત્યારે જ કરે. કહેવાનું કામ મોટાભાગે મમ્મી જ કરતી હોય અને જાહેરાત કરતી વખતે એના મોઢા પર સ્પષ્ટ ગાંભીર્ય પ્રગટતું હોય અને એની કપાળની રેખાઓ તંગ હોય એટલે સમજી લેવાનું કે આજે એની સામે શાલીનતા ને કોઈ સ્થાન નથી. 

મારા હાથમાં મારા જ કોઈ જૂના ફાટેલા પરિધાન નો ટુકડો પકડાઈ દે અને પછી મને ઘરના દરેક ખૂણામાં ફેરવી ફેરવી ને આજના દિવસની મજૂરી કરવાની જગ્યાઓ બતાઈ દે. મારે સામાન્ય રીતે બારી- બારણાં, ફ્રિજ, ટેબલ, ટીવી જેવી જગ્યાઓ પર હાથ ફેરવવાનો હોય. મારે અહીં એ કબૂલાત કરવાની થાય કે મને હાથમાં સ્પ્રે મળે તો આ સફાઈના કામમાં પ્રેમ ભળે, પણ ના મને તો કોરુ કપડું જ પકડાવે. કોરાથી તો શું સાફ થાય !, એટલે ઘસી ઘસી ને જાત છોલાઈ જાય ત્યાં સુધી સાફ કરો ત્યારે એક ડાઘ જાય. 

જે જગ્યાઓ જમીન પર સ્થાપિત થયેલી છે તેને સાફ કરવા સુધી તો હું કેમે કરીને મારી જાત ને પરોવી લઉં, પણ પંખા અને માળિયામાં કરવાના કામોથી હું ભાગતો જ ફરતો હોવ. માળિયા ની રચના એવી રીતે કરવામાં આવી હોય કે તેમાં તમારું શરીર કંઇક ચિત્ર વિચિત્ર વળાંકો સાથે જ સેટ થાય, મારું શરીર પાતળું એટલે મારી પર જ આવા કામોની પસંદગીઓ ઉતરે. પરિસ્થિતિ દારુણ ત્યારે થાય જ્યારે તમે કુબજાની માફક શરીર ને તમારા જીવનની સૌથી ઉચ્ચ કફોડી સ્થિતિમાં મૂકી ને ઉપર ચડ્યા હોવ અને નીચે તમારા પાલનહાર ( મમ્મી પપ્પા ) એ વાતે ઝગડતા હોય કે પહેલાં શું નીચે ઉતારીશું. એ વખતે એમ થાય કે હવે કૃષ્ણ આવેતો સારું અને આ શરીરી વક્રતામાંથી મને ઉગારે તો સારું.

જીવનનું આજે એક સચોટ વાક્ય હું કહેવા જઈ રહ્યો છું તમને ' પંખા જ્યાં સુધી તમને હવા આપે ત્યાં સુધી જ સારા લાગે, જેવા તમે એને સાફ કરવા ઉપર ચડો એ દિવસથી તમને એની માટે અડધી લાગણી થઈ જાય '( બાકીની અડધી તો રાખવી જ પડે, ઉનાળા માટે સ્તો). એ દિવસે હું તો ફાટી આંખે એકેક નવી નવી વસ્તુઓ માળિયામાંથી ઉતરતા જોયા કરું જે તમારી પીઠ પાછળ ભેગી કરવામાં આવી હોય, જેમકે નવી નવી કપ રકાબી, તોરણો, ગ્લાસ, ડિનર સેટ વગેરે વગેરે. બાકીના દિવસોમાં તમે ભલે સીધા જ કુકર, કઢાઈ અને તવી પરથી ખાવાનું ખાતા હોવ, પણ દિવાળીમાં તો તમને જમવાનું અલગ થાળીમાં પીરસશે એવી આશા પૂરેપૂરી રાખી શકાતી.

દિવાળી સાથે સાફ સફાઈ જે રીતે વણાઈ ગઈ છે, એ વાત મને સહેજ પણ પસંદ નથી. એ દિવસે જેમ ફોન રીબુટ કરતા હોઈએ એમ આખા ઘરનો બધો સમાન બહાર ઉતારી ને, સાફ કરીને પાછો મૂકવાનો હોય છે અને આ રીબુટ કરવામાં શરીર એટલું નંખાઈ જાય છે કે એને રિકવર થતાં સુધીમાં દેવ દિવાળી આવી જાય છે.

રોજ થોડું થોડું કામ કરાવતા હોય ને તો ચાલે, પણ આ એક જ દિવસમાં કોઈ મુંઢ માર મારતું હોય એમ એટલું કામ કરાઈ લે ને કે ઘણા ને તો પોતાના હાથ - પગ હોવા પર પણ ગુસ્સો આવી જાય, કારણકે એ હતા એટલે તો આશા રાખી કે કંઇક કામ કરશે. 

સો વાતની એક વાત આ સાફ સફાઈ વાળી પૌરાણિક પ્રથાનો અંત આણવો જ જોઈએ, એની સામે થવા કોઈ તો બનો રાજા રામમોહન રાય.

એક આડવાત:-

દિવાળી બીજી એક રીતે પણ ખાસ છે. બાકીના દિવસોમાં તમે ખાધા પછી કંઇક મીઠી વસ્તુ માંગો તો તમારા મોઢામાં ખાંડ ખોસી દેવામાં આવે, પણ દિવાળીના દિવસોમાં લોકો લોનો લઈને પણ મીઠાઈ ખરીદી લાવે. 


Rate this content
Log in

Similar gujarati story from Comedy