હા... હું...છું... શિક્ષક
હા... હું...છું... શિક્ષક


"આપ્યું છે ખુલ્લું આકાશ ને ઊડવાને પાંખો....
દુનિયા જુ઼એ ખુદની નજરથી ને આપી સમજદારીની આંખો..
કર્યું સમાજનું રૂણ અદા ને આપ્યું વિદ્યા દાન....
આજ ઊભો રહીને ગર્વથી કહું છું.. હું છું શિક્ષક... હું છું શિક્ષક..."
શિક્ષક સમાજના ઘડતરનો પાયાનો પથ્થર છે. શિક્ષક વગર કોઈપણ મનુષ્યનો વિકાસ શક્ય નથી. એક નાનું બાળક કે જેનું મગજ, મન, વિચારો કોરા કાગળ જેવા હોય છે તે બાળક જયારે એક શિક્ષકના હાથમાં આવે છે અને શિક્ષક જો ઉચ્ચ ગુણોથી યુક્ત હોય તો બાળક પોતાના શિક્ષકના ઉચ્ચ વિચારોને સાથે લઈને નવા સમાજની રચના કરવા સક્ષમ બને છે. શિક્ષક પોતે એકલો કઈ નથી કરી શકતો પણ હા... સમાજમાં પરિવર્તનો લાવવા માટે નવી પેઢીના વિચારોને વાચા આપી સમાજ બદલી શકાય છે.
હું પણ એક શિક્ષક છું. મારા શિક્ષકોના જીવન ચરિત્ર જોઈ, તેના વિચારો જાણી મને પણ શિક્ષક બનવાની ઇચ્છા જાગૃત થઈ. મારા મત પ્રમાણે શિક્ષક એ નથી કે જે વ્યવસાય માટે શિક્ષક બને. એક યોગ્ય શિક્ષક બનવા માટેનાં અમુક પાયાના સિદ્ધાંતો છે અને તેના પર ચાલવું દરેક શિક્ષક માટે જરૂરી છે.... જેમકે
૧) હું મારા શિક્ષણકાર્યને જ મારો એવોર્ડ માનીશ...
૨) હું ધીરજ ગુમાવ્યા વિના મારું કર્તવ્ય કરીશ...
૩) હું મારા કાર્યમાં ભવ્યતા અને દિવ્યતા લાવીશ...
૪) હું મારા વિદ્યાર્થીઓને આગળ વધારવા પ્રેરણા આપીશ..
૫) હું મારા ગુસ્સાને કાબૂમાં રાખીશ....
૬) હું મારા વિદ્યાર્થીઓમાં રહેલી નકારાત્મકતા દૂર કરીશ.. .
૭) હું મારા વિદ્યાર્થીઓને સ્વપ્ન જોવાનું અને તેને સિધ્ધ કરવાનું શીખવીશ.....
૮) હું બાળકની આવડત જોઈ તેને બહાર લાવવાનો પ્રયાસ કરીશ...
આવા સંકલ્પો સાથે હું શિક્ષક તરીકે મારું જીવન પસાર કરવા ઈચ્છું છું. ઈશ્વરે મને શિક્ષક તરીકેનું ખૂબ જ ઉમદા પાત્ર આપ્યું છે જે હું મારા જીવના પર્યન્ત નિભાવી઼શ.