Mitra Writes

Inspirational Thriller Tragedy

1.0  

Mitra Writes

Inspirational Thriller Tragedy

એક પ્રેમ આવો પણ ! ભાગ - ૭

એક પ્રેમ આવો પણ ! ભાગ - ૭

15 mins
14.6K


અર્જુન અને કાનજી બંને જણ ઘેનમાંથી જાગી ચૂક્યા છે ! કારખાનામાં ભારે ચહેલ પહેલ થતી જોવા મળી રહી છે ! ઝેબા અને ફારૂક અહીંથી તહીં રીતસરના દોડી રહ્યા હોય એમ તૈયારીઓમાં લાગ્યા પડ્યા છે ! સવારના ૫:૨૦નો સમય થઈ રહ્યો છે, જે અર્જુન એની કંડા ઘડિયાળમાં નજર ઝુકાવીને જોઈ રહ્યો છે !

બંનેની નજર હાલ સિયાને શોધી રહી છે. પણ એ ક્યાંય દેખાઈ નથી રહી. પણ દૂર ખૂણામાં અફઝલ લગભગ અર્ધ બેભાન અવસ્થામાં ઢસડાઈને પડી રહ્યો છે, અને દિનુ એને પાણી પીવડાવી રહેલો દેખાય છે. અફઝલના હોઠ અને ગરદનના ભાગે લોહી વહીને સુકાઈ ગયું હોય એવું લાગી રહ્યું છે.

થોડીવાર રહી ફારૂક ભગવા વસ્ત્રો ધારણ કરીને અંદરની બાજુએ થી બહાર આવે છે. ઝેબા એના વસ્ત્રો બરાબર તપાસી લઇ પછી એને એક થેલો પકડાવે છે. એક પીપમાંથી મોટું 'ઢોલ' કાઢે છે અને એક કાર્ટૂનમાંથી 'બૉમ્બ' કાઢે છે. ઢોલની એક તરફ નું ચામડું ચીરી એ એની અંદર એ બૉમ્બ ફિટ કરે છે. કેટલાય રંગી વાયરો ધરાવતી એ રચના કેટલાયનો ભોગ લેવા માટે પોતાનું સ્થાન લઇ ચુકી છે. ફારૂક એ ચામડું બંધ કરવામાં લાગી પડે છે.

થોડીવારે સિયા બહાર આવે છે. એના સામાન્ય વસ્ત્રો જોઈ ઝેબા એના પર ચિડાઈ જાય છે. છતાં ગુસ્સા પર કાબુ રાખી લઇ, એને એક બ્લેક જેકેટ અને જીન્સ એક બોક્સમાંથી કાઢી આપી, એ પહેરી આવવા કહે છે !

સિયા જેકેટની ઝીપ બંધ કરતી બહાર આવે છે. ટાઇટ બ્લેક જીન્સ અને ઉપર બ્લેક લેધર જેકેટમાં સિયા ખરેખર આકર્ષક લાગી રહી છે. એના વાળ થોડી થોડી વારે તેના ચહેરા પર ઉડી આવે છે, અને એનું ધ્યાન ભંગ કરતા રહે છે. અર્જુન એને ફાટી આંખે જોઈ જ રહ્યો છે.

'વાહ રી કાવ્યા... આજે તો તું અસલ લડાયક લાગુ છું ! આજે મિશન ને અંજામ આપ્યા બાદ તારી જગ્યા તો જન્નતમાં ફિક્સ હો !' કહી ઝેબા એના ઓવારણાં લે છે... જાણે કોઈ મા એની દીકરી દુલહન બની હોય ત્યારે લે એ રીતે !

'જન્નત નું તો નહીં ખબર... પણ હું મારી માનો બદલો લઇ શકું તો પણ મારા માટે ઘણું થશે. હું તો પહેલા બસ સૈનિકો ને એ માટે જવાબદાર માનતી હતી... પણ આપ... ! આપે મને સત્યથી વાકેફ કરાવી કે દુશ્મનો ફક્ત સૈનિકો જ નથી...આ દેશની પ્રજા પણ એટલી જ જવાબદાર છે !’ બોલતા બોલતા સિયાની આંખોમાં પારાવાર ગુસ્સો તરી આવે છે.

'સિયા મુર્ખ જેવી વાતો ન કર... આ ઝેબાએ પોતે કાલે અમારી સામે કબુલ્યું છે કે, એ અને ફારૂક તારું બ્રેઇનવોશ કરતા હતા !’ અર્જુને એને સમજાવતા કહ્યું.

પણ સિયાએ વાત ને તદ્દન અવગણી નાખી.

'અર્જુન... શું તને હજી પણ એમ લાગે છે કે, એ તારી વાત માનશે ! હવે તો કોઈ ચમત્કાર જ એની આંખો પરની એ પટ્ટી હટાવી શકશે ! અને એવા ચમત્કાર તો થવાથી રહ્યા !’ કાનજીએ હતાશ થઈ નિસાસો નાખતા કહ્યું.

ફારૂકે ઢોલ સીવીને ફિટ કરી દીધો. ઝેબા પણ એનો સમાન લઈ નીકળવાની તૈયારી પૂરી કરી ચુકી. એણે દિનુને સૂચન આપ્યા કે 2 કલાક બાદ એ અર્જુન અને કાનજીએ છોડી મૂકી, પોતે પણ મુક્ત થઈ શકે છે !

'પણ મેડમજી...આપના ભાઈ નું શું કરવું છે? આપ એને જોડે લઇ જવાના હતા ને !’ દિનુએ ઝેબાને પૂછ્યું.

'કાલ સુધી તો એ જ નક્કી હતું. પણ હવે રાતોરાત એની તબિયત લથડી પડી...અને હવે એમ પણ એ અમારા કોઈ કામનો નથી. એની બીમારીથી એનો અંત નજીક જ છે... !’ ઝેબાએ બેધડક પણે જવાબ આપ્યો. જાણે અફઝલ એના મને એનો ભાઈ નહિ પણ એક સામાન્ય પ્યાદો જ હોય એમ !

'તો ચાલો હવે નીકળીએ...!’ ઝેબાએ કહ્યું. 'તમે બંને લોકેશન માટે નીકળો અને હું 'બીજા રસ્તે' નીકળું છું, જલ્દી જ મુલાકાત થશે !'

સિયાએ ફરી પહેલાની જેમ બુકાની બાંધી અને એની માંજરી આંખો અનાયસે અર્જુન પર સ્થિર થઈ રહી ! જાણે એ હજી પણ ઘણું કહેવા માંગતી હતી, પણ સમય અને પરિસ્થિતિ વિપરીત હતા.

'સિયા હજી પણ કંઈ મોડું નથી થયું... પ્લીઝ રોકાઈ જા’ અર્જુન એને આંખોથી એક જ વાત કહેતો રહ્યો. પણ સિયા ન રોકાઈ. થોડી વારે બહારથી બે ગાડીઓ જવાનો આવાજ આવ્યો. એક ગાડી ઝેબા લઇ જાય છે અને બીજી ગાડીમાં સિયા અને ફારૂક ટાર્ગેટ લોકેશન પર જાવા નીકળે છે.

હજી એમને ગયે માંડ દસેક જ મિનિટ થઈ હશે અને અર્જુન અને કાનજીને મૂંઝવણ ના વંટોળે ચઢાવતાં દિનુ એ બંને ને ખોલવા લાગે છે. કાનજીને એણે હજી માંડ ખોલ્યો જ હશે ત્યાં તો એ દિનુ પર તૂટી જ પડે છે.

'તેં આન્ટીની હત્યા કરી છે... હું તને નહીં જીવવા દઉં... આજે તને ખતમ કરીને જ માનીશ !’ કહેતા એના ક્રોધનો દાવાનળ દિનુ પર ફૂટી પડે છે. હાથપાઈ વચ્ચે દિનુ બસ એક જ બુમો પાડી રહ્યો છે...

'મારી પુરી વાત તો સાંભળી લો... પ્લીઝ મારી વાત સાંભળો !’

અર્જુન કાનજીને શાંત થવા કહે છે. એના મારના લીધે દિનુ નીચે પડી દર્દથી કણસી રહ્યો છે. કાનજી અર્જુનને છોડે છે. બંને દિનુની બાજુમાં જઇ ઊભા રહી છે.

'તમારા મમ્મી હજી જીવે છે ભાઈ !’ દિનુ દર્દના માર્યે કહે છે. વાતનું થોડું આશ્ચર્ય તો થાય છે, છતાં આખી વાત જાણવા અર્જુન એને પાણી પાએ છે. થોડીવારે સ્વસ્થતા અનુભવતા દિનુ બેઠો થાય છે અને વાતનો દોર માંડે છે...

'કાલે તમારી પાસે એડ્રેસ કઢાવ્યા બાદ મને થોડું આશ્ચર્ય થાય છે, કારણકે એ એડ્રેસ પર મારા પિતા ચોકીદારીનું કામ કરે છે. હું તરત એ એડ્રેસ પર ગયો હતો. અને મારા પિતા એ સમયે ડ્યૂટી પર જ હતા. મને જોઈ એમણે ત્યાં આવવાનું કરણ પૂછ્યું, પણ મેં વાત બદલી નાખી હતી. વાત વાતમાં જાણ્યું કે તમે, એટલે કે માલિકના દીકરા, જે આગલી રાતથી ઘરે નથી આવ્યો. અને એની ચિંતા મલિક અને મેડમને કોરી ખાય રહી છે. અને એ ત્યારે પોલીસ ફરિયાદ નોંધાવા ગયા હતા. દેખીતી રીતે ત્યારે તમને ગાયબ થયે ૨૪ કલાક પુરા થયા ન હતા એટલે પોલીસમાં ફરિયાદ પણ લેવાવાની ન હતી. અને પોલીસનું નામ પડતાં જ હું ઘભરાઈ ગયો હતો. મારા બાપાએ મને પૂછ્યું હતું કે, 'દિનુ હું જાણું છું મારા ના પાડવા છતાં તું હજી પણ ખોટા કામ કરી જ રહ્યો છે... શું મારુ એક નાનું કામ કરીશ? તારા કોઈ ટપોરી મિત્રો દ્વારા અર્જુન બાબાની માહિતી મળતી હોય તો મેળવી લાવને... મારાથી માલિકની ચિંતા નથી જોવાતી. મને આજે પણ યાદ છે એ દિવસ જ્યારે તું કામ અર્થે બહાર રહેતો હતો ત્યારે તારો દીકરો એક વખત મેલેરિયામાં પટકાયો હતો. ત્યારે મેં ઘણું ગુમાવ્યા બાદ, ઘર વેચવાની તૈયારી દર્શાવી હતી. અને વહુ સાથે માલિકની ઓફિસે પહોંચી આખી વાત જણાવી હતી. અને એ ભલા માણસે મને સમજાવ્યું હતું, 'કાકા ભલે ને એક રૂમ રસોડાનું ઘર પણ કેમ ન હોય... ઘરએ ઘર છે ! તમારી એની સાથે કેટલીય લાગણી જોડાયેલી હશે. તમે થોડા પૈસા લઇ જાઓ અને નિરાંતે ચૂકવજો. આપણે બંને અહીં જ છીએ... કોઈ ક્યાંય નથી ભાગી જવાનું !’ કહી માલિકે મને હાથમાં પૈસા થમાવ્યા હતા અને એમના જ પ્રતાપે તારો દીકરો મોતના મુખમાંથી બહાર આવ્યો હતો. આજે જ્યારે માલિકને એમના દીકરા માટે ચિંતામાં જોઉં છું ત્યારે મારો જીવ કકળી ઉઠે છે..દિનુ કઇંક કરી માહિતી લાવી આપને. એ માણસના આપણાં પર ઘણા ઉપકાર છે...જો તારાથી માલિકને થોડીક પણ નાની મદદ થઈ શકે તો કરજે !’

અર્જુનની આંખ ભીંજાઈ આવે છે. એને એના પિતા પર ઘણું માન થઇ આવે છે.

'મને માફ કરજો માલિક...કાલે મેં તમારી પર હાથ ઉપાડ્યો હતો...તમારા પિતા ને કારણે આજે મારો દીકરો જીવિત છે, અને મેં એ જ પિતાના સંતાનને ઇજાઓ પહોંચાડી હતી...માફ કરી દ્યો માઈબાપ માફ કરી દ્યો...!’ કહેતા એ અર્જુનના પગે પડી જાય છે.

અર્જુન એને ખભેથી ઉભો કરી ગળે લગાવી લે છે !

'પણ માલિક...એક ખરાબ સમાચાર છે !’ સહેજ છુટા પડતા એ કહે છે...

'કેવા ખરાબ સમાચાર કાકા !’ કાનજી હેબતાઈ જઈને પૂછે છે.

'કાલે જ્યારે હું બાપાને મળ્યો ત્યારે એમણે કહ્યું કે માલિક અને મેડમ હમણાં પોલીસ સ્ટેશન ગયા છે...પણ કાલે અર્જુનની સલામત વાપસી માટે ડાકોર રથયાત્રા ના દર્શને જવાના છે... !'

અર્જુનના હૃદયમાં ફાળ પડી ગઈ...'ડાકોરમાં તો આજે.... વિસ્ફોટ....!’ એના શબ્દોને ગળામાંથી બહાર આવવાનો પણ રસ્તો નથી મળી રહ્યો...!

'હા સાહેબ..., મને આમણે તમારા અપહરણની વાત કહી તેમની જોડે શામેલ કર્યો હતો. બપોરે જ્યારે ઝેબા મેડમે કાવ્યાજી ને 'ટેરરિસ્ટ' કહી બોલાવ્યા ત્યારે મગજમાં એક ઝાટકો જ લાગ્યો હતો સમજો ! હું એક સામાન્ય ટપોરી આંતકવાદીઓ વચ્ચે ઉભો હતો એ વિચારતા જ પગ હલી ગયા હતા. પણ ત્યાં, બાપાએ પણ પોલીસનું નામ લીધું એટલે કંઈ પણ કહેવાનું માંડી વાળ્યું. અને એમ પણ બીજા દિવસે તમને છોડી મુકવાના હતા એટલે વાત ત્યાંજ પતશે એમ ધારી મેં કંઈ પણ ન કરવાનું નક્કી કર્યું. આ લોકો પણ મને ઘણી મોટી રકમ ચૂકવવાના હતા એટલે મેં આમની સાથે ગદ્દારી ન કરવાનું નક્કી કર્યું.

પણ સાંજે...!, સાંજે જ્યારે આમણે પ્લાન ની ચર્ચા કરી અને 'ડાકોર' નો ઉલ્લેખ કર્યો ત્યારે બસ પગ તળેથી જમીન જ સરકી ગઇ ! મને બાપા ના શબ્દો યાદ આવી ગયા, માલિક માટે કંઇક કરી શકે તો જરૂર કરજે ! અને મને ભાન થયું કે હું મારા માલિક સાથે ગદ્દારી કરી રહ્યો છું. જેમના પ્રતાપે મારા ઘરમાં ચૂલો સળગે છે, એવી વ્યક્તિ ની સાથે હું દગો કરી રહ્યો છું ! પણ કદાચ ત્યાં સુધી ઘણું મોડું થઈ ચૂક્યું હતું. રાત્રે મારાથી કંઈ થઈ શકે તેમ ન હતું...એટલે નક્કી કર્યું કે સવારે તમને છોડી દઈશ...પછી તમારાથી બનતા બધા પ્રયાસ તમે કરી લેજો !'

'જે થવાનું હતું એ થઈ ગયું... હવે આપણે કેમ પણ કરી એમને રોકવા પડશે...!’ કાનજીએ કહ્યું.

'આપણે' એટલે...? હું તો એક સામાન્ય ટપોરી છું...આતંકવાદીઓ સામે માથું ઊંચકાવી હિંમત તો શું કલ્પના પણ ન કરી શકું...!’ દિનુએ ઘભરાતાં કહ્યું.

'અરે કાકા... કરી દિધી ને નાની વાત...! અમે પણ સામાન્ય નાગરિક જ છીએ...વધારે કહું તો એવા બે વ્યક્તિ જેમાંનો એક ભણતરના ભાર નીચે હજી પણ દબાયેલો છે, અને એકે એન્જીનીયરીંગ અડધે થી છોડી દીધું છે !, અર્જુનને દર્શવતા એણે કહ્યું. દિનુ પણ સહેજ હસી પડ્યો.

'અરે કાનજી... આવા સમયે પણ તને મજાક મસ્તી સૂઝે છે...!?' અર્જુને ઠપકો આપતા કહ્યું.

'અરે અર્જુન મારા લાલ…! જિંદગી તમને અનેક વાર ઉપર ચઢાવશે, નીચે પાડશે, રીતસર પટકી પણ પાડશે...એવા કેટલાય રસ્તા બતાવશે જ્યાંથી આગળ ક્યાંય કશું નથી દેખાતું, કેટલીય મુશ્કેલીઓ એવી પણ આપશે જેમાં લાગશે 'બસ આ જ અંત’ પણ બૉસ એવી ચુનૌતિઓને પટકીને , મુસ્કુરાઈને જ ખરા અર્થમાં જિંદગી જીવાય !

હું તો કહું... વખત છે ને મને ક્યારેક મોત આવે અને ત્યારે હું બસ એટલું જ ઇચ્છું કે મારો જીગરજાન દોસ્ત અર્જુન મારી મોતને જોઈ હશે, અને એને કહે 'કે તારો આભાર...આ 'નંગ' માંથી મને મુક્ત કરવા...બસ એમ જ હસતા હસતા મને વિદાય આપે !’

'અને તમે દિનુકાકા..શું વાહિયાત વાત કરો છો. એ અંતકીઓ પણ માણસ જ છે ! જો એ ખોટા કામ કરવા હિંમત કરી શક્યા હોય, તો આપણે'તો તો પણ સારા કામ અર્થે હિંમત કરી રહ્યા છીએ. મરવાનું તો છે જ ને ! તો કેમ નહિ એક આખરી પ્રયત્ન કરીને મરીએ !'

અર્જુન તો એને ફાટી આંખે જોઈ જ રહ્યો છે, 'શું ખરેખર આ બધું કાનજી જ બોલી રહ્યો છે.' એવો પણ એક વિચાર એને આવી જાય છે.

બધા મુશ્કેલીનો સમનો કરવા અને મરવાની પણ તૈયારી દર્શાવી નીકળવાનું નક્કી કરે છે. અર્જુન એ બંનેને ગાડીની વાત કરે છે. દિનુ કઇંક જુગાડ કરવા કાનજી સાથે કારખાનાં બહાર હાઇવે પર પહોંચે છે.

સવારનો પહોર હોવાથી ગાડીઓ ઘણીજ ઓછી પસાર થઈ રહી છે. અને કોઈ પણ લિફ્ટ આપવા સુધ્ધાં તૈયાર નથી. દિનુ કઇંક જુગાડ લગાવી કાનજીને રોડ વચ્ચે સુઈ જવા કહે છે. થોડીવારે એક કાર આવે છે અને રસ્તા પર લાશની જેમ પડેલું શરીર જોઈ ગાડી છોડી તેની પાસે આવે છે. તકનો લાભ લઇ દિનુ એના માથા પાછળ ઘા કરી એને બેભાન કરી, રસ્તાની સાઈડમાં ખસેડે છે. અને એ બંને ગાડી લઇ કારખાને પહોંચે છે. કારખાનાંના દરવાજે અર્જુન અફઝલને અડધો પોતાના ખભા પર ઢાળી માંડ ઉભો રાખી પેલા બંનેની પાછા આવવાની રાહ જોઈ રહ્યો છે. એણે હમણાં જ ફરી એકવાર લોહીની ઉલટી કરી છે, અને લોહીથી અર્જુનની શર્ટ ભીંજવી રહ્યો છે.

'અર્જુન પ્લીઝ હવે એમ ન કહેતો કે આવી પરિસ્થિતિમાં પણ તું આ ગદ્દારની મદદ કરવા માંગે છે !’ કાનજીએ ગાડીમાંથી ઉતરી સહેજ ચિડાઈને કહ્યું. પણ પાછો ભોળો માણસ ખરો ને, આવીને સીધો અફઝલને ટેકો પણ આપવા લાગ્યો !

'કાનજી... દરેક ગુનેગારથી ક્યાંક ને ક્યાંક કોઈ ચૂક થતી હોય છે... અફઝલનું એમનું અહીં મરવા માટે મૂકી જવું એ એમની મોટી ચૂક સાબિત થાય ! આપણે આને આમ જ ન છોડી શકીએ !’ અર્જુને એને પાછળની સીટમાં ગોઠવતા કહ્યું.

અને પછી શરૂ થાય છે, લડી લેવાનું અથવા મરી લેવાની સફર !

કાનજી દ્રાઈવર સીટ પર, અર્જુન એની બાજુમાં અને દિનુ પાછળ અફઝલ સાથે ગોઠવાય છે. કાનજી જાણે પ્લેન ઉડાવતો હોય એ ગાડી ભગાવી રહ્યો છે. સાંજે ક્લોરોફોર્મ સૂંઘવ્યા બાદ બાકી નો જે પ્લાન ડિસ્કસ થયો હતો એ જાણાવા અર્જુન દિનુને કહે છે. 

દિનુ બોલવાનું ચાલુ કરે છે,

'સાહેબ એમની પાસે ડાકોરમાં ઘુસવા માટે જડબેસલાક પ્લાન તૈયાર છે. ડાકોરની નગર રચનાનો તેઓ ઘણો મોટો ફાયદો ઉઠવવાના છે. ગામ બહારથી રણછોડજી મંદિર સુધી જવા અને રથયાત્રા પથ પર ભારે સિક્યોરોટી હોવાની જ ! પણ એમણે ત્યાં પણ રેકી કરવાના હેતુથી કેટલાક માણસો રોકી રાખ્યા હતા. ગામના એક છેડાથી ઘર અને દુકાનોની એક સળંગ લાઇન રથયાત્રા પથને પણ આવરે છે. અને ત્યાં એ બધા ઘરોના ધાબા પરથી તેઓ એક બંધ ઘરમાં ઘૂસશે ! બહાર રેકી માટે રોકેલ એક લોકલ માણસ હશે. જે, યાત્રા શરૂ થતાં, મકાન બહારથી ખોલશે અને ફારૂક અને કાવ્યા ભીડનો લાભ લઇ એમાં ભરાઇ જશે. અને પછી યોગ્ય તકનો લાભ લઇ એ બૉમ્બ વાળો થેલો એક ખૂણામાં મૂકી ફારૂક નીકળી જશે. અને થોળીવારે કાવ્યાજી પણ સ્થળ છોડી દેશે અને બંને ઝેબા બેગમ સાથે થઈ નીકળશે ! હમણાં સુધી તો બૉમ્બ પ્લાન્ટ થઈ પણ ચૂક્યો હશે !'

'પણ ફારૂક કાવ્યાને જોડે લઈને કેમ નહિ નીકળે?’અર્જુન પ્રશ્ન કરે છે. પણ દિનુ પાસે એનો કોઈ જવાબ નથી.

બીજી તરફ કાવ્યા અને ફારૂક તેમના પ્લાન મુજબ ડાકોરમાં સફળ રીતે પ્રવેશી ચુક્યા છે. રણછોડરાયના જયજયકારા સાથે કાફલો આગળ વધી રહ્યો છે. નાના બાળકોથી માંડી વૃદ્ધ એમ હોંશેહોંશે ભાગ લઈ રહ્યા છે. નવજુવાનો રથને ખેંચીને આગળ વધી રહ્યા છે. આજુબાજુ થોડા સૈનિકો પણ દેખાઈ રહ્યા છે. બધામાં એક અલગ જ પ્રકારનો ઉત્સાહ દેખાઈ રહ્યો છે. રથની આજુબાજુના લોકો મગ જાંબુના પ્રસાદીનો લાભ લઇ રહ્યા છે, તો કેટલાક આકાશમાં ઘેરાયેલા વાદળો પરથી વરસાદ પડશે કે નહીં એની આગાહી કરી રહ્યા છે.

તેમણે થોડા જ સમય પહેલા યોગ્ય જગ્યા જોઈ બૉમ્બ પ્લાન્ટ કરી દીધો છે ! થોડા સમયમાં બહાર આવી મળવાનું કહી, ફારૂક નીકળી ચુક્યો છે !

યાત્રામાં ચાલતા ચાલતા સિયાની નજર એક સૈનિક પર પડે છે. જે 5 વર્ષ જેટલી નાની છોકરીને ખભે બેસાડી, પૂછી રહ્યો છે,'દીકરા મમ્મી દેખાઈ કે નહિ ?' અને જવાબમાં છોકરી એ સવારીનો આનંદ લેતી ખડખડાટ હસી રહી છે ! થોડીવારે એની મા ત્યાં આવી પહોંચે છે અને દીકરીને તેડી લઇ સૈનિકને કહે છે,

'ખૂબ ખૂબ આભાર ભાઈ... દીકરી જરા ભીડમાં છૂટી પડી ગઈ હતી. જીવ અધ્ધર થઈ ગયો હતો, પણ દૂરથી તમારા ખભે બેઠી જોઈ એટલે જીવમાં જીવ આવ્યો કે, દીકરી સલામત હાથોમાં જ છે, એવા હાથોમાં જે જીવ દઈને પણ દેશના નાગરિકોનું રક્ષણ કરે છે ! અને આ ભીડની વિરુદ્ધ ચાલી આવવામાં થોડું મોડું થયું !, કહી ફરી એક વખત સૈનિકનો આભાર માની એ ભીડમાં ચાલવા લાગી. કાવ્યા એની પાછળ થઈ જોડે જોડે ચાલવા લાગી.

'તમારી દીકરી છે....? બહુ ક્યૂટ છે હો !’ એણે વાત કરવાનો પ્રયાસ કર્યો.

'જી હા મારી દીકરી છે!'

'તમને વાંધો ન હોય તો એક વાત પૂછું....મેં ત્યાં તમારી વાતો સાંભળી હતી...શું તમને એવો ડર ન લાગ્યો કે એ સૈનિક તમારી દીકરીને ઇજા પહોંચાડશે....?’ એણે હિંમત કરી પૂછી જ લીધું.

'અરે હોતું હોય કંઈ ! દેશના દરેક સૈનિક માટે દેશના બાળકની થી માંડી વૃદ્ધ સુધીના બધા એમના પોતાના સંતાન જ સમજો ! અને એક સૈનિક જ છે કે જે એક નિર્દોષને ને બચાવવા પોતે દસ વાર પણ શહીદ થવા તૈયાર છે. અને એવું હોય તો પૂછોને મારી દીકરીને જ !' પણ સિયા કઇંક પૂછે એ પહેલાં એ છોકરીએ કાલીઘેલી ભાષામાં બોલવાનું ચાલુ કર્યું....

'દીદી...દીદી....મામાએ મને ખભા પર બેસાડી આટલે સુધી ઉપર કરી લીધી.’ કહી એણે એની માના માથાથી ઉપર હાથ કર્યો...' અને મને ચોકલેટ પણ અપાવી અને એમ પણ કીધું કે, 'હું છું ને... બિલકુલ નહિ ડરવાનું...’ પણ મને તો થોડો પણ ડર ના લાગ્યો બોલો.... મમ્મીએ કીધું જ હતું કે ખોવાઈ જાઉં એટલે ખાખી કપડામાં મોટી બન્દુક લઈને ઉભા હોય એમની જોડે જતું રહેવાનું.... એ બધા તારા 'મામા' છે !

'દીદી તમારે કેટલા મામા છે !'

એ પ્રશ્ન મૂકી એ છોકરી અને એની મા ભીડમાં ખોવાઈ ગયા. એ પ્રશ્ન એના કાનમાં ગુંજતો રહ્યો, એને યાદ આવ્યું કે નાનપણમાં એ પણ દરેક સૈનિકને 'મામા' કે 'કાકા' કહી એમના ખોળામાં રમતી હતી... ! અને આજે એ બદલાની પટ્ટી બાંધી અનેક નિર્દોષોની હત્યા કરવાનો હેતુ લઈને આવી હતી.

ગામના થોડાક આગેવાનોએ એને સમજાવ્યું પણ હતું કે 'એની માનું મૃત્યુ અંધારામાં ગોળીબાર થવાને કારણે થયું હતું... જો સૈનિકોને ખબર હોત કે ખેતરમાં કોઈ નિર્દોષ પણ હાજર છે... તો એવું કઇંક થાત જ નહીં.' પણ કાવ્યાએ ગુસ્સામાં કોઈની ન સાંભળી ! અને એમાં ઝેબાની ટ્રેઇનિંગએ આગમાં ઘીનું કામ કર્યું.

ક્યારેક મોટી વાતો અને સમજણ પણ કામ નથી લાગતી ત્યારે કોઈ નાની એવી ઘટના જડમૂળમાંથી હચમચાવી મૂકે છે !

બસ એવો જ કઇંક આઘાત સિયા અનુભવી રહી હતી ! એનું અંતરમન એને કોરી ખાય રહ્યું હતું. સ્થળ પરની દરેક ચીજ, વ્યક્તિ, પરિસ્થિતિ એને એક જ વાત કહી રહ્યું હતું કે 'કાવ્યા હજી પણ મોડું નથી થયું તારે તારી ભૂલ સુધારવાનો એક પ્રયાસ કરવો જ જોઈએ !'

કાવ્યા તરત જ દિનુને ફોન જોડે છે અને અર્જુન સાથે વાત કરાવવા કહે છે...

'હજી શું વાત કરવી છે તારે ગદ્દાર !’ સ્પીકર પર મુકેલા ફોનમાં કાનજી ગુસ્સામાં કહે છે.

'અર્જુન... મને બચાવી લે પ્લીઝ... ગમે તેમ કરી આ વિસ્ફોટ રોકી લે...! બદલામાં હું બાકીના બીજા ૬ વિસ્ફોટની માહિતી આપવા તૈયાર છું !'  

સામે છેડે બધાને એક ઝટકો લાગે છે, 'બીજા ૬ વિસ્ફોટ !?'

સિયા આગળ ચાલુ જ રાખે છે, 'મને મારી ભૂલ સમજાઈ ગઈ છે... ! અને આટલા બધા નિર્દોષોના જીવનો ભોગ હું નહિ લઇ શકું ! કાયદો મને જે સજા આપશે એ મને મંજુર રહેશે... પણ બાકીનું જીવન હું તારી સાથે વિતાવવા માંગુ છું...! મારે જીવવું છે અર્જુન...!'

'સિયા શાંત થા પહેલા તો...હું આવું જ છું ત્યાં ! ત્યાં સુધી તું ભીડમાં રહેજે... હમણાં પકડાઈ જઈશ તો વધુ અગવડ પડશે ! અને બાકીના 6 વિસ્ફોટથી શું મતલબ....?’ પણ અર્જુન વાત પુરી કરે એ પહેલાં જ ફોન કટ થઈ જાય છે. અને વારંવાર ફરી પ્રયાસો કરતા ફોન બંધ માલુમ પડે છે !

પાછળ પડેલ અફઝલને ફરી એક વખત લોહીની ઉલટી થાય છે. અને એ હાંફતા હાંફતા બોલવાનું બોલવાનું ચાલુ કરે છે.

'ઝેબા તો મને છોડીને જતી રહી... પણ હું એની માટે ખુશ છું ! એનું સપનું પૂરું થતા હવે કોઈ નહિ રોકી શકો…! પ્લાન એ સ્ટેજ પર છે જ્યાંથી હવે વિસ્ફોટ ટાળવો અશક્ય છે !

અસલમાં બૉમ્બ એ ઢોલમાં છે જ નહીં... એ એક રમકડું જ સમજો ! બૉમ્બ સિયા ખુદ છે... એના જેકેટમાં વિસ્ફોટક પદાર્થ સાથેનું વાયરિંગ કરેલું છે... અને એ ટાઇમબોમ્બ છે ! જે એનો સમય થતાં ફાટશે અને તબાહી મચાવશે !

અને બેકઅપ પ્લાન તરીકે એનું રિમોટ પણ બનાવ્યું છે. જેની ડિસ્પ્લે થકી બ્લાસ્ટનો સમય જાણી શકાય છે. અને એ રિમોટ ફારૂક પાસે છે, અને ૨કી.મી.ની રેન્જ સુધી કામ કરી શકે છે. વખત છે ને સિયા કઇંક હોંશિયારી કરેને સિધુ બ્લાસ્ટ !

અને સિયાનું ત્યાંથી ભાગવું પણ શક્ય નથી. બહાર નીકળવાના દરેક રસ્તે અમારો એક માણસ હાજર છે ! પણ હવે જોકે ફારૂક ત્યાંથી ભાગી નીકળ્યો છે, એટલે રિમોટથી બ્લાસ્ટ કરવાનો કોઈ પ્રશ્ન નથી રહેતો...! બિચારી કાવ્યા...એને તો એમ હતું કે, એ ફારૂકને મળીને આગળના બીજા વિસ્ફોટોમાં પણ સક્રિય ભાગ ભજવશે ! પણ અમે ત્રણ અંદરખાતે આવો કોઈ પ્લાન ઘડી એની જ આહુતિ એવી કોઈ કલ્પના પણ એણે નહિ કરી હોય ! એ બાકીના 6 વિસ્ફોટોમાં જેમ પ્યાદા છે એમ એક સામાન્ય પ્યાદું માત્ર છે ! કાવ્યા ખતમ સાથે બધા વિસ્ફોટોની માહિતી પણ ખતમ !’ કહી એણે કપડામાં છુપાવેલ કટાર કાઢી પોતાને છાતીમાં ખોંપી નાંખી !

ઘડીયાળ જોતા છેલ્લે બોલ્યો,

'અડધો કલાક જ બાકી છે...બચાવી શકો તો બચાવી લો... !’ અને એણે અંતિમ શ્વાસ ભર્યા.

'મારે જીવવું છે!’

'બીજા ૬ વિસ્ફોટ'

'જેકેટમાં બૉમ્બ' જેવા શબ્દો અર્જુનના કાનને ચીરવા લાગ્યા.... !'

હજી બીજા ૬ વિસ્ફોટોના ઝાટકાથી બહાર આવ્યા નહોતા અને ત્યાં બીજો ઝાટકો લાગયો કે, ભીડ વચ્ચે ફરી રહી સિયા પોતે લાઈવ બૉમ્બ છે અને ખુદ પોતે પણ એ વાત થી અજાણ છે ! 

'કાનજી બધું ખતમ થઈ ગયું કાનજી.... બધું જ ખતમ થઈ ગયું....!’ કઇંક ગુમાવી બેઠો હોય એમ નિસાસો નાખતા અર્જુને કહ્યું....!


Rate this content
Log in

Similar gujarati story from Inspirational