વિયોગ
વિયોગ
એક આશા નામની છોકરી હતી. નામ જેવાં જ ગુણ... જીવન માટે ખૂબ જ આશાવાદી હતી. ઉચ્ચ વિચારો રાખવા, ધારેલા કાર્યો પૂર્ણ કરવા તેનો સ્વભાવ હતો. માતા પિતા તરફથી ખૂબ જ સારા સંસ્કાર મળ્યા અને સમય થતાં એક સુંદર પરિવારમાં લગ્ન થયા, ત્યાં પણ પતિનો ખૂબ જ પ્રેમ મળ્યો. પતિનું નામ રાજ હતું. તેની સાથે તે એક સુખી જીવન પસાર કરવા લાગી.
લગ્નના બે વર્ષ પછી પતિને વિદેશમાં નોકરી મળી ત્યાં જઈને વસવાટ કર્યો, હવે સારાં સમાચાર મળ્યા કે ઘરે પારણું બંધાશે. આશાની આશાઓ વધવા લાગી, બાળકનાં વિચારો કરવા લાગી. રાજ પણ આ સમયમાં તેનું ખૂબ જ ધ્યાન રાખતો. સમય વિત્યો અને સાત મહિના થયા. આશા પોતાના દેશમાં પિયરમાં ડિલિવરી કરવા ગઈ. રાજ રોજ તેને ફોન કરતો હવે સમય વિત્યો અને આશાનાં ઘરે દેવ જેવા દિકરાનો જન્મ થયો. બધા ખૂબ જ ખુશ હતા પણ શું થયું કે હવે રાજ
ફોન નથી કરતો ? ફોન કરે તો જવાબ નથી મળતો. આશાની ખુશ ચિંતામાં ફેરવાઇ ગઈ. રાજના વિચારોમાં ખોવાયેલી રહેતી. બાળક તરફ ધ્યાન જ ન રહેતું. આશાની આ હાલતથી તેના માતાપિતા પણ ચિંતામાં રહેતા. ત્રણ મહિના વીતી ગયા, પણ રાજના કોઈ સમાચાર ન મળ્યા.
એકવાર અચાનક જ ફોનની ઘંટડી વાગી આશાએ ફોન ઉપાડયો રાજ વાત કરતો હતો. તેણે આશાને કહ્યું કે તું મને કાયમ માટે ભૂલી જજે મારા જીવનમાં તારા માટે કોઈ જગ્યા નથી. મારા જીવનમાં કોઈ બીજું આવી ગયું છે અને હું તેને ખૂબ જ પ્રેમ કરું છું, તેના વગર હું નહિ રહી શકું. હું તને લેવા માટે નહિ આવી શકું. મને માફ કરજે. આમ કહીને તેણે ફોન મૂકી દીધો. આશા ઉપર તો આભ તૂટી પડયું. દિકરા માટે જીવવું પણ પડશે અને રાજ વગર જીવી પણ નહીં શકે. આ જીવનભરના 'વિયોગ' સાથે કેમ જીવન પસાર થશે ? આ પ્રશ્નનો કોઈ જવાબ આશાને ન મળ્યો.