દોઢ પાશેર
દોઢ પાશેર
જર્મનીમાં થઈ ગયેલા એક રાજાનો કિસ્સો છે. એક દિવસ તે પોતાના આંઠ પ્રદાહનો સાથે બેઠો હતો. તેણે પ્રધાનને સવાલ પૂછ્યો, ‘આપણા રાજ્યની આટલી બધી આવક છે, તેમ છતાં તિજોરીમાં પૈસા કેમ આવતા નથી?
ત્યારે એક પ્રધાને કહ્યું, ‘મહારાજ ખોટું ના લાગે તો કહું'
રાજાએ કહ્યું, ‘ખોટું નહિ લાગે. જે કહેવું હોય સંકોચ વિના કહો.'
પછી પ્રધાને બજારમાંથી એક શેર બરફ મંગાવ્યો. અને તે છેલ્લે બેઠેલા પ્રધાનના હાથમાં આપ્યો. છેલ્લા વાળા પ્રધાને તે બરફ પોતાની આગળવાળા પ્રધાનને આપ્યો. એમ બરફ એક પ્રધાનના હાથમાંથી બીજાના હાથમાં એમ ફરતો ફરતો છેલ્લે રાજાજીના હાથમાં આવ્યો. ત્યારે તે માંડ દોઢ પાશેર જેટલો જ વધ્યો હતો. આ દાખલા પરથી રાજાજીને પોતાની તિજોરીમાં પૈસા કેમ નથી આવતા તે વાતનો મર્મ સમજાઈ ગયો.
આજે આપણે પણ આજ સ્થિતિમાં છીએ. આપણે પરાધીન થઈ ગયા છીએ. આપણાં હિતના કામો આપણે ન કરી શકીએ, એતો સરકાર જ કરશે એવી મનોવૃત્તિ દ્રઢ થઈ ગઈ છે. અને સરકાર મારફત બધા કામ કરાવવા જતાં ઉપરના કિસ્સામાં થયું એવું જ થાય છે. પ્રજાના લાભ માટે જે શેર બરફ આપવામાં આવ્યો હોય તે સરકારી તંત્રમાંથી પસાર થઈને પ્રજાના હાથમાં આવે ત્યાં સુધી માંડ દોઢ પાશેર થઈ જાય છે.
